માટુલીએ પતિવ્રતાના પ્રભાવથી પતિ ભાલુકનો રોગ નાશ કર્યો
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, પૂર્વે ક્ષુદ્ર ભાલુક નામે હતો. તેની પત્ની માટુલી પતિવ્રતા હતી. ભાલુક વેશ્યા પાસે જતો. કમાયેલું ધન સર્વે વેશ્યાને આપી દેતો. છેલ્લે પત્નીના ઘરેણાં પણ વેશ્યાને આપી દીધા તો પણ પત્ની કંઇ ન બોલી. પછી ક્ષુદ્ર ભગંદરના રોગવાળો થયો ત્યારે તેને ઘણું દુ:ખ થયું અને પત્નીેને કહ્યું મેં તને ઘણું દુ:ખ આપ્યું છે. તારો તિરસ્કાર કર્યો છે. તેથી મને આ રોગ થયો છે. પત્ની કહે : પૂર્વે જે પાપ કર્યા હોય તે દુ:ખરૂપે આવે છે તેને જે સહન કરે તે વિદ્વાન. દુ:ખ ભોગવવાથી દુ:ખનો અંત આવશે એમ આશ્વાસન આપી પત્નીએ માતાજીની માનતા કરી. હું નવરાત્રિ રહીશ. તમારું પૂજન કરીશ, શ્રીફળ ધરીશ. પતિવ્રતાના પ્રભાવથી પતિનો રોગ મટી ગયો. થોડા વર્ષો રહી દેહ મૂકી દીધો. તેની પત્નીએ ચિતા ખડકી પતિના દેહ સાથે સૂતી અને પગમાંથી અગ્નિ પ્રગટ કરી પતિ સાથે દેહને બાળીને પતિ સાથે સ્વર્ગમાં ગઇ.
પૂર્વ સુમંતુ ઋષિએ પોતાની કન્યા કાષ્કિલાને કૌંડીન્ય બ્રાહ્મણને આપી. બેય ઘર સુખી હતા. એકવાર બ્રાહ્મણ રાજાને ત્યાં યજ્ઞમાં ગયો. ત્યાં ગણિકાઓને જોઇ. તેમાંથી બે ગણિકાને ઘેર લાવ્યો. થોડા સમયમાં સંપત્તિ ખલાસ. પત્નીને કહે : તારા ઘરેણા લાવ. પત્નીએ સર્વે આભૂષણો આપ્યા નહીં અને પિતાને ઘેર ચાલી ગઇ. પતિએ ઘરેણા વેશ્યામાં વાપરી નાખ્યા પછી એક વહાણ બનાવી સમુદ્રમાં ગયો. સમુદ્રમાં વહાણ ભાંગી ગયું. લાકડાંને આધારે બેટમાં ગયો. ત્યાં વૃક્ષ નીચે બેઠો. ત્યાં એક રાક્ષસ કાશી રાજાની પુત્રીનું હરણ કરી લાવ્યો. તેની પત્નીને કહે, એક મનુષ્ય વૃક્ષ નીચે બેઠો છે, તેને લઇ આવ ખાઇ જાઉ. તેની પત્ની બ્રાહ્મણ પાસે આવીને કહે : આ લે તલવાર તું રાક્ષસને મારી નાખજે. બ્રાહ્મણે તલવારથી રાક્ષસને મારી નાખ્યો. પછી તે રાક્ષસપત્ની ગુફામાંથી ધન લઇ આવી પોતે હાથણી બની બ્રાહ્મણ અને કન્યાને બેસાડીને આકાશ માર્ગે કાશીમાં ઉતરી. બ્રાહ્મણ અને કન્યા રાજા પાસે આવ્યા.
કન્યાએ પિતાને કહ્યું, હું સુતી હતી ત્યાં રાક્ષસ મને ઉપાડી ગયો. આ બ્રાહ્મણે મને બચાવી. રાજાએ બ્રાહ્મણને કન્યા આપી અને ભેટ કરિયાવર આપ્યો. રાક્ષસ પત્ની પણ બ્રાહ્મણી હતી. બ્રાહ્મણ બેય પત્ની અને સંપત્તિ લઇને ઘેર આવ્યો અને મને સર્વે સંપત્તિ આપી. પણ મારા ભાગ્યમાં પતિસેવા અને સંપત્તિનું સુખ ન હોવાથી હું મરણ પામી, પતિની સેવા નહીં કરવાથી યમપુરીના દુ:ખ ભોગવીને લાકડામાં મુંડાનો જન્મ આવ્યો. તેથી શરીરથી, મનથી, વાણીથી, સંપતીથી જે સ્ત્રી પતિની સેવા નથી કરતી તેને અનેક યોનીમાં જન્મો ધારણ કરી, દુ:ખો સહન કરવા પડે છે. અને કાષ્ટીલાની જેમ કિડાના જન્મ આવે છે. માટે પતિની સેવામાં પોતાના સ્વાર્થનો ત્યાગ કરવો, પતિ માટે ધન તજી દેવું, જીવન તજી દેવું, પતિ માટે ઘર, દેશ, રાજાને તજી દેવા, પતિ માટે સ્વર્ગ, મિત્ર અને ગુરુને પણ તજી દેવા. પતિ માટે તીર્થ અને ધર્મને તજવો. યોગદાન, જ્ઞાન, તપ, વિદ્યા, સિદ્ધિ, સર્વે પતિ માટે તજી દેવું. પતિ જે આજ્ઞા કરે તે નિ:શંક થઇ પાલન કરવું. ત્યારે પતિવ્રતા ધર્મનું પાલન થાય છે. પછી તે બ્રાહ્મણ પત્નીએ એક દિવસનું પતિ સેવાનું પુણ્ય મને આપ્યું. તેથી મારો ઉદ્ધાર થયો. મનુષ્યો અન્ય સ્ત્રીઓના અંગ જોઇ શકે છે, પણ ગુપ્તાંગ જોઇ નથી શકતા. તે પતિ વિના કોઇ જોઇ શકતા નથી. તેથી પતિવ્રતા સ્ત્રીઓએ પતિ વિના અન્ય પુરુષને ગુપ્તાંગ બતાવવું નહીં.