ભાગ · અધ્યાય ૪૪

શંકરની સોમનાથ નામે પ્રતિષ્ઠા

શ્રીનારાયણ કહે : દક્ષે ચંદ્રને બોલાવી બધી પત્નીઓ પ્રત્યે સરખો ભાવ રાખી પક્ષપાત ન કરવો વગેરે શિક્ષાના વચનો કહ્યા. ત્રણ, ચાર વાર કહ્યા છતાં ચંદ્ર માન્યો નહીં. ત્યારે દક્ષ પ્રજાપતિએ ચંદ્રને શાપ આપ્યો - ક્ષયરોગી થા, નપુંસક થા અને રોહિણીને શાપ આપ્યો તું રક્તસ્ત્રાવ રોગી થા. ચંદ્ર અતિ ક્ષીણ પડી ગયો. ત્યારે પશ્ચિમ સમુદ્ર કાંઠે સો વર્ષ તપ કર્યું. તે સમયે ચંદ્ર વિના સર્વે ઔષધીઓ પોષણ વિનાની થઇ ગઇ. ત્યારે બ્રહ્માએ શંકર પાસે જઇ વાત કરી. શંકર ચંદ્ર પાસે આવ્યા. દર્શન આપી કહ્યું, શું ઈચ્છા છે ? ચંદ્રે કહ્યું, બે વરદાન આપો. એક મારો રોગનાશ કરો, બીજું મેં તપ કર્યું ત્યાં તમે મારા નામથી અહીં વાસ કરો. ત્યારે શંકરે તથાસ્તુ કહી બ્રહ્મા વગેરે દેવો ઋષિ-મુનિઓને બોલાવ્યા. બ્રહ્માએ યજ્ઞ કરાવીને શંકરની સોમનાથ નામે પ્રતિષ્ઠા પત્નીવ્રત બ્રાહ્મણ પાસે કરાવી. જે પત્નીવ્રત બ્રાહ્મણને અનાદિશ્રીકૃષ્ણનારાયણે પોતે પોતાની મૂર્તીમાંથી પ્રગટ કરીને નારાયણના અવતાર સમાન પૃથ્વીમાં ધર્મસ્થાપન માટે કુંકુમવાપી ક્ષેત્રમાં રાખ્યા.