નર્મદાકાંઠે પિતૃશ્રાદ્ધ મહિમા - નારાયણી દ્વારા મહિષાસુરનો વધ
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, પૂર્વે સત્યુગમાં સૂર્યવંશી મનુરાજા સાકેત નગરીમાં રાજ્ય કરતો હતો. સરીયુ નદી કાંઠે તે સાકેતનગરી સો યોજનના વિસ્તારવાળી હતી. એકવાર રાજાએ વશિષ્ઠ ઋષિને પૂછ્યું, યજ્ઞ કરવા માટે સારું સ્થાન બતાવો. વશિષ્ટ ઋષિએ ઋક્ષપર્વતની તળેટીમાં, રેવા નદી કાંઠે યજ્ઞ કરવાની આજ્ઞા કરી. મનુ રાજાએ અશ્વમેઘયજ્ઞ કરી. બ્રાહ્મણોને ભોજન કરાવી. પૃથ્વી દાન, સુવર્ણના દાન આપ્યા અને અવભૃથ સ્નાન કરી રેવા નદીની સ્તુતિ કરી કે, હે સર્વનું પાપ નષ્ટ કરનારી, કલ્યાણ કરનારી, પિતૃઓનો ઉદ્ધાર કરનારી માતા તમને અનંત વાર પ્રણામ. રેવા પ્રસન્ન થઇ કહે, વરદાન માંગ. રાજા કહે, તમે સરિયુ નદીમાં વાસ કરો. રેવા કહે, તથાસ્તું. એમ કહી રેવાએ સરિયુ નદી કુંડમાં નિવાસ કર્યો. પછી વિષ્ણુ ભગવાનને સરિયુના બ્રહ્મકુંડમાં વાસ કર્યો માટે ત્યાં સ્નાન કરવાથી મોક્ષ મળે છે.
પૂર્વે કન્યાપુરમાં હરિકેશ નામે રાજા હતો તેણે તુંગભદ્રા નદી કાંઠે ઘણા યજ્ઞો કર્યાં. એકવાર યજ્ઞ કરતા અગ્નિ કુંડમાંથી જ્વાળા નીકળીને મંડપને બાળી દીધો તથા કેટલાક બ્રાહ્મણો પણ બળી ગયા. રાજાએ સર્વનું પ્રાયશ્ચિત કેમ થાય ? એમ વિદ્વાન બ્રાહ્મણોને પૂછ્યું, બ્રાહ્મણોએ કહ્યું, સર્વ તીર્થમાં સ્નાન કરી. ગાયનું દાન કરીને પછી નર્મદા નદી કાંઠે યજ્ઞ કરજો. એ પ્રમાણે હરિકેશ રાજાએ નર્મદા કાંઠે વૈષ્ણવ યજ્ઞ કરી અનેક દાન આપી પિતૃતર્પણ કર્યું તથા મરેલાનું શ્રાદ્ધ તર્પણ કર્યું. તે સર્વે પિતૃઓ દિવ્ય વિમાનમાં બેસી વૈકુંઠ ધામમાં ગયા. એ રીતે નર્મદામાં સ્નાન, દાન, પિતૃતર્પણ કરવાથી અનંતગણુ ફળ થાય છે. તેમજ અંતે પ્રભુના ધામમાં વાસ મળે છે. રેવા નદી કાંઠે જમદગ્નિઋષિએ તપથી શંકરને પ્રસન્ન કરેલા છે તેથી પ્રભુએ પ્રસન્ન થઈ જમદગ્નિ ઋષિ માટે ગોલોકથી ગાય મોકલી. તે ગાયને પ્રતાપે જમદગ્નિ ઋષિની પ્રસિદ્ધિ ત્રિલોકમાં પ્રસરી ગઇ. પછી જમદગ્નિઋષિએ મહિષ્મતિ નગરીના અરણ્યમાં વાસ કર્યો.
એકવાર વિપ્રચિતિ દૈત્યની કન્યા ભેંસનું રૂપ લઈને તપસ્વી ઋષિઓને ભય આપવા લાગી. સર્વે ઋષિઓએ શાપ આપ્યો કે, તને પાડારૂપ પુત્ર થશે. ત્યારે તારી બુદ્ધિ સ્થાને આવશે. પછી તેણે નર્મદાકાંઠે વાસ કરી પાણી પીધું ત્યાં મહિષાસુર પુત્રરૂપે જન્મ્યો. તે સર્વે ઋષિઓને ત્રાસ આપતો હોવાથી નારાયણી મહાશક્તિએ જમદગ્નિના આશ્રમ પાસે તે અસુરનો નાશ કરી સર્વ ઋષિઓને નિર્ભય કર્યા.