લક્ષ્મીનારાયણના વૈકુંઠધામનું વર્ણન
આ અધ્યાય 123–126 સંયુક્ત છે
ગોલોક ધામનું વર્ણન સાંભળી પાર્વતી અતિ હર્ષ પામ્યા, અને કહ્યું હવે મને વૈકુંઠધામની કથા કહો. શંકર કહે : હે દેવી, જેવી રીતે અક્ષરબ્રહ્મની સીમામાં ગોલોકધામ છે તેવી જ રીતે લક્ષ્મીનારાયણ માટે મહાવૈકુંઠ ધામની રચના અક્ષરધામના સીમપ્રદેશમાં જ કરેલી છે. શ્રીહરિના ભક્તોને શ્રીહરિના રસ વિના બીજા સર્વે રસો ખોટા અને ખારા લાગે છે. મહા વૈકુંઠધામમાં પણ માયાના વિકારથી રહિત દિવ્ય ભોગ, મહેલો, બાગ-બગીચા, સર્વે દિવ્ય છે. નારાયણની મૂર્તિમાં આનંદવાળા તે ભક્તો સંકલ્પ પ્રમાણે ભગવાનની મૂર્તિના સુખ લ્યે છે. ત્યાં સરયુ નદી બ્રહ્મરસથી ભરેલી છે. નિત્ય આનંદ આપનારી થાય છે. હીરામોતી, રત્નો, માણેકથી શોભતાં મહેલો, કલ્પવૃક્ષ, પારીજાત અનેક પ્રકારના ફળફૂલ આપનારા વૃક્ષો, ભગવાનના અવતારોના યોગથી પ્રસંગથી તે ભક્તો, મુક્તો તે વૃક્ષરૂપે, ફળરૂપે, ફૂલરૂપે, હંસ-પક્ષીરૂપે થાય છે અને લક્ષ્મીનારાયણની સેવા કરે છે. તે સાકેતધામ પણ કહેવાય છે, ત્યાં કરોડો મહેલો છે. અબજો ભક્તો રહેલા છે. વૈષ્ણવ-વૈષ્ણવી, રમા - રામા નામથી પ્રસિદ્ધ છે. ત્યાં સર્વે બાર વર્ષની અવસ્થાવાળા દિવ્ય ભક્તો ભગવાનનું સુખ લ્યે છે.
મહા વૈકુંઠમાં સાકેત નગરીના મહેલનો રાજમાર્ગ એક કરોડ યોજન લાંબો છે. ત્યાં બંને બાજુ વૃક્ષ, વાવ, કુવા, તળાવ, ધર્મશાળા, શાંતિશાળા, બ્રહ્મપનસ, લક્ષ્મીપનસ વૃક્ષો શોભે છે તથા નારાયણસમાન રૂપવાળા ચતુર્ભુજ વૈષ્ણવો તથા ચતુર્ભુજ લક્ષ્મી સમાન રૂપવાળી વૈષ્ણવીઓ બાર વર્ષની તે પચાસ કરોડ બ્રહ્મ પ્રિયાઓ લક્ષ્મીનારાયણના દિવ્ય અલૌકિક દર્શન કરે છે. જે સ્ત્રી-પુરુષો લક્ષ્મીનારાયણની ભક્તિ પરાયણ થયેલા હોય તે મહાવૈકુંઠમાં લક્ષ્મીનારાયણની સેવામાં રહે છે. તે મહા વૈકુંઠધામમાં પણ સાત વ્યૂહની રચના છે. એક વ્યૂહમાં કરોડો, અબજો વૈષ્ણવો રહેલા છે. ત્યાં પણ કલ્પવૃક્ષની સમાન સંકલ્પ પ્રમાણે સર્વે સેવા થાય છે.
સાત વ્યૂહની અંદર આઠ દરવાજા ત્યાં અંદર રમા આદિ દાસીઓના આઠ મહેલો તે અયોધ્યા નગરીમાં રહેલા છે. તેમાં મહાલક્ષ્મીનો મહેલ અનંત શોભાથી યુક્ત છે. ત્યાં રહેલા સર્વે ભક્તો નારાયણ પરાયણ એક નારાયણમાં જ પ્રેમવાળા નારાયણના જ દર્શન કરનારા છે. એક નારાયણને જ પતિ ભાવે ભજનારા છે.
સૂર્ય-ચંદ્ર સમાન તેજસ્વી આઠ પાંખડીવાળા કમળના દિવ્ય સિંહાસનમાં બેઠેલા મહાલક્ષ્મી નારાયણની પૂજા કરવા અનંત વૈષ્ણવો-વૈષ્ણવીઓ ભક્ષ્ય, ભોજ્ય, લેહ્ય, ચોસ્ય વગેરે ખાદ્ય પદાર્થો તથા પૂજાની સામગ્રી લઇને હંમેશા પૂજા કરવા આવે છે. સુવર્ણના મુગટ-કુંડળો, બુટિયા, ચેન, કંઠી, હાર, બાજુબંધ, કડા, પોચી, વેઢ, વીંટી, કંદોરો, તોડાં વગેરે સુવર્ણના વસ્ત્ર અલંકારો ધારણ કરાવીને કેશર-ચંદન, અબીલ-ગુલાલ, કંકુથી પૂજા કરી આરતી ઉતારી લક્ષ્મીનારાયણ ભગવાનનું અનંત સુખ લ્યે છે. ત્યાં નંદસુનંદ, ચંડ પ્રચંડ, ગરૂડ, વિશ્વકસેન, બલ-પ્રબલ, જય-વિજય વગેરે ભક્ત પાર્ષદો મુખ્ય છે. તથા ડાબી બાજુ ધરણી લીલા યોગી વિમલા-સગુણા, જ્ઞાના-પદમા, જયા, પાંચાલી, ભાર્ગવી, લલીતા, રમા, પાર્વતી, પ્રભા, માણિકી, લક્ષ્મી, મંજુલા, ઊર્જા, ધનેશ્વરી, દીપાવલી, પ્રેમી, દેવાંશી દેવી, શુભાબાલેશ્વરી, ઓજસ્વતી, કાંતા, શાંતા, ચતુરા, હંસા, અમૃતા, મુલીકા, કસ્તુરીકા, સાવિત્રી, મૌકતી, કેશરી, જયદા, ઇશ્વરી, ભાગુલી, નંદા, દમયંતિ, રત્ના, પુષ્કરા, નિર્મલામણિ, રલીયંતી, ચંપા, દયા, રમા, જયેશ્વરી, પાનેશ્વરી, સવિતા, પ્રભા, શાંતિ, સુખકરી વગેરે નારાયણની પટરાણીઓ પૂજાની સામગ્રી લઇને પતિ નારાયણની પૂજા કરે છે તથા પ્રભુ મૂર્તિનું સુખ લ્યે છે.