જાલંધર સાથે યુદ્ધમાં દેવોનો પરાજય
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, એક વખત જાલંધર ગુરુપૂર્ણિમાએ શુક્રાચાર્યની પૂજા કરવા ગયો. ત્યાં સર્વે દૈત્યો ગુરુપૂજન કરી બેઠા. ત્યારે જાલંધરે માથા વિનાના રાહુને જોઇને શુક્રાચાર્યને પૂછ્યું, આનું માથું કેમ નથી. શુક્રાચાર્ય કહે : પૂર્વે દુર્વાસાના શાપથી સ્વર્ગની લક્ષ્મી સમુદ્રમાં ચાલી ગઇ તેથી દેવો, દૈત્યોએ સંધિ કરી સમુદ્રમાંથી લક્ષ્મીને બહાર લાવવા સમુદ્ર મંથન કર્યું. ત્યારે સમુદ્રમાંથી અમૃત નીકળ્યું. વિષ્ણુ મોહિનીરૂપ લઇ દેવોને પાતા હતા. ત્યાં રાહુએ વચ્ચે બેસી પી લીધું. વિષ્ણુને જાણ થવાથી ચક્રથી મસ્તક કાપી નાખ્યું. અમૃત ગળા નીચે ઊતરી જવાથી મર્યો નહીં. તેથી ધડરૂપે રાહુ થયો. માથારૂપે કેતુ થયો. જાલંધર પૂર્વેનું વૃતાંત જાણી, અતિ ક્રોધ પામી, પોતાના દૂતને ઇન્દ્ર પાસે મોકલ્યો. દૂતે ઇન્દ્રને કહ્યું જાલંધરે કહ્યું છે કે મારા બાપ સમુદ્ર પાસે જે રત્નો લઇ ગયો છે તે રત્નો આપી દે અને મારે શરણે આવ નહીં તો તારું રાજ્ય નાશ પામશે. દૂતનું વચન સાંભળી ઇન્દ્ર કહે : મારો શત્રુ સંખાસુર તેને તારા પિતાએ સંઘર્યો. તેથી વિષ્ણુએ માર્યો. માટે વિષ્ણુ પાસે જા હું નિર્દોષ છું. તું દ્વેષથી મારી સાથે શત્રુતા ન કર યુદ્ધ કરવું હોય તો તૈયાર થઇ જજે. ઈન્દ્રએ કહેલું દૂત પાસેથી સાંભળીને જાલંધરે કરોડો અસુરોને દૈત્યોને યુદ્ધ માટે તૈયાર કર્યાં. દેવોનું અને અસુરોનું મહાભયંકર યુદ્ધ થયું. અસ્ત્ર, શસ્ત્ર, બરછી, ભાલા, શક્તિ, તોમર, મુદગર, તલવાર, ગદા, ચક્ર, મુશલ, બાણ, પર્વત, શીલા વગેરે અનેક આયુધોથી લડતા હતા. મરતાં અસુરોને શુક્રાચાર્ય સંજીવની વિદ્યાથી જીવતા કરતા હતા. દેવોને બૃહસ્પતિ મંત્રથી પાણી છાંટી બેઠા કરતા હતા.
જાલંધર શુક્રાચાર્યને કહે : દેવો મરીને જીવતા કેમ થાય છે. શુક્રાચાર્ય કહે : બૃહસ્પતિ, દ્રોણ પર્વતમાંથી ઔષધી લાવીને જીવતા કરે છે. જાલંધરે દ્રોણ પર્વતને ઉપાડીને સમુદ્રમાં નાખી દીધો. બૃહસ્પતિ ઔષધી લેવા ગયા. દ્રોણ પર્વત જ ન મળે. બૃહસ્પતિ નિરાશ થયા. દેવો યુદ્ધમાંથી ભાગીને મેરુપર્વતમાં ચાલ્યા ગયા. સ્વર્ગમાં પણ દેવો, દેવીઓ મેરુપર્વતમાં ચાલ્યા ગયા. અસુરોએ જાલંધરનો જયઘોષ કર્યો. જાલંધરે સ્વર્ગ વગેરે ખાલી થયેલા દેવોના સ્થાનમાં દૈત્યોને અધિકાર આપ્યા. ત્યારે ઇન્દ્રાદિ દેવો બ્રહ્માદિ દેવો સર્વે તેજના આવરણમાં રહેલા વૈકુંઠમાં લક્ષ્મીનારાયણ પાસે ગયા. સ્તુતિ કરી. હે દૈત્યોને નાશ કરનારા વેદોને લાવનારા દેવો ઋષિ-મુનિઓ માનવોના રક્ષણને માટે અનેક અવતારોને ધારણ કરનારા તમને નમ: કંભરા ગોપાલ પુત્ર તમને નમ: જ્ઞાનના આચાર્ય સાધુ-સ્વરૂપ કૃષ્ણવલ્લભ તમને નમ: હસ્તકમળ, ચરણકમળમાં અનેક ચિહ્નોવાળા તમને નમ: અવ્યાકૃત અમૃતધામમાં રહેલા ગોલોક, વૈકુંઠ આદિ અનેક ધામોમાં રહેલા તમને નમસ્કાર. હે પ્રભુ અમે તમારે શરણે આવ્યા છીએ. અમારું રક્ષણ કરો. જાલંધરે સર્વે દેવો, ઇશ્વરોને તેઓના સ્થાનમાંથી હાંકી કાઢી દૈત્યોને સર્વે અધિકારો આપ્યા છે. અમે વન, પર્વત, જંગલમાં ભટકીએ છીએ. હે પ્રભુ, અમારું રક્ષણ કરો.
ઇન્દ્રાદિ, દેવોની સ્તુતિ સાંભળી કરુણાસાગર વૈકુંઠનાથ બોલ્યા. દેવોને દુ:ખ આપનારા જાલંધરનો હું નાશ કરીશ. એમ કહીને ગરૂડ પર બેસી જવા તૈયાર થયા ત્યાં લક્ષ્મીજી નેત્રમાં આંસુ લાવી કહે : પ્રભુ મારો ભાઇ, તમારો સાળો જાલંધરને ન મારશો. વિષ્ણુ કહે : હું દેવોની સહાય માટે જાઉં છું. રુદ્રનો અંશ હોવાથી બ્રહ્માના વચનથી અને તારા વચનથી જાલંધરને હું નહીં મારું એમ લક્ષ્મીજીને સાંત્વના આપી. દેવોને સાથે લઇ વિષ્ણુ ભગવાન જ્યાં જાલંધર હતો ત્યાં ગયા.