વિદ્વાનોની દૃષ્ટિએ શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજનું દિવ્ય જીવન તેમજ સદગુણો
ભારત પરમ પૂણ્ય ભૂમિ છે. વિદ્યાલય સંબંધ, ગુરુ પરંપરા, શાસ્ત્રોની સમાનતા, ઋષિ પરંપરાની સુરક્ષા વગેરેને કારણે વૈદિક આચાર તથા વિવિધ અવતારોની ભક્તિથી પવિત્ર બનેલી ભૂમિ એટલે ભારત દેશ.
ભારતની બે પ્રતિષ્ઠાઓ છે. એક દેવભાષા સંસ્કૃત અને બીજી ધાર્મિક સંસ્કૃતિ. ભારત વર્ષમાં ભગવાન શ્રીકૃષ્ણદ્વેપાયન વ્યાસજીના સમય પછી જગતને શાસ્ત્રીય સંશુદ્ધ-સંસ્કારિત શુદ્ધ ધન સાહિત્યરૂપે અર્પણ કરી ભારતની બંને પ્રતિષ્ઠા સંસ્કૃત અને સંસ્કૃતિના ઉદ્ધારક જો કોઇ થયા હોય તો તે આંતરરાષ્ટ્રીય વિદ્વાન પ્રકાંડ પંડિત શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજ થયા છે.
જ્યારે કોઇ રાષ્ટ્રના પૂર્વ સંચિત પૂણ્યનો ઉદય થાય છે ત્યારે એ રાષ્ટ્રનાં વિદ્યા, શૌર્ય, ચારિત્ર્ય, જ્ઞાન, ધર્મ અને સુસંસ્કારનો અદ્ભૂત વૈભવ લઇને કોઇ એવા મહાપુરુષ અવતરિત થાય છે, જે પોતાના નિષ્કલંક ચારિત્ર્ય, અલૌકિક પ્રતિભા અને અનંત જ્ઞાન-ગરિમાથી પોતાના રાષ્ટ્ર અને સમાજને સર્વકાલીન પુણ્યભાવિત કરી જાય છે. આ પુણ્યશાળી મહાનુભાવ એવું જંગમ તીર્થ હોય છે કે, કોઇપણ જીવ અલ્પકાળ માટે પણ એના સંપર્કમાં આવે તો તે જીવ તેજ સમયે ધર્મવર્ચસ્વ અને જ્ઞાનવર્ચસ્વનો અલૌકિક ચમત્કાર પામીને કથીરમાંથી સુવર્ણ બન્યા વિના રહેતો નથી.
એવી જ ઉદાત સાત્ત્વિક પરંપરાના મુર્ધન્ય પરમપુરુષ એવા શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજ (પ્રગટ ભગવાન અનાદિશ્રીકૃષ્ણનારાયણ)ના પ્રાગટ્ય વડે સૌરાષ્ટ્રનું કુંકાવાવ ગામ, તેમનું દેવાણી પટેલ કૂળ પવિત્ર બન્યું છે, તેઓશ્રીના માતા કંભરાલક્ષ્મી અને પિતા ગોપાલકૃષ્ણ પણ કૃતાર્થ બન્યા છે. તેમજ સ્વયં પૃથ્વી દેવી પણ વિશેષ પુણ્યશાળી બની છે.
મહારાજ બાળપણથી જ યોગીરાજ જેવા સુખ-શાંતિવાળા દૈવીમૂર્તિ, તેજસ્વી મૂર્તિ હતા. ભગવાનની મૂર્તિ પાસે બેસી તાલી પાડી ભજન કરતા, પાંચમા વર્ષથી જ પૂજા કરતા.
શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજ પ્રતીભાશાલી મહાન લેખક છે, ગૌરવશાળી સંત છે, ભારતીય સંસ્કૃતિના પરમ પવિત્ર મહાત્મા છે તથા સંસ્કૃત સાહિત્ય, વ્યાકરણ, કાવ્ય, પુરાણ, ઇતિહાસ, ધર્મશાસ્ત્ર, ન્યાય, તર્ક, વેદાંત, મિમાંસા, સાંખ્ય, યોગ તેમજ વેદોનાં અવિવાદાસ્પદ તેજસ્વી મહાન સ્કોલર પણ છે. તેથી મહારાજની ગણના વિશ્વના પ્રથમ કોટિના વિદ્વાનો, મહાકવિઓ અને સંસ્કૃતના પ્રકાંડ પંડિતોમાં થાય છે.તેમજ તેમની લેખિની બધાં તત્ત્વજ્ઞાનોની અભિવ્યક્તિ કરવામાં અપ્રતિહત સફળ ગતિવાળી છે.
