ભાગ · અધ્યાય ૫૬૮

હવલશ્વ રાજા - મુચકુંદ રાજા અને શશાંક રાજાની કથા

પૂર્વે હવલશ્વ રાજાએ અનેક યજ્ઞો કરી અનેક તિર્થો કર્યા પણ નર્મદા તીર્થમાં ન ગયો. એકવાર તેણે સૂર્યગ્રહણમાં કુરુક્ષેત્રમાં જઇને હજારો લાખો હાથી, ઘોડા, સુવર્ણના દાન આપ્યા. પોતાની પાસે હતું તે સર્વે દાનમાં આપી રાજ્યમાં આવ્યો. તે સમયે મુચકુંદ રાજા સૂર્યગ્રહણમાં નર્મદાના ઓમકાલેશ્વર તીર્થમાં આવ્યો. તે મહાવૈષ્ણવ ભક્ત હતો. તેણે નર્મદામાં સ્નાન કરી બ્રાહ્મણોને અનેક પ્રકારના દાન આપ્યા. સમય ગયા પછી બન્ને રાજા કૃપલપાશ્વ અને મુચકુંદ રાજા વિમાનમાં બેસી સ્વર્ગમાં જતા હતા. હવલશ્વ રાજાએ મુચકુંદ રાજાનું વિમાન ઉંચુ જોઇને પૂછ્યું, તમે ક્યા પુણ્યે સ્વર્ગમાં જાવ છો ? ત્યાં મુચકુંદ કહે : હું નર્મદામાં ૐકારેશ્વર, અમરકટક, કપીલાશ્વર વગેરે તીર્થમાં સ્નાન કરી અને વિષ્ણુ ભગવાનના લોકમાં જાઉં છું. યમપુરીમાં રહેલા પાપી જીવો પણ શ્રીહરિનું સ્મરણ કરતા નર્મદા, નર્મદા નામનો ઉચ્ચાર કરે તો તેનો પણ ઉદ્ધાર થાય છે અને યમના દૂતોથી મુક્તિ થાય છે.

તીર્થમાં ગૌદાન, સુવર્ણદાન, તલદાન, અન્નદાન, રસદાન શક્તિ પ્રમાણે સર્વે પ્રકારના દાન આપે છે તે ક્યારેય પણ યમપુરીમાં જતો નથી. ભગવાનના ભક્તો ક્યારેય પણ યમલોકમાં જતા નથી. નરનારીઓને યૌવન અવસ્થા પ્રિય છે પણ જ્યારે વૃદ્ધાવસ્થામાં આવે ત્યારે પ્રિયપણું રહેતું નથી. તે વૃદ્ધાવસ્થાથી જ્યાં સુધી પરાભવ પામ્યો નથી. પત્ની, પુત્ર, બાંધવોથી પરાભવ પામ્યો નથી. ત્યાં સુધીમાં ધર્મ, અર્થ, કામ, મનનાં સંકલ્પને ભગવાનની નવધા ભક્તિમાં જોડવા અને મોક્ષ સાધી લેવો. મૃત્યુકાળ ક્ષણે ક્ષણે દેહધારીઓને લઇ જાય છે. તો રોગ મહાકાળને જપ, હોમ, દાનરૂપ વૈદ્યથી શાંતિ પામે છે. સર્પરૂપી રોગથી વિંટાયેલા ધન્વંતરી પણ પોતાની મેળે રોગમુક્ત થવા સમર્થ નથી. તેમ કાળથી ઘેરાયેલો દેહધારી તેનું રક્ષણ કરવા ઔષધ તપ, દાન, મિત્રો, બાંધવો કોઇ સમર્થ નથી. મૃત્યુસમાન દુ:ખ નથી, મૃત્યુસમાન શત્રુ નથી, મૃત્યુસમાન કાળ નથી, મૃત્યુ સર્વના દેવતા સુખને કાપી નાખે છે તેથી સર્વ દુ:ખને નાશ કરનારા સર્વ સુખને આપનારા અંતર્યામી કંભરાપુત્ર અનાદિશ્રીકૃષ્ણનારાયણનું સ્મરણ, ભજન કરવું તથા સર્વ તિર્થોમાં ઉત્તમ રેવા, નર્મદામાં સ્નાનદાન કરવા, તે ઉત્તમ છે.

પૂર્વે શશાંક રાજાએ વિયાતિ ગાયનું દાન કર્યું તેથી પૃથ્વીના દાન તુલ્ય ફળ થયું. તે પ્રતાપે વિમાનમાં બેસી સ્વર્ગમાં ગયો. તે સમયે હરિશ્ચંદ્ર રાજા પણ કુરુક્ષેત્રમાં હજારો ગાયોનું દાન કરી વિમાનમાં બેસી સ્વર્ગમાં જતો હતો. તેણે શશાંક રાજાને જોઇને પૂછ્યું, મેં પણ હજારો ગાયોનું દાન કર્યું છે. તો પણ મારું સ્થાન નીચુ કેમ છે ? બ્રહ્મા કહે, આ શશાંક રાજાએ સૂર્યગ્રહણમાં નર્મદાના અમરકટંક તીર્થમાં અનેક યજ્ઞો કરી દાન કર્યાં છે. તે પુણ્ય પ્રતાપે તેને ઉંચુ સ્થાન પ્રાપ્ત થયું છે.