ભાગ · અધ્યાય ૫૮૨

જગન્નાથપુરીમાં કાષ્ટની ચારેય મૂર્તિમાં પ્રભુનો વાસ અને મહિમા

શ્રીલક્ષ્મીજી કહે : યમરાજ, જગન્નાથપુરીની યાત્રાનું ફળ કહું તે સાંભળો. આ જગતનો પ્રલય થાય તો પણ હું જેમ પુરુષોત્તમ નારાયણના વક્ષ સ્થળમાં વાસ કરું છું. તેમ હું આ પુરુષોત્તમ ક્ષેત્રને પુરુષોત્તમ નારાયણના હૃદયમાં દેખું છું. એકવાર સમુદ્ર કાંઠે દિવ્ય વડવૃક્ષ નીચે ચર્તુભુજ રમણિય સોળ વર્ષના હસતા બોલતા શ્રીહરિ માર્કન્ડેય મુનિને કહેતા હતા કે, હે મુનિ, આ વડ પાસે આવો તે વડ પાણીથી ભીંજાતો નહતો. અગ્નિથી બળતો ન હતો. એવા દિવ્યવડ અને ક્ષેત્રને જોઇને માર્કન્ડેય મુનિ આશ્ચર્ય પામ્યા. અરે અરે, અત્યારે પૃથ્વીનો પ્રલય થયો. ચારેકોર સમુદ્રનું પાણી છે અને આ પુરુષોત્તમ ક્ષેત્ર અને વડ સ્થિર કેમ રહ્યા. અને મહા વાવાઝોડામાં આ વડનું પાદડું પણ કેમ નથી હલતું ? એમ ચિંતન કરતા માર્કન્ડેય મુનિએ પ્રભુ પાસે સ્તુતિ કરી કે, હે કૃપાસાગર, અક્ષરધામ, અમૃતધામ, ગૌલોક, વૈકુંઠ વગેરે સર્વે ધામોમાં રહેલા એવા હે, પ્રભુ તમને વારંવાર નમસ્કાર. જેવી રીતે તમારી સેવામાં આ લક્ષ્મી રહ્યા છે. તેવી રીતે મને અહીં રાખી તમારી સેવા આપો. માર્કન્ડેય મુનિની સ્તુતિ સાંભળી પ્રસન્ન થયેલા પ્રભુ મુનિને કહે : મેં તમને આ વડપુરી ક્ષેત્ર દેખાડ્યું. અહીં તમે આશ્રમ પર્ણશાલા બાંધીને રહેજો. તમારે નિમીતે હું અહીં વાસ કરીશ. માર્કન્ડેય મુનિ પરમેશ્વરની આજ્ઞા સાંભળીને વડ નીચે પર્ણશાલા બાંધી. તેમાં શ્રીહરિને અંદર બેઠેલા જોયાને એક ક્ષણમાં શ્રીહરિની મૂર્તિમાં લીન થયા. અને મૂર્તિમાં કરોડો બ્રહ્માંડો જોયા. એક બ્રહ્માંડમાં ચૌદલોક, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, લોકપાલો, દિકપાલો, સિદ્ધો, ગાંધર્વો, દૈત્યો, રાક્ષસો, દેવો, માનવો, પિતૃઓ, પર્વતો, સાગરો, પૃથ્વીના આધાર રૂપે રહેલ શેષ, કચ્છપ, જલ, તેલ, વાયુ, આકાશ, ચીદાકાશ, તેજ, વૈકુંઠ, ગોલોક, દિવ્યપ્રકાશમાં અક્ષરધામ દેખાયું. ત્યાં પોતે માર્કન્ડેય મુનિએ બનાવેલી પર્ણશાલામાં લક્ષ્મીપતિ અનાદિશ્રીકૃષ્ણનારાયણને જોયા. પોતાને જોયા, નીલ પર્વતને જોયો. દિવ્ય સમુદ્ર અને પુરુષોત્તમ પુરી જોઇ. ફરી પ્રભુની ઈચ્છાથી એક ક્ષણમાં પહેલાંની જેમ પોતાના હૃદયમાં શ્રીહરિને લક્ષ્મીયુક્ત પર્ણશાલામાં બેઠેલા જોયા. તેથી અતિ આશ્ચર્ય પામી સ્તુતિ કરી કહેવા લાગ્યા કે, હે પુરુષોત્તમ નારાયણ તમે મને આ અદ્ભુત આશ્ચર્ય કેમ બતાવ્યું ?

શ્રીહરિ કહે, પૃથ્વી પર મેં મારું બીજું ધામ વડ સાથે પુરુષોત્તમ પુરી જગન્નાથ નામથી સ્થાપન કરેલ છે. અને તે મારું અક્ષરધામ છો. તે મેં તને દેખાડ્યું. મને પુરુષોત્તમ જાણી આ ક્ષેત્રમાં પ્રવેશ કરે છે તે શુદ્ધ આત્મા મારા ધામને પામે છે. શ્રીહરિનું આવું કૃપા વાક્ય સાંભળી માર્કન્ડેય મુનિએ ત્યાં વાસ કર્યો અને પ્રભુને કહ્યું કે, હું ક્યારેય પણ મૃત્યુને વશ ન થાઉં તેવી કૃપા કરો. તે સમયે યમરાજ ત્યાં આવીને કહે કે, મુનિ હું પણ તમારી સાથે તથા અનાદિશ્રીકૃષ્ણનારાયણ અને શ્રીલક્ષ્મી સાથે અહીં વાસ કરીશ. પ્રલયને અંતે અને ફરી સૃષ્ટિમાં પણ હું અહીં સદાવાસ કરીશ. આ પર્ણનગરી પુરુષોત્તમ પુરી, જગન્નાથપુરી નામે પ્રસિદ્ધ થશે. એમ કહી પુરુષોત્તમ નારાયણ અદૃશ્ય થયા.

