ભાગ · અધ્યાય ૨૪૨

માઘ વદની ષટ્તીલા એકાદશી - કપિલા બ્રાહ્મણીની કથા

શ્રીનારાયણ કહે : હે લક્ષ્મી, માઘ વદની ષટ્તીલા એકાદશીનો વ્રતવિધિ કહું છું. લક્ષ્મી સહિત વાસુદેવનું ષોડ્શોપચાર પૂજન કરી મેથીના લાડુ અડદીયા વગેરે નૈવેદ્ય ધરી આરતી ઉતારી સ્તુતિ કરવી. હે પ્રભુ, હે સ્વામિનારાયણ તમારી ભક્તિમાં મારું મન રહો.

પૂર્વે કપિલા બ્રાહ્મણી વિદ્યાવાળી ભક્તિવાળી તપસ્વી કુમારી હતી. આત્મજ્ઞાનવાળી હતી. પરંતુ અન્ન-જળનું દાન કોઇ દિવસ આપતી નહીં. એક વખત કપિલ ભગવાન સાધુરૂપે આવી ભિક્ષા માંગી, બ્રાહ્મણીએ ધ્યાન ન આપ્યું. સાધુએ બીજીવાર માગ્યું ત્યારે પાણીથી માટીનો પીંડો કરી આપ્યો પણ અન્ન આપ્યું નહીં. તે બ્રાહ્મણી ભક્તિવાળી હોવાથી દેહ મૂકી વૈકુંઠમાં ગઇ. માટીના દાનથી મહેલ મળ્યો પણ ભોજન ન મળ્યું. કપિલા કહે : મારે ભોજન વિના શું કરવું કેમ જીવવું ? વિષ્ણુ ભગવાન કહે : હમણા દેવીઓ આવશે તું દ્વાર બંધ કરી દેજે. ખોલવાનું કહે : ત્યારે તારે કહેવું, ષટતિલા એકાદશીનું પુણ્ય આપો તો દ્વાર ખોલું. દેવીઓ આવી. તેની પાસેથી ષટતિલા એકાદશીનું પુણ્ય માગ્યું તે પ્રતાપે મહેલમાં અન્નના ગંજ થયા. ષટતિલા એકાદશીએ તલચૂર્ણ શરીરે લગાવવા, તલથી સ્નાન કરવું, તલથી હોમ કરવો, તલ સાથે પાણી પીવું, તલ ખાવા, તલનું દાન કરવું, સ્નાન દાન પૂજનમાં કાળા તલ શ્રેષ્ટ છે. આ રીતે વ્રત કરવાથી વિદ્યાર્થી વિદ્યા પામે, ધનાર્થી ધન, પુત્રાર્થી પુત્ર, અન્નાર્થી અન્ન, સકામ ભાવે પણ વ્રત કરનારાના સર્વે સંકલ્પ પૂર્ણ થાય છે. નિષ્કામ ભાવે વ્રત કરનાર ઉપર પ્રભુની પ્રસન્નતા થાય છે. ભક્તિપૂર્વક વ્રત કરવાથી રાધા, રમા, દેવી સમાન ભક્ત થાય છે.