ભક્તિ-મુક્તિ જ્ઞાન તેમજ સતી સાવિત્રી દ્વારા સત્યવાનનો પુનર્જન્મ
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, યમરાજને સાવિત્રીએ પૂછ્યું નરક કુંડો સર્વે કેવડા મોટાં છે. યમરાજ કહે : સો હાથ બસો હાથ ગાઉના, બે ગાઉના છે. યમરાજ કહે : હવે તું શું ઈચ્છે છે ? સાવિત્રી કહે : હું સર્વે પ્રાપ્ત કરીને સંતોષ પામી છું. તત્ત્વજ્ઞાનથી રહિત એવો સ્ત્રીનો દેહ બ્રહ્માએ સર્જ્યો છે તેથી ભાગવત ધર્મવાળી કૃષ્ણભક્તિ આપો એને હું ગ્રહણ કરી શકું એવું જ્ઞાન આપો. તપ, વ્રત, તીર્થ, અનશન સર્વદાનમાં શ્રેષ્ટ અજ્ઞાનીને જ્ઞાન આપવું તે છે. પિતાથી, માતા સો ગણા મહાન છે. માતાથી સો ગણા જ્ઞાન આપનારા ગુરુ મહાન છે. યમરાજ કહે, સાવિત્રી તારી ભક્તિ શ્રીકૃષ્ણમાં અખંડ રહેશે. શેષ હજાર મુખે, શંકર પાંચ મુખે, બ્રહ્મા ચાર મુખે, કાર્તિક છ મુખે, પરબ્રહ્મ પુરષોત્તમ નારાયણના ગુણ કહેવા સમર્થ નથી. સરસ્વતી, ગણેશ, સનતકુમાર, ધર્મ, કપીલ, સૂર્ય, પત્નીવ્રત, દ્વિજ, નારદ, યોગી, સિદ્ધિ તે સર્વે ભગવાનના ગુણવર્ણન કરવા સમર્થ નથી. અમે તો થોડુંક ભગવાનની ભક્તિનું વર્ણન કરી તેથી તે વધારે જાણે છે. બ્રહ્મા તેથી વધારે જાણે છે. જ્ઞાનીના ગુરુ ગણેશ તે વિશેષ જાણે છે. સર્વજ્ઞ શંકર, તેથી અધિક પરાભક્તિ જાણે છે.
લક્ષ્મી, રાધા, માણિકી, પ્રભા, પાર્વતી, જયા, લલીતા તે સર્વે તથા મુક્તો સર્વે પરબ્રહ્મ સ્વરૂપથી પોતાનામાં સર્વે જ્ઞાન અને ભક્તિ એક રૂપે કર્યા છે તે પુરુષોત્તમ નારાયણનું જ્ઞાન કૃષ્ણે શંકરને આપ્યું. શંકરે ધર્મને આપ્યું. ધર્મએ સૂર્યને આપ્યું. સૂર્યએ મને આપ્યું. તે પુરુષોત્તમ નારાયણનું પૂર્ણ જ્ઞાન જાણવા કોઇ સમર્થ નથી. તે પ્રભુ ભક્તોની ઉપર કૃપા કરીને યુગલ સ્વરૂપ ધારણ કરીને અનેક જીવાત્માઓનો ઉદ્ધાર કરે છે. જેની પ્રસન્નતા પ્રાપ્ત કરી જેની આજ્ઞાથી દેવો, ઇશ્વરો સૃષ્ટિના અનેક કાર્યો કરે છે. જેના સંકલ્પથી અનેક સૃષ્ટિઓનું સર્જન થાય છે એવા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ શ્રીહરિ છે. બ્રહ્મા, વિષ્ણુ, શંકર સર્વે શ્રીકૃષ્ણના ભક્તો છે. ક્ષીર સમુદ્રમાં શેષનારાયણ અને વૈકુંઠના વિષ્ણુ તે કૃષ્ણ મૂર્તિમાં લીન થાય છે. શ્રીહરિના જ્ઞાનમાં શંકર લીન થાય છે. દુર્ગા બુદ્ધિમાં લય પામે છે. સ્કંદ હૃદયમાં લીન થાય છે. શ્રીકૃષ્ણના હાથમાં ગણેશ લય થાય. પદ્મા, રાધા, ગોપીઓ, સર્વે શ્રીકૃષ્ણના પ્રાણમાં લય પામે છે. સાવિત્રી અને સરસ્વતી પરમાત્માની જીભમાં રહે છે. અગ્નિ જઠરમાં રહે છે. તે ભગવાનના ગુણ-વર્ણન કરવા કોઇ સમર્થ નથી. એવા શ્રીહરિની ભક્તિ મુક્તોએ પણ વખાણી છે.
