દશરથના પુત્રેષ્ટિ યજ્ઞ દ્વારા ચાર પુત્રનું પ્રાગટ્ય
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, સાકેત નગરીનો રાજા અજાપાલ તેણે વિચાર કર્યો. પૂર્વે કોઇ રાજાએ કામ ન કર્યું હોય તેવું કામ કરું. પ્રજા પાસેથી કર ન લેવો. કર લીધા વિના પ્રજાનું સૈન્યનું પાલન ન થાય. તેથી મારા તપથી સર્વનું રક્ષણ કરું. વસિષ્ટ ઋષિ કહે, હાટકેશ્વર તીર્થમાં પાર્વતીની આરાધના કર. રાજાએ પાર્વતીની પૂજા કરી. પ્રસન્ન કર્યા. રાજા કહે, પ્રજાના રક્ષણ માટે દિવ્ય અસ્ત્રો આપો. પાર્વતી કહે, તે વસ્તુ કોઇને મળે તેમ નથી. છતા તારા તપના ફળરૂપે આપું છું. એમ કહી દિવ્ય અસ્ત્ર, શસ્ત્ર, મંત્ર આપ્યો. અને કહ્યું કોઈને આપીશ નહીં. રાજાએ રાજ્યમાં આવીને અનેક પ્રકારના દાન આપ્યા અને દિવ્ય શસ્ત્રોને પ્રતાપે તેના રાજ્યમાં કોઇ રોગ, અકાળે મૃત્યુ, વ્યાધિ, શોર, શત્રુ પ્રવેશી શકતા નહીં. કોઇ ગુન્હો કરે તેને દિવ્ય શસ્ત્ર દંડ આપે. યમરાજ વિચાર કરે, મારે ત્યાં કોઇ પાપી જીવ આવતો નથી. એમ વિચારી, બ્રહ્મા વિષ્ણુ અને શંકર પાસે આવ્યા.
યમરાજ કહે, અજાપાલ રાજાની આયુષ્ય સાઇઠ હજાર વર્ષની છે ને હજી પાંચ હજાર વર્ષ થયા છે. પંચાવન હજાર વર્ષો બાકી છે. તો કેમ કરવું ? પછી શંકર શિકારીનું રૂપ લઇ રાજા પાસે આવ્યા. રાજાએ સર્વે શસ્ત્રો છોડ્યા. શંકર સર્વે શસ્ત્રોને ગળી ગયા. ત્યારે રાજા વ્યાઘ્ર સાથે લડવા લાગ્યા. ત્યારે શંકરે હાથમાં ત્રિશૂલ સાથે રાજાને દર્શન આપ્યા. રાજાએ શંકરને પગે લાગી સ્તુતિ કરી. પ્રભુ તમને જાણ્યા નહીં. અપરાધ થયો ક્ષમા કરો. શંકર કહે, પૂર્વે કોઇએ કાર્ય ન કર્યું હોય તેવું તે પ્રજાનું રક્ષણ કર્યું છે. અલૌકિક કામ કર્યું છે. હવે તું તારી પત્ની સાથે કૈલાશમાં ચાલ. અહીં દેવોની વિરુદ્ધ થઈને યમનો વિરોધ કરી ને તારે હવે પૃથ્વી પર ન રહેવું. એમ કહી શંકરે અસ્ત્રો પાછા આપ્યા. રાજા ચમત્કારપુર આવી સર્વ અસ્ત્ર, શસ્ત્ર, પાર્વતીને પાછા આપ્યા. રાજા પાર્વતીને પગે લાગ્યો અને આશીર્વાદ લઇ સાકેત નગરી આવી પત્નીને સાથે લઈ શંકર સાથે કૈલાશ આવ્યો. ત્યાં શંકરે “ૐ શ્રીકૃષ્ણનારાયણ સ્વામીને નમ:” આ મંત્ર રાજારાણીને આપી. તુલસીની કંઠી, માળા આપી. રાજા ભજન કરી પત્ની સહિત શ્રીહરિના ધામમાં ગયો. તે અજાપાલ રાજાનો પુત્ર દશરથ થયો. તે ત્રીલોકીમાં ગતિ કરતો. તેને ત્યાં સ્વયં વિષ્ણુ રામચંદ્રપ્રભુ પ્રગટ થયા.
એકવાર ગ્રહ શનિએ રોહિણી નક્ષત્રનો ભેદ કર્યો. તેથી બાર વર્ષ સુધી દુષ્કાળ પડે. તે જાણીને દશરથ રાજા ઈન્દ્રે આપેલા વિમાનમાં બેસી ધનુષ્ય તૈયાર કરી શનિને કહ્યું, રોહિણીનો માર્ગ મૂકી દે, નહીં તો તારો બાણથી નાશ કરીશ. શનિ કહે, મારી પાસે વરદાન માંગો. દશરથ કહે, તારા વારને દિવસે શરીરે તેલ લગાવે તેને સાત દિવસ સુધી તારે પીડા ન કરવી. તથા તલદાન, લોઢાનું દાન, શનિવારે કરે તેને એક વર્ષ સુધી પીડા ન કરવી તથા તારી ગૃહશાંતિ કરાવે તેને સાડા સાત વર્ષ પીડા ન કરવી. શનિ કહે, તથાસ્તું. એકવાર દશરથ ઈન્દ્ર સભામાં ગયા ત્યાંથી પાછા આવ્યા. ત્યારે ઈન્દ્રે આસન સાફ કર્યું. દશરથે જાણીને પૂછ્યું, આસન કેમ સાફ કર્યું ? ઈન્દ્ર કહે, તારે પુત્ર નથી માટે આસન સાફ કર્યુ. પિતૃઋણવાળા દેવ પછી દશરથ રાજાએ વશિષ્ટના કહેવાથી પુત્રેષ્ટિ યજ્ઞ કર્યો. તેથી રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન ચાર પુત્રો થયા.