પ્રસ્તાવના ·

પ્રગટ ભગવાન અનાદિશ્રીકૃષ્ણનારાયણ - શ્રીહરિશરણાગતિ મંડળ પરિચય

અનંત જીવાત્માઓના કલ્યાણ અર્થે સ્વયં અવતારી પરબ્રહ્મ પરમધામાધિપતિ પ્રગટ ભગવાન અનાદિશ્રીકૃષ્ણનારાયણ - શ્રીશ્વેતાયન વ્યાસ - શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજ સૌરાષ્ટ્રમાં મોટી કુંકાવાવ ગામની દિવ્યભૂમિ પર આસો વદ આઠમને શનિવારે તા. ર1-10-190પ ના પ્રાત:કાળે 4-42 મિનિટે સૂર્યોદય પહેલા દેવાણી પટેલ કુળમાં માતા કંભરાલક્ષ્મી તેમજ પિતા ગોપાલકૃષ્ણના ખોળે પ્રગટ થયા.

પૃથ્વી પર ભગવાનના ઘણા અવતાર થયા પણ આ વખતે સ્વયં અવતારી પ્રભુ કૃપા કરી અનેક ભક્તોને શરણમાં લીધા અને પોતાના ધામનું સુખ અહિંયા આપી અનંત જીવોનું ઉદ્ધાર કરવા માટે શ્રીહરિ શરણાગતિ મંડળની સ્થાપના કરી અનાદિશ્રીકૃષ્ણનારાયણ સંપ્રદાય ચાલુ કર્યો અને સંતોની પ્રણાલિકા ચાલુ કરી. મંદિર બાંધવા, બીજા જીવોને ભગવાન તરફ વાળવા શરણાગતિ મંડળના ભક્તોને ભગવાને પોતે સ્વહસ્તે દીક્ષા આપી સંત બનાવ્યા તેમજ અનંત અપાર ચમત્કાર, પરચા, ઐશ્વર્ય, દિવ્ય પ્રતાપ વાપરીને અનંત જીવોને શરણાગતિ આપી તેમજ યુગના આધારે અનેક શાસ્ત્રોની રચના કરીને સેવા, ભક્તિ, આજ્ઞા, ઉપાસના પ્રવર્તાવીને આત્યંતિક મોક્ષ પરમધામનો માર્ગ સુગમ કર્યો.

શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજે પોતાના 81 વર્ષના દિવ્ય જીવનકાળ દરમિયાન અનેક અકલ્પનીય અને અદ્ભુત કલ્યાણકારી દિવ્ય લીલાચરિત્રો કરી લોકકલ્યાણાર્થે દિવ્ય જીવન જીવી, તા. ર8-ર-1986ના રોજ પ્રાત:કાળે જૂનાગઢના શ્રીસ્વામિનારાયણ મંદિરમાં પોતાના નિવાસસ્થાન શ્રીબાલમુકુંદભવનમાં સ્વેચ્છાએ પોતાના પંચભૌતિક દિવ્યદેહનો ત્યાગ કરી પોતાના પરમધામમાં સિધાવ્યા.

વર્તમાન સમયમાં શ્રીહરિશરણાગતિ મંડળના સૌ ભક્તો સાથે મળી પ્રગટ ભગવાનની આજ્ઞા પ્રમાણે કાર્યો કરી રહ્યાં છે તેમજ ધર્મમય દિવ્ય જીવન વ્યતિત કરી રહ્યાં છે. ઉપરાંત સૌ ભક્તો હિન્દુ ધર્મના પવિત્ર તહેવારો જેવા કે, ‘શ્રાવણમાસ, અધિકમાસ, જન્માષ્ટમી, ગુરૂપૂર્ણિમા તેમજ મહારાજની જન્મજયંતી-આસો વદ આઠમ અને સ્વધામગમન તિથી- મહા વદ ચોથ’ આદિક પવિત્ર દિવસોએ કથા-વાર્તા, સત્સંગ, ધૂન-કિર્તન, યજ્ઞ અને મહાપ્રસાદ-જમણવાર આદિક આયોજનો કરી ધામધૂમપૂર્વક મહામહોત્સવો પણ ઉજવે છે.

પ્રગટ ભગવાન અનાદિશ્રીકૃષ્ણનારાયણના હાલમાં બે ભવ્ય શિખરબંધ મંદિરો કુંકાવાવ તેમજ જામવંથલીમાં છે. તેમજ જૂનાગઢ, રાજકોટ, ખજૂરીપીપળીયા, અંજાર-કચ્છ, સુરત, મુંબઇ, પુના, ભંડારા, અગરવાડા (મધ્યપ્રદેશ) અને આલુર (આંધ્રપ્રદેશ) આદિક સ્થળોએ નાના હરિમંદિરો છે. શિખરબંધ મંદિરોમાં મધ્ય શિખરમાં મહારાજની પંચધાતુની મૂર્તિ તેમજ હરિમંદિરોમાં આરસની મૂર્તિ અને ચિત્ર પ્રતિમાની મૂર્તિ ભક્તોએ પધરાવી છે. પોતાની મૂર્તિમાં પ્રગટપણે રહી શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજ સૌ ભક્તોને સર્વપ્રકારે મહાસુખીયા કરી, સૌનું કલ્યાણ કરે છે.

ભારતમાં અનેક સંપ્રદાયો છે, તેમાનો આ પણ એક ‘અનાદિ શ્રીકૃષ્ણનારાયણ સંપ્રદાય’ છે, તેનું તમામ પ્રકારનું સંચાલન શ્રીહરિશરણાગતિ મંડળના ભક્તો કરી રહ્યા છે.