કાશીરાજા ચિત્રસેન બીજા જન્મે શંકરનો ગણ થયો
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, કાશીનો રાજા ચિત્રસેન મૃગયા કરવા વનમાં ગયો. બહું દૂર નીકળી ગયો. શિકાર મળ્યો નહીં. દિશા ભૂલી ગયો. નદીમાં સ્નાન કરી પ્રભુને સંભાળી પાણી પીધું. ઋષિ શૃંગ મૃગનું રૂપ લઇ મૃગના ટોળામાં ફરતા હતા. રાજાએ બાણથી મૃગને વિંધી નાખ્યું. મૃગ મનુષ્યવાણીથી કહેવા લાગ્યો. રાજા મને મારવાથી તને શું લાભ થયો. અમે મૃગરૂપે તપ કરીએ છીએ. રાજા કહે, મેં અજાણતા બાણ માર્યું. મારો અપરાધ માફ કરો. ઋષિ કહે, મારા માતા-પિતા વૃદ્ધ છે. મારા ભાઇઓ શોક કરશે. મારા વિના મારા માતા-પિતા મરણ પામશે. તું તેની પાસે જા. રાજા ઋષિ શૃંગના પિતા દિર્ધતયા પાસે ગયો. ઋષિએ સ્વાગત કર્યું.
રાજા કહે, ગુરુમહારાજ, હું સ્વાગતને યોગ્ય નથી. મેં તમારા પુત્રને અજાણતા બાણ માર્યું. તે મૃત્યુ પામ્યો છે. તે સાંભળીને દિર્ધતયા તથા તેના કુટુંબીઓ, અતિશોકથી રૂદન કરવા લાગ્યા અને રાજાને કહ્યું, મારા પુત્રના અસ્થિ અને અમારા અસ્થિ નર્મદાના શુલભેદ તીર્થમાં પધરાવજો. એમ કહીને સર્વે કુટુંબીઓએ દેહ ત્યાગ કર્યો. પછી રાજા સર્વના અસ્થિ લઇને નર્મદામાં આવી અસ્થિ વિસર્જન કર્યું. ત્યાં સર્વે ઋષિઓ દિવ્ય શરીર ધારણ કરી પ્રભુના પાર્ષદો સાથે વિમાનમાં બેસી જતા હતા. રાજા હર્ષ પામ્યો. ઋષિઓ કહે, રાજા તારી પ્રસન્નતાથી અમારી દિવ્યગતિ થઈ છે. અમે તને આશિર્વાદ આપીએ છીએ તું નિષ્પાપ થઈશ. પછી રાજા પ્રાણ ત્યાગ કરવા તૈયાર થયો. શંકર પ્રગટ થઈને કહે, રાજા તું યુવાન છો દેહત્યાગ ન કર. તું સુખપૂર્વક રાજ્ય ભોગવી આવતે જન્મે નંદીમાં મારો ગણ થઈશ. એમ કહી અદૃશ્ય થયા. રાજા કાશીનું રાજ કરી બીજે જન્મે શંકરનો ગણ થયો.