સતી ભાદ્રીકાનો નાગમાતા રેવતીને શાપ
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, શંકરની ભક્તિથી પાતાલથી સર્પો આવી હાટકેશ્વર તીર્થમાં રહેતા અને નાગમતી નદીમાં રહેતા. એકવાર એક સર્પનું બચ્ચું નદીમાં પડ્યું. તેને એક વિપ્રે લાકડી મારી તો તે નાગબાળ મરી ગયું. સર્વે સર્પો મનુષ્યરૂપ ધારણ કરી બ્રાહ્મણને મારી નાખ્યો. બ્રાહ્મણની બહેન ભાદ્રીકા તે વિધવા હતી અને કૃષ્ણનારાયણની ભક્તિપરાયણ હતી. તેને નાગમાતા રેવતીને શાપ આપ્યો કે, તું વંશ સહિત નાશ પામીશ. ત્યારે રેવતીએ આરાધના કરી પાર્વતીને પ્રસન્ન કર્યા. અને કહ્યું, ભાદ્રીકાનો શાપ નિવારણ કરો. પાર્વતી કહે, શાપ નાશ નહીં પામે. પણ તક્ષકનાગ સૌરાષ્ટ્રમાં રૈવતરાજા રૂપે થશે. ત્યારે તું તેની પુત્રી થઈશ. શેષનારાયણ બલરામ તારો પતિ થશે. ત્યારે વંશ વિસ્તાર થશે.
એકવાર ભાદ્રીકા નાગમતિમાં સ્નાન કરતી હતી. ત્યાં તક્ષક આવી પાતાલમાં લઈ ગયો. પરંતુ શાપના ભયથી પાછી મુકી ગયો પછી ભાદ્રીકા કલંકના ભયથી ચીતા ખડકી બળી મરવા તૈયાર થઈ. પણ અગ્નિ ઠંડો પડી ગયો. ત્યાં આકાશમાંથી પૃષ્પવૃષ્ટિ થઇ. દેવો કહે, ભાદ્રીકા તું શુદ્ધ છે. ત્યાં શ્રીકૃષ્ણનારાયણ વિપ્રરૂપે આવી “ૐ નમ: શ્રીકૃષ્ણનારાયણ નમ: એ મંત્ર આપી અદૃશ્ય થયા. ભાદ્રીકા તે મંત્રનો જપ કરી શ્રીહરિના ધામમાં ગઈ. તે ભાદ્રીકાતીર્થ નામે પ્રસિદ્ધ થયું. એ રીતે સતીનું બળ કહેલું છે.