શિવલીંગ પૂજા - બાર જ્યોતિર્લિગમાં શંકરનો વાસ
લક્ષ્મી કહે : પ્રભુ, શંકર તો મૂર્તિમાન છે તો લિંગ કેમ પૂજાય છે ? શ્રીનારાયણ કહે : પાર્વતી તપ કરવા ગયા ત્યારે શંકર દિગંબર વનમાં ફરતા હતા. બ્રાહ્મણો તપ કરતા હતા, પણ જંગલોના જોગી જતીને ઓળખતા નહીં. શંકર ભિક્ષા માગતા હતા, તેમાં બ્રાહ્મણ પત્નીઓ મોહ પામી. બ્રાહ્મણોએ આવી શંકરને માર્યા. એક બ્રાહ્મણે મંત્રથી સળી લિંગમાં મારી. લિંગ મૂળમાંથી તૂટી નીચે પડીને બાર કટકા થયા, તેમાંથી અગ્નિ પ્રગટ થયો. આકાશમાં ઊછળવા લાગ્યો. પૃથ્વીમાં બધા પીડા પામ્યા. ઋષિ, બ્રાહ્મણો, બ્રહ્મા પાસે ગયા. બ્રહ્મા કહે : શંકર પાસે જાવ. ઋષિઓ શંકર પાસે આવી પગે લાગી સ્તુતિ કરી કહે - ત્રિલોકીના સુખને માટે આ અગ્નિને શાંત કરો. શંકર કહે : જેનો તમે અપરાધ કર્યો છે, તેની પૂજા કરો. પાર્વતીનું આહ્વાન કરી યોનિ પીઠમાં મારા લિંગની સ્થાપના કરી વેદમંત્રોથી પૂજા કરો તો અગ્નિ શાંત થાય. પછી તે ઋષિ બ્રાહ્મણો જ્યાં જ્યાં લિંગના કટકા પડ્યા હતા ત્યાં સ્થાપના કરી, પૂજા કરી. પૂર્વે શંકર હાટકેશ્વર અને નાગેશ્વર લિંગથી પ્રસિદ્ધ હતા અને બ્રહ્માએ પૂજા કરી હતી.
ત્યારપછી બાર જ્યોતિર્લિગ થયા. સૌરાષ્ટ્રમાં સોમનાથ, શ્રી પર્વતમાં મલ્લીકાર્જુન, મહાકાલેશ્વર, ઓંકારેશ્વર, અમરેશ્વર, કેદારેશ્વર, ભીમેશ્વર, કાશી વિશ્વેશ્વર, ત્ર્યંબકેશ્વર, વૈદ્યનાથ, રામેશ્વર, ઘુશ્મેશ્વર, આ સર્વે શંકરના લિંગોની પ્રસાદી ગ્રહણ કરાય છે. તે જ્યોતિર્લિગમાં શંકરનો વાસ સદાય રહે છે.