કુંકુમવાપી નિવાસી શ્રીબાલકૃષ્ણ પ્રભુ સાથે - કાશી નિવાસી દુ:ખહા લક્ષ્મીના લગ્નોત્સવની દિવ્ય કથા
આ અધ્યાય 274–300 સંયુક્ત છે
શ્રીકૃષ્ણ કહે : રાધા, કાશી ગયેલા નારદજી કુંકુમવાપીમાં આવી બાલપ્રભુ અને માતાપિતાને દંડવત્ કરી લગ્નપત્રિકા આપી. સર્વકુશળ સમાચાર કહ્યા. ગોપાલકૃષ્ણ પિતાએ લગ્નપત્રિકા વધાવી નારદની પૂજા કરી. નારદજીએ કહ્યું, લગ્નનું મુહૂર્ત માગશર સુદ ચતુર્થીનું આવ્યું છે એમ જણાવ્યું.
બાલકૃષ્ણપ્રભુ પ્રસન્ન થઇને નારદને દૂધપાક ભોજન કરાવી, તૃપ્ત કર્યા. પિતાએ કન્યાના ગુણ અને લક્ષણો કેવા છે તેમ પૂછ્યું. નારદ કહે, શિવેશ્વર અને પાર્વતીની પુત્રી લક્ષ્મી તેના હું શું વખાણ કરુ. તે દિવ્ય અને તેજસ્વી છે. શાંત તપસ્વિ છે. ચિહ્નોથી યુક્ત છે. તેની પાસે સર્વ દેવીઓના રૂપ ઝાંખા પડી જાય. તે લક્ષ્મી તમારા બાલકૃષ્ણ પરબ્રહ્મને જ યોગ્ય છે. તેના લલાટમાં બાણ બીંદુની રેખા છે. હૃદયમાં વિષ્ણુ રેખા ચિહ્નો છે. ડાબા સાથળમાં પાદુકાનું ચિહ્ન છે. જમણા ચરણમાં શંખ, નૌકા, વિમાન, ગદા મત્સ્ય, શિખર, મગર, નાગરવેલીના ચિહ્નો છે. ડાબા ચરણમાં ઉર્ધ્વરેખા, યવ, છત્ર, કમળ, ધજા, અંકુશ, કળશ, શ્રીફળ તથા દશ આંગળીમાં ચક્રના ચિહ્નો છે. જમણા હાથમાં ધ્વજ, મત્સ્ય, બંશી, સ્વસ્તિક, ધનુષ, કમળ, કળશ, માલા, દીપ, ચામર, રેખા છે. હે ગોપાલકૃષ્ણ ત્રિલોકીમાં લક્ષ્મી વિના આટલા ચિહ્નો કોઇને ન હોય માટે સાક્ષાત લક્ષ્મીનો અવતાર છે અને તમારા પુત્ર સાક્ષાત પરમેશ્વર છે. તેને માટે તે લક્ષ્મી તપ કરે છે, તેને હેમશાલાયન ઋષિ તથા હનુમાન જાણે છે. શ્રીહરિએ વરદાન આપેલું છે. તેથી દેવગુરુ બૃહસ્પતિ પણ આવ્યા છે, માટે આ લક્ષ્મીનારાયણની જોડના દર્શન કરી સર્વધન્ય થશે. તેથી તમે ધન્ય છો, શિવ- પાર્વતી ધન્ય છે. કુંકુમવાપી અને કાશી ધન્ય છે, બૃહસ્પતિ નારદ ધન્ય છે અને ચતુર્થી તિથિ પણ ધન્ય છે. પછી નારદ શ્રીહરિને લક્ષ્મીનું વૃતાંત ગુણ લક્ષણ કહેવા લાગ્યા.
નારદજી કહે : પ્રભુ, હું કાશી શિવપાર્વતીને ત્યાં ગયો. તેની પુત્રી લક્ષ્મી તથા માતાપિતાએ પૂજન કર્યું. તે દુ:ખહા લક્ષ્મી અલૌકિક રૂપ ગુણેયુક્ત, દિવ્ય તેજસ્વી સર્વકલાથી યુક્ત, સર્વ વિદ્યાથી ભરેલી, ઘટા છટાવાળી, સાત્વિકપણે રહેનારી, સંતોષી, પવિત્ર, મધુરવાણી બોલનારી, એવી તે લક્ષ્મી, સર્વગુણે સંપન્ન છે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ, બાલકૃષ્ણ હરે હરે, અનાદિશ્રીકૃષ્ણનારાયણ બ્રહ્મપતે હરે હરે, શ્રીકૃષ્ણવલ્લભ સ્વામિન્ કાંતકૃષ્ણ હરે હરે, એ રીતે ભજન કરી વિરામ પામી પછી નારદજી લક્ષ્મીને ઓળખાણ આપી કહેવા લાગ્યા. જેને ઘેર સંતના પગલા થાય છે તેના મહાન ભાગ્ય છે. સંતપુરૂષોની સેવાથી જનો સર્વપ્રકારે સુખી થાય છે. ધર્મ, ભક્તિ, તપથી, સંતપુરૂષોની સેવા મળે છે. વ્રત, દયા, અનુગ્રહથી સંત સેવા મળે છે. તીર્થ કરનારા, દાન આપનારા, કથા સાંભળનારા, આત્મકલ્યાણને ઈચ્છનારાને સંતનો લાભ મળે છે. નારદજીની અમૃતવાણીનો ઉપદેશ સાંભળી શિવપાર્વતી પોતાની પુત્રી લક્ષ્મીને કહે, બેટા નારદજીને ભોજનપાનથી સેવા કરી આશીર્વાદ પ્રાપ્ત કર. લક્ષ્મીએ નારદજીને આસન આપી પૂજન કરી, ભોજન કરાવ્યું. નારદજી પણ કન્યારૂપે રહેલા લક્ષ્મીમાં સર્વ ગુણ અને લક્ષણો અને ચિહ્નોના દર્શન કરી આનંદ પામ્યા.
શ્રીકૃષ્ણ કહે : રાધા, નારદજીના કહેવાથી શિવેશ્વર-પાર્વતીએ બૃહસ્પતિને બોલાવી લક્ષ્મીનું મન જાણી માગશર સુદ ચોથની લગ્નની મંગલપત્રિકા લખી. સર્વ સાથે મળીને ગોળ-ધાણા ખાધા. એ રીતે માતા કંભરાલક્ષ્મી પિતા ગોપાલકૃષ્ણ અને અનાદિશ્રીકૃષ્ણનારાયણના પુછવાથી નારદજીએ કન્યા લક્ષ્મીના સર્વગુણ અને વૃતાંત કહ્યા. એજ રીતે શિવેશ્વર પાર્વતીના પુછવાથી નારદજીએ અનાદિશ્રીકૃષ્ણનારાયણના અનંતગુણો- ઐશ્વર્યનું વર્ણન કર્યું. પછી નારદજીને માતા કંભરાલક્ષ્મીએ કહ્યું કે, એ લક્ષ્મી અને મારા બાલકૃષ્ણના લગ્ન શીઘ્ર થાય એવી હું ઈચ્છા રાખું છું એમ સાંભળીને માતા અને બહેન સંતુષ્ટા પ્રસન્ન થયા પછી બૃહસ્પતિ અને નારદના આગમનથી બાલકૃષ્ણ અનાદિશ્રીકૃષ્ણનારાયણના લગ્ન થવાના જાણી સર્વે કન્યાઓ મંગલગીતો ગાવા લાગી. સર્વે બ્રહ્મપત્નીઓ, કૃષ્ણપ્રિયાઓ, વિપ્રકન્યાઓ, ક્ષત્રિય, વૈશ્યપત્નીઓ, ગોપીઓ, સાધ્વીઓ, બ્રહ્મચારણીઓ, દેવીઓ કુંકુમવાપીની સર્વનારીઓ, ઋષિપત્નીઓ સર્વે તથા કંભરાલક્ષ્મી અશ્વપટ સરોવર આવી સ્નાન કરી શ્રીહરિના લગ્ન નિમિત્તે મંગલગીતો ગાવા લાગી. પછી બાલકૃષ્ણનું પૂજન કરી નારદ-બૃહસ્પતિનું પૂજન કર્યું.
નારદ-બૃહસ્પતિના આશ્ચર્ય સમાચારથી સૌરાષ્ટ્રમાં ઘેરઘેર ખબર પડવાથી ચારેકોરથી ભક્તજનો શ્રીહરિના લગ્નોત્સવ જાણીને અતિ આનંદથી આવવા લાગ્યા. સર્વ નરનારીઓ નૃત્ય કરી વાજીંત્રો વગાડી ગાવા લાગ્યા. સર્વેજનો પોતાની કળા બતાવવા લાગ્યા. નારદજી અને બૃહસ્પતિ સર્વને આશીર્વાદ આપતા સર્વને કહેવા લાગ્યા. લક્ષ્મીના ધન્યભાગ્ય છે કે જેના પતિ પરબ્રહ્મ થશે. પછી દેવગુરુ બૃહસ્પતિના કહેવાથી પિતાએ લગ્નપત્રીકા લખી બૃહસ્પતિને આપી તેમાં લખ્યું, કુંકુમવાપીમાં પિતા ગોપાલકૃષ્ણ અને માતા કંભરાલક્ષ્મીને ત્યાં પ્રગટેલા સાક્ષાત પરમેશ્વર બાલકૃષ્ણ શ્રીહરિને નમસ્કાર કરૂં છું. જેના યજ્ઞવ્રત્ત તપ, દાન, પુણ્યના સમુદાય હોય તેને આ પ્રભુના દર્શન થાય છે. જે પ્રભુના દર્શન કરવા રાજાઓ દેવો, ઇશ્વરો, અવતારો, ચરણે શીશ નમાવે છે એવા અક્ષરપતિને નમસ્કાર. એવા બાલકૃષ્ણને યોગ્ય જાણી હું પાર્વતી પતિ શિવેશ્વર મારી કન્યાનું દાન આપું છું. જે લક્ષ્મી શ્રીહરિના ધામમાંથી અહીં શંકરને ત્યાં પ્રગટ થયા તે લક્ષ્મીનું કન્યાદાન વિધિ માગશર સુદ ચોથને દિવસે કાશીમાં - વરણામાં રાખેલો છે. તો લગ્નોત્સવમાં સર્વ દેવો, ઇશ્વરો, અવતારો, ઋષિ-મુનિઓ, માનવો, સર્વ આવશે. તેનું કલ્યાણ થશે. એ રીતે ગોપાલકૃષ્ણએ લખેલી કંકોત્રી બૃહસ્પતિએ અનેક ઉપમાવાળી કંકોત્રી શિવેશ્વરને આપી. ગોપાલકૃષ્ણ, કંભરાલક્ષ્મી, બાલકૃષ્ણ, લોમશ ઋષિ, સર્વનું માંગલ્ય કહ્યું. સાંભળી શિવેશ્વર પ્રસન્ન થઇને બૃહસ્પતિને કહે, ભગવાન મારે ત્યાં પધારશે તેથી ત્રિલોકીમાંથી મહેમાનો આવશે, સેવાનો લાભ મળશે, તમારા જેવા ગુરુ છે, કૃષ્ણ જેવા પતિ છે, મોહમાયા જેવી સૃષ્ટિ મારી છે, હું પોતે શંકરનો અવતાર છું, હનુમાન ગણપતિ જેવા પુત્રો છે, કરોડો અબજો સેવકો છે, પછી મારે શું બાકી રહ્યું. એમ કહીને શિવેશ્વર બૃહસ્પતિને ભોજન કરાવી મંડપની તૈયારી કરાવવા લાગ્યા. અને દૂતોને ત્રિલોકીમાં આમંત્રણપત્રિકા સાથે મોકલ્યા. અહીં કુંકુમવાપી ક્ષેત્રમાં શ્રીકૃષ્ણનારાયણના વાજીંત્રો સાથે મંગલ ગીતો સ્ત્રીઓ ગાવા લાગી. પુરના શેરી, દરવાજા, ચોક, શણગારવાથી, ધામની સમાન શોભા દેખાતી હતી.
તે સમયે પરમધામમાંથી એક મુક્ત આવી અનાદિશ્રીકૃષ્ણનારાયણને નમસ્કાર કરી મંડપરૂપે થઇને દિવ્ય અલૌકિક શોભાને ધારણ કરતા હતો. તે મહામંડપમાં ક્યાંક મહામુક્તો, મુક્તાણીઓ, તો ક્યાંય અવતારો ગોલોકધામ દેખાતા હતા. કોઇ ઠેકાણે વૈકુંઠ, અવ્યાકૃત, કૈલાશધામ દેખાતા હતા. ક્યાંક સૃષ્ટિઓ, ઇશ્વરો, દિગ્પાળ, દેવો, વસુઓ, મહર્ષિઓ, દેવીઓ, સ્થાવર, જંગમ, સૃષ્ટિનું દર્શન થતું જોઇને, સર્વે આશ્ચર્ય પામતા હતા. ચિત્ર-વિચીત્ર અનેક શોભાવાળા સિધ્ધિઓવાળો તેજસ્વી મણિથી શોભાયમાન એવો દિવ્ય મહામંડપ ક્યાંય પણ જોયેલો નહીં હોવાથી કોઇ વર્ણન કરવા સમર્થ થતું નહીં.
રાધાએ પૂછ્યું : હે કૃષ્ણ, લગ્નમંડપમાં માણેકસ્તંભ - ગણેશ - કળશ સ્થાપન શા માટે કરે છે ? કુળદેવ માતૃકા વિષ્ણુનું સ્થાપન કેમ કરે છે. તેનું કારણ - ફળ કહો.
શ્રીકૃષ્ણ કહે : માણેકસ્તંભનું સ્થાપન-પૂજન કરવાથી ગૃહસ્થને ઇન્દ્ર સમાન સમૃધ્ધિ મળે છે. અગ્નિ સમાન તેજસ્વી થાય છે અને ગાયનું દુજાણુ રસકસથી સુખી રહે છે. જ્યાં માણેકસ્તંભ વાસ કરે છે. ત્યાં લક્ષ્મીનારાયણ ભગવાન વાસ કરે છે. પિતૃની પ્રસન્નતા રહે છે. રાક્ષસોની ક્રૂર દૃષ્ટિ થતી નથી. કળશ, પૂજનથી સર્વ તીર્થોની પૂજા થાય છે અને વાસ થાય છે. તથા બ્રહ્મા, વિષ્ણુ, મહેશનો વાસ રહે છે. ગણેશ સ્થાપન પૂજનથી સર્વે વિઘ્નોનો નાશ થાય છે અને ગૃહસ્થોને રિધ્ધિ-સિધ્ધિ પ્રાપ્ત થાય છે. ગણપતિ લાડું જમીને આશીર્વાદ આપે છે. મારી પૂજા કરનારને વાહન-સંપત્તિ-પશુ-ધન-પુત્ર પ્રાપ્તિ થાય છે. તે ગણેશ પૂજાનું ફળ છે. માતૃકા પૂજનથી શંકરની ચોસઠ જોગણીઓ ઋષિ પત્નીઓ છઠ્ઠી દેવી વગેરે માતૃકાઓ દંપતીનું રક્ષણ કરી વંશવૃદ્ધિ કરે છે. તથા પૃથ્વી, જળ, અગ્નિથી રક્ષા કરે છે. વિષ્ણુનું સ્થાપન પૂજન કરવાથી વિષ્ણુ ગૃહને વૈકુંઠ સમાન બનાવીને ભક્તિ આપે છે, ધર્મજ્ઞાન આપી દંપતી કુટુંબનું ચક્રથી રક્ષણ કરી કલ્યાણ કરે છે અને મંડપનું પૂજન કરવાથી સર્વદેવોનો વાસ થાય છે. સર્વ શુભ કાર્યનું કારણ મંડપ હોવાથી મંડપ પૂજન કરવાથી સર્વદેવોનું પૂજન થાય છે તથા જ્યાં સર્વતો ભદ્ર મંડપ પુરીને કૃષ્ણનું પૂજન થાય છે. ત્યાં સર્વે અવતારો-ઇશ્વરો-દેવો, દેવીઓનું ઋષિ, પિતૃઓનું, સર્વનું પૂજન થઇ જાય છે તેથી જ્યાં માંગલિક કાર્યો થતા હોય ત્યાં પરમેશ્વર શ્રીહરિનું પૂજન કરવું તેથી ઋષિ-પિતૃઓનું સર્વનું પૂજન થઇ જાય છે. તેથી જ્યાં માંગલિક કાર્યો થતાં હોય ત્યાં પરમેશ્વર શ્રીહરિનું પૂજન કરવું. તેથી સર્વનું પૂજન થયું ગણાય છે. હે રાધા, કન્યાદાન સમાન પુણ્ય નથી. જેના આધારે આ ત્રિલોકીની સ્થિતિ રહે છે. રાજ્ય વિના રાજા કહેવાતો નથી. પત્ની વિના પતિ કહેવાતો નથી. શ્રીકૃષ્ણ કહે : રાધા, આ તને સર્વનું ફળ કહ્યું. હવે મારા પુત્ર શંકર તેની પુત્રી લક્ષ્મી તેનું સાક્ષાત અનાદિશ્રીકૃષ્ણનારાયણ પ્રભુ પાણી ગ્રહણ કરશે. તે સાંભળીને રાધાજીએ પણ ગોલોકમાં પોતાના આવાસમાં શ્રીબાલકૃષ્ણ પ્રભુનો મહામંડપ બનાવ્યો.
શ્રીકૃષ્ણ કહે : રાધા, દશ યોજનના વિસ્તારવાળો દશ યોજન ઊચો સૂર્ય સમાન તેજસ્વી તે મહામંડપ હજારો સુવર્ણ કળશોથી શોભતો હતો. ચારેકોર મુક્ત, મુક્તાનીઓ, કલ્પવૃક્ષ-વેલીઓ હતી. ઘી, દહીં, દૂધ, અમૃત, સરબતના ઘડાઓ ભરેલા હતા. સ્નાન શાલા, શૃંગાર શાલા, ભોજન શાલા, વિશ્રામશાલા, દિવ્યસુખશૈયા, વિલાસ શાલા, ઉતારાઓ વગેરે અનેક અનેક રચનાઓ હતી. બાળકો, યુવાનો, વૃદ્ધો, સ્ત્રી, પુરૂષો સર્વેને આનંદ આપનારો તે મહામંડપ હતો. હે રાધા, કોઇ બ્રહ્માંડ, કોઇ સૃષ્ટિઓમાં, કોઇ ધામોમાં એવો મહામંડપ જોયો નથી. તે મંડપને જોઇને તેનું વર્ણન સાંભળનાર પણ મુક્ત સ્થિતિને પામે છે. તે મુક્તમંડપના મણિઓમાંથી તેજ એટલું બધું નીકળતું હતું કે રાત્રિનો અંધકાર ક્યાંય દેખાતો જ નહીં. તે મહામંડપમાં પિતા ગોપાલકૃષ્ણ, લોમશ ઋષિને સ્વયંપ્રકાશને બોલાવી લગ્નપત્રિકા લખવાનું મુહૂર્ત પૂછતા હતા.
પછી ગણેશનું, વિષ્ણુનુ પૂજન કરી સર્વલોકમાં આમંત્રણ આપવા કંકોત્રી લખતા હતા, સર્વ અવતારોના ઇશ્વર બ્રહ્મધામના પતિ શ્રીહરિ અમારું મંગલ કરો. બ્રહ્મસ્વરૂપીણી રાધા, રમા, નારાયણી, વાસુદેવી, શીવા, લક્ષ્મી, સાવિત્રી, સરસ્વતિ સર્વે અમારું મંગલ કરો. અવતારો, વ્યુહો, રૂદ્રો, વસુઓ, આદિત્યો, દેવો, પિતૃઓ સર્વે અમારું મંગલ કરો. કાશીમાં રહેલા શંકરની પુત્રી લક્ષ્મી સાથે માગશર સુદ ચોથના થતા મારા પુત્ર બાલકૃષ્ણના લગ્નમાં સર્વે પધારજો. માગશર સુદ ત્રીજે જાન પ્રયાણ થશે. તો સર્વે કુંકુમવાપી ક્ષેત્રમાં અક્ષરવાસી ધામવાસી બ્રહ્મસૃષ્ટિ સર્વે ઇશ્વરો, દેવો, રાજાઓ, જીવસૃષ્ટિ સર્વે આવજો. તમારા સર્વના દર્શનથી ઈચ્છાવાળા અમો ભગવાન, પોપટ, વલ્લભ વગેરે પરિવાર પ્રતિક્ષા કરીએ છીએ. એ રીતે ગોપાલકૃષ્ણે કંકોત્રી લખીને સર્વે સૃષ્ટિઓમાં મોકલી. મુક્તોને અક્ષરધામમાં મોકલી. ઋષિઓને બ્રહ્માંડમાં મોકલી. નારદ વગેરેને ઇશ્વરલોકમાં મોકલી. પછી મંડપમાં આવેલા રાજાઓ શ્રીમંતોને, વિપ્રો, ભક્તોને, વૈશ્યો, દાસદાસીઓને, કાર્યકરોને, આવેલા મહેમાનોને દૂધપાક, મિષ્ટાન્ન, ભોજન કરાવી મુખવાસ આપતા હતા. વાજીંત્રો વાગતા હતા. સ્ત્રીઓ મંગલ ગીતો ગાતી, બાલકૃષ્ણને વધાવતી હતી. ચારેકોર જમો જમો, આપો આપો, સત્કાર ગ્રહણ કરો એવું જ સંભળાતું હતું. પછી સંધ્યા સમયે શ્રીહરિની આરતી કરી ગાંધર્વો ગાવા લાગ્યા. અપ્સરાઓ નૃત્ય કરવા લાગી. સંગીતવાળા વાજીંત્રો વગાડવા લાગ્યા. કેટલાક રાસ રમવા લાગ્યા. મલ્લો પોતાની કલા બતાવવા લાગ્યા. સૂત માગધો બંધિજનો સ્તૂતિ કરતા હતા. કવિઓ નવા કાવ્યો સંભળાવતા હતા. લક્ષ્મીનારાયણ સંહિતાની કથાઓ થતી હતી. પછી ગોપાલકૃષ્ણે સર્વને પારિતોષિકો - ઇનામો ભેટ આપ્યા. સોના, રૂપીયા, મણિ, મોતી, હીરા, રત્નોના હાર, વસ્ત્ર, આભૂષણો વગેરે અનેક વસ્તુઓ સર્વને આપી. પછી સર્વે રાત્રિ નિંદ્રા કરી સવારે જાગી પ્રાત: કર્મ નિત્ય વિધિ કરી. બાલકૃષ્ણનું પૂજન કરી સૂર્ય, ગણેશ, શંકર, વિપ્ર, ગાય, કન્યા, સર્વનું પૂજન કરી ફરીથી બાલકૃષ્ણને પંચામૃતથી તીર્થજલથી સ્નાન કરાવી, સુગંધી દ્રવ્યોથી પીઠી ચોળતા હતા.
ત્યાં આકાશમાર્ગેથી વિમાનો આવ્યા. સર્વદેવોનું સ્વાગત સ્વયંપ્રકાશ તથા સંતુષ્કાએ કર્યું. પછી સર્વની પંક્તિ કરી. ભોજન પીરસ્યા. દૂધપાક, પેંડા, જલેબી, મલાઇ, માખણ, ઘી, પૂરણપોળી, ભજીયા, ઘેબર, માલપૂડા, લાડું, ખાજાં, મોહનથાળ, મેસુબ અનેક પ્રકારના શાક વગેરે જેને જે ભાવે તે જમતા હતા. પછી સર્વે ધામના વાસી ત્યાં આવવા લાગ્યા. અક્ષરધામના મુક્તો, અવતારો, ઇશ્વરો, સિધ્ધો, મહર્ષિઓ, બ્રહ્મધારીઓ, સંતો, મુનિઓ, પિતૃઓ આવવા લાગ્યા. સતીઓ, સાધ્વીઓ, વૈરાગીઓ, યોગિનીઓ, માતૃકાઓ, દેવીઓ આવ્યા. સૂર્ય, ચંદ્ર, નક્ષત્ર, મંડલના વાસીઓ, બ્રહ્મપુત્રીઓ, સર્વ પર્વતવાસી, બ્રહ્માંડવાસી, સ્થળચર, જલચર, વ્યોમચર સર્વ આવ્યા. યક્ષ, રાક્ષસ, ભૂત, પ્રેત, પિશાચ, વૈનાયક, વૈષ્ણવ ભક્તો સર્વે આવ્યા. નદી, સમુદ્રો, પર્વતો, તીર્થો, સ્થાવર જંગમ, સર્વ આવ્યા. દક્ષિણ દેશ, પૂર્વદેશ, પ્રાગ્યજ્યોતિષ, ઉષ્ણાલયદેશ, બ્રહ્મદેશ, પિંગદેશ, રાશીયાન, હિમદેશ, કાશ્મીર, ઉરલદેશ, કીંપુરૂષ, કેતુમાલ, આરકત, અબ્રિક્ત, આરાર્તિ, ઉત્તરડુરૂ, કેનાટક, બ્રાહ્મિલ, હારિતક, અમરિક, માક્ષિક, અરજસ્ક તથા સમુદ્ર દ્વિપોના રાજાઓ બાલકૃષ્ણના લગ્નોત્સવમાં સેવકો સાથે આવતા હતા. સૌ કહેતાં હતા કે, અનાદિશ્રીકૃષ્ણનારાયણના લગ્ન શિવપુત્રી લક્ષ્મી સાથે થશે અને લક્ષ્મીનારાયણના દર્શન થશે. સર્વના દર્શન થશે. પાપીઓ, કેદીઓ, યમદૂતો કહે આપણને મુક્તિ મળશે. વિપ્રો, સંતો કહે આપણને દાન મળશે, દરિદ્ર કહે ધન મળશે, દાસવર્ગ કહે પારિતોષિકો મળશે, હિંસા કરનારા કહે આ અઠવાડિયામાં હિંસા નથી કરવી. દેવો કહે કે, આઠ દિવસ સુધી બ્રહ્મચર્યનું પાલન કરવું. એવી રીતે સૌ અનાદિશ્રીકૃષ્ણનારાયણના લગ્નોત્સવમાં પોતાના વિચારો કહેતા હતા.
શ્રીકૃષ્ણ કહે : રાધા, માગશર સુદ ત્રીજને દિવસે બ્રાહ્મમુહૂર્તમાં મંગલ ધ્વનિ સાથે સૌ જાગ્રત થઇ સ્નાનપૂજન કરી વિપ્રો, મહર્ષિઓ, આશીર્વચનો બોલતા હતા. પછી ગણેશપૂજન-કળશપૂજન-નાંદિશ્રાદ્ધ-ગુરુનું પૂજન-કુળદેવ પૂજન વગેરે વિધિ કરતા હતા. પછી સર્વે મહેમાનોને ભોજન કરાવી બપોર પછી કરોડો ભક્તજનોને જાનમાં સાથે લેવા વિમાનો તૈયાર કરતા હતા. હે રાધા, તે સમયે આકાશવાણી થઇ જેઓને પોતાની કન્યાનું દાન બાલકૃષ્ણને કરવું હોય તેઓ પોતાની કન્યાને સાથે લઇ કાશી જવા માટે જાનમાં આવે. આજે જાનનું મંગલ પ્રયાણ થશે. ત્યાં વેદવિધિથી અગ્નિને પ્રદક્ષિણા કરી અનાદિશ્રીકૃષ્ણનારાયણ પ્રાણીગ્રહણ કરશે. આકાશવાણી સાંભળી સર્વે પિતા માતા કુટુંબ સાથે જાનમાં આવવા તૈયાર થયા. લોમશ ઋષિ, મહર્ષિ, સંતો સર્વે તૈયાર થયા. તે સમયે આકાશમાં શુકનો થવા લાગ્યા. ગાયોને દૂધસ્રાવ થવા લાગ્યા. ગુરુઓ આશીર્વાદ આપવા લાગ્યા. ગોપાલકૃષ્ણે અનેક દાન આપ્યા. બ્રહ્મપત્નીઓએ બાલકૃષ્ણ વરરાજાને વસ્ત્ર આભૂષણોથી શણગાર્યા. માતા કંભરાલક્ષ્મીએ તિલક, ચાંદલો કર્યો. તે સમયે રણંમમ, સ્વર્ણાગદપ, લક્ષ્મણ વગેરે રાજાઓ જાનમાં આવવા તૈયાર થયા. ચૌદ હજાર મેઘનાદી કન્યા. છઠ્ઠી દેવી, દીવાળી, તલાજા, કામધેનુ, કન્યા, વસુમતી, આંજતી, ક્રોધના, ધરાપુત્રીઓ, સૂચિ, વનદેવીઓ, બ્રહ્માની પુત્રીઓ, દમનાદિ, કંકતાલી વગેરે લોમશ ઋષિના આશ્રમમાં રહેલી કરોડો કન્યાઓ લોમશ ઋષિ તથા બાલકૃષ્ણની આજ્ઞાથી જાનમાં આવવા તૈયાર થઇ તથા પિતૃકન્યા, દૈત્યકન્યાઓ, નાગકન્યાઓ, સર્વ બ્રહ્માંડવાસી કન્યા તૈયાર થઇને વિમાનમાં બેઠા તેમજ અનાદિશ્રીકૃષ્ણનારાયણ માણિકી, શ્રી, રમા, લક્ષ્મી, પદ્મા, અંબા, હંસા, સગુણા, મંજુલા વગેરે એકસો ચુમાલીશ બ્રહ્મપત્નીઓ સાથે વિમાનમાં બેઠા.
તે સમયે શિબિરાજા સો કન્યા સાથે વિમાનમાં બેઠો. થંકુટ પચાસ કન્યા સાથે, વિરજાર સો કન્યા સાથે, શક્તિઅક્ષિ સાઇઠ કન્યા સાથે, કાલીમાશ બસ્સો કન્યા સાથે, ઉરલકેતુ રાજા ત્રીસ કન્યા સાથે, કૃથક પાંચ કન્યા સાથે, પૃથુરાજ વીશ કન્યા સાથે, ઉષ્ટ્રાલ દશ કન્યા સાથે, હંકાર પાંચ કન્યા સાથે, જયકાષ્ટલ પાંચ કન્યા સાથે, તિરાણ છ કન્યા સાથે, આલ્વીનર પાંચ કન્યા સાથે, જીનવર્ધી સાત કન્યા સાથે, અલ્પકેતુ સાત કન્યા સાથે, જયકૃષ્ણ એક કન્યા સાથે, પરિશાન એકવીસ કન્યાઓને સાથે, ઇંદુરાય બે કન્યા સાથે, મૃદાંડ પંદર કન્યા સાથે, ગંડરાજા નવ કન્યા સાથે, લીનોર્ણ ચાર કન્યા સાથે, બૃહ્દશર અગિયાર કન્યા સાથે, બલલીન ચાલીશ કન્યા સાથે, વરસિંહ પાંચ કન્યા સાથે, રાયગામલ પાંચ કન્યા સાથે, ફેનતંતુ બે કન્યા સાથે, સ્તોકહોમ એક કન્યા સાથે, કાષ્ટયાન એક કન્યા સાથે, કોલક એક કન્યા સાથે, રાયકિન્નર પચાસ કન્યા સાથે, રોકીશ્વર એકવીસ કન્યા સાથે, રણજીત વીસ કન્યા સાથે, વાકક્ષક ત્રણ કન્યા સાથે, મારીશ ત્રણ કન્યા સાથે, બલેશ્વર ત્રણ કન્યા સાથે, લંબાર છ કન્યા સાથે, નવાર્ક સાત કન્યા સાથે, હુંડેશ નવ કન્યા સાથે, કુવેશ એક કન્યા સાથે, કાલી મંડલી ચાર કન્યા સાથે, વનજેલેશ પાંચ કન્યા સાથે, પારાવાર ત્રણ કન્યા સાથે, કોટીશ્વર, સતીશ, ત્રેતાકર્કશ, આંડજરા, બાલ્યરજ, સોમન, ઉરૂગવાક્ષ, પરાંગવૃત, ઇશાન પાન, રાયપતિ વગેરે દેશ વિદેશના રાજાઓ પોતાની કન્યા અનાદિશ્રીકૃષ્ણનારાયણને અર્પણ કરવા અને કાશીની યાત્રા કરવા પોતાના વિમાનમાં બેસી કુંકુમવાપી આવ્યા. લોમશ ઋષિ સાથે વિમાનમાં કૃષ્ણ પત્નીઓ કન્યાઓ મંગલા, લલીતા, રેવા, સરસ્વતી, ભાર્ગવી, રમા, ગંગા, જયા, દયા, ભક્તિ, મુક્તિ, એકાદશી, રતિ, સતી, કામ, દૂધા, તુલસી, કમલા, વિરજા, મૂર્તિ, ગોમતી, સ્વર્ણ, રેખા, નંદિની, વનિતા, મોહિની, દોલા, પુષ્પા, પ્રીતિ, કલાવતી, માધવી, બદરી, ચંપા, કુશલા, મનુ, મણિ, શાંતિ, શાંતા, રમા, હૈમી, ઉજી, વીજી વગેરે વિમાનમાં બેઠી તથા સર્વે અવતારો ચતુર્વ્યૂહ, ઇશ્વરો, દેવો, દેવીઓ, ઋષિ-મુનિઓ સર્વ સૃષ્ટિવાસીઓ પોતાના વિમાનમાં બેસી કુંકુમવાપી આવ્યા. પછી ગોપાલકૃષ્ણ વાજીંત્રો વગાડી પ્રયાણ સમયે અનાદિશ્રીકૃષ્ણનારાયણ ભગવાનની જય જય એમ જયકાર કરતા વિમાનમાં બેસી સૌ કાશી જવા નીકળ્યા. રાજસ્થાન કૌશલ, પ્રયાગતીર્થ થઇ કાશી આવ્યા.
તેજસ્વી શ્રીહરિનું વિમાન જોઇ અનેક જાન જોઇને શિવેશ્વર અને કાશીવાસી સર્વે ઉત્સાહથી અનેક પ્રકારના વાજીંત્રો લઇને જાનનું સામૈયું કરવા આવ્યા. શંકરે વિશ્વકર્મા પાસે, ગંગા કાંઠે વરણા પાસે દશયોજનના વિસ્તારમાં શિવપુર પાર્વતીપૂર, કૈલાશ અને વૈકુંઠ ધામ સમાન રચના કરાવતા હતા. તથા વિશયોજનના મહામંડપમાં સર્વેના ઉતારા સર્વે સગવડતાવાળા હતા. સાતમાળની હવેલીઓ, બાગ, બગીચાઓ, દાસ, દાસીઓ, સુખ શય્યાઓ, દરેક ગૃહમાં રસ, મધ, ઘી, દહીં, દૂધ અમૃત વગેરે સુવિધાઓ. તે મહામંડપમાં સ્નાન શાલા, શૃંગારશાલા, પાઠશાલા, પેટાશાલા, શાંતિશાલા, રતિશાલા, નિદ્રાશાલા, વૃદ્ધશાલા, શૌચશાલા, સભાશાલા, વિહારશાલા વગેરે અનેક રચના-સગવડતાથી યુક્ત હતા. ત્યાં કોઇ વાતની-વસ્તુની કમી ન હતી. સર્વે જીવસૃષ્ટિ, ઇશ્વરસૃષ્ટિ, દેવસૃષ્ટિ, બ્રહ્મસૃષ્ટિના ઉતારા પણ ભિન્ન ભિન્ન હતા. નવીન રચના, જળમાં સ્થળ, સ્થળમાં જળ દેખાતા હતા. જળમાં તેજ પૃથ્વી, આકાશ દેખાતા હતા. આવા શિવપુરની રચના જોઇને અનાદિ શ્રીકૃષ્ણનારાયણની જાનના જનો આશ્ચર્ય પામતા હતા. તેજ રીતે પાર્વતીપુરની રચના હતી. ત્યાં કન્યા પક્ષના મહેમાનોના ઉતારા હતા. તેમાં શંકરના પિતા, કૃષ્ણ ભગવાન, ગોલોકધામ સાથે અનંત ગોપ ગોપાંગનાઓ સાથે વાસ કર્યો હતો તથા યમરાજા-મહાકાળ સંકર્ષણ વગેરે અનેક અવતારો ઇશ્વરો વગેરે ત્યાં હાજર હતા. શ્રીકૃષ્ણ કહે : રાધા, આવું અદ્ભુત કાર્ય જોઇને જાનના જનો આશ્ચર્ય પામ્યા. હે રાધા, જ્યાં કુમારી કન્યા સાક્ષાત લક્ષ્મી હોય, જ્યાં કુમાર બાલકૃષ્ણ વરરાજા હોય, જ્યાં હું કૃષ્ણ હોઉં જ્યાં સંકર્ષણ સ્વરૂપ શિવ હોય, જ્યાં વિષ્ણુ, મહા વિષ્ણુ અને સાક્ષાત્ પરમેશ્વર બાલકૃષ્ણ હોય, ત્યાં કોઇ વાતનું આશ્ચર્ય શું હોય? લક્ષ્મીનારાયણના લગ્નમાં સર્વે ત્યાં દેખાતું હતું.
શ્રીકૃષ્ણ કહે : રાધા, વૈકુંઠ સમાન દેખાતા તેજસ્વી મોટા મોટા ઉદ્યાનોમાં સર્વે વિમાનો ઉતાર્યાં. બાલકૃષ્ણનું વિમાન, મુક્તોના ઇશ્વરોના ઋષિમુનિઓના દેવો પિતૃઓના વિમાનો તે કૈલાશ ભૂમિમાં ઉતાર્યા. ત્યાં રાજમાર્ગ ઉપર રહેલા અનંતધામથી આવેલા ગાંધર્વો અનેક પ્રકારના વાજીંત્રો વગાડવા લાગ્યા. તે સમયે જેટલા વિમાનો હતા તેટલા રૂપ શંકર અને બૃહસ્પતિએ ધારણ કરીને સર્વનું યથાયોગ્ય સન્માન કર્યું. તે આશ્ચર્ય જોઇને બાલકૃષ્ણ પ્રભુ પણ અનેક સ્વરૂપ ધારણ કરી સર્વે વિમાનમાં બેસી ગયા. જેથી આત્મનિવેદી ભક્તો સર્વે સત્કાર બાલકૃષ્ણ ભગવાનને અર્પણ કરી. પછી જ પોતે ગ્રહણ કરતા હતા. શંકરે સર્વભાવથી પરબ્રહ્મ કૃષ્ણની પૂજા કરી. કુશળ સમાચાર પૂછ્યા. શ્રીહરિ પૂજા આશીર્વાદ ગ્રહણ કરી અદૃશ્ય થઇ, પોતાના વિમાનમાં આવ્યા. શંકર અને બૃહસ્પતિએ સર્વ મહેમાનોને ચોખા, પુષ્પ, કંકુથી વધાવી પરસ્પર કુશળ સમાચાર પુછ્યા. રાધિકા, પાર્વતી, દુર્ગા, દેવીઓએ કંભરાલક્ષ્મીનું સર્વસ્ત્રીઓનું કન્યાઓનું સ્વાગત કરી કુશળ સમાચાર પુછ્યા. દેવોએ દેવોનું, ઇશ્વરોએ ઇશ્વરોનું, મુક્તોએ મુક્તોનું. રાજાઓએ રાજાઓનું, પ્રજાએ પ્રજાનું, ઋષિઓએ ઋષિઓનું, નારીઓએ નારીઓનું, કન્યાઓએ કન્યાઓનું સન્માન કર્યું અને કુશળ સમાચાર પૂછ્યું. પછી શંકરે કહ્યું કે, હું ધન્ય છું કે સ્વયં ભગવાન મારે ઘેર પધાર્યાં. આકાશીનગરી ધન્ય છે. સતી પાર્વતી ધન્ય છે. લક્ષ્મી ધન્ય છે. હું ધન્ય છું. કે મારે ઘેર આજે મુક્તો, વાસુદેવાદિ અવતારો, સંતો પધાર્યા છે. મારા મહેમાનોને ધન્ય છે. વૃક્ષવેલી, જીવજંતુ, કીટ, પતંગ સર્વને ધન્ય છે કે જેને પુરુષોત્તમ નારાયણનો યોગ-દર્શન થશે. આજ મારા સર્વગણો પરમ વૈષ્ણવ થયા. આજ મારું શિવનામ, કલ્યાણકારી સાર્થક થયું. એમ કહીને શંકરના ત્રણ નેત્રમાંથી પ્રેમના આંસુ સારવા લાગ્યા. તે જોઇને આશ્ચર્ય પામેલા ગોપાલકૃષ્ણ કહે, આજ અમે પણ ધન્ય છીએ કે, મહાકાળ સ્વરૂપ સંકર્ષણરૂપ શંકર તમારા અમને દર્શન થયા. મારા ધન્ય ભાગ્ય છે કે, મારા પુત્ર બાલકૃષ્ણ જગતજનની લક્ષ્મીને પ્રાપ્ત કરશે. પછી કંભરાલક્ષ્મીએ તથા સતી પાર્વતીએ પરસ્પર એકબીજાના ધન્ય ભાગ્ય માન્યા.
પાર્વતી કહે : પરબ્રહ્મ અનાદિશ્રીકૃષ્ણનારાયણના આગમનથી આ કાશી મોક્ષધામ બનશે. આજ મારો જન્મ સફળ થયો. જે મારે ઘેર બ્રહ્મપત્નીઓ, દેવીઓ, મુક્તો, સંતો, ભક્તો, સર્વલોકવાસી પધાર્યાં. તથા પાર્વતી પુત્રો બંને ભાઇઓ જય અને ચંદ્ર તે પણ ધન્ય ભાગ્ય માનતા હતા. પછી સર્વ જાનના મહેમાનો શિવપુરમાં ગયા. જ્યાં સર્વેના ઉતારા હતા. સર્વે મહેમાનો ઉતારાઓ જોઇને આશ્ચર્ય પામી બોલતા હતા કે, કાશીમાં કૈલાશધામ ઉતાર્યું છે કે શું ? એવા સર્વ ઉતારામાં મહેમાનોએ વાસ કર્યો. રાજાના ઉતારામાં રાજાઓએ, દેવોના આવાસોમાં દેવોએ, ઇશ્વરોના આવાસોમાં ઇશ્વરોએ, ઋષિઓના આવાસોમાં ઋષિઓએ, મુક્તોના આવાસોમાં મુક્તોએ, સ્ત્રીઓના આવાસોમાં સ્ત્રીઓએ, કન્યાઓના આવાસોમાં કન્યાઓએ, શ્રીહરિના આવાસમાં શ્રીહરિએ ઉતારો કર્યો. ત્રિલોકીવાસીએ પણ યથાયોગ્ય પોતાના ઉતારા કર્યા. શિવેશ્વર શંકરે સર્વને ભોજન કરાવી રાત્રીએ સૌને વિશ્રામ કરાવ્યો.