મહારાજે સંસ્કૃતના શાસ્ત્રોનાં અધ્યયન, અધ્યાપન, લેખન, વ્યાખ્યાન આદિ ખૂબ કુશળતાપૂર્વક કર્યા છે, તેમજ કઠિનમાં કઠિન ગણાતા ગહન વિષયોને પોતાની કુશળતા વડે સર્વ સામાન્યને માટે પ્રભાવશાળી રીતિઓ વડે સર્વ સુલભ બનાવ્યા છે.
આપણાં દેશમાં મહાપુરુષોની ખાણો છે, પણ વિદ્વતા, સર્વશાસ્ત્રીય વિદ્વતા, ભક્તિમત્તા, નૈષ્ટિકતા, શાસ્ત્રરચયિતૃતતા, સારસ્વતોપાસના, વૈષ્ણવતા, સાત્ત્વિકતા, નિર્વ્યસનિતા, શુદ્ધિ, પંચદેવોપાસના, ધાર્મિકતા, દ્વિજતા, કલ્યાણ વ્રતિમત્તા આવા અમૂલ્ય ગુણો જેમાં મળે તે તો ઇશ્વરનો પણ ઇશ્વર છે માટે જ મહારાજના જ્ઞાન-કર્મ-ભક્તિનાં પવિત્ર ત્રિવેણી સંસ્પર્શથી જ સમગ્ર વાતાવરણ પવિત્ર થઇ જાય છે.
સ્વામિનારાયણ સંપ્રદાયમાં હજારો સંતોમાં એકમાત્ર સ્વામીશ્રી સંસ્કૃતના તમામ વિષયોમાં આચાર્ય થઇ મહાન વિદ્વાન બન્યા, જેથી તેઓ ‘આચાર્ય’ પદ્વીને પ્રાપ્ત કરીને ‘શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજ’ એવાં શુભ નામથી સંપ્રદાયમાં તેમજ વિશ્વમાં પ્રસિદ્ધીને પામ્યા છે.
મહારાજના અદ્ભૂત શાસ્ત્રો ભારતીય સંસ્કૃત તેમજ સંસ્કૃતિનું રક્ષણ કરનારા તેમજ ગૌરવ વધારનારા હોવાથી આવા સર્વશ્રેષ્ટ વિદ્વાન સંત સરકારને અને દેશને સદા માન્ય થયા છે.
મહારાજનું જીવન ત્યાગી સંત તેમજ મુમુક્ષુ બંને માટે જબરદસ્ત પ્રેરણાદાયક છે.
જે રાષ્ટ્રની સંસ્કૃતિ તેમના તત્ત્વચિંતકો પાસેથી સંસ્કારો મેળવે છે તેમજ મહારાજ જેવા સંતોના મહાન કાર્યોને બિરદાવે છે, તે રાષ્ટ્ર ચોક્કસ મહાન જ હોય છે. તેમાં બે મત નથી.
એક તરફ ન્યાય તાર્કિક, બીજી તરફ શ્રુતિ વૈદાંતિક, ત્રીજી તરફ સાંખ્ય યૌગિક, ચોથી તરફ મીમાંસાનુષ્ટાનિક, પાંચમી તરફ ઐતિહાસિક, છઠ્ઠી તરફ સર્વ દાર્શનિક અને સાતમી તરફ કાવ્યક્ષેત્રિક એવા સંસ્કૃતના ગહન વિષયોમાં જેમની તલસ્પર્શી ગતિ છે.
શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજ કેવલ સ્વામિનારાયણ સંપ્રદાયના અલંકાર છે એમજ નથી, પણ સમસ્ત વિદ્વાન મંડલોના તેમાં પણ પૃથ્વીના અને વિશેષપણે ભારતના મહાઅલંકાર છે, એમાં અતિશયોક્તિ નથી માટે જ મહારાજના આદર્શ વ્યક્તિત્વ તથા કુશળ કર્તૃત્વ વિશે કયા બુદ્ધિશાળીને ગર્વ ના થાય ?
સંસ્કૃત જગતમાં વિદ્વાનો તો ઘણાં હોય છે, તેઓ કોઇ એક, બે કે ત્રણ વિષયમાં જ વિદ્વાન હોય છે. તેમજ ઘણાં વિદ્વાનો પોતાની વિદ્યાનો શાસ્ત્ર દ્વારા લોકકલ્યાણ માટે ઉપયોગ પણ નથી કરી શકતા પરંતુ મહારાજ તો સંસ્કૃતના સાંખ્યયોગ, દર્શન, મીમાંસા, વેદાંત, ન્યાય આદિક તમામ વિષયોમાં વિદ્વાન છે અને એ તમામ વિષયો પર લોકકલ્યાણાર્થે એમણે અદ્ભૂત શાસ્ત્રો પણ રચ્યા છે, એ મહારાજનું વ્યાસપણું સિદ્ધ કરે છે.
