ભાગ · અધ્યાય ૪૩૨

યાજક ઋષિ દ્વારા હેમંત રાજાને ઉપદેશ - મોક્ષગતિ

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, પૂર્વે સૌરાષ્ટ્રમાં પાંચાલમાં હેમંત રાજા ધર્મથી રાજ્ય કરતો હતો. અતિ પુણ્યની ઈચ્છાથી સોનું, હીરા, રત્નોનું જ દાન કરતો. પણ અન્નજળનું દાન કરતો નહીં. તેથી અતિથિ નિરાશ થઈને જતા. તે પાપથી ગાયો, ભેંસો, હાથી, ઘોડા વગેરે પશુધણનો નાશ થયો. અને પોતે રોગીષ્ટ થયો. દેશમાં દુકાળ પડ્યો, ખજાનો ખાલી થયો. બીજા રાજાએ આવી યુદ્ધથી પાંચાલ દેશ જીત્યો. હેમંત રાજા પત્ની સાથે રૈવતાચલ વનમાં આવી કંદ, ફૂલ-ફળનો આહાર કરી વિચારવા લાગ્યો કે, મેં દાન બહું કર્યા. માતા- પિતા, દેવ, પિતૃ, ગુરુ, વિપ્રનું પૂજન કર્યું તો પણ આવું દારિદ્રય કેમ આવ્યું ? મેં ચોરી, હિંસા વ્યાભિચાર કર્યા નથી છતાં દુ:ખ કેમ આવ્યું ? ત્યાં વનમાં રહેતા યાજક ઋષિ પાસે રાજા આવ્યા. રાજાએ ફળફૂલથી પૂજા કરી પગે લાગી પૂછ્યું. ગુરુ આ સર્વે મારું રાજ્ય નષ્ટ થયું. સર્વે દુ:ખ કેમ આવ્યું ?

ઋષિએ ધ્યાન કરીને કહ્યું, રાજા પૂર્વે જન્મે તું જંગલમાં શિકારી હિંસક હતો. ચોરી કરતો, ભગવાનથી વિમુખ હતો. હરણા, પશુ, પક્ષીને મારતો. રસ્તે જતા માણસોને લૂંટતો તે પાપે તારે છોકરા ન હતા. વિશ્વાસઘાત કરતો તેથી ભાઇઓ પણ ન હતા. સાધુનો તિરસ્કાર કરવાથી તું શત્રુથી પરાભવ પામી આ દુ:ખને પામ્યો. પૂર્વે જન્મમાં તું આવુ પાપ કરતો, ત્યાં સંકર્ષણ ઋષિ તારી પાસે આવ્યા. તેં કહ્યું તારી પાસે જે દ્રવ્ય હોય તે આપી દે. ઋષિ કહે, મારી પાસે અવયવરૂપ ભગવાનના જ્ઞાનરૂપી દ્રવ્ય છે તે તને આપું. તે અત્યાર સુધીમાં કેટલી હત્યાઓ કરી ? શિકારી કહે, હજારો હત્યાઓ કરી છે.

