જાલંધરની શંકર પાસેથી પાર્વતીની માંગણી
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, નારદજી ગયા પછી જાલંધરે પોતાના દૂત રાહુને કહ્યું : તું કૈલાશમાં શંકર પાસે જઇને કહે : કે તમે તો યોગી છો તમારે પાર્વતીને વનવાસીને શું જરૂર છે. માટે પાર્વતી અને કૈલાશમાં રહેલી સમૃદ્ધિ તે સર્વે જાલંધરને આપી દો. ઐરાવત, ઉચ્ચૈશ્રવા, કલ્પતરુ, પારિજાત, વજ્ર, વિમાન વગેરે સર્વે મેં મારે ઘેર રાખ્યા છે. તેથી એક પાર્વતી વિના અધૂરું છે. રાહુ દૂત શંકર પાસે આવીને કહે : તમારું સ્ત્રી રત્ન જાલંધરને આપો. તમારે ભીક્ષા માગી ખાનારાને સ્ત્રીને શું કરવી છે ! સ્ત્રી તો રાજાને ભોગ્ય છે. શ્રીનારાયણ કહે : લક્ષ્મી, આનું નામ દૈત્યની બુદ્ધિ જે પોતાની માતા પાર્વતીની માગણી કરે છે. શ્રીહરિની માયા કેવી છે. માતૃગામી સર્વે જાલંધર જેવા જ છે. ત્યાં શંકરના લલાટમાંથી ક્રોધરૂપી ગણ પ્રગટ થયો તે સિંહ જેવા મોઢાવાળો રાહુ, કેતુને પકડીને ખાવા ગયો. ત્યાં રાહુ કહે : પ્રભુ મારું રક્ષણ કરો. શંકરે ગણને ના કહી શરણે આવેલો અને દૂત હોય તેને ન મારવો. પછી રાહુએ જાલંધર પાસે આવી કહ્યું ત્યારે જાલંધર ક્રોધ કરી કહે : દૂતનું અપમાન કર્યું માટે સર્વે દૈત્યો શંકર સામે યુદ્ધ કરવા તૈયાર થાવ. સર્વે અસુરો દૈત્યો તૈયાર થયાં. તેમાં રાહુ માથા વિનાનો આગળ તે અપશુકન. બીજો શુક્રાચાર્ય કાણો તે બીજું અમંગળ. યુદ્ધમાં નીકળવા ટાણે જાલંધરનો મુગટ પડી ગયો. તે અમંગલ, દૈત્યોના હાથમાંથી આયુધો પડી ગયા તે અમંગળ. દેવો શંકરને કહે : ભોળાનાથ અમારો અને તમારી પાર્વતીનું રક્ષણ કરવા કાંઇક વિચાર કરો. શંકરે વિષ્ણુને યાદ કર્યા, વિષ્ણુ આવ્યા. શંકર કહે : હજી તમે જાલંધરને માર્યો નથી, તેને ઘેર વસ્યા છો. વિષ્ણુ કહે : લક્ષ્મીનો ભાઇ થાય અને તમારો પુત્ર થાય તેથી નથી માર્યો. હવે તમે જ મારો. તમે યુદ્ધમાં જાવ. હું સહાયમાં છું. ત્યાં દૈત્યો અસુરોનો ભયંકર અવાજ થયો. અસુરોએ શંકરના ગણોને માર્યા, શંકરે ક્રોધ કરી કૃત્યા ઉત્પન્ન કરી. તે કૃત્યાએ શુક્રાચાર્યને યોનિમાં સંતાડી દીધા અને અદૃશ્ય થઇ ગઇ.