પ્રસ્તાવના ·

શ્રીલક્ષ્મીનારાયણ સંહિતાનો ગુજરાતી સારાંશ અનુવાદ કરનાર પૂજ્ય હેમંત ભગત

મહારાજના અનંત મુક્તોમાના એક અનાદિમહામુક્ત એટલે પૂજ્ય હેમંત ભગત જેમનો જન્મ તા.15-7-1942 (અષાઢ સુદ-ર)ના રોજ જેતપુર ગામે થયો હતો. તેમના પિતાશ્રીનું નામ નાનજીભાઇ કાચા તેમજ માતુશ્રીનું નામ અંબાબેન કાચા હતું. તેમણે 11 વર્ષની નાની ઉંમરે મહારાજની શરણાગતી સ્વીકારી જનોઇ-દીક્ષામંત્ર ગ્રહણ કર્યા. ત્યારથી હંમેશાને માટે મહારાજની આજ્ઞા પ્રમાણે જ તે પવિત્રપણે જીવન જીવતા.

મહારાજના શિષ્ય સંત મંડળમાં મુખ્ય શિષ્ય કોઠારી શ્રી સ્વયંપ્રકાશદાસજી સ્વામી, શ્રી આત્મપ્રકાશદાસજી સ્વામી, શ્રી દેવપ્રકાશદાસજી સ્વામી, શ્રી જ્ઞાન પ્રકાશદાસજી સ્વામી તેમજ હેમંત ભગત હતા. સૌ શિષ્યો પોતાની સમજણ અને શક્તિ પ્રમાણે મહારાજની સેવા કરતા પરંતુ પૂજ્ય હેમંત ભગતને મહારાજનો પરિપૂર્ણ મહિમા સમજાયો હતો. જેથી તેઓએ રાતદિવસ મહારાજની આજ્ઞા પ્રમાણે સેવા-ભક્તિ કરી એટલું જ નહી પરંતુ જે ભક્તો જૂનાગઢ મહારાજના દર્શને આવતા તેમને મહારાજનો યર્થાથ મહિમા સમજાવતા અને કંઇ રીતે મહારાજની સેવા કરી વિશેષ રાજી કરવા તે જ્ઞાન પણ આપતા ઉપરાંત ભક્તોને મીઠો આવકાર ચા-પાણી મહાપ્રસાદ જમાડીને પણ રાજી કરવા આવી અનેક પ્રકારની સેવા ભક્તોની પણ કરતા.

હેમંત ભગતે પોતાના જીવનમાં ભેગી થયેલી ધોતિયાની, દક્ષિણાની મુડી પણ ફુલવાડી મંદિરના કાર્યમાં અર્પણ કરી હતી. તેમજ ભવિષ્યમાં શ્રીહરિશરણાગતિ મંડળમાં ભક્તોને કથાવાર્તા કરવામાં અતિ ઉપયોગી થાય તે માટે રાત-દિવસ મહેનત કરી નો ગુજરાતી સારાંશ ગ્રંથ તૈયાર કરી મંડળને અર્પણ કર્યો. આ રીતે 40 વર્ષ સુધી સેવા કરી અંતે બાવન વર્ષની ઉંમરે તા.12-2-1998 (મહા વદ-1) ના રોજ પરમધામ સીધાવ્યા.

હેમંત ભગતના દિવ્ય દેહનો અગ્નિ સંસ્કાર ફુલવાડી મંદિરની ભૂમિ પર ભક્તો દ્વારા કરવામાં આવ્યો. તે પ્રસાદીના સ્થાનમાં હાલમાં સ્મૃતિ મંદિર છે. આ રીતે મહારાજે પોતાના હનુમાન જેવા સેવક અનાદિ મહામુક્તરાજ હેમંત ભગતને પોતાની સાથે દિવ્યરૂપે ફુલવાડી મંદિરમાં પણ પોતાની સેવામાં રાખ્યા છે.

પૂજ્ય હેમંત ભગતમાં રહેલા જે સંતના સદ્ગુણો અને મહારાજની આજ્ઞા અને ઉપાસનાનું બળ આપણા સૌ ભક્તોમાં પણ આવે એવી પ્રાર્થના સાથે જય અનાદિશ્રીકૃષ્ણનારાયણ...

લી. શ્રી કૃષ્ણપ્રકાશ સ્વામી, જૂનાગઢધામ