ભાગ · અધ્યાય ૩૩૭

શંખચૂડના શંખ થયા અને તુલસી ગંડકી નદીરૂપે થઇ

337. શ્રીનારાયણ કહે : લક્ષ્મી, શંખચૂડ શંકરને કહેવા લાગ્યા. જો જ્ઞાતિનો વિવેક કહેતા હો તો, બલિનું સર્વ દેવને આપી પાતાળમાં શું કામે સ્થાપ્યો. હીરાણ્યકશીપું હિરણ્યાક્ષને કેમ માર્યો. અમૃત દેવોને જ કેમ પાયું. તમે દાનવોને કેમ મારો છો. દેવોને-ગણોને કેમ મારતા નથી. સતી નિમિત્તે દક્ષને કેમ માર્યો માટે અમારી સાથે ઇર્ષ્યા કરો છો. તે શરમ નથી આવતી. પિતૃના વંશને ઊચો લાવે તેને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. બીજાના વંશ ભેગો ભળે તે અધોગતિને પામે છે. માટે કાળે કરી જે બનવાનું છે તે ભલે થાય. અત્યારે તમે મારા મહાકાળ થાવ તોય મને સંતોષ છે. જો હું મરીશ તો ગોલોકમાં જઇશ. જય થશે તો બ્રહ્માનું પદ ભોગવીશ. માટે શંકર ઊભા થાવ. યુદ્ધ કરો. દુંદુભિ રણશિંગા વાગ્યા. સૈન્ય યુદ્ધ માટે તૈયાર થયું. શંકર સેનાના સેનાપતિ કાર્તિક સ્વામિ, અને શંખચૂડ સેનાના સેનાપતિ રાહુ હતો. પુષ્પવૃષ્ટિ થઇ યુદ્ધ શરૂ થયું. બંને સેનામાં બાણો, ત્રિશૂલ, ભાલા, શક્તિ, તોમર, મુદગર વગેરે અનેક આયુધો સામસામા ફેંકાતા હતા. છેદન, ભેદન, કાપવું, મારવું. એમ પરસ્પર ભયંકર યુદ્ધ થયું. મહાકાલીએ અનેક અસ્ત્રો ફેંક્યા. સર્વે અસ્ત્રો, શંખચૂડે કાપી નાખ્યા.

ત્યારે આકાશવાણી થઇ કે, શંખચૂડના કંઠમાં શ્રીહરિનું કવચ છે ત્યાં સુધી તથા તુલસીનું વ્રત ભંગ ન થાય ત્યાં સુધી શંખચૂડનું મૃત્યુ નહીં થાય. ત્યાં વિષ્ણુ વિપ્ર-વેશે ત્યાં આવ્યા. શંકરને કહ્યું, તમે મેં આપેલું ત્રિશૂલ લઇને યુદ્ધમાં જાવ. હું શંખચૂડ પાસે કવચની ભિક્ષા માગીને તુલસી પાસે જાઉં છું. એમ કહી શંખચૂડ પાસે જઇ કહે : ભિક્ષા આપ. શંખચૂડ કહે : શું જોઇએ ? વિપ્ર કહે : તારું કવચ આપ. શંખચૂડે કવચ આપી દીધું. વિષ્ણુ કવચ લઇ તુલસી પાસે શંખચૂડ રૂપે ગયા. ત્યાં જયના નગારા વાગ્યા, ત્યાં તુલસીએ બારીમાંથી જોયું તો શંખચૂડને આવતો જોયો. તુલસીએ બ્રાહ્મણોને દાન આપ્યા. બ્રાહ્મણોએ આશિર્વાદ આપ્યા. વિષ્ણુ રથમાંથી ઘરમાં ગયા. તુલસી ભેટી પડી. આજ મારો જન્મ સફળ થયો. તમારો જય થયો. તુલસી કહે : શંકર સાથે તમારો જય કેમ થયો. વિષ્ણુ કહે : દેવો અને દાનવોનો ક્ષય થયો. ત્યાં બ્રહ્મા આવીને કહે, દેવોના રાજ્યમાં દેવો જાવ અને તું શંખચૂડ તારા રાજ્યમાં પત્ની સાથે સુખી થા. એમ મેળ કર્યો. પછી તુલસીએ શયન તૈયાર કર્યું. વિષ્ણુ તુલસી સાથે રતિક્રીડામાં ધાતુ સ્ત્રાવ ન થવાથી સંશય થયો પૂછ્યું, મહારાજ તમે માયા સ્વરૂપે કોણ છો ? તમે કપટથી મારું સતિત્વ ભંગ કર્યું જલદી કહી દો. નહીં તો શાપ આપું છું, તરત જ નારાયણે પોતાનું દિવ્ય અલૌકિક દર્શન આપ્યું. કોટી કામદેવને મોહ પમાડે એવા તેજસ્વી, વસ્ત્ર, અલંકારોથી શોભતા, મંદ મંદ હસતા, એવા નારાયણને જોઇને તુલસી મોહ પામી ભેટી. નારાયણે વિર્યાધાન કર્યું ત્યાં શંકરે ત્રિશુળથી શંખચૂડને માર્યો. તે ચતુર્ભુજ રૂપ ધારણ કરી ધામમાં ગયો.

તુલસી નારાયણને કહે : તમે પથ્થર જેવા છો, મારો ધર્મ ભંગ કરીને મારા પતિને માર્યો. તેથી તમે નદીમાં પથ્થર થઇ જાવ. એક જન્મમાં જ્ઞાનહીન રહો. નારાયણને પગે લાગી તુલસી રોવા લાગી. નારાયણ કહે : તારો પતિ શંખચૂડ તે મારો ભક્ત હોવાથી ધામમાં લઇ જવા સર્વેએ કપટ કર્યું અને શંકરે શંખચૂડના અસ્થિ સમુદ્રમાં નાખ્યા છે. તે શંખતીર્થ થશે તેમાં તેના વંશના શંખો થશે. તે સર્વે મંદિરમાં જ્યાં નારાયણ હશે ત્યાં શંખ સેવામાં હશે અને તું પણ મારા વિયોગે ગંડકી નદી રૂપે થઇશ. બીજેરૂપે ધામમાં રમા સમાન થઇશ, અને તારા રોમમાંથી તુલસી થશે તે ત્રિલોકીમાં દેવપૂજામાં ચડશે અને રાધાએ આપેલો શાપ નિવૃત્ત થશે અને તું વૃંદાવનમાં તુલસી થઇશ ત્યાં હું તને વિવાહવિધિથી ગ્રહણ કરીશ. પછી વિષ્ણુ શંકર પાસે ગયા અને એકબીજાને નમસ્કાર કર્યા. વિષ્ણુ, શંકર અને શુક્રાચાર્યે સંજીવની વિદ્યાથી દેવો-દાનવોને જીવિત કર્યા પછી યમુનામાં સ્નાન કરીને તુલસી વૃક્ષરૂપે થયા અને દિવ્ય કન્યારૂપે વૃંદાવનમાં રહ્યા.