ભાગ · અધ્યાય ૩૦૩

પુરુષોત્તમ માસની સુદ એકાદશીની તિથીની પૂજનવિધિ - મૂર્તિદેવીએ પુરુષોત્તમ નારાયણને પુત્રરૂપે પ્રાપ્ત કર્યા

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, પૂર્વે બ્રહ્માના હૃદયમાંથી ધર્મદેવ અને મૂર્તિ પ્રગટ થયા પછીથી દક્ષ પ્રજા-પતિને ત્યાં મૂર્તિદેવી પ્રગટ થયા. તે મૂર્તિદેવી ધર્મનું પાલન કરી અનાદિશ્રીકૃષ્ણનારાયણનું પૂજન કરી માતા-પિતાની સેવા કરતા. કુમારી હોવા છતાં ધર્મદેવને પતિભાવે સેવા કરવાથી ધર્મદેવે પ્રસન્ન થઇને આશિર્વાદ આપ્યા. તારા સૌભાગ્યના ફળરૂપે હરિકૃષ્ણ પુરુષોત્તમ તારા પુત્ર થશે. તે મૂર્તિદેવીએ નગારું બોલતું સાંભળ્યું. આજે પુરુષોત્તમ માસની એકાદશી છે. જે વ્રત કરશે તેને પુરુષોત્તમ નારાયણ ઈચ્છિત ફળ આપશે. બીજી સર્વે એકાદશીથી પુરુષોત્તમ માસની એકાદશીથી અબજોગણું ફળ થાય છે. પુરુષોત્તમ માસ પવિત્ર. તેમાં એકાદશી પવિત્ર, તેમાં તેનો દેવ હું પુરુષોત્તમ નારાયણ તે પણ પવિત્ર. મારી આજ્ઞાથી આ પુરુષોત્તમ માસ કમલાની એકાદશીનું જે વ્રત કરશે તેને પરાર્ધ તુલ્ય ફળ થશે. સંપત્તિ અને મારું ધામ બંને પ્રાપ્ત કરશે. માટે નરનારીઓ વૃદ્ધો બાળકોએ મને પ્રસન્ન કરવા પુરુષોત્તમ માસની એકાદશીનું વ્રત કરવું. તો હું શાશ્વત પદ પરમધામ આપીશ તથા ગોલોક વૈકુંઠ શ્વેતદ્વિપ સ્વર્ગ વગેરે જે ઈચ્છશે તે આપીશ.

આ એકાદશીનું વ્રત જે કરશે, તેને તપ યજ્ઞ તીર્થ કાંઇ કરવાનું બાકી નહીં રહે. આખું જીવન એકટાણું, ફલાહાર કરે. એક વર્ષ સુધી ટાઢ-તડકો અને વરસાદમાં તપ કરે, તેટલું ફળ આ એકાદશીથી થાય છે. એક હજાર કન્યાદાન, અશ્વદાન, હાથીદાન, ગૌદાન, સુવર્ણદાન કરે તો પણ આ એકાદશી તુલ્ય ફળ થતું નથી. પુરુષોત્તમ માસની કમલા એકાદશીનું વ્રત જે કરશે તેને અનાદી શ્રીકૃષ્ણનારાયણ પુરુષોત્તમ નારાયણ એવો હું જે માગશે તે આપીશ. આવો લાભ ફરી નહીં મળે. આવું નગારાનું વાક્ય સાંભળીને મૂર્તિદેવીએ એકાદશીનો વ્રત, વિધિ, નગારાને પૂછ્યો. નગારાએ વ્રતનો વિધિ કહ્યો. મૂર્તિદેવીએ એકાદશીએ, બ્રાહ્મ મુહૂર્તમાં જાગી. પુરુષોત્તમ નારાયણનું ધ્યાન કરી, સ્નાન કરી, લક્ષ્મીનારાયણની મૂર્તિ પંચ પાત્રમાં મૂકી, પંચામૃતથી અભિષેક કરીને, વસ્ત્ર-અલંકારો ધારણ કરાવી ષોડ્શોપચારથી પૂજન કરીને નૈવેદ્ય, લાડુ, દૂધપાક, પુરી, દાળ-ભાત, શાક, અથાણા, પાપડ, ભજીયા, ચટણીથી ભોજન કરાવી, મુખવાસ આપી, આરતી પ્રદક્ષિણા સ્તુતિ કરી. એ રીતે દિવસમાં સવાર-બપોર, સાંજ, ત્રણ વાર મહાપૂજન કર્યું. રાત્રિએ ગીત વાજિંત્ર સાથે નૃત્ય કર્યું.

એ રીતે મૂર્તિદેવીએ એકસો આઠ વસ્તુથી પુરુષોત્તમ નારાયણ લક્ષ્મીનારાયણનું પૂજન કર્યું. બારસને દિવસે સતિ-સાધ્વી, સાધુ, બ્રાહ્મણોને ભોજન કરાવી દાન આપ્યા. ત્યાં પુરુષોત્તમ નારાયણે પ્રત્યક્ષ દર્શન આપી કહ્યું. માતા શું ઈચ્છા છે ? મૂર્તિદેવી કહે : ધર્મદેવે આશિર્વાદ આપી કહ્યું છે. હરિકૃષ્ણ પુરુષોત્તમ તમારા પુત્ર થશે, તો તમે પુત્ર રૂપે મને પ્રાપ્ત થાવ. પુરુષોત્તમ નારાયણ કહે : તથાસ્તુ. હે માતા, તમે અત્યારે દક્ષ પ્રજાપતિને ત્યાં જન્મ ધારણ કરી ધર્મદેવને પતિભાવે પામશો. તેથી તમારે ત્યાં હું ચાર સ્વરૂપે પ્રગટ થઇશ. નર, નારાયણ, હરિ, કૃષ્ણ અને ભવિષ્યમાં પણ તમારા થકી ધર્મ ભક્તિથી જનોના કલ્યાણને માટે અવતાર ધારણ કરીશ. એમ કહી પુરુષોત્તમ નારાયણ અદૃશ્ય થયા. એ રીતે મૂર્તિ- દેવીએ પુરુષોત્તમ માસની કમલા એકાદશીનું વ્રત કરી લક્ષ્મીનારાયણનું પૂજન કરી પુરુષોત્તમ નારાયણને પ્રસન્ન કરી પુરુષોત્તમ નારાયણને પુત્રો રૂપે પ્રાપ્ત કર્યાં. તેથી પુરુષોત્તમ માસની આ એકાદશીનું જે વ્રત કરશે, નિર્જળા અથવા નિરાહાર અથવા દૂધ, ફરાળ કરીને મને પ્રસન્ન કરશે તેના ઘરમાં હું સદા નિવાસ કરી સુખ, શાંતિ, અને સમૃદ્ધિ સર્વે આપી અંતે મારા પરમધામમાં લઇ જઇશ. આ અધ્યાયની જે કથા વાંચશે સાંભળશે તે પણ મોક્ષ ભાગી થશે.