આચાર્ય, વ્યાસ તેમજ ગુરૂ મહિમા - પૂજા વિધિ
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, હવે આચાર્ય, વ્યાસ અને ગુરુની પૂજાવિધિ કહું છું. ચરણમાં મસ્તક મૂકી નમસ્કાર કરવો. પછી જમણા પગનો અંગુઠો થાળીમાં મૂકી જળથી અભિષેક કરી ચંદન, કંકુ, પુષ્પ, અક્ષતથી પૂજા કરવા. પછી ભાલમાં કંકુ-ચોખાથી પૂજા કરી હાર પહેરાવી ધોતિયા, ચાદર, શાલ, પટ્ટા, વસ્ત્ર વગેરેથી પૂજા કરવી તથા સુવર્ણ, ચાંદી, રૂપિયા, વસ્ત્રો, વાહન, પશુ અને ધન આભૂષણો વગેરે અનંત પ્રકારના દાન જેટલા પોતાના જીવનમાં ઉપયોગી વસ્તુ પદાર્થો છે તે સર્વેના દાન પોતાની યથાશક્તિ કરવા. આ રીતે જે સર્વસ્વ દાન કરે છે તે પરમ મોક્ષનો અધિકારી થાય છે. પછી આચાર્ય વ્યાસ ગુરુની આરતી ઉતારી દંડવત્ નમસ્કાર કરી સ્તુતિ કરી ક્ષમા માંગવી. મારાથી જાણે-અજાણે અપરાધ થયો હોય તો ક્ષમા કરજો. આ રીતે હંમેશાં સવારમાં ગુરુનું ધ્યાન કરી પૂજા કરવી. ગુરુ બ્રહ્મા છે, ગુરુ વિષ્ણુ છે. ગુરુદેવ શંકર છે, ગુરુ સાક્ષાત્ પરબ્રહ્મ મોક્ષ આપનારા છે, ગુરુના શરીરમાં પરબ્રહ્મ શ્રીહરિ વાસ કરે છે. ગુરુના મસ્તકમાં અક્ષરબ્રહ્મ છે. લલાટમાં વાસુદેવ, નેત્રમાં સૂર્ય, ચંદ્ર નાકમાં, અશ્વિનીકુમાર મુખે યજ્ઞ નારાયણ, જીભમાં વેદ, વાણીમાં સરસ્વતી, હૃદયમાં વિષ્ણુ, ઉદરમાં વૈશ્વદન, હાથમાં લક્ષ્મી, ચરણમાં તીર્થો રહેલા છે. ગુરુમૂર્તિ મંત્ર મૂર્તિ છે. રૂપ અજ્ઞાનનો નાશ કરી રૂપ જ્ઞાન આપે તેને ગુરુ કહેવાય છે, તેને સંપ્રદાય કહેલો છે. ગુરુને ભોજન કરાવવાથી રાજસુય યજ્ઞનું ફળ મળે છે. ગુરુને વસ્ત્રદાનથી જ્યોતિષ્ટોમયજ્ઞનું ફળ મળે છે. ગુરુની પૂજાથી શ્રીહરિની પૂજા થાય છે. જેણે ગુરુની પ્રસન્નતા પ્રાપ્ત કરી તેને કોઇ સાધના કરવી પડતી નથી.