શ્રીકૃષ્ણ કહે : રાધા, માગશર સુદ ચોથને દિવસે કાશીમાં વૈકુંઠ સમાન શિવપુરમાં બ્રાહ્મમુહુર્તમાં સંગીતના મંગલ ધ્વની સાથે સર્વે મહેમાનો જાગી નિત્ય કર્મ કરી શ્રીહરિની પૂજા કરી. કન્યાઓના મંગલ ગીતો થવા લાગ્યા. ચારેકોર રંગોળી તોરણોથી ધજા પતાકાથી શોભા અપાર હતી. પછી શિવપુત્રી લક્ષ્મી સખી કન્યાઓ સાથે દુર્ગાપુજા કરવા ગયા. ષોડ્શોપચારથી પૂજન કર્યું અને કહ્યું, હે માતા ભગવાન સાથે તથા મારા વિવાહમાં કાંઇ વિઘ્ન ન થાય, હું રોજ તારા દર્શને આવીશ. દુર્ગામાતાએ હસીને આશીર્વાદ આપ્યા. પછી લક્ષ્મી કુળદેવ શિવાંશ, વાયુપુત્ર હનુમાનના દર્શને ગયા. સીંદૂરથી પૂજન કરી વડા-મિષ્ટાન્ન ધરી પ્રાર્થના કરી, હે ભાઇ બાલકૃષ્ણની સાથે મારા વિવાહમાં રક્ષા કરજો. હનુમાન કહે : બહેન, અખંડ સૌભાગ્યવાળી થા. પછી લક્ષ્મી વિશ્વેશ્વર શંકરના દર્શને ગયા. પંચામૃતથી સ્નાન કરાવી, પૂજન, આરતી કરી, નૈવેદ્ય ધરી, આશીર્વાદ પ્રાપ્ત કરી. માતા અન્નપૂર્ણાને દર્શને ગયા, ત્યાંથી અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ મેળવીે પછી ગણેશ, સરસ્વતિ, ગંગા, પંચગંગા, ધર્મદેવના સ્થાને જઇ પૂજન કરી આશીર્વાદ લઇ આવાસે આવી. સખી કન્યાઓને ભોજન કરાવ્યા. સર્વે જાનના મહેમાનોને, કાશી શહેરના નરનારી સર્વેને મિષ્ટાન્ન, ભોજન કરાવ્યા. કરોડો અબજો ઇશ્વરો, દેવો, માનવોને ભોજનમાં મેસુબ, મોહનથાળ, અડદીયા, મોતિયા, ચૂરમાના લાડુ, દૂધપાક, બાસુંદી, પુરી, પુરણપોરી, સૂતરફેણી, બરફી, પેંડા, બીરંજ, જલેબી, ખાજા, માલપૂડા, બુંદી, લાડું, ઘેબર, શીખંડ, જાંબુ, સેવ ગાંઠિયા, ભજીયા, દાળભાત, અનેક પ્રકારના શાક, અથાણા તથા ફળફૂલ, ફરાળના સાત્વિક રાજસી ભોજનથી સર્વ મહેમાનોને તૃપ્ત કર્યા પછી બાલકૃષ્ણ શંકરની દૃઢતા જોવા કૃષ્ણરૂપે શંકર પાસે જઇ કહે. આ બાલકૃષ્ણ પત્નીવ્રત દ્વિજનો પુત્ર છે, વિપ્ર છે, ભિક્ષુક છે તેને અનેક પત્નીઓ છે. તે વિપ્ર આપણે ક્ષત્રિયને યોગ્ય નથી માટે આને કન્યા ન દેવાય. શંકર કૃષ્ણને કહે, આ બાલકૃષ્ણ સ્વયં પરબ્રહ્મ છે. તે રાજાના મહારાજા મારી પાસે કન્યા ભીક્ષા માટે આવ્યા છે તે યશ, લાભ, કિર્તી માટે મારે કન્યાદાન આપવું છે. જાતિ તો દેહને છે. મારી પુત્રી બ્રાહ્મી છે. તે બ્રહ્મને આપવી છે. તે બ્રહ્મ પુરૂષોત્તમ સર્વ આત્માના પતિ છે. તેમને તે સાપત્ન્ય એટલે અનેક પત્નીપણું છે જ નહીં તે તો નિર્ગુણ છે. માયાના બંધનને તોડનારા, સાધુ વર્તનવાળા, કપટ-રાગદ્વેષથી પર છે. એટલે મારી પુત્રી લક્ષ્મી મેં તેમને આપી છે. અને તે બાલકૃષ્ણના પિતા ગોપાલકૃષ્ણ પણ વૈશ્ય છે અને કૃષ્ણ પણ ગોપાલ વૈશ્ય છે અને તમે કૃષ્ણ પણ ગોપાલવૈશ્ય છો, તેથી પણ જાતિ મેળ છે અને શરણે આવેલાનું રક્ષણ કરનારા તે પ્રભુ બાલકૃષ્ણ છે. તેથી ક્ષત્રિય પણ કહેવાય તો પણ જાતિ મેળ થાય છે. આવું ન્યાય- નીતિવાળા શંકરના વચનો સાંભળી શ્રીકૃષ્ણ પ્રસન્ન થયા અને બહુ સારૂં કર્યું, એમ કહીને શ્રીકૃષ્ણ રાધાજીનું રૂપ લઇને, સતી પાર્વતીની દૃઢતા જોવા પાર્વતી પાસે ગયા. સતીએ આસન આપી આદરસત્કારથી રાધાજીને બેસાડ્યા. રાધાજી કહે : માતા તેને કહેવાય, જે પુત્રીનું સદાહિત કલ્યાણ કરે, માટે હું તને રહસ્ય કહેવા આવી છું કે હે પુત્રી પાર્વતી, પોતાની પુત્રીનું કેવળ કન્યાદાન જ કરવું એમ નથી પણ તેના સુખનો પણ વિચાર કરવો જોઇએ. કારણ કે, નારીવર્ગને મહાદુ:ખ એ કે સપત્ની (શોક્ય)નું પહેલું દુ:ખ છે.
રાધાજી કહે : પાર્વતી, મેં સાંભળ્યું છે કે, આ બાલકૃષ્ણને અનેક પત્નીઓ છે. બહુપત્નીવાળો સ્ત્રીને સુખ આપી શકતો નથી. આ તારા જમાઇ વિપ્ર ખેતીનું કર્મ કરે છે. તેની પાસે ગામ, વાડી, ખેતર, વેપાર કાંઇ નથી. ભિક્ષુકવ્રતથી જીવે છે. તે નારદના કહેવાથી તારી કન્યાની લક્ષ્મીનું વાગ્દાન કર્યું, પણ લક્ષ્મી દુ:ખી થશે. પત્ની વિનાના, ધનવાળા, રૂપગુણવાળા, ગૌધન સંપત્તિવાળા, સ્ત્રીને દેવી માની સુખ આપનારા એવા કુમારોને કન્યા અપાય.
રાધાજીના વચનો સાંભળી પાર્વતી કહે : મા, આ બાલકૃષ્ણ સનાતન પરબ્રહ્મ પૂર્ણ આનંદનો સાગર છે. સર્વગુણે સંપન્ન છે. તે પ્રભુથી જ સર્વ સૃષ્ટિનું સર્જન થાય છે. તે પ્રભુએ જ કુબેરને ધન પતિપદ આપેલું છે, તેને જેટલી પત્નીઓ છે તેટલા રૂપને ધારણ કરે છે. જેના એક કિરણમાં અસંખ્ય અવતારો, ઇશ્વરો લોકપાલો પ્રગટે છે. જેની માતા સ્વયં મહાલક્ષ્મી છે. પિતા સ્વયં મહાવિષ્ણુ છે તેને શું અપૂર્ણ હોય. તેના હાથમાં મત્સ્ય, ધ્વજ, ધનુષ, બાણ, ત્રિશુલ, સ્વસ્તિક, ચક્રોના ચિહ્નો છે. એવા અનાદિશ્રીકૃષ્ણનારાયણપુરુષોત્તમને પ્રાપ્ત કરવા મારી પુત્રી લક્ષ્મીએ બાલ અવસ્થામાં હનુમાન આશ્રમમાં તપ કરી વરદાન પ્રાપ્ત કર્યું છે. પાર્વતીનું કહેવું સાંભળી, રાધાજી દૃઢતા જોઇ આશીર્વાદ આપી અદૃશ્ય થયા. પછી બાલકૃષ્ણ પ્રભુ વિપ્રનું રૂપ લઇ લક્ષ્મી પાસે આવી કહે, રાજપુત્રી સાંભળ. મેં સાંભળ્યું છે કે પરણવા આવ્યો છે તે બ્રાહ્મણ ભિક્ષુક છે, માછીમાર છે માટે તે તને યોગ્ય નથી. તું તો ઇન્દ્રાણી, રોહિણી, સંજ્ઞા, સ્વાહા, સાવિત્રી, કુબેરાણી સમાન છો. માટે હે પુત્રી, દૂર દેશના ભિક્ષુકને તું ન પરણતી. વિપ્રના વચનો સાંભળી લક્ષ્મી કહે, ભૂદેવ તમે પૂજ્ય છો પણ ફરી જો આવું બોલશો તો દંડપાત્ર થશો. માટે તમે જ્યાંથી આવ્યા છો ત્યાં પાછા ચાલ્યા જાવ. તે બાલકૃષ્ણ ભિક્ષુક હોય કે ગમે તેવા હોય પણ મેં પહેલા પરીક્ષા કરી, પછી જ અંગિકાર કર્યા છે. તે સર્વભૌમ મહારાજા ત્રિલોકીના પતિ છે. વિદ્વાનોમાં શ્રેષ્ટ છે. ભક્તિવાળા સર્વ આત્માના પતિ છે તેથી તે પ્રભુ મારા લગ્નમંડપમાં મારી સાથે ફેરા ફરશે તેની સાથે તેની પત્નીઓ પણ મારી પાછળ ફરશે તેનું મને ગૌરવ છે. જે પ્રભુના વશમાં ઇન્દ્રાદિ, બ્રહ્માદિ દેવો, વૈરાજાદિ ઇશ્વરો, વાસુદેવાદિ ચતુર્વ્યુહ, અવતારો રહે છે તે પ્રભુ કૃપા કરી લોકના ઉધ્ધાર માટે કંભરાલક્ષ્મી ગોપાલકૃષ્ણ ને ઘેર પ્રગટ થયા છે. તે પરમાત્મા નિર્લેપ છે. સર્વના સાક્ષી છે. સર્વવ્યાપી છે. અંતર્યામી છે. તે પરમાત્મામાં હું આત્માથી સમર્પિત થયેલી છું અને વિધાતાએ પણ મારી ભાગ્યરેખા આવી જ લખેલી છે. હે વિપ્ર તે પ્રભુને ઇન્દ્ર બ્રહ્મા પણ જાણી શકતા નથી, યોગીઓ પણ જેને ધ્યાનમાં જોઇ શકતા નથી. વાણી પણ તે પ્રભુનું વર્ણન કરી શકતી નથી. ઋષિ, મુનિઓ સાધુ, સાધ્વીઓ પણ જેના પારને પામી શકતા નથી. તો હે વિપ્ર, હું બાલીકા લક્ષ્મી, તેના ગુણોનું વર્ણન ક્યાંથી કરી શકું. માટે મેં તો મનથી તે પતિ ધારી લીધા છે. સ્થૂળદેહનો વ્યવહાર સ્થૂળદાન માટે છે. માટે હે વિપ્ર તે કૃષ્ણવલ્લભ અનાદિશ્રીકૃષ્ણનારાયણના તે દર્શન નથી કર્યા. ત્યાં સુધી તું એવું બોલે છે, માટે જા પહેલા દર્શન કર. લક્ષ્મીના વચનો સાંભળી તેની દૃઢતા જોઇ પ્રસન્ન થયેલા પ્રભુ લક્ષ્મીને પોતાના નામવાળી વીંટી આપી અને વસ્ત્ર અલંકારોથી શોભતું ચતુર્ભૂજ દર્શન આપ્યું. તેથી લક્ષ્મી પ્રભુના પગમાં પડ્યા. આત્મનિવેદી ભક્તિવાળાને ભગવાન વશ છે.
