નિમી રાજા દ્વારા પુત્ર શ્રીમાનનું શ્રાદ્ધ ❖ શ્રાદ્ધ ક્યારથી શરૂ થયા ?
શ્રીનારાયણને લક્ષ્મીએ પૂછ્યું : હે પ્રભુ, તમારા મુખેથી મથુરાનો મહિમા વિસ્તારથી સાંભળ્યો તથા શ્રાદ્ધ અને શ્રાદ્ધનું ફળ તે કથા સાંભળી. હવે શ્રાદ્ધ ક્યાંથી શરૂ થાય તે કહો. શ્રીનારાયણ કહે : લક્ષ્મી સાંભળો. મારા નાભિ કમળમાંથી બ્રહ્મા થયા. તેણે દેવ, દાનવો, માનવો, ઋષિ -મુનિઓ, બ્રાહ્મણ, ક્ષત્રીય, વૈશ્ય, શુદ્ર, પશુ, પક્ષી, જીવ-જંતુ, વૃક્ષ-વેલી, સ્થાવર જંગમ સર્વે સૃષ્ટિ કરી. બ્રહ્માના નેત્રમાંથી માનસપુત્ર નિમી રાજા થયો. નિમિનો માનસપુત્ર શ્રીમાન થયો. જન્મ સાથે યુવાન, વેદનો જાણકાર, શ્રીહરિમાં પ્રીતિવાળો, શ્રીહરિનું ધ્યાન કરી તપમાં બેસી ગયો. પંચાગ્નિ તપ તો એક પગે ઊભા રહી, હાથ ઊચા રાખી, પાંદડા, પાણી અને વાયુ ભક્ષણ કરતો. શિયાળામાં પાણીમાં બેસતો એ રીતે દશ હજાર વર્ષ તપ કર્યું. ત્યાં તેનું મરણ થયું. નિમી રાજાને શોક થયો. માઘ સુદ બારસે વિચાર કર્યો. પુત્ર માટે શું કરું ?
ત્યાં પુત્ર સ્વર્ગમાંથી દિવ્ય દેહે આવીને કહે : જળ, અન્ન, મિષ્ટાન્ન, વસ્ત્ર, આભુષણો, વાહનો આપો, ફળ-ફૂલ, કંદમૂળ, શાકભાજી સર્વે મને આપો, એમ કહી સ્વર્ગની ગંગાને કાંઠે બેઠો. નીમિ રાજાએ સાત ઋષિને બોલાવી સ્નાન કરી, પ્રદક્ષિણા કરી, સર્વે ઋષિને અન્ન, શાકભાજી, ફળફૂલ આપી પૂજા કરી. જમણા હાથે આગળ દાભડો રાખીને પુત્રનું નામ લઇને પિંડદાન કર્યું. પછી પુત્રને દૂધપાક આપ્યો. તે પીધો. પછી સાત ઋષિ માં પ્રવેશ કરીને જમ્યો પછી બોલ્યો તૃપ્તિ પામ્યો, અતિ તૃપ્તિ પામ્યો અને સર્વે વસ્તુ લઇને સ્વર્ગમાં ગયો. પછી નીમી રાજાને દુ:ખ થયું. અરે પુત્ર વિનાનું મારું જીવન વ્યર્થ છે. પુત્ર હોય તો સ્વર્ગ સમાન સુખ થાય. પુત્ર હોય તો પિતામહ કહેવાય છે. પુત્રને લઇને પિતા આનંદ કરે છે. ત્યાં નારદજી આવ્યા. રાજાએ પૂજા સત્કાર કર્યો. નારદજી કહે : રાજા શોકનો ત્યાગ કરો. આ શરીર અનિત્ય છે. નાશવંત છે. તેનો જ્ઞાની પુરુષ શોક કરતા નથી. મરવાનું હતું. નષ્ટ થયું, જવાનું હતું તે ચાલ્યું ગયું. તેમાં બુદ્ધિશાળી હર્ષ શોક કરતો નથી. મૃત્યુલોકમાં હું કોઇને અમર જોતો નથી. સત્યલોકથી પાતાળ પર્યંત તું હું અને સર્વે પણ જવાના છીએ.
નારદનો ઉપદેશ સાંભળી નિમી રાજા કહે : તમે કહ્યું તે સાચું. ગયો તે પાછો આવતો નથી. પણ મેં શબની પાછળ પુત્રને ઉદેશીને તર્પણ કર્યું તે પૂર્વે કોઇએ કર્યું નથી. નારદ કહે : તું પિતા પાસે જા નિમી બ્રહ્મા પાસે આવ્યો. ત્યાં પુત્ર શ્રીમાન સામો આવી કહે : પિતા તમે જે મારી પાછળ કર્યું તે પિતૃ યજ્ઞ કર્યો છે. તે પૂર્વે બ્રહ્માએ પિતૃ યજ્ઞ ધર્મ પ્રગટ કરેલો છે. તે કર્મ યજ્ઞ મારા નિમિત્તે થયો. માટે શ્રાદ્ધ, યજ્ઞ, પિતૃયજ્ઞ પૂર્વે સૃષ્ટિથી થતો આવે છે. માટે શોક, મોહ, તજી દો. તેથી મરનારની પાછળ પ્રેતકર્મ, શ્રાદ્ધકર્મ અવશ્ય કરવું. મરનાર ગમે ત્યાં હોય શ્રાદ્ધ પહોંચી જાય છે અને મોક્ષમાં હોય તો શાશ્વત તૃપ્તિ મળે છે. રાજસી, તામસી, જીવાત્માઓ હોવાથી અસદ્ગતિમાં ગયેલાને સદ્ગતિ કરવા શ્રાદ્ધ ધર્મો કહેલા છે. પુત્રની તૃષ્ણા, ધનની તૃષ્ણા, લોકમાં મોટાઇની તૃષ્ણા, સ્ત્રીની તૃષ્ણા તે પ્રવાહમાં તણાતા મરનાર પરલોકમાં પ્રેત થાય છે. તે તૃપ્તિ માટે શ્રાદ્ધ, દાન, હવન વગેરે કર્મ બ્રહ્માએ જ કરેલા છે. તેથી લોક કલ્યાણ માટે શ્રાદ્ધ, દાન, પૂજા, સત્કાર અને હવન આ પાંચ અવશ્ય કરવા. શ્રાદ્ધ મરેલાને તૃપ્તિ આપે છે. દાન જીવતાને સુખી કરે છે. મૂર્તિપૂજા જીવને સુખી રાખી કલ્યાણ કરે છે. સત્કારથી જીવ પ્રાણી સુખી રહે. હવન કરવાથી દેવો તૃપ્તિ પામે છે. મરણ પથારીએ હોય, કંઠમાં પ્રાણ હોય ત્યારે મુખમાં સુવર્ણ મૂકીને ધૂન-કિર્તન કરવા, ગાય વગેરેના દાન કરવા તથા વ્રતના દાન આપવા એટલું કરવાથી મરનારની સદ્ગતિ થાય છે.