માર્કન્ડેય મુનિએ તે દિવ્ય વડ નીચે પર્ણશાલા કરી વાસ કર્યો. અને તપ કરી મૃત્યુને જીત્યો. ત્યાં માર્કન્ડેય આશ્રમ છે. પાંચ ગાઉમાં તે તીર્થક્ષેત્ર થયેલું છે. તે હું અનાદિશ્રીકૃષ્ણનારાયણ સર્વ તિર્થોમાં મારી અનંત લક્ષ્મીઓ સાથે વાસ કરું છું. હું પૂર્વમાં લક્ષ્મી સાથે જગન્નાથરૂપે રહું છું. પશ્ચિમમાં દ્વારિકામાં પ્રભા સાથે રહું છું. ઉત્તરમાં માણિકી સાથે નારાયણરૂપે રહું છું. દક્ષિણમાં પાર્વતી સાથે જર્નાદનરૂપે રહું છું. સાડા ત્રણ કરોડ તિર્થોનો રાજા પુરુષોત્તમ પુરી છે. તેથી તેને તીર્થરાજ કહેવાય છે. ત્યાં દિવ્ય રોહિણી કુંડમાં જે સ્નાન કરશે તે નરનારી નારાયણ સમાન થાય છે. અહીં વાસ કરનારા દેહધારીઓ મોક્ષના અધિકારી થાય છે. માટે હે યમરાજ, હે બ્રહ્મા, તમે આ સ્થાનમાં ધર્મકર્મની ચિંતા કરતા નહીં. એવી રીતે લક્ષ્મીએ યમરાજને કહ્યું. તે પુરુષોત્તમ પુરીમાં નૃસિંહ તથા શંકરનો પણ સદાવાસ હોવાથી મંત્ર બોધનો ઉપદેશ થયા કરે છે. તથા મંગલા, વિમલા સર્વ મંગલા, અંબીકા, કાળ, રાગી, ચંડરૂપા, મરી, ચીકા, વૈષ્ણવી વગેરે આઠ પ્રભુની દાસીઓ તેના દર્શનથી અશ્વમેઘ યજ્ઞ ફળ થાય છે. શંકર પણ “ૐ અનાદિશ્રીકૃષ્ણનારાયણ સ્વામીને સ્વાહા” એ મંત્રનો જપ કરતા, તપ કરતા પ્રભુને પ્રાર્થના કરે છે કે, હે પ્રભુ, હું તમારું ભજન કરતો સદા અહીં વાસ કરું. તેથી પુરુષોત્તમનારાયણે પ્રસન્ન થઇને શંકરની આઠ સ્વરૂપે પુરુષોત્તમપુરીમાં સ્થાપના કરી. ક્ષેત્રપાલેશ્વર, કપાલમોચનેસ ક્ષેત્ર, યેશયમેશ્વર, માર્કન્ડેય ઈશાન, બીલવેશ, નીલકંઠેશ, વેકંટેશ. લક્ષ્મીનાં મુખેથી પુરુષોત્તમ પુરીનો મહિમાં સાંભળી યમરાજ શ્રીહરિનું ભજન કરતા યમપુરીમાં ગયા. પછી શ્રીહરિ બ્રહ્માને કહે, અહીં ઈન્દ્રદ્યુમ્ન રાજા આવી પ્રભુની પ્રસન્નતા માટે હજારો યજ્ઞ કરશે. ત્યારે શ્રીહરિ કૃપા કરી એક લાકડામાંથી ચાર સ્વરૂપ વિશ્વકર્મા પાસે મૂર્તિ ઘડાવશે અને ઈન્દ્રદ્યુમ્ન રાજા પાસે તમારા હાથે પુરુષોત્તમની પ્રતિષ્ઠા કરાવશે. પછી બ્રહ્મા શ્રીહરિનું અને લક્ષ્મીનું પૂજન કરી સત્યલોકમાં ગયા.

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, ચર્મચક્ષુવાળાને મારી મૂર્તિ કાષ્ટ સમાન લાગશે અને દિવ્ય દૃષ્ટિવાળાને દિવ્ય દેખાશે. તે ચાર સ્વરૂપે હું જગન્નાથ, સંકર્ષણ, સુભદ્રા અને સુદર્શન ચક્રરૂપે મૂર્તિમાં રહું છું. તે હું પરબ્રહ્મ પોતે મોક્ષ આપનારો મૂર્તિમાં સદાવાસ કરું છું. શ્રીનારાયણ કહે : ત્યાં દર્શન કરનારાના દોષને નહીં જોઇને હજારો અપરાધોને માફ કરી થોડી ભક્તિ હશે તો પણ હું ધામમાં લઇ જઇશ. એમ કહી પ્રભુ વિરામ પામ્યા.