પુરુષોત્તમ માસ મહિમા - અનાદિશ્રીકૃષ્ણનારાયણની પૂજાવિધિ - પુરુષોત્તમ માસની સુદ એકમની તિથીની પૂજનવિધિ
શ્રી લક્ષ્મી કહે : હે પ્રભુ, તમારા મુખકમળથી મેં બાર માસનાં વ્રત, નિયમો, એકાદશી, વાર, તિથિઓ સર્વેનો વિધિ સાંભળ્યો હવે પુરુષોત્તમ માસનો, વ્રત, વિધિ તથા તેનો મહિમા કહો.
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, સાંભળો. બત્રીસ અથવા તેત્રીશ ચાંદ્ર માસ થાય ત્યારે એક માસ વધે છે તેને મળમાસ કહે છે. પરંતુ પુરુષોત્તમ એવા પરબ્રહ્મ અનાદિશ્રીકૃષ્ણનારાયણને આશ્રયે ગયો તેથી તે મળમાસના અધિષ્ટાતા દેવ પુરુષોત્તમ પોતે થવાથી પોતે પુરુષોત્તમતુલ્ય નામવાળો થયો. તે પુરુષોત્તમ માસમાં કેવળ સ્નાન કરવાથી સર્વે યજ્ઞોનું ફળ મળે છે. કેવળ સ્નાન કરવાથી સર્વે તિર્થોનું ફળ મળે છે. પુરુષોત્તમ માસમાં કેવળ સ્નાન કરવાથી કુંભમેળામાં કરેલા સ્નાન બરોબર ફળ થાય છે. કેવળ સ્નાન કરવાથી ચારધામ બદ્રીનારાયણ, જગન્નાથપુરી, રામેશ્વર, દ્વારકાની યાત્રાનું ફળ મળે છે. ભારતના સર્વે િર્તર્થોમાં સ્નાન કરવાનું જે ફળ થાય તે પુરુષોત્તમ માસમાં સ્નાન કરવાથી થાય છે.
પુરુષોત્તમ માસમાં પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અનાદિશ્રીકૃષ્ણનારાયણ એવો હું તે મારી પૂજા પંચામૃતથી સ્નાન કરાવી વસ્ત્ર, આભૂષણો ધારણ કરાવી ષોડ્શોપચારથી પૂજા કરવી. અબીલ, ગુલાલ, કંકુ, ચોખા, કેશર, ચંદન, અત્તર, ધૂપ-દીપ, તુલસી, પુષ્પથી પૂજા કરી, નૈવેદ્ય, તાંબુલ ધરી, આરતી કરીને, દંડવત્, પ્રદક્ષિણા, સ્તુતિ, નમસ્કાર, અપરાધની માફી માગીને પુરુષોત્તમ માસના નિયમ મૂર્તિ પાસે લેવા, એક માસ ફલાહાર, દૂધ વગેરે તથા એકટાણું અથવા નકત ભોજન તથા એક માસ સુધી પોતાને પ્રિય વસ્તુ ન ખાવી. એક માસ સુધી કથા શ્રવણ કરવી અથવા લક્ષ્મીનારાયણ સંહિતાની કથા વાંચવી તથા સાંભળવી કિર્તન કરવા, ધૂન કરવી, માળા ફેરવવી, ધ્યાન કરવું, દંડવત કરવા, પ્રદક્ષિણા વગેરે નિયમો લેવા એક માસ પુરુષોત્તમ માસમાં બ્રહ્મચર્યનું પાલન કરવું તે ઉત્તમ વ્રત છે. અનાદિશ્રીકૃષ્ણનારાયણને પ્રાર્થના કરવી - હે લક્ષ્મીપતિ, હે રાધા, હે રમા પતિ, હે માણિકી પતિ, હે પ્રભા, હે પાર્વતીપતિ મેં લીઘેલા આ નિયમો પૂર્ણ થાવ. તે માટે તમે સહાય કરજો તથા શક્તિ પ્રમાણે સાધુ-સાધ્વી, વિપ્રો, પતિવ્રતા, સતિ, અનાથ, દીનબાળકોને, ભોજન કરાવી, દાન-દક્ષિણાઓ આપવી. આ પ્રમાણે વ્રત કરનારા નરનારીઓ ઉપર પુરુષોત્તમ નારાયણની પૂર્ણકૃપા થાય છે.