ભાદરવા સુદની પદ્મા એકાદશી - માંધાતા રાજાની કથા
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, ભાદરવા સુદ પદ્મા એકાદશીનો વ્રત, વિધિ, કથા કહું. સ્નાન કરી ઋષિકેશ ભગવાનનું ષોડ્શોપચારથી પૂજન કરી નૈવેધમાં તલપાક ધરવો. આરતી કરી, દંડવત પ્રણામ કરી, સ્તુતિ કરવી. દેવશયની-પરિવર્તીની-પ્રબોધિની આ ત્રણ એકાદશીઓ ભક્તોએ નિર્જલા અથવા નિરાહાર રહીને વ્રત કરવું. મંડળ પુરી વચ્ચે તાંબાનો ઘડો મૂકી, નારિયેળ, આસોપાલવના પાન વગેરે મૂકી પદ્મ, ઋષિકેશ ભગવાનની પૂજા કરવી. સુખ-શય્યા, છડી, ચાખડી વગેરે ભગવાનને અર્પણ કરવા, વાજિંત્રો સાથે ધૂન-કિર્તન ઉત્સવ કરવા. કથા-વાર્તા કરી જાગરણ કરવું. બારસે સાધુ-સાધ્વી, વિપ્રોને જમાડી, યથાશક્તિ અનેક દાન આપવા. અન્ન-જલ, વસ્ત્ર, ધન, ભૂમિ વગેરે કન્યાદાન, જ્ઞાનદાન, વ્રત અર્પણ, પુણ્યદાન વગેરે અનેક દાન આપવા. સર્વે દાન પ્રભુને સંભારીને આપવાથી અક્ષયફળ થાય છે. અંતે મુક્તિ થાય છે. આત્મજ્ઞાન, ભક્તિયોગ, શ્રીહરિના ગુણગાન, બ્રહ્મજ્ઞાન, યોગસિદ્ધિ, શરણાગતિ આ સર્વે મોક્ષના સાધન છે. સર્વ રીતે બીજાને તન, મન, ધનથી સુખ આપનારને પોતાને સુખ મળે છે. શરીરથી, મનથી, વાણીથી, ધનથી બીજાને દુ:ખ આપે છે તેને સર્વે દુ:ખ આવે છે.
પૂર્વે માંધાતા રાજા ધર્મથી પ્રજા પાલન કરતો. પ્રજા સર્વે રીતે સુખી હતી. તેના રાજ્યમાં એક શુદ્ર રાજ્યની ઈચ્છાથી તપ કરતો હતો. તે શુદ્રે સેવા, ધર્મ તજી ઋષિ ધર્મ ગ્રહણ કર્યો તેથી ત્રણ વર્ષ દુકાળ પડ્યો. સત્કર્મો બંધ થયા, પ્રજા પીડાવા લાગી, રાજા સેવકોને લઇને વનમાં ગયા. ત્યાં અંગીરા ઋષિ મળ્યા. રાજાએ પગે લાગી દુકાળ પડવાનું કારણ પૂછ્યું. અંગીરા ઋષિ કહે : સત્યુગમાં સૌ પોતાના ધર્મમાં રહે તો દુષ્કાળ ન પડે. અત્યારે એક શુદ્ર તપ કરે છે તેને અટકાવો કાં વધ કરો તો વૃષ્ટિ થાય. માંધાતા રાજા વૈષ્ણવ ભક્ત હતો. તેથી ઋષિને કહે : તેનો વધ હિંસા તો નહીં કરું. અંગીરા ઋષિ કહે : તો ભાદરવા સુદ પદ્મા એકાદશીનું વ્રત કરી દાન કરજે. રાજાએ રાજ્યમાં આવી ભાદરવા સુદ એકાદશી વ્રત પોતે કુટુંબ સાથે કર્યું તથા દાન આપ્યા તથા પ્રજા પાસે એકાદશીનું વ્રત કરાવ્યું. તેથી વૃષ્ટિ થઇ.