ભાગ · અધ્યાય ૩૪૭

બ્રહ્મહત્યાના પ્રાયશ્ચિતની કથા ❖ વરાહમૂર્તિ દ્વારા મથુરાનું રક્ષણ

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, ઉદરપુરનો બ્રાહ્મણ, પુત્ર, પુત્રીને લઇને શાલીગ્રામ ક્ષેત્રમાં ગયો. ત્યાં રહ્યો ત્યાં કલાપ ગામનો સિદ્ધ દર્શને આવતો. બ્રાહ્મણે કહ્યું, અમને કલાપ ગામે લઇ જાઓ. સિદ્ધ કહે ત્યાં અતિ ઠંડીથી તમે નહીં રહી શકો. વિપ્ર કહે : તમારા યોગે અમે રહીશું. સિદ્ધ પોતાના યોગબળથી ત્રણને લઇ કલાપ પોતાના આશ્રમે આવ્યો. સમય જતા બ્રાહ્મણ માંદો પડ્યો. પુત્ર-પુત્રી, પિતાને ગંગાકાંઠે લાવ્યા. એક વખત પાક બનાવ્યો. ત્યાં કોઇક વિપ્ર ભિક્ષા માટે આવ્યો. પૂછ્યું કોણ છો ? કાંન્ય કુબ્જનો છું, સિદ્ધ છું. અહીં કલાપતીર્થમાં ફરું છું, સુખી છું. પેલા બ્રાહ્મણે પાત્ર જાણી પોતાની પુત્રી સિદ્ધને આપી. જમાઇ, સસરાને ત્યાં રહ્યો. સિદ્ધ સસરાને કહે : અહીં કલાપમાં વાસ કરતા તમે શૂદ્રનું અન્ન ખાધું તેથી તમને રોગ થયો. તે તમારા પગમાં રહ્યો છે. તે શૂદ્રનું અન્ન નીકળી જશે ત્યારે મૃત્યુ થશે.

બીજે દિવસે સર્વે બહાર ગયા ત્યારે પેલો બ્રાહ્મણ પથ્થર લઇ પોતાના પગને છૂંદી નાખ્યાં અને મૃત્યુ પામ્યો, અને સ્વર્ગમાં ગયો. ત્રણે બહારથી આવ્યા. પિતાને મરેલા જોઇ રોવા લાગ્યા. સર્પે કરડેલા, શિંગળા પશુએ મરેલા, હિંસક પ્રાણીએ મારેલા, આત્મઘાત કરેલા તે સંસ્કારને યોગ્ય રહેતા નથી. પછી અગ્નિસંસ્કાર કરીને બેઠા. ત્યાં પેલો સિદ્ધ આવીને કહે : તારે બ્રહ્મહત્યાનું પ્રાયશ્ચિત્ત કરવું પડશે. જમાઇ કહે : મેં વધ કર્યો નથી મને બ્રહ્મ હત્યા કેમ લાગે ? પેલો સિદ્ધ કહે : તે શૂદ્રનું અન્નનું પાપ કહ્યું તેથી તેણે આત્મહત્યા કરી. પાપીની સાથે બેસવાથી, સુવાથી, સાથે ભોજન, સાથે ચાલવું, સાથે વાત કરવાથી, પણ પાપ લાગે છે. તેથી પ્રાયશ્ચિત્ત કરવું પડશે. માટે તું મથુરા જા. તે ત્રણે મથુરા આવી કુશીક રાજાના યજ્ઞમાં પ્રસાદ જમતા અને ચક્રતીર્થમાં સ્નાન કરતાં. સર્વે બ્રાહ્મણોએ પૂછ્યું તમે કોણ છો ? ક્યાં જમો છો ? ત્યારે સિદ્ધે સર્વેએ વૃતાંત કહ્યું. બ્રાહ્મણો કહે : યજ્ઞ, પ્રસાદ અને ચક્રતીર્થમાં સ્નાનથી તમારું બ્રહ્મહત્યાનું પ્રાયશ્ચિત્ત થઇ ગયું. તેથી કલાપતીર્થથી મથુરા મહાન તીર્થ છે. મિથિલાનો સંઘ મથુરા દર્શને આવ્યો. તેમાં એક બ્રાહ્મણ બ્રહ્મહત્યાવાળો હતો. તે વૈકુંઠતીર્થમાં ન્હાવાથી શુદ્ધ થયો.

પૂર્વે સત્યુગમાં માંધાતા રાજાને મેં પ્રસન્ન થઇ મારી વરાહની મૂર્તિ આપી હતી. કપીલ ભગવાને પૂજેલી. ઇન્દ્ર પણ વરાહની મૂર્તિની પૂજા કરે છે. રાવણ ઇન્દ્રને જીતવા સ્વર્ગમાં ગયો ત્યાં વરાહ ભગવાને રાવણને બાંધ્યો. રાવણે સ્તુતિ કરી, પ્રભુએ છોડી મૂક્યો. રાવણ તે મૂર્તિને પૂજવા લેતો હતો, પણ પગ ઉપાડી ન શક્યો. પ્રભુ કહે : તું રાક્ષસ છો, તેથી તારે ત્યાં નહીં આવું. તું વૈષ્ણવ થા. પછી મને લઇ જજે. રાવણ વૈષ્ણવ થઇને વરાહ પ્રભુને લંકામાં લઇ ગયો. પછી રામે રાવણને મારી, વરાહ પ્રભુને પોતાની નગરીમાં લઇ આવ્યા. પછી તે મૂર્તિ લક્ષ્મણે મથુરામાં પધરાવી. તેથી તે વરાહ મૂર્તિ મથુરાનું રક્ષણ કરે છે. તે વરાહ ભગવાન પાસે કોઇ પિંડદાન કરશે. તે મુક્તિ પામશે.