ભાગ · અધ્યાય ૩૪૩

અનાદિશ્રીકૃષ્ણનારાયણના અનંત અવતારોનું વર્ણન ❖ મથુરા-યમુના મહિમા

શ્રીલક્ષ્મી કહે : હે અનાદિ જ્ઞાનવાળા, સર્વેના સાક્ષી, સર્વે તિર્થો તમારાથી જ થયેલા છે. તમારા યોગથી જડચેતન સર્વે દેહધારીઓ તરી જાય છે. દેધારીઓને શરીરથી મોટો લાભ મોક્ષ માનેલો છે. તે મોક્ષ ન મેળવ્યો તો સર્વે મરણને આધીન તો છે જ. વૃંદાવન, માથુર, શાલીગ્રામ, તુલસીક્ષેત્ર વગેરે અનેક તિર્થો તમે જ કરેલા છે. તો તમારા અવતાર કેટલા થયા અને કેટલા થશે ક્યાં થશે ? તે કહો. શ્રીનારાયણ કહે : લક્ષ્મી, મારા અવતારો દેવ, મનુષ્ય, પશુ-પક્ષીમાં, પાણીમાં, વનમાં, ઋષિમાં, મુનિ, સાધુમાં, સતિ-સાધ્વીમાં, અસંખ્ય અવતારો થઇ ગયા. સર્વે યુગમાં કૃષ્ણ અવતાર ધારણ કરીને વૃંદાવનમાં, મથુરામાં, દૈત્યોના નાશ માટે આવું છું, વિચરું છું. નારાયણના એકસો અવતાર થયા. શેષનારાયણના પાંચસો અવતારો થયા. ત્રીસ કાચબારૂપે અવતારો થયા. વીશ મત્સ્ય અવતારો થયા. કૃષ્ણના એકસો આઠ અવતારો થયા. બુદ્ધના અવતારો તો હજારો થઇ ગયા. પરશુરામના ત્રીસ અવતારો થયા. રામના એકસો એક અવતારો થયા.

હે લક્ષ્મી, ક્યારેક તારી સાથે તો ક્યારેક મારા એકલા અવતારો થાય છે. અનેક બ્રહ્માંડો છે, અનેક દૈત્યો, દાનવો, દેવો, તપસ્વીઓને અનેક ઈચ્છાવાળા છે. તે સર્વેની ઈચ્છા પૂર્ણ કરવા, દુ:ખીયાના દુ:ખ ટાળવા, સંપત્તિની ઈચ્છાવાળાને સંપત્તિ આપવા માટે, સક્ષમ ભક્તોના સંકલ્પ પૂરા કરવા, સ્થળે સ્થળે મારે પ્રગટ થવું પડે છે. ક્યારેક અંશરૂપે, ક્યારેક પર્ણરૂપે, ક્યારેક આવેશરૂપે, ક્યારેક કલારૂપે, વિભૂતિરૂપે, રાજારૂપે, સાધુરૂપે તથા સદ્ગુરુરૂપે. ક્યારેક વ્યાસરૂપે, ક્યારેક વિજ્ઞાનીરૂપે અવતાર ધારણ કરું છું. વિષ્ણુરૂપે હું એક જ મુક્તમંડળમાં રહેલો છું. વૃંદાવન, મથુરામાં મારા અનેક જન્મો થયા છે. સર્વે તિર્થોમાં મહાન તીર્થ મથુરા છે. યુગે યુગે યમુના કાંઠે પ્રગટ થઇને અનંત સૃષ્ટિઓના દાસ-દાસી કરોડો અબજો સ્ત્રીઓના કામ ઈચ્છાભક્તિથી ખેંચાઇને હું કૃષ્ણ રાજારૂપ ધારણ કરું છું. પિતા વાસુદેવ માતા દેવકી, ભાઇ સંકર્ષણ, બીજા હોય કે ન હોય આ ત્રણ સાથે વાસ કરું છું. પ્રથમ દ્વાપરમાં હું સંકર્ષણ સાથે હતો, ત્યારે કાળનેમી વંશના અસુરો હતા, તેનો નાશ કર્યો ત્યારે તું મરૂત્ રાજાની પુત્રી કમલા મારી પત્ની હતી. ત્યારે હું કૃષ્ણ કમલાપતિ થયો. ત્યારથી મથુરા તીર્થ થયું. ત્યારપછી મારા હજારો અવતારો થયા. તેને વ્યાસ વર્ણન કરશે. મનુષ્યો મારા વર્ણન, લીલા, ચરિત્રો, ગાશે તે મુક્તિ પામશે.

હે લક્ષ્મી, હવે મથુરા ક્ષેત્રનો મહિમા કહું છું. સ્વર્ગ અને પાતાલમાં મથુરા જન્મભૂમિ સમાન તીર્થ નથી. ત્યાં વાસ કરવાથી મનુષ્ય સ્વર્ગ અને મોક્ષ મેળવે છે. પ્રયાગમાં માઘ સ્નાન તથા કાશીમાં હજાર વર્ષ વાસ. તેનું જે ફળ થાય તે યમુનામાં એક દિવસ સ્નાન કરવાથી થાય છે. પૃથ્વીમાં જેટલા તિર્થો છે તે સર્વે તિર્થો મથુરામાં આષાઢ સુદ એકાદશીએ આવે છે. મથુરામાં મરે તે મને પામે. મેં જ્યાં વિશ્રાંતિ લીધી તે વિશ્રામ ઘાટ તેના ત્રણ વાર દર્શન, બે પ્રદક્ષિણા, પાંચ વાર નમસ્કાર કરે તે વિષ્ણુલોકમાં જાય છે. તથા ગુપ્ત પ્રયાગ તીર્થ છે તથા કનખલ તીર્થ છે. તથા તિંદુક તીર્થ છે. પાંચાળનો તિંદુક વાણંદ પોતાના કુટુંબનો સર્વે નાશ થવાથી મથુરા આવી વસ્યો સદા યમુનામાં સ્નાન કરતો. મરીને બ્રાહ્મણ વૈષ્ણવ થયો. ભક્તિ કરી ગોલોકમાં ગયો. ધનસંપત્તિની ઈચ્છાથી બલિ રાજાએ તપ કર્યું સૂર્ય પ્રસન્ન થઇ કહે તારે શું જોઇએ છે ? બલિ કહે, હું નિર્ધન છું. સૂર્યે બલિને મણિમાંથી ચિંતામણી આપ્યો. તે લઇને બલિ પાતાલમાં ગયો. તે સૂર્યતીર્થ થયેલું છે. ત્યાં સ્નાનદાન કરવાથી સ્વર્ગ મોક્ષ મળે છે. રવિ-સંક્રાતિ-ગ્રહણમાં સ્નાન રાજયજ્ઞ ફળ થાય. પૂર્વે ધ્રવે જ્યાં તપ કર્યું. તે ધ્રૂવતીર્થ થયેલું છે. ત્યાંથી ઋષિતીર્થ, મોક્ષતીર્થ, કોટીતીર્થ, વાયુતીર્થ તથા અવતારતીર્થ, વગેરે તિર્થોમાં સ્નાન કરવાથી ભોજન, દાન કરવાથી માનવો સ્વર્ગ અને મોક્ષ મેળવે છે.