ભવપાર થવા માટે એક ભક્તિ જ કહેલી છે. તે શ્રીહરિની ભક્તિ સારૂપ્ય મુક્તિ આપનારી છે. બીજી સમૃદ્ધિ સામર્થી આપનારી છે. ત્રીજી સમીપે રાખનારી છે. ચોથીએ એકત્વ મુક્તિ આપનારી છે. પરંતુ ભક્તો ભગવાનની સેવા વિના બીજી કાંઇ ઈચ્છા રાખતા નથી. મુક્તિ છે તે સેવા રહિત છે અને ભક્તિ છે તે સેવા વધારનારી છે તેથી સદા ભક્તિ કરવી. શરીરથી, ઇન્દ્રિયોથી, અંત:કરણથી, બુદ્ધિથી નરનારીઓને મોક્ષ આપનારી શ્રીહરિભક્તિ કરવી. યમરાજ કહે : પુત્રી સાવિત્રી આ જ્ઞાન તને સારમાં સાર કહ્યું. હવે તું તારા પતિ સાથે જા. સુખી થજે. સાવિત્રી આંખમાં આંસુ લાવી યમરાજના ચરણમાં મસ્તક મૂકી પગે લાગી વિયોગ દુ:ખવાળી થઇ. સત્પુરુષોના વિયોગથી ભક્તને દુ:ખ થાય છે. યમરાજ કહે : પુત્રી શોક ન કર. પુણ્ય ક્ષેત્રમાં લાખ વર્ષ સુખ ભોગવી શ્રીહરિની ભક્તિ કરી અંતે ગોલોક ધામને પામીશ. ઘેર જઇને સાવિત્રી વ્રત કરજે. નવ વર્ષ સુધી દર જેઠ સુદ ચૌદશે સાવિત્રીનું વ્રત પૂજન કરજે. તથા દશ વર્ષ સુધી દર ભાદરવા સુદ આઠમે મહાલક્ષ્મીનું વ્રત પૂજન કરજે અને કાર્તિક વદ આઠમે અનાદિશ્રીકૃષ્ણનારાયણનું વ્રત પરમ પ્રિતીથી ભક્તિપૂર્વક પૂજન કરજે, જેથી શ્રીહરિના પરમપદની પ્રાપ્તી થાય.
જે નારી દર માસની સુદ આઠમને દિવસે કંભરાલક્ષ્મીનું વ્રત-પૂજન કરશે તે પતિ- પુત્રવાળી થઇ, સંપત્તિવાળી થઇ પૂજ્યપણાને પામશે, અંતે અક્ષરધામમાં જશે. એમ કહીને યમરાજ સતી સાવિત્રીને નમસ્કાર કરીને યમપુરી ગયા. સાવિત્રી પતિના સૂક્ષ્મ દેહને લઇ સત્યવાનના સ્થૂળ શરીર પાસે આવી. સત્યવાન ઊભો થયો. જાણે સુષુપ્તિમાંથી જાગૃત થયો હોય. ઘેર આવ્યા. સાવિત્રીએ સર્વે વૃત્તાંત કહ્યું, સાંભળી સર્વે આશ્ચર્ય પામ્યા. સાવિત્રીના પિતાને સો પુત્રો થયા. સાવિત્રીના સસરાને દૃષ્ટિ મળી રાજ્ય મળ્યું. સર્વત્ર આનંદ આનંદ પતિવ્રતાના પ્રભાવે થયો. સાવિત્રી સત્યવાનથી સો પુત્રો પામી. પતિવ્રતા વ્રત કલ્પવૃક્ષ સમાન છે. ચિંતામણીથી અધિક છે. યોગીઓની યોગ સંપત્તીથી વિશેષ છે. પતિવ્રતા મૃત્યુને પણ જીતે છે. મહાસતી સાવિત્રી લાખ વર્ષ સુખ ભોગવી પતિ સાથે વિમાનમાં બેસી ગોલોકમાં ગઇ. બીજે સ્વરૂપે સૂર્યની અધિષ્ટાત્રી દેવી થઇ. ત્રીજે સ્વરૂપે વેદમાતા મંત્રોની અધિષ્ટાત્રી દેવી થઇ. એવી રીતે પુરુષોત્તમ નારાયણની ભક્તિથી અનંતરૂપે થઇ. શ્રીનારાયણ કહે : લક્ષ્મી, આ સાવિત્રીનું ઉત્તમ આખ્યાન કહ્યું. જે નારી આ કથા સાંભળશે તે સતીત્વ પ્રાપ્ત કરશે. સર્વે ઐશ્વર્યો, સર્વે સમૃદ્ધિઓ, સર્વે સિદ્ધિઓ પતિભક્તિમાં વસે છે. પતિવ્રતા સ્ત્રીને પતિના પગ ધોયેલા પાણીમાં સર્વે સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. પતિના મુખમાં મહદ્ બ્રહ્મ રહેલું છે. પતિના શરીરમાં તીર્થ રહેલા છે. પ્રાણમાં મોક્ષ રહેલો છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચાર પુરુષાર્થની સિદ્ધિને આપનારો પતિનો દેહ છે. પતિવ્રતાને પતિ એ જ પરબ્રહ્મ છે. તે જ કૃષ્ણ છે, તે જ વાસુદેવ છે. સર્વે દેવો, યજ્ઞો, જપ, માળા, દક્ષિણા, દાન, જ્ઞાન, યોગ, પરોપકાર, વ્રત, પૂજા, શુભ કર્મો, સર્વે ઉત્સવો પતિ એવા પ્રભુમાં જ કરવા. આ અધ્યાયનો જે પાઠ કરશે, વાંચશે, સાંભળશે, તેનું સ્મરણ કરશે તે ભક્તિ અને મુક્તિ પામશે.