ભાગ · અધ્યાય ૩૦૦

પુરુષોત્તમ માસની સુદ આઠમની તિથીની પૂજનવિધિ - પૂજાની સામગ્રીઓ ઝાલર, ટોકરી આદિકની ઉત્પત્તિ

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, પૂર્વે બ્રહ્મા તપથી કલેશ પામ્યા. ત્યારે લલાટમાંથી તામસી સૃષ્ટિ થઇ. રુદ્રને કહ્યું, આનો સંહાર કરો. રુદ્રે સંહાર કર્યો. પછી બ્રહ્માને થયું સંતાન વિના સુનું લાગે છે. પુત્ર વિનાનું સ્વર્ગ જેવું ઘર નરક જેવું લાગે છે. પુત્ર વિના જમવાનું પણ સૂકું લાગે છે. બ્રહ્માએ ઈન્દ્રિયોનો સંયમ કર્યો. ત્યાં ત્રણ માનસ પુત્રો ઉત્પન્ન થયા તે નગારું, ટોકરો અને શંખ. પછી ત્રણ માનસ પુત્રીઓ ઉત્પન્ન થઇ તે ટોકરી, આરતી, અને ઝાલર. પછી ત્રણ થયા. તે કાંસા, પંચપાત્ર, અને ધૂપીયું. ત્રણ પુત્રો - ત્રણ પુત્રીઓ - ત્રણ નપુંષકો. તે બ્રહ્માના માનસસંકલ્પથી થયા. જેવો સંકલ્પ, જેવા ભાગ્ય, તે પ્રમાણે સંતાન થાય છે. તેથી બ્રહ્મા પ્રસન્ન થયા. તે સર્વે સવાર-સાંજ ભગવાનની ભક્તિ, વાજિંત્રો વગાડી પ્રભુ પાસે નૃત્ય કરી, પ્રભુને પ્રસન્ન કરતા હતા. ત્યાં અધિક માસમાં પુરુષોત્તમ નારાયણનું નગારું ચૌદ લોકમાં ફરતું ઘોષણા કરતું સાંભળાયું. સર્વે જડ, ચેતન, સ્થાવર, જંગમ, નર-નારી સર્વે સાંભળો. હું પુરુષોત્તમ માસની જાહેરાત કરું છું. મન, વચન, કર્મથી આજે આઠમનું વ્રત કરી, મૌન ધારણ કરી, પુરુષોત્તમની પૂજા કરી, એકટાણું કરી, વ્રત કરવું તથા સવારમાં સ્નાન કરી. પુરુષોત્તમ શ્રીકૃષ્ણનારાયણને પંચામૃતથી સ્નાન કરાવી, વસ્ત્ર, આભૂષણો ધારણ કરાવી, ષોડ્શોપચારથી પૂજન કરી, નૈવેદ્ય કરી, મુખવાસ અર્પણ કરી, ધૂપ-દીપ આરતી કરીને, સ્તુતિ, પ્રાર્થના કરવી. હે પુરુષોત્તમ, આજે આઠમનું મારું વ્રત પૂર્ણ કરજો. આવું પુરુષોત્તમ નારાયણનું નગારું સાંભળીને બ્રહ્માના માનસપુત્રોએ નગારાને પૂછ્યું, તું કોણ છો ? ક્યાં વાસ કરે છે ? શું કામ કરે છે ? તારો પ્રભુ કોણ છે ?

મહાનગારું કહે : હું વૈકુંઠમાં વાસ કરું છું, મારા સ્વામિ શ્રીકૃષ્ણનારાયણ પુરુષોત્તમ છે. તેની આજ્ઞાથી બ્રહ્માંડમાં ફરી પુરુષોત્તમ માસમાં વ્રત-નિયમ, ભક્તિ કરાવું છું. બ્રહ્માના માનસપુત્રોએ પૂછ્યું, તે પ્રભુના વૈકુંઠ ધામ કેમ પ્રાપ્ત થાય ? પુરુષોત્તમ નારાયણના પાર્ષદ નગારાએ કહ્યું, આ અધિક માસમાં વ્રત, તપ, શ્રીહરિનું ત્રણ વાર, બે વાર અથવા એકવાર પૂજન કરવાથી તથા શ્રીહરિની નવધા ભક્તિ કરવાથી વૈકુંઠ, ગોલોક, બ્રહ્મધામની પ્રાપ્તિ થાય છે. બ્રહ્માના પુત્રોએ પૂછ્યું, વૈકુંઠથી ગોલોકધામ પર છે અને ગોલોકથી પર બ્રહ્મધામ છે. તેના સ્વામિને અમે પામીએ કે નહીં ? વૈકુંઠ પાર્ષદ કહે : જો લક્ષ્મીનારાયણ ભગવાનના દર્શન કરવા હોય તો વૈકુંઠમાં જવું. રાધા કૃષ્ણના દર્શન કરવા હોય તો ગોલોકમાં જવું અને જો પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અનાદિશ્રીકૃષ્ણનારાયણના દર્શન કરવા હોય તો બ્રહ્મધામમાં જવું પડે. તેનાથી પરકોઇ નથી. તે અનાદિશ્રીકૃષ્ણનારાયણની આજ્ઞાથી હું બ્રહ્માંડમાં ફરી પુરુષોત્તમ માસના વ્રતની જાહેરાત કરું છું.

વૈકુંઠથી કરોડો ગણું સુખ ગોલોકમાં છે. ગોલોકથી કરોડો ગણું સુખ અક્ષરધામમાં છે. તે અક્ષરધામના સુખ પાસે બ્રહ્મા, વિષ્ણુ, મહેશના સુખ નરક જેવા છે. આવું વચન સાંભળીને બ્રહ્માના પુત્રોએ પુરુષોત્તમ માસનું આઠમનું વ્રત કરી પુરુષોત્તમનું પૂજન કરી દિવ્ય દર્શન પામ્યા. પુરુષોત્તમ પાસે વરદાન માગ્યું, હે પુરુષોત્તમ અમે તમારી સેવા વિના બીજું કાંઇ માગતા નથી. તેથી જ્યાં તમારા મંદિર હોય ત્યાં અમે સર્વે સાથે રહીને તમારી દાસભાવે સેવા કરીએ. પુરુષોત્તમ નારાયણ પ્રસન્ન થઇને તે સર્વેને દાસભક્તિ આપી. એ રીતે પુરુષોત્તમ માસનું આઠમનું વ્રત કરી આરતી, ટોકરી, ઝાલર, નગારું, ટોકરો, શંખ, કાંસા, પંચપાત્ર, ધુપીયું તે મુક્ત સ્થિતિને પામી જ્યાં સુધી પૃથ્વી રહેશે ત્યાં સુધી પ્રભુની દાસભક્તિ કરશે. પછી બ્રહ્માએ પોતાના પુત્રો ભગવાનના ભક્તો થયા જાણીને આનંદ થયો અને બીજા માનસપુત્રો સનકાદિક વગેરે પ્રગટ કર્યાં. મંદિરમાં પ્રભુની સેવામાં રહેલા અચેતન જેવા દેખાતા તત્ત્વોની કોઇ નિંદા કરશે, કોઇ ભાંગશે, કોઇ વિરોધ કરશે, તે યમદૂતના દંડને પાત્ર થશે.