દેવી કાત્યાયની દ્વારા મહિષાસુરનો વધ
આ અધ્યાય 163–164 સંયુક્ત છે
લક્ષ્મી કહે : પ્રભુ, મહિષાસુરની કથા કહો. શ્રીનારાયણ કહે : પૂર્વે રંભ કરંભ બંને ભાઇ અસુરો પાણીમાં પુત્ર માટે તપ કરતા હતા. કરંભને ઇન્દ્રે મારી નાખ્યો. રંભ તલવારથી પોતાનું શરીર કાપી અગ્નિમાં નાખવા ગયો ત્યાં અગ્નિ પ્રગટ થઇ કહે : તારે શું જોઇએ છે. રંભ કહે : ત્રિલોકીમાં વિજય કરે તેવો પુત્ર. અગ્નિ કહે : તથાસ્તુ. પણ ક્યાંય મોહ પામશે તો મરણ થશે. રંભ વનમાં ગયો. ભેંસ પર આસક્ત થયો. પાડાઓએ ભેગા થઇ રંભને મારી નાખ્યો. યક્ષોએ તેનો અગ્નિસંસ્કાર કર્યો. તે અગ્નિમાંથી પુરુષ નીકળ્યો. તેણે વનમાં પાડાઓને મારીને પિતાનું વેર લીધું. તે મહિષાસુર થયો. બીજું નામ રક્તાસુર. તે દેવોને, પિતૃઓને, બ્રાહ્મણ, સાધુને અતિ દુ:ખ આપવા લાગ્યો. ત્યારે ઇન્દ્રાદી દેવો વિષ્ણુ પાસે ગયા. વિષ્ણુએ કહ્યું, કાત્યાયન ઋષિ પાસે જાવ. ત્યાં મહામાયા પાર્વતી કાત્યાયનીનું સ્વરૂપ ધારણ કરી, અઢાર ભૂજાવાળી કન્યારૂપે રહેલી છે. સર્વે દેવો ત્યાં જઇને કાત્યાયીનીને અઢાર હાથમાં ધારણ કરાવ્યા. અને મહિષાસુરનો નાશ કરવા પ્રાર્થના કરી.
કાત્યાયીની મહાકાલીદેવી દેવોને લઇને વિધ્યાંચલ પર્વત આવી ત્યાં દેવ અને દૈત્યોને ભયંકર યુદ્ધ થયું. મહિષાસુરના બે દૂત ચંડ-મુંડ તે અસુર પાસે જઇને કહે : સૂતો છો શું ? ત્રિલોકમાં આવા સ્વરૂપવાળી કન્યા ક્યાંય નહીં મળે. એને વર્યા વિના તારું જીવન નકામું છે. મહિષાસુર યુદ્ધમાં આવ્યો કાત્યાયની દેવીને જોઇ મોહ પામ્યો. અગ્નિનું વરદાન હતું જેમાં મોહ પામશે તેનાથી મરણ થાશે. દેવીએ ખેડૂ જેમ મોલ વાઢે તેમ દૈત્યોના માથા કાપી મહિષાસુરનો નાશ કર્યો. બ્રહ્મા, ઇન્દ્રાદી દેવોએ ઋષિ -મુનિઓએ સ્તુતિ કરી. હે પરમેશ્વરી, નારાયણી, મહાલક્ષ્મી, ત્રિગુણી મહામાયા સર્વે વિઘ્નોને નાશ કરનારી ભક્તિ, મુક્તિ આપનારી તને નમો નમ: