નર્મદાકાંઠે રહેલા મંડપેશ્વર - હર્વીધામેશ્વર - કરમર્દન તીર્થની કથા
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, ચમત્કારપુરમાં નાગમતી નદી કાંઠે આરૂણી ઋષિ પાસે દુર્વાષાએ એક શિષ્ય મોકલ્યો. તે વ્યાઘ્ર સત્યતપા નામે હતો. ઋષિના યોગથી શુદ્ધ મનવાળો હતો. તેથી તપ કરવા લાગ્યો અને કર્મથી બ્રાહ્મણપણાને પામ્યો. તે સત્યતપા તીર્થ કરવા નીકળ્યો. નર્મદામાં નાહીને હિમાલયમાં તપ કરવા ગયો. ત્યાં વૃક્ષ નીચે તપ કરતા સત્યતપા આગળ વિષ્ણુ વરાહનું અને ઈન્દ્ર વ્યાઘ્રનું રૂપ લઇ પરીક્ષા કરવા આવ્યા. સત્યતપા આગળથી વરાહ ઝડપથી નીકળ્યું. એ તેણે જોયું. થોડીવાર પછી ઈન્દ્રે ત્યાં આવી તપ કરતા સત્યતપાને પૂછ્યું, અહીંથી મારો શિકાર નીકળતા જોયો છે ? ઇન્દ્રના હાથમાં ધનુષ્ય-બાણ જોઇ સત્યતપા વિચારવા લાગ્યો કે, હા પાડીશ તો આ હિંસા કરશે અને ના પાડીશ તો હું અસત્ય બોલ્યો કહેવાઇશ. આમ વિચારી છતાં જીવહિંસા બચાવવા ખોટો જવાબ આપ્યો કે, મે વરાહને નથી જોયો. તેથી ઈન્દ્ર અને વિષ્ણુએ પ્રસન્ન થઈ તેને દર્શન આપ્યા. ત્યાં દુર્વાષા આવ્યા, ગુરુ આરૂણી આવ્યા અને કહ્યું તું સિદ્ધ થયો, તું બ્રહ્મ થયો છે. પછી તે સર્વે નર્મદામાં યજ્ઞ તીર્થમાં આવી સ્નાન કરી દુર્વાશા કૈલાશ ગયા અને સત્યતપા પ્રભુના ધામને પામ્યો.
એકવાર અયોધ્યાનો રાજા અજાપાલ વનમાં ગયો. ત્યાં બ્રહ્માના બે માનસપુત્રો બાદરાયણ અને શાકટ રહેતા હતા તેને પગે લાગીને કહ્યું મારા પિતૃઓના ઉદ્ધાર માટે મારી પાસેથી કંઈક દાન ગ્રહણ કરો. એમ કહીને હાથી અને ધનનું દાન આપી રાજા રાજ્યમાં આવ્યો. બન્ને ઋષિઓએ ધનમાં મોહ પામી તપ તજી દીધું અને ધર્મકર્મ મુકી ભોગમાં આસક્ત થયા. રાજાનું ઘોર પાપવાળું ધન બ્રહ્મ વિના કોઇ પચાવવાને સમર્થ નથી. તે બન્ને મરીને સંગદોષથી કૂતરાના જન્મને પામ્યા તેથી બ્રહ્મા પાસે જઈને કહ્યું, બ્રહ્માએ પ્રાયશ્ચિત માટે નર્મદાના મંડપેશ્વર યજ્ઞ તીર્થમાં સ્નાન કરવાથી તમારી મુક્તિ થશે એમ કહ્યું. તે બન્ને નર્મદામાં નાહીને પાપ રહિત થયા.
પૂર્વે હવીર્ધાન રાજા હતો તે હરિકેશ બ્રાહ્મણ પત્ની પાસે ગયો અને તેની સાથે રજોગુણમાં પ્રવર્ત્યો. બ્રાહ્મણે આ દૃશ્ય જોઇને કહ્યું, માતા, ગુરુપત્ની, બહેન અને દિકરી સાથે જે મૈથુન કરે તો અગ્નિમાં પ્રવેશ કરે તો પ્રાયશ્ચિત થાય. માટે તમને શાપ આપું છું. તમે બન્ને ગધેડો અને ગધેડી થાવ. પછી બન્નેએ નર્મદા કાંઠે રહેલા અગત્સ્યમુનિને પ્રાર્થના સ્તુતિ કરી કહ્યું, અમારો ઉદ્ધાર કરો. અગત્સ્યમુનિ કહે, તમે નર્મદામાં કાયમ સ્નાન કરી ત્યાં જ વાસ કરજો. તેથી તમારો ઉદ્ધાર થશે. એ રીતે તે બન્ને ત્યાં વાસ કરવાથી સ્નાન કરવાથી ગધેડાના શરીરનો ત્યાગ કરી નારાયણના ધામને પામ્યા. તે હર્વીધામેશ્વર તીર્થ થયેલું છે. એકવાર ત્યાં રાક્ષસો ગાયોને ખાવા માટે આવ્યા ત્યારે બ્રાહ્મણોની પ્રાર્થનાથી શ્રીકૃષ્ણનારાયણ આવી સુદર્શનચક્રથી રાક્ષસોનો નાશ કર્યો. તે કરર્મદન તીર્થ થયેલું છે. આ કથાશ્રવણથી હજારો ગૌદાનનું ફળ થાય છે.