દેવો અને દૈત્યો દ્વારા સમુદ્ર મંથન
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, બૃહસ્પતિનું સભામાં અપમાન થવાથી યજ્ઞ કરી કૃત્યા ઉત્પન્ન કરી સ્વર્ગમાં મોકલી. તેમાંથી સર્વે ભય પામ્યા. સ્વર્ગની સંપત્તિ રત્નો સમુદ્રમાં પડ્યા. શુક્રાચાર્યની કૃપાથી બલીરાજા વગેરે દૈત્યોએ સ્વર્ગ મેળવ્યું. પરંતુ સ્વર્ગની લક્ષ્મી સમુદ્રમાં ચાલી ગઇ. ઉચ્ચૈશ્વા અશ્વ, ચંદ્ર, કામધેનુ ગાય, કલ્પવૃક્ષ, પારીજાત, સર્વેસ, અમૃત પાણીમય થયું. શુક્રાચાર્ય કહે : ઇન્દ્રએ સો અશ્વમેઘ યજ્ઞ કર્યા. સ્વર્ગમાં ઇન્દ્રપદ પ્રાપ્ત કર્યું પણ ગુરુનું અપમાન કર્યું, તો ભોગવી ન શકયો. પછી ઇન્દ્ર સર્વે લોકપાલ દેવોને બ્રહ્માને સાથે લઇને ક્ષીર સમુદ્રમાં શેષનારાયણ પાસે ગયા. સ્તુતિ નમસ્કાર કર્યા, દેવોને દુ:ખમાં સહાય કરવાનું કહ્યું. નારાયણે કહ્યું. અત્યારે દૈત્યો સર્વે દેવોની સાથે સંપ કરીને સમુદ્રનું મંથન કરો. હું સાથ આપીશ. ઇન્દ્ર સ્વર્ગમાં બલી પાસે ગયો. સંપત્તિ વિના સ્વર્ગ શું કામનું માટે આપણે સમુદ્ર મંથન કરીએ. પણ મંથન કરવું કેમ ? ત્યારે આકાશવાણી થઇ મંદરાચળ લાવો. તેથી દેવો-દૈત્યો સાથે મળી મંદરાચળ ઉપાડતા કેટલાય દૈત્યો દબાઇ મરી ગયા. પછી શ્રીનારાયણની આજ્ઞાથી ગરૂડે મંદરાચળને ઉપાડી સમુદ્રમાં મૂક્યો.
શ્રીનારાયણ કહે : હે લક્ષ્મી, મંદરાચળને વાસુકી નાગનું નેતરુ કરી દેવો-દૈત્યો સમુદ્ર મંથન કરવા લાગ્યા. મંદરાચળ ડુબવા લાગ્યો ત્યારે વિષ્ણુ ભગવાન કાચબારૂપે સમુદ્રના તળિયે રહ્યાં. પ્રથમ મંથનથી અગ્નિ ઉત્પન્ન થયો. દૈત્યો ભાગ્યા, ત્યારે વિષ્ણુ સંકર્ષણરૂપે અગ્નિનું પાન કરી ગયા. પછી ઝેર ઉત્પન્ન થયું. શંકરે બધાના કલ્યાણને માટે ઝેર પીને પચાવી ગયા અને શંકરે બધાને કહ્યું, તમે કાર્યના આરંભમાં ગણેશનું પૂજન કર્યું નથી. તેથી તમને વિઘ્નો આવે છે. તેથી બધાએ ગણપતિનું પૂજન કર્યું. તેથી શંકર પ્રસન્ન થયા. પછી ચંદ્ર ઉત્પન્ન થયા તે પણ શંકર લઇ ગયા. પછી કામદુધા ગાય પ્રગટ થઇ. તે ઋષિઓ લઇ ગયા. તેમાંથી અનેક રંગવાળી ગાયો થઇ. પછી કલ્પવૃક્ષ પ્રગટ થયું. પારીજાત આમ્ર વૃક્ષ વગેરે થયા. તેને સમુદ્ર કાંઠે સ્થાપ્યા. પછી કૌસ્તુભ મણિ નીકળ્યો. તે વિષ્ણુને આપ્યો. ચિંતામણી ઇન્દ્રને આપ્યો. હીરા માણેક દૈત્યોને આપ્યા. પછી ઉચ્ચૈશ્રવા અશ્વ ઉત્પન્ન થયો તે સૂર્યને આપ્યો. તે પછી ચાર દાંતવાળો ધોળો હાથી ઐરાવત બહાર આવ્યો તે ઇન્દ્રને આપ્યો. પછી મદિરા, કડવી વેલ, અફીણ, ગાંજો, તમાકુ, ધતુરો વગેરે નીકળ્યા તે દૈત્યોએ ગ્રહણ કર્યા. પછી હાથમાં વરમાળા સહિત લક્ષ્મી સમુદ્રમાંથી બહાર આવ્યા. તે લક્ષ્મીજી એ દેવોને રજોગુણી જોયા, દૈત્યોને તમોગુણી જોયા પછી સર્વે સદ્ગુણ સંપન્ન વિષ્ણુ ભગવાનને જોઇને લક્ષ્મીજીએ વરમાળા વિષ્ણુને પહેરાવી. રમણીય, મનોહર, તેજસ્વી એવા લક્ષ્મીનારાયણને વંદન કરીને ફરી સર્વે સમુદ્રમંથન કરવા લાગ્યા. પછી ધન્વંતરી પ્રભુ હાથમાં અમૃતનો કળશ ધારણ કરી પ્રગટ થયા. બાર વર્ષની તેજસ્વી અવસ્થા જોઇ સર્વે મોહ પામ્યા. ત્યારે બલીએ કહ્યું, ભગવાન હાથમાં શું રાખ્યું છે ? પ્રભુએ કહ્યું, આ કળશમાં અમૃત છે. ત્યાં તો વૃષપર્વા વગેરે દૈત્યો કળશ લઇને ભાગી ગયા. વિષ્ણુએ વિચાર્યું કે, આ દૈત્યો અમૃત પીશે તો પૃથ્વીમાં કોઇને સુખે રહેવા નહી દે. એવું ધારી મનોહર તેજસ્વી યુવાન સ્ત્રી વસ્ત્ર, અલંકારોથી શોભતું મોહિની સ્વરૂપ ધારણ કરી દૈત્યો પાસે આવી. દૈત્યો- દાનવો મોહ પામ્યા. પહેલા મેં જોઇ માટે આ સ્ત્રી મારી એમ પરસ્પર ઝઘડવા લાગ્યા.