સંકર્ષણ ઋષિ કહે, પડેલા તારા પાપ ધોવા પડશે. એમ કહી પ્રસાદીનું પાણી માથે છાંટી પાયું. પછી “ૐ શ્રીકૃષ્ણનારાયણાય સ્વામીને નમ:” એ મંત્ર ત્રણ વાર આપી કંઠીમાળા આપી. પાપ મૂર્તિમાન શરીરથી નિકળી નાસી ગયા પછી શિકારી ઋષિની સેવા પૂજા કરી પ્રસાદી જમ્યો. ઋષિ આશિર્વાદ આપી ચાલ્યા ગયા. હે રાજા પછી તારું શરીર પડી ગયું. તે ઋષિની સેવા કરવાથી આ જન્મે તું રાજા થયો. પણ પૂર્વના તારા પાપ ઋષિએ બાળ્યા નહતા. તેથી તે પાપ સર્વે તને વળગેલા છે. તેથી તું પ્રભુનું ભજન, નામ, સ્મરણ કરી પ્રાર્થના કર. હે હરિકૃષ્ણ, હે રાધિકાપતિ, હે જયા લલિતાપતિ, હે માણિકીપતિ, હે પ્રભા પાર્વતીપતિ કે સાધુ સાધ્વીના પતિ તમે મારો ઉદ્ધાર કરો, હું તમારે શરણે આવ્યો છું. યાજક ઋષિના કહેવાથી રાજાએ અનાદિશ્રીકૃષ્ણનારાયણની પ્રાર્થના કરી. પછી યાજક ઋષિ કહે, રાજા તારે રાજ્ય જોઈએ કે સ્વર્ગ કે શ્રીહરિનું ધામ બોલ શું જોઈએ ? રાજા કહે, શત્રુથી પરાભવ ન પામું એવું રાજ્ય આપો. અને અનાદિશ્રીકૃષ્ણનારાયણની પતિવ્રતા ભક્તિ આપો. ઋષિ કહે, ધન આપવાથી રાજ્ય મળે. સ્વર્ગ અને સંપત્તિ મળે. સેવા કરવાથી આયુષ્ય ભાગ્ય, ભોગ અને સંતાન મળે અને ભક્તિ કરવાથી ભગવાનનું ધામ મળે. સત્સંગથી મહાશાંતિ મળે. હે રાજા નારાયણધરામાં નાહીને દામોદરની પૂજા કરી અન્નજળનું દાન કરજે. જેથી તને ફરીથી રાજ્ય પ્રાપ્ત થશે અને અનાદિશ્રીકૃષ્ણનારાયણની પતિવ્રતાની જેમ ભક્તિ કરી પરમધામને પામીશ. એવા આશિર્વાદ આપી યાજકઋષિ વનમાં ગયા. હેમંત રાજા સ્નાન કરી પ્રભુનું પૂજન કરી ધ્યાનમાં બેઠાં, ભજન કર્યું. ત્યાં રાત્રે સ્વપ્ન આવ્યું તેમાં હાથી પર બેઠો, દેવોએ સન્માન કર્યું. અપ્સરાઓએ હાર પહેરાવ્યા. લક્ષ્મીએ આવી માથે કળશ ઢોળ્યો. રાજા સ્વપ્નમાંથી જાગીને પત્નીને વાત કરી. પછી રાજાએ ભગવાનની ભક્તિથી ફરી રાજ્ય મેળવ્યું. તેને ધૃષ્ટદ્યુમ પુત્ર થયો. રાજા અનાદિશ્રીકૃષ્ણનારાયણની ભક્તિ કરી સદા સત્સંગ કરી સેવા કરતો.

એકવાર અક્ષયતૃત્યાને દિવસે ભગવાન લક્ષ્મી સાથે ગરૂડ પર બેસી આવ્યા. હેમંત રાજાએ ષોડ્શોપચારથી પ્રભુની પૂજા કરી, પ્રભુ પાસે માગ્યું. હે પ્રભુ મારી ઇન્દ્રિયો - અંત:કરણ, શરીર, તમારી સેવામાં સદા રહે. તમારી સેવા વિના કંઈ ઈચ્છા નથી. શ્રીહરિ કહે, તને વરદાન આપું છું. દસ હજાર વર્ષનું આયુષ્ય ભોગવી મારી ભક્તિ કરી કરાવીને કુટુંબ સાથે મારા ધામને પામીશ. અક્ષયતૃત્યાએ પુરુષોત્તમ નારાયણ એવો હું મારી પૂજા કોઇ કરશે તે અક્ષરધામને પામશે. પછી તે રાજા દશ હજાર વર્ષ આયુષ્ય ભોગવી રાજ્ય કરી અંતે શ્રીહરિના પરમપદને પ્રાપ્ત થયો. આ અધ્યાયની કથા જે કહેશે, સાંભળશે તે શ્રીહરિના ધામને પામશે.