ભાગ · અધ્યાય ૩૪૯

મથુરાના વિશ્રામઘાટના સ્નાનના પુણ્યથી રાક્ષસની મુક્તિ - યમુનાના જળથી ભૂત-પ્રેતોની મુક્તિ

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, ઉજ્જૈનનો વિપ્ર નાસ્તિક ધર્મકર્મથી રહિત હતો, નિંદક અને ચોર હતો. એકવાર ચોરી કરી ભાગવા ગયો ત્યાં કુવામાં પડીને મરણ પામ્યો. રાક્ષસ થઇ વૃક્ષમાં વાસ કરતો, પશુ-પક્ષીનું લોહી પીતો. ત્યાંથી સંઘ નીકળ્યો. ત્યાં નિવાસ કર્યો. તેમાં એક વિપ્ર કૂવા પાસે વૃક્ષ નીચે સુતો. ત્યાં રાક્ષસ આવ્યો અને કહે : તારે દ્રવ્ય જોતું હોય તો આપું પણ મને માણસ ખાવા દે. બ્રાહ્મણ કહે : હું કૃતઘ્ની ન થાઉં. દુષ્ટ રાક્ષસ સાથે મારે મૈત્રી કરવામાં શું લાભ ? તું રાક્ષસ કેમ થયો ? રાક્ષસ કહે, હું બ્રાહ્મણ હોવા છતાં અનાચારવાળો ષટકર્મથી રહિત, તેથી હું રાક્ષસ યોનિને પામ્યો. બ્રાહ્મણ કહે : મે ઘણા તિર્થો કર્યા છે, તે તિર્થોના ફળ તને આપું જેથી તારો ઉદ્ધાર થાય. રાક્ષસ કહે, તીર્થફળ આપવું હોય તો મથુરાના વિશ્રામઘાટનું આપ તો મારી મુક્તિ થાય.

બ્રાહ્મણ કહે, તને વિશ્રામઘાટ તીર્થનું જ્ઞાન કેમ થયું ? રાક્ષસ કહે : પૂર્વે ઉજ્જૈનમાં વિષ્ણુ મંદિરમાં લક્ષ્મીનારાયણ સંહિતાની કથા વિપ્ર વાંચતો. તેમાં આ વિશ્રામ તીર્થનો મહિમા સાંભળ્યો. વાસુદેવ પરમબ્રહ્મ કૃષ્ણનારાયણ ત્યાં વિશ્રામ કરે છે, ત્યાં સ્નાન કરવા માત્રથી કરોડો યુગ સુધી, સ્વર્ગમાં વાસ કરી પરમપદને પામે છે. તેથી હે બ્રાહ્મણ ત્યાં એક જ વાર ન્હાવાનું પુણ્ય મને આપ જેથી મારી મુક્તિ થાય. સાંભળીને બ્રાહ્મણ પાણી લઇને સંકલ્પ કર્યો અને વિશ્રામઘાટમાં એકવાર સ્નાન કરવાનું પુણ્ય આપ્યું, તરત રાક્ષસ શુદ્ધ થઇ દિવ્ય શરીર ધારણ કરી, સ્વર્ગમાં ગયો. બ્રાહ્મણ સંઘ સાથે દેશમાં ગયો તથા શંકર તપ કરીને કૃષ્ણ પાસે વરદાન મેળવીને મથુરા નગરીનું રક્ષણ કરવા ક્ષેત્રપાલ સ્વરૂપે રહ્યા તથા સૌરાષ્ટ્રના રૈવતાચળના વાસી નારાયણના અંશ પત્નીવ્રત દ્વિજ કુટુંબ સાથે યમુનાની યાત્રાએ મથુરા આવ્યા. વિશ્રામઘાટમાં નાહીને મથુરાની ગોવર્ધનની, વૃંદાવન, તુલસીવન, વગેરેની પ્રદક્ષિણા કરીને અનેક બ્રાહ્મણોને ભોજન કરાવી દક્ષિણા આપી દેશમાં આવતા હતા. ત્યાં મરૂદેશમાં વનમાં ખીજડામાં ડાકિની, સાકીનીનો એક્સોનો સંઘ નાચતા જોયો. કાળા વસ્ત્ર વિનાના વિકરાણ એવા તે ખાય જાવ, મારી નાખો, એમ રાડો પાડતા હતા.

પત્નીવ્રત દ્વિજે ચક્રવાળા અનાદિશ્રીકૃષ્ણનારાયણનું સ્મરણ કર્યું. તરત પ્રભુએ આવી ચક્ર મૂક્યું. સર્વે બળવા લાગી અને કહે : હે બ્રાહ્મણ અમારું રક્ષણ કરો. અમે મરુરાજાની પત્નીઓ છીએ. માંસ, મદીરા ખાવા-પીવાથી, પાપ કરવાથી, રાજા મહામારીના રોગમાં મરણ પામ્યો. બીજા રાજાએ રાજ્ય લઇ લીધું. ભૂકંપ થયો. અમે તેમાં મરીને ભૂતયોનિને પામ્યા છીએ. હે દેવ બ્રાહ્મણ હવે તીર્થનું જળ છાંટીને અમારો મોક્ષ કરો. સાંભળીને નારાયણના અંશ તે પત્નીવ્રત દ્વિજે યમુનાનું પાણી તેની પર છાંટી ભૂત યોનિથી મુક્તિ અપાવી. તે સર્વે ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કરીને શ્રીકૃષ્ણ સાથે ગોલોકમાં ગયા. પત્નીવ્રત દ્વિજ રૈવતાચળ આવ્યા. આ અધ્યાયની જે કથા કહેશે, સાંભળશે તે પણ તીર્થના ફળરૂપે, સ્વરૂપે, સ્વર્ગ અને ગોલોક પ્રાપ્ત કરશે.