હિરણ્યકશિપુ દ્વારા પુત્ર પ્રહલાદને અનેક દંડ
આ અધ્યાય 137–138 સંયુક્ત છે
વિષ્ણુ કહે : તમે બધા દેવો શ્રીહરિનું ભજન કરો. વિષ્ણુએ પ્રહલાદને ભક્ત બનાવી હિરણ્યકશિપુનો નાશ કરવાનો વિચાર કર્યો. દેવ, બ્રાહ્મણ, સાધુ-સાધ્વી, ગાય, ધર્મ વગેરે દ્વેષ કરનારાને પ્રભુ દંડ આપે છે. કદાચ એવો કોઇ ભક્ત હોય તો પણ પ્રભુ તેને શિક્ષા કરે છે. ઉતાનપાદ રાજાની કન્યા તે હિરણ્યકશિપુની પત્નીમાં પ્રહલાદ, આહલાદ, સંહલાદ, હલાદ આ ચાર પુત્રો થયા. તેમાં પ્રહલાદ જન્મથી જ વિષ્ણુનો ભક્ત. સંતની સેવા, વિષ્ણુની ભક્તિ, વ્યસનથી રહિત, આત્મનિષ્ટાવાળો, ભગવાનનો એકાંતિક ભક્ત હતો. બાલક્રિડામાં જરાય રસ નહીં. કેવળ શ્રીહરિનું નામ સ્મરણ, ભક્તિ કરતો. ખાતા-પિતાં, ચાલતા, સૂતા, બેસતા, ન્હાવામાં સર્વ ક્રિયામાં શ્રીહરિકૃષ્ણ વિના કંઇ બીજું બોલતો નહીં. તે પ્રહલાદને શુક્રાચાર્યના પુત્ર ષંડામર્ક તેની પાસે આસુરી વિદ્યા ભણાવવા રાખ્યા. પ્રહલાદ આસુરી વિદ્યા તજી સર્વે બ્રહ્મવિદ્યા વેદશાસ્ત્રનો અભ્યાસ કરી આત્મા-પરમાત્માનું જ્ઞાન મેળવી પિતા પાસે આવી પગે લાગ્યો.
હિરણ્યકશિપુએ પૂછ્યું, બેટા, શું ભણ્યો. પ્રહલાદ કહે : કુટુંબમાંથી પ્રિતી તોડી આત્મામાં પ્રિતી કરી આત્માને વિષ્ણુમાં જોડવો. સર્વે અર્થ વિદ્યા આપનારા પરમેશ્વર છે. તે સર્વેમાં રહ્યા છે. પુત્રની જ્ઞાનની ગર્ભિતવાણી સાંભળી ષંડામર્કને બોલાવી કહ્યું, તમે પ્રહલાદને વિષ્ણુની વિદ્યા કેમ શીખવાડી. ષંડામર્ક કહે : અમે તો આસુરી વિદ્યા ભણાવતા હતા. પણ તેને ગ્રહણ ન કરી. ષંડામર્ક ફરી ભણાવવા લાગ્યા. તમારા પિતા નારાયણ છે. પ્રહલાદ કહે : સર્વેના પિતા નારાયણ વિષ્ણુ પરમેશ્વર છે. તે પિતા સમાન આત્માનું રક્ષણ કરનારો કોઇ જ નથી. હિરણ્યકશિપુ કહે : મારા પુત્રને આવું કોણ ભણાવે છે. પ્રહલાદ કહે : પિતા હું જન્મથી જ આવું ભણેલો છું. સાધુના સંગ વિના, સાધુ સેવા વિના, નારાયણની ભક્તિ જ્ઞાન સમજાતા નથી. ક્રોધ કરી હિરણ્યકશિપુ કહે : આને લઇ જાવ મારી નાખો. આ છોકરો વિષ્ણુના પક્ષનો છે. આપણો શત્રુ છે, રોગ અને શત્રુ ઉગતા જ નાશ કરવા.
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, હિરણ્યકશિપુની આજ્ઞાથી સર્વે દૈત્યો અસ્ત્રો-શસ્ત્રો લઇ મારવા આવ્યા. શ્રીહરિએ પ્રહલાદનું શરીર વજ્રનું બનાવી દીધું. તેથી શસ્ત્રો બધા પાછા પડ્યા. દૈત્યોએ હિરણ્યકશિપુને કહ્યું, શસ્ત્રો પ્રહલાદને અડતા જ નથી. હિરણ્યકશિપુ તેને મારવા મંત્ર, ગળે ટૂંપો, કેટલાય પ્રયોગ કર્યા. બધા નિષ્ફળ. શ્રીહરિએ માતાની જેમ રક્ષા કરી. હિરણ્યકશિપુએ સર્પોને બોલાવી દંશો અપાવ્યા. સર્પો ઝેર વિનાના થયા, દાઢો ભાંગી ગઇ. શ્રીહરિએ મોકલેલા ગરૂડને જોઇ સર્પો ભાગી ગયા. હિરણ્યકશિપુએ હાથીને મોકલ્યો. હાથીના દાંત ભાંગી ગયા પણ પ્રભુકૃપાથી પ્રહલાદને કાંઇ ન થયું. પછી અગ્નિ પ્રગટાવી અગ્નિમાં પ્રહલાદને નાખ્યો. ચારેકોર હાહાકાર થઇ ગયો કે આ પિતા છે કે શત્રુ. તે અગ્નિ પણ ઠંડા પાણી જેવો થઇ ગયો. તો પણ મૂઢ, અજ્ઞાની હિરણ્યકશિપુ જાણતો નથી કે આ પુત્રનું રક્ષણ કરનારો કોણ છે ? ખાણમાં નાખ્યો, પર્વત પરથી પછાડ્યો તો પણ મર્યો નહીં. ત્યારે હિરણ્યકશિપુ ભયભીત થઇને કહે : આને સમુદ્રમાં નાખી આવો, હિમાલયમાં નાખી આવો, દૈત્યો પાછા આવે તે પહેલા પ્રહલાદ આવી જાય.