કામદંડ - માર્કન્ડેય - યાદવાસ્થલી - નંદી - ત્રીતતીર્થ મહાત્મ્ય
આ અધ્યાય 539–540 સંયુક્ત છે
શંકર કહે : પાર્વતી, સોમનાથ પ્રભાસની ચારેય બાજુ યમ, વરૂણ, કુબેર અને ઈન્દ્ર રહેલા છે. તથા જ્યાં શંકરે કામદેવને સજીવન કર્યો તે કૃતસ્મર પર્વતમાં કામદંડતીર્થ છે. તેમાં તેરસે સ્નાન કરવાથી રૂપવાળા થવાય છે. પ્રભાસમાં રહેલા સરસ્વતી તીર્થમાં અસ્થિ વિસર્જનથી પિતૃ આઠ હજાર વર્ષ સુધી સ્વર્ગમાં વાસ કરે છે. તથા ત્યાં શ્રાદ્ધ કરવાથી રાજસૂય યજ્ઞફળ થાય છે.
શ્રાદ્ધમાં ત્રણ વસ્તુ પવિત્ર ગણાય છે. દાભડો, કાળા તલ અને ડાંગર. શ્રાદ્ધમાં વેદ ભણેલા ભાગવત ભક્ત વિપ્રને ગાયદાનમાં આપવી. ત્યાંથી માર્કન્ડેય તીર્થમાં જવું. ત્યાં મુનિએ તપ કરેલું છે. ત્યાંથી કૃષ્ણ યાદવાસ્થલી તીર્થમાં જવું. ત્યાં પૂર્વે અનેક ઋષિઓ આવેલા. ત્યાં વૃષાદર્ભી રાજા અનેક પ્રકારના દાન આપતો પણ ઋષિઓએ એ દાન ગ્રહણ ન કર્યાં. સર્વેએ કહ્યું, રાજાનું દાન ભારે હોવાથી તપરૂપી પુણ્યનો નાશ થાય છે તેથી કોઇએ દાન ગ્રહણ ન કર્યું. પછી રાજાએ રાજ્યમાં જઇ સુવર્ણનું દાન કર્યું.
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, પૂર્વે વશિષ્ટઋષિ પાસેથી નંદરાજા “ૐ શ્રીકૃષ્ણનારાયણ સ્વામીને નમ:” એ મંત્ર લઇને મહાનભક્ત થયેલો. નંદરાજા પ્રભુ કૃપાથી વિમાનમાં બેસી બ્રહ્માંડમાં ગતિ કરતો એકવાર માનસરોવર ગયો. ત્યાં રહેલા કમળને જોઇ મોહ પામ્યો. સારથીને કહ્યું, તે કમળ લઈ આવ. સારથી જ્યાં લેવા ગયો. ત્યાં મરી ગયો અને નંદરાજા કાળો થઈ ગયો તરત રાજાએ ગુરુ વશિષ્ટ ઋષિને સંભાર્યા. વશિષ્ટ ઋષિ આવ્યા. રાજાને પૂછ્યું, મારું આવું શરીર થયું તેનું કારણ શું ? વશિષ્ટ ઋષિ કહે, આ નારાયણની નાભીમાંથી નીકળેલા કમળો છે. તેમાં અંગુઠા જેવો પુરુષ છે. તે બ્રહ્મા છે. તારો સારથી કમળના અને પાણીના સ્પર્શથી મુક્તિને પામ્યો છે અને તેં કમળ લેવાની ઈચ્છા કરી તેથી તારો આવો વર્ણ થયો છે. હું રોજ અહીં આવી નમસ્કાર કરી પુષ્કર જાઉં છું. હવે તું અનાદિશ્રીકૃષ્ણનારાયણ જ્યાં વાસ કરે છે ત્યાં કુંકુમવાપી તીર્થમાં દર્શન કરી, પ્રભાસ તીર્થ કરજે. ત્યાં સ્નાન કરવાથી તારું શરીર હતું તેવું થઈ જશે. ત્યાં નંદી તીર્થ થયેલું છે. એકત, દ્વિત, ત્રીત ત્રણ વિપ્ર ભાઇઓમાં પહેલા બે ભાઇએ ત્રીતને કૂવામાં નાખી દીધો. ત્રીતે કુવામાં ભગવાનને સંભારીને જલ અર્પણ કરી દેવોને અંજલી આપી. તેથી દેવોએ પ્રસન્ન થઇને ત્રીતને કૂવામાંથી કાઢ્યો, તે ત્રીતતીર્થ થયેલું છે.