ભાગ · અધ્યાય ૨૦૦–૨૦૨

નારદના અન્ય જન્મોની કથા ❖ બ્રહ્મા દ્વારા નારદને શાપ

આ અધ્યાય 200–202 સંયુક્ત છે

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, પૂર્વે બ્રહ્માએ માનસ સૃષ્ટિ કરી ત્યારે સનકાદિકોને કહ્યું, તમે સૃષ્ટિ કરવામાં મદદ કરો. સનકાદિકે ના પાડી પછી નારદને કહ્યું. નારદ કહે : ભગવાનની ભક્તિ નામસ્મરણ રૂપી અમૃતનો ત્યાગ કરી સંસારના ખારા સમુદ્રમાં કોણ પડે ? ભગવાનની સેવાભક્તિ મૂકી જે જન સંસારમાં પડે છે તેનો અંત જ આવતો નથી. બ્રહ્મા કહે : પિતાના વાક્યોનો અનાદર કરી જ્ઞાની થઇ મને ઉપદેશ કરે છે. જા, ગંધર્વ થઇ પચાસ સ્ત્રીઓનો પતિ થા. નારદ કહે : જ્યાં જન્મ આપો ત્યાં મને શ્રીહરિની ભક્તિ, વૈષ્ણવપણું સદા રહે એવા પણ આશિષ આપો. બ્રહ્મા કહે : તથાસ્તુ. નારદ ઉપબર્હણ ગંધર્વ થયા. પુષ્કરમાં નિરાહાર સો વર્ષ તપ કર્યું. શંકર પ્રસન્ન થયા. શું ઈચ્છા છે ? નારદ કહે : શ્રીહરિમાં પ્રીતિ-ભક્તિ આપો. શંકર કહે, ભક્તિ તમે કરો છો, ભક્તિમાં સર્વે ઐશ્વર્ય રહેલું છે.

કરોડો જન્મના પાપ નાશ થાય ત્યારે શ્રીહરિનું દાસપણું પ્રાપ્ત થાય છે. જ્યાં સુધી મનુષ્યને ભગવાનમાં પ્રીતિ-ભક્તિ થતી નથી ત્યાં સુધી પતિ-પત્ની, પુત્ર-પુત્રી ધનાદિક પદાર્થો સુખ-દુ:ખ આપે છે. પણ ભગવાનમાં પ્રીતિ થાય ત્યારે ઈચ્છેલા સર્વે પદાર્થો સુખ આપે છે. ભક્તિરૂપી તલવાર કર્મમૂળને કાપી નાખે છે. શંકર કહે : ગંધર્વરાજ સિદ્ધિયોગ આપું. નારદ કહે : ભગવાનના ભક્ત ચાર પ્રકારની મુક્તિ પણ માગતા નથી. તો સિદ્ધિની ઈચ્છા રાખે જ ક્યાંથી ? તેથી પિતાના શાપથી ભક્તપુત્ર વૈષ્ણવ કુટુંબ આપજો. પછી ગાંધર્વ નારદ સ્નાન કરવા ગયા. ત્યાં ચિત્રરથ ગાંધર્વની પચાસ કન્યાઓ મોહ પામીને નારદ ગાંધર્વને વરી. બે લાખ વર્ષ સંસાર ચાલ્યો. એક વખત સત્યલોકમાં બ્રહ્માની સભામાં ગવાણું કરતાં રંભા રૂપમાં મોહ પામવાથી બ્રહ્માએ શાપ આપ્યો. નારદ ગંધર્વ પૃથ્વી પર શુદ્ર થા. નારદ ગંધર્વે યોગથી દેહનો ત્યાગ કર્યો.

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, ઉપબર્હણ ગાંધર્વ નારદે દેહ છોડ્યા પછી તેની પચાસ પત્નીઓ વિલાપ કરતી હતી. તેમાં માલાવતી ધર્મરાજને કહે : મારા પતિનું તમે અકાળે મૃત્યુ કેમ કર્યું ? બ્રહ્મા, વિષ્ણુ વગેરેને પ્રાર્થના કરી, મારા પતિને સજીવન કરો. પતિવ્રતા માલાવતીએ કાળરૂપે રહેલા યમરાજને કહ્યું : મારા પતિને સજીવન કરો. યમરાજ કહે : કાળ વિના મૃત્યુ થતું જ નથી. કાળના કાળ મહાકાળ શ્રીહરિને પ્રાર્થના કરો. તેની આજ્ઞામાં બ્રહ્મા, વિષ્ણુ, શંકર, વૈરાજ, ચંદ્ર, યમ સર્વે ઇશ્વરો રહે છે, તે શ્રીહરિની પ્રાર્થના કરવાથી તારો પતિ સજીવન થશે.

માલાવતીએ શ્રીહરિને પ્રાર્થના કરી - હે પ્રભુ, તમે જીવ પ્રાણી માત્રની રક્ષા કરો છો, ગર્ભમાં બાળકની રક્ષા કરો છો. તો તમારે શરણે આવેલા અમે અમારું દુ:ખ નિવારણ કરો. જનાર્દન પ્રભુ દેવસભામાં આવીને ગાંધર્વ નારદને બેઠા કર્યા. દેવસભામાં આનંદ ઉત્સવ થયો, માલાવતીએ “ૐ નમો ભગવતે રાસમંડલેશાય સ્વાહા” આ મંત્રથી પ્રભુને પ્રસન્ન કરી પોતાના પતિને જીવિત કર્યા. પછી બ્રહ્માના શાપથી નારદ ગાંધર્વ દેહનો ત્યાગ કરી તથા તેની પત્નીએ દેહનો ત્યાગ કરી શુદ્રને ત્યાં જન્મ ધારણ કર્યો. દ્રુમીલની પત્ની કલાવતીમાં કશ્યપના દીકરા નારદથી નારદનો જન્મ થયો. તે સમયે નાર એટલે પાણીનો વરસાદ થયો તેથી તેનું નામ નારદ પાડ્યું. પૂર્વનું જાતિ સ્મરણ જ્ઞાન હોવાથી નાનપણથી જ પ્રભુની ભજન- ભક્તિ, સ્મરણ કરતા. એકવાર ચાર સનકાદિકો ઘેર આવ્યા. માતાએ પૂજા કરીને જમાડ્યા. સનકાદિકોએ જમીને નારદને તેની માતાને પ્રસાદી આપી. પછી સનકાદિકોએ નારદને શ્રીહરિના નામ મંત્ર આપ્યા. નારદ ભજન કરતા તેના માતા ઋષિઓની સેવા કરતા એક દિવસ નારદના માતાને સર્પ દંશ થવાથી મૃત્યુ થયું અને પ્રભુના ધામમાં ગયા. પછી નારદ પીપળા નીચે બેસી “ૐ નમો ભગવતે રાસમંડલેશાય સ્વાહા” જપ કરતા ધ્યાનમગ્ન થયા. ત્યાં દિવ્ય અલૌકિક કરોડો સૂર્ય સમાન તેજસ્વી રાધા-કૃષ્ણ મોરલી મનોહર પ્રભુના દર્શન કરી નારદજી અતિ આનંદ પામીને દેહનો ત્યાગ કરી ગોલોક ધામમાં ગયા. ફરીથી જગતના કલ્યાણ માટે બ્રહ્માના માનસપુત્ર થયા.