દૈત્યોના વિનાશ માટે વિષ્ણુનો મોહિની અવતાર
આ અધ્યાય 91–93 સંયુક્ત છે
મોહિનીએ કહ્યું : તમે બધા પહેલાં અમૃત પી લ્યો. પછી ઝઘડો કરો. તેમાં અમૃતમાં દેવો - દૈત્યો બધાનો ભાગ છે. માટે ડાબી બાજુ દેવો બેસી જાવ અને જમણી બાજુ દૈત્ય- દાનવો બેસી જાવ. બલી રાજા કહે બરાબર છે. મોહિની પ્રભુ એ મદીરાનો ઘડો લઇ દૈત્યો દાનવોને પાવા માંડ્યા. પ્રભુની માયાથી દૈત્યો દાનવોને મદીરા પણ મીઠી લાગી પછી દેવોને અમૃત પાતા હતા. તે વખતે રાહુ નામનો દૈત્ય દેવનું રૂપ લઇને દેવની પંક્તિમાં બેસી ગયો. સૂર્ય-ચંદ્રની વચ્ચે બેસવાથી અમૃત મળી ગયું, પીધું. વિષ્ણુને ખબર પડી ચક્રથી મસ્તક કાપી નાખ્યું. પણ અમૃત શરીરમાં વ્યાપી ગયું હતું. તેથી રાહુ અને કેતુ આ બે સ્વરૂપ થયા. તેણે દૈત્યો-દાનવોને કહ્યું, આ વિષ્ણુએ માયા કપટથી તમને મદીરા પાઇ દેવોને અમૃત પાયું. તે રાહુ-કેતુ આકાશમાં ધૂમાડારૂપે, ગ્રહરૂપે રહે છે. પૂનમે, અમાસે સૂર્ય-ચંદ્રની આડા આવીને આવરણ કરે છે પણ પકડાતા નથી.
શ્રીનારાયણ કહે : બધા દૈત્યો દાનવો ભેગા થઇને કહેવા લાગ્યા કે, વિષ્ણુ આવી રીતે કાયમ કપટ કરે છે. માટે હવે તો તેની સાથે યુદ્ધ જ કરવું છે. બલી વિગેરે બધા દૈત્યો, દાનવો, અસ્ત્રો, શસ્ત્રો લઇને દેવો સામે લડવા તૈયાર થયા. ઇન્દ્ર વગેરે દેવો સૂર્ય, ચંદ્ર, યમ, કુબેર, વરુણ, અગ્નિ, શિવ, બ્રહ્મા વગેરે બધા વાહનો પર બેસી અસ્ત્રો-શસ્ત્રો લઇ યુદ્ધ માટે તૈયાર થયા. દેવોએ અમૃત પીવાથી મરણનો ભય ન હતો. દૈત્યો દાનવો રાહુ-કેતુને આગળ રાખી લડતા હતા. કાળનેમી મહાઅસુર તે સર્વે દેવોને શસ્ત્રોથી પરાજીત કરતો હતો. દેવોએ વિષ્ણુને પ્રાર્થના કરી કે, પ્રભુ તમારા વિના આ મહાન અસુરને કોઇ નહીં મારી શકે. વિષ્ણુ ભગવાને સુદર્શનચક્રથી તેના કટકા કરી નાખ્યા.