ભાગ · અધ્યાય ૫૦૮

દૈત્યોનું બળ ઓછું કરવા બ્રહ્મા દ્વારા યજ્ઞ

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, એકવાર નારદ સત્યલોકમાં જઇ પિતામહ બ્રહ્માને પગે લાગી કહે અત્યારે પૃથ્વી પર દૈત્યનું બળ વધી જવાથી દેવો મનુષ્યો ભક્તો પીડા પામે છે. તો યજ્ઞ કરો તો દૈત્યનું બળ ઓછુ થાય. એટલે બ્રહ્માએ સર્વે દેવોને ઋષિઓને યજ્ઞની તૈયારી કરવાનું કહ્યું. હાટકેશ્વર ક્ષેત્રમાં યજ્ઞ શરૂ થયો. બ્રહ્માએ નારદને કહ્યું, સાવિત્રીને જલદી બોલાવો. નારદ કહે, વસ્ત્ર અલંકારો ધારણ કરી માથું ઓળાવી આવે છે. બીજીવાર બ્રહ્માએ ઇન્દ્રને કહ્યું, તું જલ્દી સાવિત્રીને લઇ આવ. ઇન્દ્ર ગયો ત્યાં હજી સાવિત્રી તૈયાર થયા ન હતા એટલે ઇન્દ્ર ગોપકન્યા આયરને લઇ ગાયના મુખમાં પ્રવેશ કરાવી મુત્રાશયથી કાઢી પવિત્ર કરી સ્નાન કરાવી વસ્ત્રો અલંકારો પહેરાવી બ્રહ્માની પાસે બેસાડી દીધી. ત્યાં કોઇક વિપ્રે વિરોધ કર્યો. આ ગોવાળની કન્યા શુદ્રીને યજ્ઞમાં ક્યાં બેસાડવી ? ત્યાં શ્રીહરિ પ્રગટ થઇ કહે, તે શુદ્રી નથી બ્રાહ્મણી છે.

પૂર્વે પુરૂષોત્તમ નારાયણે પોતાની મૂર્તિમાંથી પ્રગટ કરી ગોલોકમાં રાખી અને કહ્યું કે, બ્રહ્મા જ્યારે પૃથ્વીમાં યજ્ઞ કરે ત્યારે તું પૃથ્વીમાં જન્મ ધારણ કરજે તેથી તેના માતા-પિતા બ્રાહ્મણ છે. પત્નીવ્રત અને પતિવ્રતા છે અને મારા અંશરૂપે છે એમ શ્રીહરિએ કહ્યું, ત્યાં કન્યાના માતા-પિતા ગોભિલ, ગોભિલા આવ્યા અને બ્રહ્માને પગે લાગી પૂજા કરી, સ્તુતિ કરી પછી યજ્ઞમાં શંકર ભિક્ષુક વેશે ખપ્પર હાથમાં લઇ ભીક્ષા માંગવા આવ્યા. વિપ્રો કહે, આ ખપ્પર અશુદ્ધ છે. આને યજ્ઞની બહાર કાઢો એમ કહી શંકરનું અપમાન કર્યું. ત્યાં યજ્ઞમાં એક-બે-પાંચ સો-બસો હજાર લાખો ખપ્પર દેખાયા આશ્ચર્ય થયું. બ્રહ્મા શંકરનું વૃતાંત જાણી સર્વે બ્રાહ્મણોને કહ્યું, હવે આજથી યજ્ઞમાં ભોજન વિના યજ્ઞ પૂર્ણાહુતિ નહીં કહેવાય.