ભાગ · અધ્યાય ૨૭૫

દશમની તિથીએ કોનું પૂજન કરવું ?

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, ચૈત્ર દશમે ધર્મરાજનું પૂજન કરી. સાધુ-બ્રાહ્મણોને જમાડવા. વૈશાખી દશમે વિષ્ણુપૂજા કરવી. જેઠ દશમે ગંગા પૃથ્વી પર આવ્યા તેથી ગંગાપૂજા કરવી, અષાઢ દશમે આદ્ય મનુ રાજા થયા તેથી પૂજા કરવી. શ્રાવણ દશમે શિવપૂજન કરવું. ભાદરવા દશમે મત્સ્ય, કુર્મ, વરાહ, નરસિંહ, વામન, રામકૃષ્ણ, પરશુરામ, બુદ્ધ અને કલ્કિ. આ દશ અવતારોનું પૂજન કરવું. આશ્વિની દશમે આંગણામાં ગાયના છાણના ચાર પિંડા મૂકી વચ્ચે આયુધોવાળા ચતુર્વ્યુનું પૂજન કરવું. બપોર પછી શમી પૂજન કરવું. તે સર્વે કાર્યોમાં વિજય અપાવનારું છે. કાર્તિક દશમે દશે દિશાના દેવને બલિ આપી પ્રાર્થના કરવી. જે દિશાના મારા પાપ હોય તે દિશાના દેવ પાપને નાશ કરો અને મારું રક્ષણ કરો. માગશર દશમે રોગને નાશ કરાવનારા અશ્વિનીકુમાર તથા ધન્વંતરી ભગવાનની પૂજા કરવી. પોષ દશમે યજ્ઞના વિશ્વદેવોનું પૂજન કરવું. માઘ દશમે અંગરાઋષિની પૂજા કરવી. ફાગણ દશમે યમરાજનું પૂજન કરી, સાધુ-બ્રાહ્મણોને જમાડવા અને દાન આપવા.