પ્રસ્તાવના ·

મહાધર્મગ્રંથ શ્રીલક્ષ્મીનારાયણ સંહિતાનો મહિમા

પ્રગટ ભગવાન શ્રીકૃષ્ણવલ્લ્ભાચાર્યજી મહારાજ - અનાદિશ્રીકૃષ્ણનારાયણ શ્રીશ્વેતાયન વ્યાસ રચિત આ શ્રીલક્ષ્મીનારાયણ સંહિતા ચાર ભાગમાં છે.

1. કૃતયુગ સંતાન (અધ્યાય-590), 2. ત્રેતાયુગ સંતાન (અધ્યાય-300), 3. દ્વાપરયુગ સંતાન (અધ્યાય-237), 4. તિષ્યયુગ સંતાન (અધ્યાય-123).

આ રીતે સંહિતામાં કુલ 1250 અધ્યાયો છે. શ્લોક સંખ્યા 1,26,000 છે.

ના ચાર ભાગ અથવા એક ભાગ અથવા એક અધ્યાય અથવા એક શ્લોક પણ જે વાંચશે કે શ્રવણ કરશે તેના સર્વ સંકલ્પ પૂર્ણ થશે.

શ્રીલક્ષ્મીનારાયણ સંહિતા રાધાની જેમ સંપત્તિ આપનારી, ગંગાની જેમ પાપનો નાશ કરનારી, શંકરની જેમ સુખકારી, ગણેશની જેમ વિઘ્નો નાશ કરનારી, હનુમાનની જેમ મહાશક્તિ આપનારી, કામધેનુની જેમ સર્વ સંકલ્પ પુરનારી તેમજ કલ્પવૃક્ષ સમાન, ચિંતામણી સમાન, વાસના તોડનારી, સર્વે વ્રતથી ભરપૂર અનાદિશ્રીકૃષ્ણનારાયણની શબ્દમૂર્તિ એવી આ સંહિતા લાખો અશ્વમેઘ યજ્ઞના ફળને આપનારી છે અને લાખો વિષ્ણુયાગના ફળને આપનારી છે.

શ્રીલક્ષ્મીનારાયણ સંહિતા ની કથા વાંચવાથી, શ્રવણથી તેમજ પુજનથી આ બ્રહ્માંડનું દાન કર્યુ હોય તેટલું ફળ પ્રાપ્ત થાય છે. સંહિતાના શ્રવણથી ભગવાન સ્વયં આત્મામાં વાસ કરે છે, મનુષ્ય લક્ષ્મી અને બ્રહ્મશક્તિવાળો થાય છે અને પોતાના દિવ્ય સ્વરૂપનું દર્શન કરે છે. પરમધામ, અક્ષરધામ, અવ્યાકૃતધામ, અમૃતધામ, ગોલોક, વૈકુંઠ, વૈરાજપદ, બ્રહ્માપદ, ઇન્દ્રપદ આદિક સર્વલોકની પ્રાપ્તિ આ સંહિતાના સાંભળવાથી થશે.

શ્રીલક્ષ્મીનારાયણ સંહિતા અનાદિશ્રીકૃષ્ણનારાયણના હૃદય સમાન છે. તેથી તે સર્વ પ્રતિષ્ઠાના ફળને આપનારી, સર્વ સેવાના ફળને આપનારી, સર્વ વિદ્યાના ફળને આપનારી, પતિવ્રતા સતીધર્મના ફળને આપનારી, સર્વે વાસનાનો નાશ કરનારી, સર્વ ભોગ સમૃદ્ધિ આપનારી તેમજ સર્વ વ્રત, દાન, યજ્ઞ, પુણ્ય, કર્મ, તપ, દિક્ષા, ત્યાગ, ધર્મ સર્વના ફળને આપનારી છે.