મહારાજની અવગણના કરનારા ઘણાં તેજોદ્વેષી વલખાં મારે છે, પણ મહારાજના કોઇ પ્રબળ સામર્થ્યને કારણે જેઓ પોતે જ હલકાં બનતાં જાય છે.
વિખ્યાતી પામેલા મહારાજને પાછા પાડવા અનેક ડોળિયા ઇર્ષ્યુકોએ વાવાઝોડાં ઉપદ્રવો ઉપજાવ્યા, ખોટાઇઓ પ્રેરી પણ તેઓ તેમની જ કપટ-માયામાં, ઇર્ષ્યામાં, બળતરામાં દાઝીને કોલસા જ બની રહ્યાં. પણ મહારાજની વિદ્યાને તથા કીર્તિને કોઇ પહોંચી શક્યા નહિં.
યુગનાં વર્તમાન પ્રતિનિધિ એજ મહાપુરુષ છે કે, જે પોતાના પૂર્વાચાર્યોથી પ્રાપ્ત જ્ઞાનની સાથે જીવનભરની આદ્યાત્મિક સાધનાઓ દ્વારા અનુભૂત વિજ્ઞાનને પણ એ જ પરંપરામાં પોતાની કલમ દ્વારા પ્રગટ કરે છે, શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજ પણ આજ ભારતીય દર્શનના એક એવા જ યુગ પ્રતિનિધિ મહાપુરુષ તેમજ પરમપુરુષ પરમાત્મા છે.
મહારાજે પોતાનાં સ્વયં સિદ્ધ દિવ્ય જ્ઞાન દ્વારા આખા જગતને પ્રકાશિત કરીને યુગો સુધી પોતાનો પ્રભાવ છોડી ગયા છે.
શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજે નિજ જીવનમાં સંહિતા, શાસ્ત્ર, પુરાણ, ઇતિહાસ, સૂત્ર, ભક્તિશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર આદિનાં 108 પારાયણ સંપૂર્ણ કર્યા છે. તેમજ કુરાન, બાઇબલ, ગુરૂગ્રંથસાહેબ વિશ્વપટ્ટદર્શન, જૈનતત્ત્વપ્રકાશ, ભારત વર્ષના તમામ ઉપાસક સંપ્રદાય વગેરેનો ઊડો અભ્યાસ કરી તેમના પર વ્યાખ્યાનો પણ આપ્યા છે, ઘણાંય તપસ્વી અનુષ્ટાનો કર્યા છે, ઘણે સ્થળે સ્વામિનારાયણ મંદિરના જીર્ણોદ્ધાર તેમજ સભામંડપો કરાવ્યા છે.
મહારાજમાં જ્ઞાન-વિજ્ઞાન સાગર સાથે મુનિવ્રત, શક્તિઓ સાથે ક્ષમાવ્રત, ત્યાગશીલતાઓ સાથે અપ્રશંસાવ્રત, સન્માનો હોવા છતાં નિર્માનવ્રત, આજીવન નૈષ્ટિકશીલવ્રત, સંજ્ઞસ્થિતી, ભાગવતી ભક્તિ, ગ્રંથવિદ્યા, પરિશીલન, ભજન-કિર્તન, નિયમ-રક્ષણ તથા પરોપકારી વિદ્યા ભણાવવી, ઉપદેશ કથા પારાયણ વગેરેમાં જીવનવ્રતવાળા છે.
મહારાજની પ્રતિભા તેમનું વ્યક્તિત્વ અને કૃતિત્ત્વની વિશાળતા અને પ્રગલ્ભતા તેમને આ યુગના વ્યાસ તરીકે તો ઓળખાવે જ છે. પરંતુ અસંખ્ય લોકોએ તેમનામાં ભગવાનપણાના તમામ ગુણો, ઐશ્વર્યો, લીલાચરિત્રો તેમજ ચિહ્નોના કરેલા સાક્ષાત દર્શન એ મહારાજને સ્વયં જાણે અનંત જીવાત્માઓનું કલ્યાણ કરવા માટે પ્રગટ ભગવાન અનાદિશ્રીકૃષ્ણનારાયણ જ આ પૃથ્વી પર કૃપા કરીને પરમધામથી પધાર્યા હોય તેવું અવશ્ય લાગે છે.