જીવાત્મા કેવા કર્મથી સ્વર્ગ-નરક, જન્મ અને કયા ધામને પામે ?
આ અધ્યાય 368–369 સંયુક્ત છે
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, સાવિત્રી યમરાજને કહે : મારા પતિને મૂકીને અને તમારા જેવા જ્ઞાની ગુરુને મૂકીને ક્યાં જાઉં ? પ્રભુ મને પૂછવાની જીજ્ઞાસા થાય છે. જીવ કેવા કર્મ કરીને કેવી યોનિને પામે છે. ક્યા કર્મથી સ્વર્ગ અને નરકમાં જાય છે. અને કેવા કર્મથી મુક્તિ થાય છે ? યમરાજ કહે : તું જ્ઞાનમાં બ્રહ્માની પત્ની સાવિત્રીરૂપે અશ્વપતિ રાજાને ત્યાં જન્મી છો. પૂર્વે થયેલી અનેક પતિવ્રતાઓ સમાન તું છો. મૂર્તિ દેવહુતિ, અહલ્યા, અરુંધતી જેવી છો. સૂર્યની સંજ્ઞા અનાદી શ્રીકૃષ્ણનારાયણની માણિકી, પાર્વતી, પ્રભા સમાન તું છો. તેથી હું પ્રસન્ન થયો છું. વરદાન માંગ. સાવિત્રી કહે : સત્યવાનથી મારે સો પુત્રો થાય. મારા સસરા અંધ છે. તે દેખતા થાય અને રાજ્ય મળે. મારે સો ભાઇઓ થાય. અંતે શ્રીહરિના ધામમાં જાઉ. આ વરદાન આપો.
યમરાજ કહે : સાવિત્રી, તે જે માંગ્યું તે સર્વે સત્ય થશે. યમરાજ કહે : તે પ્રશ્ન પૂછ્યા. તેના જવાબ સાંભળ. પૃથ્વીમાં મનુષ્ય શુભ-અશુભ કર્મ કરે છે તે આ લોકમાં જ ભોગવે છે તે દેવો, દૈત્યો, દાનવો, રાક્ષસો અને મનુષ્યો તે સર્વેનું જીવન સમાન નથી. શુભકર્મથી સ્વર્ગ, અશુભ કર્મથી નરક, રાજસ કર્મથી મનુષ્ય થાય છે. સાત્વિક પુણ્યથી દેવતા થાય છે. તામસી કર્મથી રાક્ષસ, પિશાચ, ભૂતપ્રેત, પશુ-પક્ષી, વૃક્ષવેલી, કીટ-જંતુ વગેરે ચોરાસી હજાર ખાણમાં અનેક દુ:ખોને ભોગવે છે. કુકર્મથી રોગી થાય છે. શુભકર્મથી નીરોગી રહે છે. બીજાના નેત્રને નાશ કરનારો અંધ અને કાણો થાય છે. નિંદા સાંભળનારો બેરો થાય છે. બીજાને દુ:ખ આપનારો ગાંડો થાય છે. બીજાનું દ્રવ્ય હરનારો દરિદ્ર થાય છે. અપમાન તિરસ્કાર કરનારો મુર્ખ થાય. ઘાતકીને ભોગ, સંપત્તિ ન મળે. ઋણીને જન્મ લેવો પડે. દાનથી સ્વર્ગને મેળવે છે. તપવ્રતથી સિદ્ધિ પ્રાપ્ત કરે છે. વિષ્ણુ ભક્તિથી વૈકુંઠ પ્રાપ્તી થાય છે. કૃષ્ણ ભક્તિથી ગોલોક ધામની પ્રાપ્તી થાય છે. શ્રીહરિની કૃપાથી ચાર પ્રકારની મુક્તિ મેળવે છે.
હે સાવિત્રી, કર્મો અસંખ્ય છે. પાપીઓ અસંખ્ય છે. નરકો અસંખ્ય છે. બીજાને દુ:ખ આપે છે તેને દુ:ખ આવે છે. મનુષ્ય જન્મમાં વિપ્ર, સાધુ, સાધ્વી શ્રેષ્ઠ છે. તે સર્વે સકામ કર્મયોગી ભક્તિવાળા ભક્ત કુટુંબમાં જન્મ લ્યે છે. નિષ્કામ ભક્તિવાળા બ્રહ્મ મુક્તને આવવું પડતું નથી. તીર્થમાં રહેલા તપસ્વી સત્યલોકમાં જાય છે. કન્યાદાન કરનારો ચંદ્રલોકમાં જાય. ગાય, ચાંદી, વસ્ત્ર, ફળ, જળના દાનથી સ્વર્ગમાં જાય. સોનાના દાનથી સૂર્યલોકમાં જાય. ભૂમિદાનથી શ્વેતદ્વિપમાં જાય. જે જે દેવને દાન કરે તે તે દેવના લોકને પામે. પીપળો વાવનારો જનલોકમાં જાય. પુષ્પનો ફળનો બગીચો દાનમાં આપનારો વિષ્ણુલોકમાં જાય. હિંડોળો, પારણું દાન કરનારો વિષ્ણુલોકમાં જાય, રાજમાર્ગ, મહેલ સુધારે તે ઇન્દ્રલોકમાં જાય. આ લોકમાં જે આપે છે, દાન કરે છે તેને પરલોકમાં મળે છે, દાન આપ્યા વિના કાંઇ મળતું નથી. દાન કરેલું વ્યર્થ જતું નથી. સત્યવ્રત પ્રમાણે રહેવું.
