પ્રસ્તાવના ·

સંસ્કૃત વિદ્યાભ્યાસ તેમજ શાસ્ત્રોનો મહિમા

ભારતના પ્રસિદ્ધ વિદ્વાન, સર્વશાસ્ત્ર સંપન્ન શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજે જગતના અને ભારતભરનાં ઉપકાર માટે પ7 જેટલા ગ્રંથો સંસ્કૃત-હિન્દી-ગુજરાતી આદિકમાં લખ્યાં છે.

ભારતના પરીક્ષા વિભાગમાં કેટલાક ગ્રંથો પ્રચલિત છે. ઇંગ્લેન્ડ, જર્મની, ળાન્સ, ઇટલી, અમેરિકા, જાપાન, સિલોન આદિના સંસ્કૃત વિભાગોમાં વિશ્વની પ્રસિદ્ધ લાયબ્રેરીઓમાં આ ગ્રંથો સ્વીકૃત છે. ઓક્સફર્ડ, કેમ્બ્રિજ આદિ યુનિવર્સિટીઓમાં કોઇને કોઇ ગ્રંથોએ ખ્યાતિ પ્રાપ્ત કરી છે. બનારસ, કલકત્તા, નદીયા, અમૃતસર, પૂના, દ્રાવિડ, મદ્રાસ, વડોદરા આદિ વિદ્યા શિક્ષાની પરીક્ષા સંસ્થાઓમાં પણ ઘણાં ગ્રંથો માનપાત્ર થયા છે.

મહારાજના તમામ શાસ્ત્રો સમસ્ત જગત માટે અવશ્ય ઉપકારી નિવડે તેવા છે.

મહારાજના ગ્રંથોએ પ્રાચ્ય અને પાશ્ચાત્ય બંને સંસ્કૃતિની સમાન સેવા કરી છે. તેમજ રાષ્ટ્ર અને ધર્મની પણ સમાન સેવા કરી છે.

વિદ્વાનોને તો મહારાજના શાસ્ત્રોની યાદી જોતાં જ એમની શાસ્ત્રજ્ઞતા અને વિદ્યાપાસના માટે આદર ઉપજે છે.

ભારતના મનીષિઓ ભારતીય સંસ્કૃતિના જે ઉચ્ચ સંસ્કારો ઊગતી પેઢીઓમાં સિંચવા ઈચ્છતા હતા અને દેશાંતરને પણ આપવા ઈચ્છતા હતા તે જ વસ્તુ મહારાજના ગ્રંથોએ વિશ્વને તેમજ ભારતને આપી છે.

ભગવાન ધનવન્તરીએ જે કાર્ય આયુર્વેદ માટે કરેલ છે તથા અશ્વિનીકુમારોએ જે ઔષધીઓ ખોળી છે, તેવું રસપ્રદ અમર કામ જ્ઞાનૌષિધિઓની શોધ, મહારાજે સંસ્કૃત સાહિત્ય માટે સંપૂર્ણ કરેલી છે.

એમણે શાસ્ત્રોની નવી રચનાઓમાં વેદ વ્યાસનું તથા શંકરાચાર્યજીનું તથા રામાનુજાચાર્યજી જેવું અજોડ અદ્ભુત કાર્ય કરેલ છે.

મહારાજે અનેક રાષ્ટ્રીય માન-સન્માન પ્રાપ્ત કર્યા છે. અનેક પ્રાચીન ગ્રંથો પર ટીકાઓ લખીને સ્વામીશ્રીએ ખૂબ મોટું અને ચિરંજીવ સર્જન કાર્ય કર્યું છે. તર્ક, સાંખ્ય, યોગ, મીમાંસા, અને ન્યાયશાસ્ત્ર પર એમણે કરેલું કાર્ય સદાકાળ યાદગાર રહેશે. એમના પ્રયત્નોથી, અનેક વિષયો પર એમણે કરેલા કાર્યથી અનેક અભ્યાસીને સરળતા પ્રાપ્ત થઇ છે. જે ભારતીય સંસ્કૃતિ પર મહારાજનો મોટો ઉપકાર છે.

મહારાજના ઘણાં તાત્ત્વીક દાર્શનીક ગ્રંથો ભણીને ઘણાં વિદ્વાનો, સાધુઓ, સન્યાસીઓ, યતિઓ, આચાર્યો, મુનિઓ, જતિઓ, સાધ્વીજીઓ પણ નિજ નિજ સંપ્રદાયના ધર્માનુયાયિપણાંને ટકાવવા સમર્થ થયા છે.

મહારાજે પોતાના શાસ્ત્રો દ્વારા હિન્દુઓના આચાર ધર્મ, ભાગવત ધર્મ, શરણાગતિ ધર્મ, બ્રહ્મસંબંધ ધર્મ, શુદ્ધાદ્વૈત ધર્મ, પ્રેમ ધર્મ, ઉપાસનાધર્મ, ભક્તિ ધર્મ, સર્વાર્પણ ધર્મ, ગુરૂ ધર્મ, સેવા ધર્મ વગેરે હિન્દુ સમાજમાં પૂરેપૂરો પ્રવર્તાવ્યો કે જેની અત્યંત આવશ્યકતા હતી. હવે આનાથી અનેક માનવો સૈદ્ધાંતિત ઉપાસના વડે ગોલોક, વૈકુંઠ, કૈલાસ આદિક બ્રહ્મલોકની મુક્તિ મેળવશે.