શ્રીકૃષ્ણ કહે : રાધા, માગશર સુદ ચોથને દિવસે બપોર પછી ગોપાલકૃષ્ણ, મહેમાનો શ્રીમંતો સાથે, દેવો રાજાઓ સાથે, સૌભાગ્યવતી સ્ત્રીઓ પાસે, સોનાચાંદીના થાળમાં લક્ષ્મી કન્યાને માટે દિવ્ય વસ્ત્ર અંલકારો તૈયાર કરાવતા હતા. અનેક રંગોવાળી બુટ્ટાદાર સુવર્ણના તારવાળી સાડી, ઘાઘરી, પોલકું તથા રેશમી વસ્ત્રો, મખમલના સેંકડો વસ્ત્રો, અત્તર, તેલ, ફુલેલ સુંગધી ચંદન, કસ્તુરી, કેશન, કાજલ, કેશ પ્રસાધનો, સિંદુર, નખરંગ તથા સોનાની વીંટીઓ, વેઢ, સુવર્ણના હીરા-નંગ જડીત, તથા પોંચો, બાજુબંધ, સોનાના કડા, બંગડી, બુટીયા, સોનાનો ટુપીયો, મગમાળા, હાર, સોનાનો કંદોરો, સોનાની નથ હીરા જડીત, ટીબકડી તથા મસ્કના કેશ અંબોડાના અલંકારો, હીરા મોતી, રત્નોના હાર, પગની ઘુઘરીવાળી ઝાંઝરી, વેઢ વગેરે અનેક અલંકારો તૈયાર કરાવી વાજીંત્રો અને કન્યાઓના મંગલગીતો સાથે શિવેશ્વરને ઘેર લક્ષ્મી કન્યાને આવાસે આવ્યા.
ગોપાલકૃષ્ણ વગેરે સર્વે મહેમાનો સર્વ સામગ્રી આપી મંગલ માટે અલ્પ મિષ્ટાન્ન, તાંબુલ, પાન, મુખવાસ ગ્રહણ કરી પોતાને ઉતારે આવ્યા. પછી ચોથે પ્રહરે સાંજને સમયે, સર્વે સુખી કન્યાઓ લક્ષ્મીને વસ્ત્ર અલંકારોના શણગાર કરતી હતી. પછી પિતા ગોપાલકૃષ્ણ પણ વરરાજાને તૈયાર કરતા હતા તથા ચાર દાંતવાળા ધોળા હાથીને, ચિત્ર વિચીત્ર રંગથી શોભાયમાન કરી, તેની પર સોનાની અંબાડી મુકી, સૌની આગળ રાખ્યો. પછી મુક્તો માટે હાથી અને ગરૂડો સ્મરણ કરતાં જ ત્યાં આવ્યા. સર્વને શણગારી જાનના વાહનમાં રાખ્યા. પછી અશ્વોરથ, પોઠીયા, ઊટ, હંસ, મેના, ચાતક, સિંહ, શરભ, મૃગ, મદાર જે દેવના જે વાહન હતા તે વાહન શણગારી પોતાને યોગ્ય એવા શણગાર ધારણ કરી જાનમાં જવા તૈયાર થયા. આકાશમાં પાણીમાં પૃથ્વીમાં ચાલનારા સર્વે તૈયાર થયા. તે સમયે ધજા, ડંકા, નિશાન, છત્ર, ચામર, વાજીંત્રો વગાડનારા, નૃત્ય કરનારા સર્વે નરનારીઓ, લગ્નને યોગ્ય પહેરવેશ ધારણ કરી બાલકૃષ્ણની જાનમાં જોડાઇ ગયા હતા. તે સમયે દેશ-વિદેશની ચૌદલોકનીવાસીની અનાદિશ્રીકૃષ્ણનારાયણમાં આકર્ષણ પામેલી બાલકૃષ્ણ શ્રીહરિને વરવા ઈચ્છતિ ચાર કરોડ કન્યાઓ તેના માતા-પિતા સાથે સખીઓ સાથે શણગાર સજી શ્રીહરિ સાથે અગ્નિ પ્રદક્ષિણા કરવા ત્યાં આવી હતી. ચોથે પ્રહરે શણગાર સજી. શ્રીહરિ શિવપૂરથી નીકળી કાશીમાં રાજમાર્ગ પર ફર્યાં. કરોડો નરનારીઓ ચંદન, પુષ્પ, કંકુ, ચોખાથી વધાવતા હતા. કાશી વિશ્વનાથના દર્શન કરી ગંગાજલ પાન કરી, સો યોજનના કૈલાશ મંડપ પાસે આવ્યા. ઊનના રેશમના મખમલના આસનોથી ગીત વાજીંત્ર નૃત્યથી, દૂરદર્શન, દૂરશ્રવણ, દૂરસ્પર્શથી સંકલ્પ વાહનોથી, અનેક પ્રકારની વિજળીઓથી, આકાશમાં જેટલાં તારાઓ તેટલા મણિઓથી, આવી અનેક શોભાથી તે મહામંડપ શોભતો હતો. તથા સર્વે સૃષ્ટિવાસીઓના આસનોની રચના વિશ્વકર્માએ કરી હતી. કાશીનગરીના જનો કહેતા હતા. આવો મહોત્સવ થયો નથી, અને થશે પણ નહી. તે સમયે વિરભદ્રગણ આકાશમાં મંગલ વાક્યો ઉચ્ચારતા હતા. લગ્ન મહોત્સવમાં આવો, પરમાત્માનું દર્શન કરો. તે સમયે ઋગ્વેદ દરવાજે ઉભા રહીને કૃષ્ણની જાનને જોતા હતા. પાર્વતી પણ મહેલની અગાશીમાં જઇને જાનના અસંખ્ય માનવો-દેવો- ઋષિમુનિઓને જોઇ સ્તબ્ધ જડ જેવા થઇ ગયા. એ રીતે જાનની અને મહામંડપની શોભાનું વર્ણન કર્યું.
પાર્વતીએ જાનમાં કરોડો નારીઓને જોઇને ઋગ્વેદને પૂછ્યું, મારી પુત્રીના લગ્નમાં મહેમાનોની જાનમાં આગળ કોણ કોણ છે, તે મને ઓળખાવો. ઋગ્વેદ કહે જુઓ. મા સૌની આગળ અલંકારોથી શોભતા ચતુર્ભૂજ નારાયણ, મંગલગીતો ગાતા સરસ્વતિ અને શારદા હંસ વાહન પર બેસીને આવે છે. તેની સાથે વૈકુંઠના દિવ્ય વાજીંત્રો વાગે છે. તે ત્રિલોકીમાં સંભળાય છે. તેની પાછળ શ્યામકર્ણ ધોળા ઘોડા પર બેસી અક્ષરમુક્તો ડંકા, નિશાન વગાડતા આવે છે. તેની પાછળ વિષ્ણુના સેવકો રૂપિયા ઉડાડતા આવે છે. તેની પાછળ રાસ રમતા કિર્તન કરતા હજારો વૈષ્ણવ ભક્તો આવે છે. તેની પાછળ કિર્તન કરતી હજારો સ્ત્રી ભક્તો ચાલી આવે છે. તેની પાછળ શિબિકામાં ઋષિ-મુનિઓ આવે છે. તેની પાછળ બંસી વગાડતા નવયુવાનો, પાર્ષદો આવે છે. તેની પાછળ પોઠિયાના વાહનો પર રુદ્ર ગણ, સેવકો, ભૂતપ્રેત, પિશાચ તથા સર્વે તીર્થો મૂર્તિમાન તથા કરોડો દેવીઓ, તેની પાછળ સૌરાષ્ટ્રના લાખો ભક્તો, તેની પાછળ સૂર્ય, ચંદ્ર, અગ્નિ જેવા તેજસ્વી દેવો પોતાના વાહન પર બેસી આવે છે. તેની પાછળ પાતાલવાસી દૈત્યો, દાનવો, રાક્ષસો આવે છે, તેની પાછળ વિદ્યાધરો, ચારણો, ગાંધર્વો, કિન્નરો આવે છે. તેની પાછળ વેદમંત્રો બોલનારા વિપ્રો આવે છે. તેની પાછળ પૃથ્વીના રાજાઓ પોતાની કન્યાઓ સાથે આવે છે. જુમાસેલ્મા, શિબિ, થકુંટ, વીરજાર, શક્તિઅક્ષી, કાલીમાશ, ઉરલકેતુ, કથક, ઉષ્ટ્રાલ, હંકાર, જયકાષ્ટલ, તીરાણ, અલ્વીનર, જીનવર્ધ્ધિ, અલ્પકેતુ, જયકૃષ્ણ, પરિશાન, મુદ્રાંડ, ગંડ, લીનોર્ણ, બૃહદશર, બલલીન, બરસિંહ, રાયગામલ, ફેનતંતુ, સ્તોકહોમ, કાષ્ટયાન આ સર્વે રાજાઓ કેનાટક અને અમરી પ્રદેશના પોતાના દેશની સંપત્તિ અને કન્યાઓ લઇને જાનમાં સાથે આવે છે તથા ઉત્તર કુરૂ દેશના રાજાઓ શોકીશ્વર, રણજીત, વાકક્ષક, મારીશ, બાલેશ્વર, લંબાર, નવાર્ક, હુંડેશ, કુપેશ તે સર્વે છત્રવાળા દાસદાસીઓ સાથે વાજીંત્રો સાથે કન્યા લઇને આવે છે. તથા દક્ષિણ કુરૂ દેશના કીલીમંડલી, વનજેલેશ, પારાવાર પીબ, કોટીશ્વર, સતીશ, ત્રેતાકર્કશ, આંડજરા, બાલ્યરજ, સોમન, ઉરૂ, ગવાક્ષ, પરાંગવૃત, ઇશાનપાન, રાયપતિ, શાવદીન, બાલેશ્વર આ સર્વે રાજાઓ પોતાની કન્યાઓ સાથે આવે છે. હે માતા પાર્વતી તમારી પુત્રી લક્ષ્મીના લગ્નમાં હજારો, લાખો વિમાનો અને વાહનો તમારે આંગણે આવે છે તથા ઇન્દ્ર, સૂર્ય, કુબેર, વાયુ, અગ્નિ, બુધ, શુક્ર વગેરે દેવો પોતાના વિમાનમાં બેસીને આવે છે. જુઓ માતા ત્યાર પછી હજાર મુખવાળા વૈરાજ બ્રહ્મા, વિષ્ણુ આવે છે. ભૂમાપુરૂષ, અનિરૂધ્ધ, પ્રદ્યુમ્ન, સંકર્ષણ, વાસુદેવ, પ્રકૃતિપુરૂષ વગેરે પોતાના વિમાનમાં પાર્ષદો સાથે આવે છે. ત્યારપછી હે માતા - મત્સ્યપ, કુર્મ, નૃસિંહ, વરાહ, હંસ, હરિ, કપિલ, પૃથુ, દત્તાત્રેય, ઋષભ, વામન, પરશુરામ, યજ્ઞ, રામ, કુમાર, હયગ્રીવ નારદ, વ્યાસ, બુધ્ધ, ધન્વંતરી. આ સર્વે અવતારો, વિમાનમાં પાર્ષદો સાથે આવે છે. હે માતા બ્રહ્મપત્નીઓ રાધા, લક્ષ્મી, રમા, પદ્માવતી, શ્રી, માણિકી, માધવી, સગુણા, હંસા, દયા, શાંતા, અંબા, ચંપા, હૈમી, મુક્તિદેવી, લલિતા, જયા તથા અનાદિશ્રીકૃષ્ણનારાયણના સર્વે કુટુંબીઓ આવે છે. ત્યારપછી અતિશય શોભાવાળા આ દિવ્ય, તેજસ્વી વિમાનમાં બેઠેલા સર્વ અવતારોના કારણ અનાદિશ્રીકૃષ્ણનારાયણ બાલકૃષ્ણ કૃષ્ણવલ્લભ આવે છે. હે માતા, તારા ભાગ્યનો કોઇ પાર નથી. પાર્વતી કહે, મારું પરમભાગ્ય છે કે મને બાલકૃષ્ણ ભગવાન મળ્યા. મારી લક્ષ્મીના મહાન ભાગ્ય છે કે સર્વે ઇશ્વરો મારે ઘેર આવ્યા. એમ કહીને પાર્વતી જાનનું સન્માન કરવા મંડપમાં આવ્યા.
