બર્હિષાંગદ રાજાની કુહક સર્પથી રક્ષા તેમજ મોક્ષ
શ્રીશ્વેતાયન વ્યાસ લક્ષ્મીનારાયણ સંહિતાની કથા હાટકાંગદને મુખ્ય રાખી સર્વેને સંભળાવતા હતા. તે સમયે કુહક સર્પ પશ્ચિમ દિશાથી બ્રાહ્મણનું રૂપ લઇને આવતો રસ્તામાં નદી કાંઠે વિશ્રામ કરતો હતો. ત્યાં અનાદિશ્રીકૃષ્ણનારાયણે વૈદ્યનું રૂપ લઇ ત્યાં આવી પુછ્યું, તું કોણ છો ? બ્રાહ્મણે કહ્યું, હું કુહક છું. ઋષિના શાપથી રાજાને દંશ દેવા જાવ છું. વૈદ્ય કહે : તો હું રાજાને ઔષધ આપી જીવતો કરીશ. કુહક કહે : આ વડમાં હું ઝેર રેડું છું. તું તેને હતો તેવો નવપલ્લવિત કરી દે. એમ કહી બ્રાહ્મણે વડલામાં ઝેર ઓક્યો. વડ સુકાઇ ગયો. વૈદ્યે પાણીમાં ઔષધી પલાળી છાંટી વડ લીલો કર્યો. બ્રાહ્મણે કહ્યું, તમે કોણ છો ? વૈદ્ય કહે : હું નારાયણ છું. હાટક રાજા મારો ભક્ત છે. તેથી હું તેનું રક્ષણ કરીશ. બ્રાહ્મણ કહે : તમારી વાત સાચી પણ ઋષિ શાપ મિથ્યા ન થાય માટે હું ત્યાં નિમિત્તરૂપે જાવ છું. તમે આ મારા મસ્તકનો મણિ અને પરાર્ધ સુવર્ણ મુદ્રા લઇ જાવ. જેના સ્પર્શથી લોઢું સુવર્ણ બને. તે પ્રભુ સુવર્ણમુદ્રા લઇ ચાલતા થયા.
કુહક સર્પ બ્રાહ્મણરૂપે કથામાં આવી નિત્ય કથા સાંભળતો. ત્રિસમે દિવસે સાંજે પૂર્ણાહુતિ સમયે શ્વેતાયન વ્યાસે પ્રભુની આરતી પૂજા કરી. રાજાએ કહ્યું, હે પ્રભુ તમારી કૃપાથી મારૂ વિઘ્ન ગયું. શ્વેતાયન વ્યાસે પ્રસન્નતારૂપે યજમાન રાજા હાટકને હાર પહેરાવ્યો. ત્યાં કુહક સર્પ ઝીણી સળી રૂપે હારમાં બેસીને રાજાને કંઠમાં દંશ દીધો. રાજાનું મન તરત જ અનાદિશ્રીકૃષ્ણનારાયણની મૂર્તિમાં લીન થયું તે સમયે રાજા દિવ્ય શરીર ધારણ કરી બ્રહ્મધામમાં ગયો. કુહક સર્પ પોતાનું શરીર બધાને બતાવી તરત અદૃશ્ય થઇ પોતાને સ્થાને ગયો. ત્યારપછી હાટક રાજાનો પુત્ર સ્વર્ણાંગદ તેણે સર્પ સત્ર કર્યો. તે યજ્ઞમાં મંત્રથી સર્પોના નામ લઇ બોલાવતા હતા. અને અગ્નિમાં પડતા હતા. તે સમયે કુહક ઇન્દ્રને શરણે ગયો. મારું રક્ષણ કરો. ઇન્દ્રે રક્ષણ આપ્યું. સુપર્ણ બ્રાહ્મણે ધ્યાનથી જોયું. કુહક સર્પ ઇન્દ્રથી રક્ષાએલો છે. એટલે તેણે “ઓં અગ્નયે સ્વાહા કુહકસેન્દ્રં જીહોનિ” મંત્ર બોલ્યા. ત્યાં સ્વર્ગથી ઇન્દ્ર સાથે કુહક આવ્યો. અડધા યજ્ઞ કુંડમાં બળ્યા ત્યાં બ્રહ્માએ આવી કહ્યું. ઇન્દ્રને આ રીતે ન હોમો. તરત જ વિપ્રોએ ઇન્દ્રને કુહકને બહાર કાઢ્યા. ધન્વંતરી આવી ઔષધી આપી ઇન્દ્રને સ્વસ્થ કર્યો. શેષનારાયણ આવી કુહકને પ્રાણસીંધીની ઔષધીથી જીવતો કર્યો. કાળા-પીળા ધુમ્રવર્ણ મિશ્રિત રંગવાળા સર્પો તે કુહક જાતિના છે. પહેલા દ્વાપરયુગની આ કથા છે.