શ્રીલક્ષ્મીનારાયણ સંહિતા ઘરમાં વસાવી તેનું દર્શન પુજન કરવાથી સંપત્તિ અને મોક્ષ અપાવનારી છે તેમજ કાળ અને માયાનો નાશ કરનારી છે. ત્યાં અનાદિશ્રીકૃષ્ણનારાયણ બ્રહ્મપ્રિયાઓ, મુક્તમંડળ, સર્વે નારાયણો અને ઇશ્વરો સહિત વાસ કરે છે.

શ્રીલક્ષ્મીનારાયણ સંહિતાની કથા, પારાયણ તેમજ પુરુશ્ચરણ કરાવવાથી અસદ્ ગતિમાં ગયેલાનો તથા ભૂતાદિનો મોક્ષ થાય છે, દુ:ખ દારિદ્ર નાશ પામે છે તેમજ ધન, સંપત્તિ અને વંશ વૃદ્ધિ થાય છે.

અનાદિશ્રીકૃષ્ણનારાયણ કહે : શ્રીલક્ષ્મીનારાયણ સંહિતાના વક્તા અને મારામાં જરાપણ ફેર ન ગણવો કારણ કે, મારો પ્રવેશ વક્તામાં થાય છે. વ્યાસપીઠેથી મેળવેલા આશિર્વાદ સફળ થાય છે. વક્તા વ્યાસના પ્રસાદીના હારથી સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. વ્યાસના દર્શનથી શ્રીકૃષ્ણના દર્શન તુલ્ય ફળ થાય છે. વક્તા વ્યાસના સ્પર્શથી પ્રભુના સ્પર્શનું ફળ પ્રાપ્ત થાય છે. વક્તા વ્યાસના દર્શનથી પણ નરનારી દિવ્ય બને છે માટે વક્તા વ્યાસની અન્ન-ધન-વસ્ત્રથી યથાશક્તિ પુજા કરવી.

શ્રીલક્ષ્મીનારાયણ સંહિતાની કથા દરમિયાન સુવર્ણના આસન પર સ્થાપના કરી તેમજ મહામંડપની રચના કરી કથા સાંભળવી તથા સંહિતાની નિત્યપુજા-આરતી કરવી તેમજ કથા દરમિયાન સાધુ-સાધ્વી, વિપ્રો, અનાથ, ગરીબ બાળકોને ભોજન કરાવવા અને કથાની પૂર્ણાહુતિએ સંહિતાને શણગારી હાથી પર, વાહનમાં અથવા મસ્તક પર મુકી ગામમાં અને શહેરમાં પોથીયાત્રા કરવી અને સાથે હજારો ભક્તોએ ધુન-કિર્તન, ઉત્સવ કરવા પછી રાજમહેલમાં શ્રીમંતને ત્યાં, વૈષ્ણવ ભક્તોને ત્યાં સંહિતાને પધરાવવી. કુમારિકાઓ તથા સૌભાગ્યવતીઓએ વિદ્યા-ધન-સંતાન-આરોગ્ય સર્વ પ્રાપ્તિ માટે કંકુચોખાથી સંહિતાની પુજા કરવી.

શ્રીલક્ષ્મીનારાયણ સંહિતા ગ્રંથ માનવસમાજને ભક્તિનો માર્ગ બતાવનારો, જ્ઞાન- વિજ્ઞાન સમજાવનારો, મનુષ્ય માત્રને પોતાનાં કર્તવ્યનું ભાન કરાવનારો છે. હિન્દુ સમાજના તમામ ધર્મો આમાં સમાયેલા છે તેમજ આ સંહિતા ઋષિમુનિઓને, જ્ઞાનીઓને, વિજ્ઞાનીઓને, પંડિતોને તેમજ રાજશ્રીઓને પણ ત્રણ કાળનું દર્શન, વિશ્વનું દર્શન અને ભગવાનનું દર્શન કરાવનારો છે અને આ ગ્રંથ ભગવાનના લીલા-ચરિત્રોથી ભરપુર છે. મનુષ્યોની સામાજીક, રાજકીય, વ્યવહારિક તેમજ આધ્યાત્મિક માર્ગમાં મનુષ્યોને કોઇપણ કઠિન સમસ્યા હશે તેનો ઉકેલ આ ગ્રંથમાં મળી રહેશે, એટલે જેને જેવો જોઇતો હશે તેવો સાર આ ગ્રંથમાં મળી રહેશે.