અન્નદાન કરનારો સ્વર્ગમાં જાય. દેવ-વિપ્રને આસન આપનારો અગ્નિલોકમાં જાય. દેવ, વિપ્રને ગૌદાન કરે તો વૈકુંઠ, ગોલોકમાં યુગો સુધી વાસ કરે. વિંયાતી ગાય, ઉભયમુખીનું દાન કરે તો ગાયના રોમ તેટલા યુગો સુધી વૈકુંઠમાં વાસ કરે. છત્રના દાનથી વરૂણલોકમાં જાય. પાદુકા આપવાથી વાયુલોકમાં જાય. શય્યા આપનારો ચંદ્રલોકમાં, ઘી, તેલ દાન કરનારો, મંદિરમાં દીપદાન કરનારો એક મન્વંતર સત્યલોકમાં વાસ કરે. હાથીનું દાન કરનારો ઇન્દ્રના અર્ધ આસને બેસે. અશ્વદાનથી વરૂણ લોકમાં જાય. શિબિકા વાહનદાનથી વિષ્ણુલોકમાં જાય. ચામર વ્યંજન દેનારો વાયુલોકમાં જાય. દ્રવ્ય ગૃહદાન કરનારો કુબેરના લોકમાં જાય. ખેતરવાડી દેનારો સો મનુ સુધી વિષ્ણુના લોકમાં વાસ કરી પૃથ્વીમાં ધન, સ્ત્રી, પુત્રવાળો થાય. ગામ મંદિરમાં આપે તો લાખ મનુ સુધી વૈકુંઠમાં વાસ કરે. સર્વે તપ, સર્વે ઉપવાસ કરનારો, સર્વસ્વ દાન કરનારો, સર્વે સિદ્ધિવાળો થઇને વૈકુંઠમાં, ગોલોકમાં અક્ષરમાં અને પરમધામમાં જાય છે. તેની પુનરાવૃત્તિ થતી નથી. શ્રીહરિના મંત્રનો સતત જપ કરનારો મનુષ્ય શરીર તજી દિવ્ય શ્રીહરિ સમાન થઇને શ્રીહરિના ચરણને પામે છે. કૃષ્ણ-ભક્તો ગોલોકમાં કૃષ્ણ સમાન થાય છે. વૈષ્ણવો વૈકુંઠમાં નારાયણ સમાન થાય છે. દેવો, ઇશ્વરો, સિદ્ધો, બ્રહ્માંડો સર્વેનો લય થાય છે. પણ શ્રીહરિના ભક્તોનો લય થતો નથી. કાર્તિકમાં શ્રીહરિને જેટલા તુલસીપત્ર અર્પણ કરે તેટલા યુગ શ્રીહરિ પાસે વાસ કરે છે. કાર્તિકમાં દીપ દાન કરે તે શ્રીહરિ પાસે વાસ કરે. વૈશાખમાં પાણીનું પરબ બાંધી શ્રીહરિને ચંદન આપે છે તથા સાથવો આપે તે વૈકુંઠમાં વાસ કરે છે. કૃષ્ણ જન્માષ્ટમીથી વ્રત કરનારો સો જન્મના પાપથી શુદ્ધ થઇને ગોલોકમાં વાસ કરે છે.
અનાદિશ્રીકૃષ્ણનારાયણની અષ્ટમીનું વ્રતપૂજન કરનારો શ્રીહરિના ધામને પામે છે. શિવરાત્રિનું વ્રત કરનારો કૈલાસમાં જાય. રામનવમીનું વ્રત કરનારો સાત મનુ સુધી રામધામમાં વાસ કરી રામભક્ત થઇને વૈકુંઠને પામે. શરદપૂનમે શ્રીહરિની શંકરની ષોડ્શોપચારથી પૂજા કરવી, નૈવેધ ધરી, આરતી કરી, ગીત વાજિંત્ર સાથે નૃત્યરાસ કરનારો સાત મન્વંતર સુધી ધામમાં વાસ કરે છે. ભાદરવા સુદ આઠમે મહાલક્ષ્મીની પૂજા કરનારો વૈકુંઠમાં વાસ કરે. શરદપૂનમે રાધા-કૃષ્ણની પૂજા કરનારો ગોલોકમાં જાય. એકાદશીવ્રત કરનારો બ્રહ્માની આયુષ્ય સુધી વૈકુંઠમાં વાસ કરી હરિભક્ત થઇ વૈકુંઠમાં વાસ કરે. જેઠ સુદ-ચૌદશે સાવિત્રીની પૂજા કરનારો સાત મનુ સુધી સત્યલોકમાં વાસ કરે છે. ગાય, સુવર્ણનું દાન કરનારો વૈકુંઠમાં વાસ કરે છે. જે શ્રીહરિના એક કરોડ નામ જપ કરે છે તે જીવનમુક્ત થાય છે. શાલિગ્રામની પૂજા કરીને પ્રસાદ જમનારો વૈકુંઠને પામે છે. સર્વે યજ્ઞોમાં શ્રેષ્ટ વિષ્ણુયજ્ઞ કરનારો મુક્ત થાય છે. અને જ્ઞાન અને તેજ વડે વિષ્ણુતુલ્ય થાય છે. યમરાજ કહે : હે સાવિત્રી મુક્તિ આપનારી અનાદિશ્રીકૃષ્ણનારાયણના ચરણકમળની સેવા, તેની કથા, તેનું ધ્યાન પૂજન, કિર્તન, ભજન, સ્તોત્ર, સ્મરણ, વંદન, જપ, તેનું ચરણામૃત, તેનો પ્રસાદ, ભોજન ગ્રહણ કરવું. હે સાવિત્રી - લે તારા પતિને ગ્રહણ કર અને તારે ઘરે જા એમ કહી યમરાજ મૌન થયા.