શ્રીકૃષ્ણ કહે : રાધા, અતિ તેજસ્વી દિવ્ય, અલૌકિક, કામદેવને મોહ પમાડે એવું અમૃત ભરેલું અનાદિશ્રીકૃષ્ણનારાયણ બાલકૃષ્ણનું રૂપ જોઇને કરોડો નર-નારીઓ સ્થિર થઇ જતા. દેવો, ઇશ્વરો લીન થઇ સમાધિ પામી જતા. તો સાધુ, યોગી, પાર્ષદો, મુક્તો, મુક્તાણીઓની શું વાત કરવી. કિન્નરી, ગાંધર્વી, અપ્સરાઓ, વિદ્યાધરીઓ, સાધ્વી, યોગીનીઓ, સંન્યાસીનીઓ, બ્રહ્મચારીણીઓ પણ બાલકૃષ્ણનું રૂપ જોઇને મોહ પામતી હતી. કોઇ કોઇ તો પ્રભુએ પહેરેલા હીરામોતી મણિરત્નોના હાર જોઇને આશ્ચર્ય પામતા હતા. કેટલાક પ્રભુના અવયવો જોઇને, કેટલાક શ્રીહરિના અંગોઅંગ જોઇને, કેટલાક બાલકૃષ્ણના વસ્ત્ર અલંકારો જોઇને, કેટલાક પ્રભુના ચિહ્નો જોઇને સ્થિર થઇ જતા હતા. તે સમયે શ્રીહરિએ ધારણ કરેલા સુવર્ણના મુગુટ-કુંડળોને જોઇને તથા સોનાનો ટુપીયો, સોનાની કંઠી, મગમાળા, સોનાના હાર કંદોરો, બાજુબંધ સોનાના કડા, પોચી, વેઢ, વીંટીઓ, સોનાના તોડા, ઘુઘરી ધારણ કરેલા શ્રીહરિને જોઇને સર્વે નરનારીઓ અતિ આશ્ચર્ય પામી મુગ્ધ મોહ પામતા હતા. રંગેલા હાથ અને પગના નખને જોઇને તથા ધારણ કરેલા અનેક પ્રકારના પુષ્પોના હારને જોઇને સર્વે સમાધિ પામી જતા હતા.
હાથી ઉપર સોનાની અંબાડી પર બેઠેલા શ્રીહરિ મહામંડપને દરવાજે આવ્યા. ત્યાં બાલકૃષ્ણના દર્શનથી અતિ મોહ પામેલી આનંદ પામેલી, સર્વે સ્ત્રીઓએ વરરાજા બાલકૃષ્ણ શ્રીહરિના દર્શન કરી મંત્રમુગ્ધ થઇ. સર્વે લોકો જય જયકાર કરતા હતા. ત્યારે અનેક પ્રકારના મધુરા વાજીંત્રો વાગવા લાગ્યા. ભાવને જાણનારા ભગવાન, તે સમયે ત્યાં સર્વેને અનેક સ્વરૂપે દર્શન આપ્યા. અક્ષરધામના મુક્તોને પુરૂષોત્તમ સ્વરૂપે દર્શન આપ્યા. ગોલોકધામના ગોપ-ગોપીઓને કૃષ્ણ સ્વરૂપે દર્શન આપ્યા. પાર્ષદોને નારાયણ સ્વરૂપે દર્શન આપ્યા અને સર્વે ઇશ્વરોને વાસુદેવ સ્વરૂપે દર્શન આપ્યા. સિધ્ધ પુરૂષોને અને સાધુઓને વિષ્ણુ સ્વરૂપે દર્શન આપ્યા. ઋષિઓ અને મહર્ષિઓને બ્રહ્મારૂપે દર્શન આપ્યા. સર્વે દેવોને ક્ષીર સાગરમાં રહેલા શેષશાયી સ્વરૂપે દર્શન આપ્યા. મનુષ્યોને નરનારાયણરૂપે દર્શન આપ્યા. તથા પાતાલવાસીઓને શ્વેતપ્રભુ સ્વરૂપે દર્શન આપ્યા. સર્વે નરનારીઓને કામદેવરૂપે દર્શન આપ્યા. સર્વે કન્યાઓને વરમાળાને ધારણ કરતા સ્વામી સ્વરૂપે દર્શન આપ્યા. પૂજ્યવર્ગને બાલકૃષ્ણ સ્વરૂપે દર્શન આપ્યા. ભક્તોને મોક્ષ આપનારા ભગવાનરૂપે દર્શન આપ્યા. સર્વે નરને ચતુર્ભૂજ નારાયણ સ્વરૂપે દર્શન આપ્યા. એ રીતે સર્વે દેહધારીઓને શ્રીહરિએ ભિન્ન સ્વરૂપે દર્શન આપ્યા. પછી દરવાજે રહેલા બૃહસ્પતિ વગેરે બ્રાહ્મણોએ તથા શ્રીમંતોએ શ્રીહરિની પૂજા કરી. સર્વે બ્રાહ્મણો વેદમંત્રનો ઘોષ કરવા લાગ્યા. હે રાધા, હું શ્રીકૃષ્ણ પણ ત્યાં હતો અને શ્રીહરિને મેં નમસ્કાર કર્યા. બૃહસ્પતિ કરોડો વિપ્રો સાથે અનેક પ્રકારની પૂજાસામગ્રી લઇને ત્યાં ઊભા હતા.
શ્રીકૃષ્ણ કહે : રાધા, બૃહસ્પતિએ શ્રીહરિની કંકુ ચોખાથી પૂજા કરી, પુષ્પહાર પહેરાવ્યો. સ્ત્રીઓએ ચોખાથી વધાવ્યા. અનેક શોભાને ધારણ કરતા શ્રીહરિને જોઇને દેવકન્યા, ઇશ્વરકન્યા, રાજકન્યા, મુનિકન્યા, નાગકન્યા સ્થિર થઇ જતી અને લક્ષ્મીનું ધન્યભાગ્ય માનતી. પછી શિવેશ્વરે હરિ પાસે આવી પ્રણામ કર્યા. તે સમયે ગાંધર્વો ગાવા લાગ્યા, નર્તકો નૃત્ય કરવા લાગ્યા, સંગીતવાળા વાજીંત્રો બજાવવા લાગ્યા. પાર્વતીએ આવી વરરાજા બાલકૃષ્ણને અક્ષતથી વધાવી, દુ:ખણા લીધા. તીર્થજળથી ચરણ ધોઇ ચંદન, કંકુ, અક્ષત, દૂર્વા, સુગંધી દ્રવ્યોથી શ્રીહરિની પૂજા કરી. પછી થોડીવાર ઉતારે વિશ્રામ કરી ભોજન જળપાન કર્યા. તે સમયે કરોડો કન્યાઓ શણગાર સજી તૈયાર થતી હતી અને વાટ જોતી હતી કે, જ્યારે શ્રીકૃષ્ણનારાયણ લક્ષ્મીનું દાન પાણીગ્રહણ કરશે. ત્યારે અમારું પાણીગ્રહણ કરશે.
