ભાગ · અધ્યાય ૫૧૪

તપ કરતાં નપુંસકોનો મા બહુચરાજી દ્વારા મોક્ષ

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, પૂર્વે બ્રહ્માએ સૃષ્ટી સંચાલન માટે મોહિની સ્ત્રીસ્વરૂપ પ્રગટ કર્યું ને સર્વેને મોહ પમાડીને પૃથ્વી પર ફરીને આવીને સત્યલોકમાં બ્રહ્માની સભામાં બ્રહ્માને મોહ પમાડવા લાગી. બ્રહ્મા કહે, હું તો પિતાતુલ્ય છું અને આ સભામાં હજારો ઋષિઓ બેઠા છે તે સર્વે મારા પુત્ર છે. તે તું સ્વર્ગમાં જા. મોહિની કહે, તમે સ્ત્રીને ગ્રહણ નહીં કરીને અપમાન કરો છો. સ્ત્રીની ઈચ્છા જાણતા નથી તો તમે પૃથ્વી પર અપૂજ્ય રહેશો અને વૃદ્ધ ઋષિ પણ હાસ્યપાત્ર થશે. એમ શાપ આપી મોહિની સ્વર્ગમાં જતી રહી. પછી બ્રહ્માએ અનાદિશ્રીકૃષ્ણનારાયણની પ્રેરણાથી ચમત્કારપુરની નાગમતી નદીમાં શ્રીકૃષ્ણનારાયણનું સ્મરણ કરતા સ્નાન કર્યું. ત્યાં શરીરમાંથી હજારો નપુંસકો પ્રગટ થયા. તેણે કહ્યું, અમારો ઉધ્ધાર કરો.

બ્રહ્મા કહે : તપ કરો. નપુંસકોએ નાગમતી કાંઠે તપ કર્યુ. ત્યાં બહુચરા પ્રસન્ન થઇ કહે, હું પૂર્વે મોહિની હતી. મારો તિરસ્કાર બ્રહ્માએ કર્યો. તેથી ષંઢો થયા. જે નારીનો તિરસ્કાર કરે, રતિક્રીડાનો ભંગ નિંદા કરે, તે નપુંશક થાય છે. નરનારીના ચિહ્નો અને રતિક્રીડાના સુખથી રહિત તે ષંઢોને બહુંચરાજીએ મંત્ર આપ્યો. “ૐ શ્રીં હ્રીં ક્લીં કામલાત્ર્યૈ સ્વાહા” આ મંત્ર આપી મોક્ષ કર્યો. એ રીતે નાગમતી નદી અતિ પવિત્ર છે.