પુરુષોત્તમ માસની સુદ પાંચમની તિથીની પૂજનવિધિ - દેવી સરસ્વતી પરાવિદ્યા, વાણી અને નદીરૂપે થયા
આ અધ્યાય 296–297 સંયુક્ત છે
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, અધિક માસની પંચમીની કથા કહું છુ. બ્રહ્મધામમાં રહેલા અનાદિશ્રીકૃષ્ણનારાયણના શરીરમાંથી પ્રગટ થયેલી બ્રહ્મવિદ્યા શારદા તે વૈરાજ લોકમાં આવી બ્રહ્મ એવા વૈરાટનારાયણના શરીરમાં લીન થઇ. પછી બ્રહ્મા, વિષ્ણુ, શંકરની સાથે પ્રગટ થયા. તે વૈરાજપુત્રી શારદા તેણે વિચાર કર્યો. હું કુમારી સ્ત્રીરૂપે પ્રગટ થઇ, પણ મારો સ્ત્રીનો દેહ અપવિત્ર અસ્પૃશ્ય સંસ્કારથી રહિત, તેમાં રજસ્વલાપણું વગેરે મલીનતા વગેરે નષ્ટ થાય, સદા કુમારી પણુ રહે, એવું કંઇક સાધન કરું. ત્યાં પ્રભુના પાર્ષદોનું અધિક માસનું નગારું સાંભળ્યું. વૈરાજપુત્રી શારદાએ પુરુષોત્તમ માસની પંચમીએ બ્રહ્મમુહૂર્તમાં જાગી. લક્ષ્મીનારાયણ શ્રીહરિ પુરુષોત્તમની પૂજા કરી. પંચામૃતથી સ્નાન કરાવી ષોડ્શોપચારથી પુજન કરી, નૈવેદ્ય ધરી, આરતી, સ્તુતિ કરી, અપરાધ ક્ષમા માંગી. તરત વૈરાજ પુત્રી શારદાની ભક્તિથી પ્રસન્ન થયેલા લક્ષ્મીનારાયણ પ્રભુ કહે : વરદાન માગ તારે શું જોઇએ ?
શારદા કહે : પ્રભુ મારું કુમારીપણું સદા રહે, રજસ્વલાના દોષથી રહિત થઇ તમારી પત્ની ભાવને પામી ગર્ભથી રહિત રહું. લક્ષ્મીનારાયણ પ્રભુ કહે : કુમારીપણું, અને પત્નીપણું સાથે રહેતું નથી. છતાં તને આશિર્વાદ આપું છું, તારું કુમારીપણું સદા રહેશે. સ્ત્રીરાજ્ય, સ્વતંત્ર રાજ્ય, મહારાજ્ય તને આપી પત્નીભાવે ગ્રહણ કરી રજસ્વલાના દોષથી રહિત કરી, ગર્ભપણાના દોષથી રહિત કરીશ. માટે તું અનાદિશ્રીકૃષ્ણનારાયણની પરાવિદ્યાને ફેલાવનારી કુમારી રૂપે સરસ્વતી થા. વૈરાજ પુત્રી શારદા લક્ષ્મીનારાયણના આશિર્વાદ પ્રાપ્ત કરી અતિ પ્રસન્ન થઇ તથા સરસ્વતી ત્રણ સ્વરૂપે થયા. એક સ્વરૂપે પ્રભુના પત્ની થયા. બીજે સ્વરૂપે પરાવિદ્યા વાણીરૂપે થયા. ત્રીજે સ્વરૂપે સ્વયં નદી સ્વરૂપે થયા. એ રીતે જે નરનારીઓ પુરુષોત્તમ માસની પંચમીનું વ્રત કરી પુરુષોત્તમ નારાયણનું પૂજન કરશે તે ઈચ્છિત સંકલ્પને પ્રાપ્ત કરી, પુરુષોત્તમ નારાયણની પ્રસન્નતા પ્રાપ્ત કરી, પુરુષોત્તમ નારાયણને પામશે.