ભાગ · અધ્યાય ૫૪૩

ધન્વા રાજાની મોક્ષગતિ - મૃગતીર્થ અને ચ્યવનતીર્થ ઉત્પત્તિ

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, પૂર્વે સંવર્તઋષિના પચાસ પુત્રો મૃગના રૂપ ધારણ કરી પ્રભાસમાં જપ તપ કરતા હતા. ત્યાં વીર ધન્વારાજાએ આવી બાણથી મૃગ જાણી શિકાર કર્યો. પછીથી બ્રાહ્મણ જાણી મહા દુ:ખ થયું. દેવરાત મુનિના આશ્રમે જઇ વાત કરી રોવા લાગ્યો. દેવરાત મુનિ કહે : રાજા, આ દેવીકા નદી કાંઠે યજ્ઞ કરી જપ તપ કરી બ્રાહ્મભોજન કરાવ. રાજાએ ઋષિના કહેવા પ્રમાણે કર્યું.

તે સમયે અનાદિશ્રીકૃષ્ણનારાયણ અને લોમશ ઋષિ મૃગનું રૂપ લઇ આવ્યા. રાજાએ ખાવાનું આપ્યું તે સમયે શરીરમાંથી કાળી કન્યા નીકળી યજ્ઞમાં બળી ગઇ. પ્રભુ અને લોમશ ઋષિએ બન્નેએ દર્શન આપી કહ્યું, રાજા તારી બ્રહ્મહત્યા બળી ગઇ. પછી પ્રભુએ કહ્યું, હવે હિંસા ન કરતો. એમ કહી “ૐ અનાદિશ્રીકૃષ્ણનારાયણ નમ:” એ મંત્ર આપી કહ્યું, મારી જન્મજયંતિએ કુંકુમવાપી દર્શન કરવા આવજે. રાજા પ્રગટ પ્રભુના દર્શન કરી અંતે પરમધામને પામ્યો. તે મૃગતીર્થ નામે પ્રસિદ્ધ થયા.

એકવાર ચ્યવનઋષિએ સર્વ તિર્થોમાં તપ કરી સોમનાથ આવી એકસો આઠ સૂર્યના નામનો જપ કર્યો. સૂર્ય પ્રસન્ન થયા. ચ્યવનઋષિ કહે, એકસો આઠ નામથી વાસ કરી રક્ષણ કરો. સૂર્ય કહે, તથાસ્તું. પછી ચ્યવનઋષિ ત્યાં તપ કરવા બેઠાં ત્યાં શર્યાની રાજા આવ્યો અને પોતાની કન્યા સુકન્યા તપસ્વી ચ્યવનઋષિને પરણાવી. તે ચ્યવનતીર્થ થયેલું છે, ત્યાં સ્નાનદાન શ્રાદ્ધ કરવાથી સ્વર્ગ અને મુક્તિ મળે છે.