મહારાજ રચિત સાહિત્ય ફક્ત સંસ્કૃતને જ નહિ, કિંતુ સર્વપ્રકારના વિદ્યાપ્રેમીઓને પ્રેરણા આપનારું છે. તેમની અનેક કૃતિઓ સર્વ પ્રકારના સાહિત્ય માટે પૂર્ણ નિર્દેશન અને માર્ગદર્શન પુરું પાડનારી છે.

ભારતીય સંસ્કૃત ભાષાને જીવતી રાખવા માટે મહારાજનો પ્રયત્ન ખૂબ જ સ્તુત્ય છે; તેમના રચિત શાસ્ત્રો દ્વારા રાષ્ટ્રીય સંસ્કૃતિની અવિચળ ઉપયોગીતા ખૂબ જ વધતી રહેશે.

વાતચીતમાં વખત જાય તે તેટલી ક્ષણ પુરતો ઉપયોગી થાય, પણ તે વખત લેખનમાં સાર્થક થાય તો ભવિષ્યમાં કરોડોને ઉપયોગી થાય. ગીતા અર્જુનને ઉપયોગી થઇ, પણ વ્યાસજીએ લખી તો વિશ્વને ઉપયોગી થઇ પડી છે. આમ ક્ષણનું મૂલ્ય સમજનારા મહારાજે જગતને ઉપયોગી એવા ગ્રંથો રચી આપ્યા છે.

મહારાજનાં વિદ્વતાપૂર્ણ શાસ્ત્રો પરથી ‘ધર્માચાર્ય જગદ્ગુરૂ શંકરાચાર્યજી મહારાજ તેમજ અનેક વિદ્વાન પંડિતોએ સ્વામીશ્રીને ‘શ્વેતાયન વ્યાસ’ માન્ય ગણ્યા છે.

દેશ-વિદેશનાં વિદ્વાન પંડિતોના મતે આંતરરાષ્ટ્રીય વિદ્વાન વિશ્વવંદનીય પ્રકાંડ પંડિત પ્રગટ ભગવાન શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજનો આ ભારત દેશ સદાય ઋણી રહેશે અને સમગ્ર ભારતવર્ષમાં ભારતીય સંસ્કૃત અને સંસ્કૃતિના ઉદ્ધારક તરીકે આ પરમપુરૂષ શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજ અમર બનીને ભારતભૂમિને હંમેશા પ્રકાશિત કરતા જ રહેશે.

અભિનંદન ગ્રંથમાં દેશ-વિદેશના અનેક વિદ્વાનોનાં અભિપ્રાયો પરથી ‘શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજ’ એ માત્ર શાસ્ત્રોની રચના કરનાર માત્ર મહાન વિદ્વાન જ નહિ પરંતુ અનંત જીવાત્માઓનું આત્યંતિક કરનારા સર્વગુણ, ચિહ્ન ઐશ્વર્યસંપન્ન, સ્વયં પ્રગટ ભગવાન અનાદિશ્રીકૃષ્ણનારાયણ જ હતા.’ જેમને માત્ર મુમુક્ષુ પવિત્ર જીવાત્મા, બુદ્ધિશાળી વ્યક્તિ કે વિદ્વાન પુરુષ જ પરિપૂર્ણ ઓળખી શકે. મંદમતિ કે અવગુણીયા કે અપવિત્ર જીવાત્મા કદાપી શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજનો યથાર્થ મહિમા નહિ જાણી શકે.

એક વ્યક્તિમાં તમામ વિદ્યાઓને સ્થાન હોય તે સર્વજ્ઞ વ્યક્તિ ઇશ્વરાંશ આચાર્ય વિદ્યા સજીવનાર્થ પ્રગટ થયા ગણાય છે.

અસીમ વિદ્યાઓ છે, તે તમામ વિદ્યાઓને માનવ એક જન્મમાં મેળવી શકતો નથી. સ્વામીશ્રીમાં પ્રાગ્ભવીય વિદ્યાઓ નૈસર્ગિક છે જ નિત્ય સર્વજ્ઞને ભણવું પડતું નથી, માત્ર લોકરીતિ દેખાડે છે.

મહારાજના વિષયમાં જે કાંઇ લખવું તે તો સૂર્યને પ્રકાશ કરવા પતંગિયા તથા ડૂંભારણા દેખાડવા જેવું ગણાય. મહારાજની કર્મશક્તિનું ગહન પરિમાપન કોઇપણના સામર્થ્યથી બહાર છે. મહારાજની પ્રશંસામાં વાણી વિરામ પામે છે. મહારાજના શાસ્ત્રોનું જીવનનું પૂર્ણ સદ્ગુણોનું વર્ણન કદાચ ન પણ થઇ શકે તો આશ્ચર્ય વિષય નથી.