રંતિદેવ રાજા - હરિકેશ બ્રાહ્મણ - સાલંકાયન રાજાની કથા
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, રેવા નદી કાંઠે પૂર્વે ચાંડીલ્ય, કૌડીન્ય, માંડવ્ય ઋષિના આશ્રમ હતા ત્યાં એક ઉંદરને બિલાડીએ પકડ્યો અને અડધો ખાધો. ત્યાં નારડો આવ્યો તો બિલાડી ભાગી ગઇ. ઉંદર મરીને રેવા નદીમાં ગયો તેનું શરીર તણાઇ ગયું. તેથી યજ્ઞનું રૂપ ધારણ કરી વિમાનમાં બેસી કુબેરના લોકમાં ગયો.
એકવાર નર્મદા કાંઠે વશિષ્ટ ઋષિની આજ્ઞાથી રંતિદેવ રાજાએ મહા વૈષ્ણવયજ્ઞ કર્યો. તેમાં સર્વ દેવો, ઈશ્વરો, નારાયણ લક્ષ્મી સહિત આવ્યા. રાજાએ યજ્ઞમાં દાન આપવા માટે દશ લાખ ગાયો, દશ લાખ અશ્વો, એક લાખ હાથી વગેરે તૈયાર કર્યા. તે સમયે ક્રૌચપુરનો મહાબાહું દાનવ યજ્ઞમાં વિઘ્ન કરવા આવ્યો. ત્યારે બ્રહ્મા કહે : રાજા, આ દૈત્યને પાછો વાળ નહીં તો યજ્ઞમાં વિઘ્ન કરશે. ત્યારે રંતિદેવ રાજા શ્રીહરિનું સ્મરણ કરીને કહે : જો મને શ્રીહરિમાં અને બ્રહ્મનિષ્ટ ભક્તોમાં પરાભક્તિ હોય તો આ સર્વ દૈત્યો દાનવો અને રાક્ષસોને યુદ્ધ કર્યા વિના ચાલ્યા જાય. તરત વિષ્ણુ ભગવાન શંખ, ચક્ર, ગદા, પદ્મને ધારણ કરી ત્યાં આવ્યા અને ચારેય દિશામાં રક્ષણ મંત્રવાળી દર્ભની સળીઓ ફેંકી. તેથી અગ્નિથી બળતા તે રાક્ષસો ચારેય દિશામાં ભાગી ગયા. પછી યજ્ઞકુંડમાં આહુતી આપી. ત્યાં યજ્ઞ કુંડમાંથી પ્રજ્જવલીત અગ્નિ જેવા લિંગરૂપે શંકર બહાર આવ્યા ત્યાં બિલ્વ તીર્થ થયું છે.
એક હરિકેશ બ્રાહ્મણે અયોધ્યાના રાજા અંબરીષ પાસે જઈને કહ્યું, મને સો વર્ષ ચાલે તેટલું દાન, ગાયો, ખેતરો, વાડી આપો. અંબરીષ રાજાએ દાન આપ્યું પણ તે બ્રાહ્મણ અતિદાન લેવા પાત્ર નહીં હોવાથી મૃત્યુ પામીને મેરુ દેશમાં બ્રહ્મરાક્ષસ થયો. તે બ્રાહ્મણનો ધર્મ નહિં પાળવાથી તૃષ્ણાથી દાન વાસનાથી રાજાના દાન પાત્ર નહીં હોવાથી બ્રહ્મરાક્ષસ થઈને વૃક્ષોમાં રહે તે આ બ્રહ્મરાક્ષસ પ્રેત થઈને પોતાના કુટુંબ પાસે આવી કહે : મારો ઉદ્ધાર કરો. તેના પુત્રે નર્મદા કાંઠે બીલ્વ તીર્થમાં નારાયણબલી કરાવ્યું. તેથી તેનો ઉદ્ધાર થયો. પછી સર્વે કુટુંબ ત્યાં સ્નાન કરી શંકર અને નારાયણની પૂજા કરી મહાભક્ત થયા. અંતે શ્રીહરિના ધામને પામ્યા. અયોધ્યાના રાજા સાલંકાયનના રાજ્યમાં દુકાળ પડ્યો તેથી રાજાએ માર્કન્ડેય મુનિને પૂછ્યું. માર્કન્ડેય મુનિ કહે, તારા રાજ્યમાં સકામ ભાવનાથી સાત ચાંડાલો ઊધે માથે તપ કરે છે. તે ચાંડાલોને તપમાં અધિકાર નથી માટે હે રાજા, તેના તપ બંધ કરાવ. તો વૃષ્ટિ થશે. રાજાએ સેવકો પ્રધાનને લઈને ચાંડાલોને તપ કરતા બંધ કરાવી જોઇતી વસ્તુ આપીને પછી નર્મદા કાંઠે મહાવૈષ્ણવ યજ્ઞ કરાવી સાધુ બ્રાહ્મણોને ભોજન કરાવી અનેક પ્રકારના દાન આપ્યા. તેથી મહાવૃષ્ટિ થઈ અને પ્રજા સુખ આનંદવાળી થઇ.