આ ગ્રંથ ભવિષ્યમાં હિન્દુઓના મહાધર્મ ગ્રંથ તરીકે ઓળખાશે. આ ગ્રંથ તુલ્ય કોઇ શાસ્ત્ર નથી માટે જ વિશ્વના અનેક વિદ્વાન પંડિતોએ આ ગ્રંથને હૃદયથી વખાણ્યો છે.

પ્રગટ ભગવાન અનાદિશ્રીકૃષ્ણનારાયણનું મુક્તમંડળ એટલે શ્રીહરિ શરણાગતિ મંડળના અનેક ભક્તોના સંકલ્પને ધ્યાનમાં રાખી જગતના ધર્મપ્રેમી ભક્ત સમુદાયને અતિ ઉપયોગી એવું આ દિવ્ય કલ્યાણકારી શ્રીલક્ષ્મીનારાયણ સંહિતા જેનું સંસ્કૃતમાંથી ગુજરાતી સારાંશ અનુવાદ અનાદિમહામુક્તરાજ પુજ્ય શ્રીહેમંત ભગતે મહામહેનતે કર્યુ હતું. તેમની હસ્તલિખીત પ્રત પરથી અતિ સુંદર શાસ્ત્રનું પ્રકાશન કાર્ય પ્રગટ ભગવાન તેમજ મુક્ત ભક્તોના રાજીપા અર્થે પ્રગટ ભગવાનની 116મી જન્મજયંતિ નિમિત્તે જૂનાગઢધામ દ્વારા કરવામાં આવ્યું છે. અત્યંત ધ્યાનપૂર્વક આ શાસ્ત્રનું કાર્ય કરવા છતાંય કયાંય કોઇપણ પ્રકારની ભૂલ રહી ગઇ હોય તો અમને ક્ષમા કરવા તેમજ પરત ધ્યાન દોરવા વિનંતી છે.

અંતમાં આ મહાધર્મગ્રંથ શ્રીલક્ષ્મીનારાયણ સંહિતામાં રહેલ દિવ્ય કલ્યાણકારી ઉપદેશો તેમજ આજ્ઞા-ઉપાસનાને આપણે સૌ કોઇ જીવનમાં અપનાવીને પ્રગટ ભગવાનના કૃપાપાત્ર બની દિવ્ય પરમધામમાં વાસ કરીયે એ જ અભ્યર્થના છે.

અનંત જીવાત્માઓના કલ્યાણ અર્થે આ શાસ્ત્રના પ્રકાશન કાર્યમાં પ્રગટ ભગવાન અનાદિશ્રીકૃષ્ણનારાયણ તેમજ ભગવાન શ્રી સ્વામિનારાયણ અને સદ્ગુરૂ પૂજ્ય નિર્ગુણજીવનદાસજી સ્વામીના શિષ્ય ધર્મવીર, દાનવીર, શૂરવીર, અક્ષરધામના મુક્તરાજ ભક્તરાજ શ્રી નારણભાઇ પ્રેમજીભાઇ ખોલીયા (ગામ - જામવંથલી, હાલ - પુના)” જે ભક્તએ સેવા કરી છે તેમના પર પ્રગટ ભગવાન વિશેષ રાજી થઇ તેમને સર્વ પ્રકારે મહાસુખિયા કરે - સર્વ સંકલ્પો પૂર્ણ કરે તેમજ વિશેષ સેવાભક્તિનું બળ આપે એ જ પ્રાર્થના...

લી. શ્રીકૃષ્ણપ્રકાશ સ્વામી - જૂનાગઢધામ