સર્વે સખીઓ લક્ષ્મીને શણગારતી હતી. અક્ષત કંકુથી હાથ પણ રંગ્યા. રંગથી નખ રંગ્યા. ભાલમાં કેસર, ચંદન, કંકુ લગાવ્યા. હોઠ રંગ્યા, આંજણ નેત્રોમાં આંજ્યું. સુંગધી તેલ કેશમાં નાખી માથું ઓળી અંબોળો વાળ્યો પછી તેને અનેક પુષ્પોથી, વેણીથી શણગાર્યો. મસ્તકમાં સૂર્ય, ચંદ્ર, કાંતમણિ મુક્યા. સોનાનો મુગટ, કુંડળો પહેરાવ્યા. હીરાજડીત સોનાની નથ, ચીબુક, ટીબકડી લગાવી. કાનના ઘરેણાં પહેરાવ્યા. રેશમી સોનાના તારવાળી સાડી, ઘાઘરી, પોલકું ધારણ કરાવ્યા. વીંટીઓ તથા સોનાની સાંકળીયુક્ત પોંચો પહેરાવ્યો. કેડમાં સોનાનો કંદોરો ધારણ કરાવ્યો. સોનાનો ટુપીયો, ચેન, કંઠી, મગમાળા નાના મોટા સોનાના હાર પહેરાવ્યા. તથા હીરામોતી, મણિરત્નોના હાર પહેરાવ્યા. સોનાના બાજુબંધ, બંગડીઓ પહેરાવી, પગમાં સોનાના કાંબા, કડલા, ઘૂઘરીવાળા ઝાંઝર પહેરાવ્યા. એ રીતે સખીઓએ વર્ણન ન થઇ શકે એટલા અલંકારોથી લક્ષ્મીજીને શણગાર્યા. તે સમયે વાજીંત્રો વાગવા લાગ્યા. ત્યારે વરરાજા બાલકૃષ્ણ શ્રીહરિ માતા-પિતા સાથે, લોમશાદિ ઋષિઓ, કુટુંબીજનો, રાજાઓ, મુક્તો, ઇશ્વરો, દેવો, બ્રાહ્મણો સાથે કૈલાશ મંડપમાં પધાર્યાં. શિવેશ્વર પણ બૃહસ્પતિ સાથે તથા કૈલાશવાસી મહેમાનો સાથે સંકર્ષણાદિ ઇશ્વરો, પાર્ષદો, અવતારો, પુરોહિત, બ્રાહ્મણો ગણો સાથે આવી અનેક શોભાવાળા બાલકૃષ્ણની પૂજા કરી, બ્રાહ્મણોએ વેદમંત્રોથી શ્રીહરિને વધાવ્યા. તે સમયે બાલકૃષ્ણ ભગવાને આજ્ઞા આપી, અત્યારે મને અર્પણ થયેલી સર્વે કન્યાઓ શણગાર સજી તૈયાર થઇ આ લગ્નમંડપમાં આવો. તમારા સર્વેનું પાણીગ્રહણ વિધિ આ લક્ષ્મીની સાથે જ થશે. માટે સર્વે કન્યાઓ પોતાના માતાપિતા સાથે આ શિવેશ્વર કન્યાદાનની વિધિમાં સર્વનો વિધિ થઇ જશે.
શ્રીકૃષ્ણ કહે : રાધા, તે સમયે કરોડો, અબજો કન્યાઓ કૃષ્ણ સાથે લગ્ન કરવા તૈયાર થઇ. તે મહાન ચમત્કાર દેખાતો હતો. પછી શિવેશ્વરે લગ્નવિધિ કર્મકાંડ શરૂ કરાવ્યો. શિવેશ્વર શ્રીહરિનો મહિમા જાણીને કહેવા લાગ્યા, આજ મારા ધન્ય ભાગ્ય છે. આજ મારો જન્મ અને જીવન સફળ થયા. જે મારે ઘેર પુરૂષોત્તમ પધાર્યાં. આજ મારી સર્વ ક્રિયા સફળ થઇ. આજ મારા કરોડો જન્મોના કર્મોનો લય થયો. જે શ્રીહરિનું મુનિઓ સતત ધ્યાન કરે છે, જે સર્વકર્મફળ પ્રદાતા છે તે અનાદિશ્રીકૃષ્ણનારાયણ પરમેશ્વર પ્રભુએ મારે આંગણે આવી મારું ગૃહ તીર્થરૂપ બનાવ્યું છે તે કલ્પો સુધી તીર્થરૂપ રહેશે. જે સનાતન પ્રભુ જ્યોતિરૂપે, અંતર્યામીરૂપે ન દેખાય એવા શ્રીહરિ આજ નેત્રોથી દેખાય છે, તે પ્રભુને વારંવાર નમસ્કાર.
શ્રીકૃષ્ણ કહે : રાધા, એવી રીતે શિવેશ્વરે શ્રીહરિની સ્તૂતિ કરી, ચરણ ધોઇ, પૂજન કરી, ભાલમાં તિલક ચાંદલો કર્યો. સુગંધી અત્તર છાટ્યા. પાર્વતીએ પારિજાતના પુષ્પનો હાર શ્રીહરિને પહેરાવ્યો. શિવેશ્વરે સોનાનો મુગટ, કુંડળ, હાર, બાજુબંધ, કડા, વીંટીઓ વગેરે અર્પણ કરી સુવર્ણ સિંહાસન અર્પણ કર્યું. પછી આરતી, પુષ્પાંજલિ કરી. શ્રીહરિના ચરણમાં નમસ્કાર કર્યા. પછી પાર્વતી અને લક્ષ્મીએ ચંદન પુષ્પથી પૂજા કરી, પગે લાગ્યા. પછી સુવર્ણરત્નો, રૂપિયા વગેરે સર્વે વસ્તુ ત્યાં મુકી ખજાનાની ચાવી અર્પણ કરી તથા કલમ, તર્કટી, વેલણ, મુશલ, માર્જની, ર્ધ્વી, શૃંખલા, કીલક, લાકડી વગેરે શ્રીહરિને માથેથી ઉતારી પાસે મુક્યા તથા શંખ, ચંદ્ર, ગદા, પદ્મ, ઢાલ, દોરી, કળશ, દર્પણ, દાંતીયો, થાળી, વાટકો, અન્નજળ, ફળ ફૂલ, શાક વગેરે સર્વ શ્રીહરિની માથેથી ઉતારી પાસે મુક્યા અને પાંચવાર દુખણા લીધા. પછી બે કોડિયા ભેગા કરી દોરી વીંટી ત્યાં મુકેલા, તેની પર પગ દઇ ભાંગી, સર્વ વિઘ્નો નાશ કરી અગ્નિકુંડ પાસે સિંહાસન પર બેઠા. કુંડમંડપ, માતૃકા, દેવતા, ગણેશ, ગુરુ સર્વને નમસ્કાર કર્યા. શિવપાર્વતીએ ચોખાથી વરરાજાને વધાવ્યા.
ત્યાં સખી કન્યાઓ ગીત ગાતી લક્ષ્મીને લગ્નમંડપમાં લાવ્યા, ત્યાં વાજીંત્રો વાગવા લાગ્યા. બ્રાહ્મણો વેદમંત્રનો ધ્વનિ કરવા લાગ્યા. લક્ષ્મી, પતિસ્વામી, શ્રીહરિને નમસ્કાર કરી. સર્વેને નમસ્કાર કરી વરરાજા બાલકૃષ્ણની ડાબી બાજુ બેઠા. તે સમયે આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઇ. શ્રીહરિએ લક્ષ્મીને અમીછાંટણાં કર્યા. ત્યારે સર્વ કન્યાઓના મસ્તક પર અમીછાંટણાંનો અભિષેક થયો. તે સમયે લોમશ ઋષિ અને બૃહસ્પતિએ માગશર સુદ ચોથને દિવસે કન્યાદાનની સિધ્ધિ માટે ગણેશનું પૂજન કર્યું તથા વિષ્ણુ, રૂદ્ર, માતૃમંડપ, ગૃહદેવનું, યોગીનું, સર્વે ઇશ્વરોનું પૂજન કર્યું તથા અગ્નિ દુર્ગા હનુમાન વગેરેનું પૂજન કર્યું. પછી લક્ષ્મીએ પુષ્પની વરમાળા શ્રીહરિને પહેરાવી લલાટમાં તિલક ચાંદલો કરી, ચોખા ચોડી પગે લાગી અને કહ્યું કે, સ્વામી હું તમારી છું. એમ કહી લક્ષ્મી પોતાને આસને બેઠા. તેજસ્વી શ્રીહરિએ લક્ષ્મીને ભાલમાં કંકુનો ચાંદલો કરી માથે સિંદુરથી મંગલ કર્યું. ત્યારે બંને પુરોહિત ગુરુઓ દાનમંત્રો બોલીને બંનેને મીંઢોળ બાંધીને બંનેના વસ્ત્રની છેડાછેડી બાંધતા હતા. વરવધુના કંઠમાં પુષ્પમાળા પહેરાવતા હતા.
તે સમયે સર્વેકન્યાઓ પોતાની પાસે શ્રીહરિ નહી હોવાથી એક ક્ષણ ચિંતામાં પડી ગઇ. ત્યારે બાલકૃષ્ણ પ્રભુએ ચમત્કાર બતાવ્યો, કરોડો, અબજો, સ્વરૂપો ધારણ કરી દરેક કન્યા પાસે, જેમ લક્ષ્મી પાસે વિધિ થયો, તેજ રીતે સર્વકન્યાઓની વરમાળા અંગીકાર કરી. લોમશ ઋષિ અને બૃહસ્પતિ તે પણ તેટલા જ સ્વરૂપે વિધિ કરતા જોઇને લક્ષ્મીના માતા-પિતા શિવપાર્વતી શ્રીહરિનું ઐશ્વર્ય જોઇને વારંવાર વંદન કરતા હતા. તે સર્વે કન્યાના માતા-પિતા ત્યાં કન્યાદાન માટે હાજર હતા. જે કન્યાઓના માતા પિતા મરણ પામ્યા હતા તેઓ પણ પ્રભુએ સ્મરણ કરવાથી ત્યાં આવ્યા. તે જોઇ લોમશ ઋષિ બૃહસ્પતિ વગેરે સર્વે આશ્ચર્ય પામી કહેવા લાગ્યા. આવો ચમત્કાર પૂર્વે થયો નથી, અને થશે પણ નહીં. સર્વેએ પોતાની કન્યાનો હાથ વેદમંત્રોના વિધિથી બાલકૃષ્ણના હાથમાં આપ્યો. શિવેશ્વરે પણ પોતાની કન્યા લક્ષ્મીનો હાથ અનાદિશ્રીકૃષ્ણનારાયણના જમણા હાથમાં આપી અને કહ્યું, અગ્નિની સાક્ષીએ અને ગણેશ અને ભૂમિની સાનિધ્યમાં હું કન્યાદાન કરું છું. બાલકૃષ્ણ પ્રભુ પણ સ્વસ્તિ, તમારું કલ્યાણ થાવ. એમ બોલી લક્ષ્મીને ગ્રહણ કર્યા. તે સમયે શિવેશ્વર દિવ્ય ભાવમાં આવી હાથમાં ડમરું લઇ નૃત્ય કરવા લાગ્યા.
શ્રીકૃષ્ણ કહે : રાધા, શિવેશ્વર નૃત્ય કરી પછી સ્તૂતિ કરવા લાગ્યા, સર્વજગતના સાક્ષી સૃષ્ટિના ચલાવનારા, પરમધામમાં વાસ કરનારા, કરોડો કન્યાના સંકલ્પપૂર્ણ કરનારા એવા પુરૂષોત્તમ નારાયણ આજ મારે ઘેર વાસ કરવાથી મારે ત્યાં શાશ્વત યજ્ઞ થયો. હે પ્રભુ, તમે નાનામાં નાના છો. મોટામાં મોટા છો. તમે અનંતરૂપે રહેલા છો. તમે સર્વથી પર છો. સર્વના સ્વામિ છો. અમારા સર્વેના મોક્ષને માટે તમે અહીં આવ્યા છો. એવા હે બાલકૃષ્ણ હું તમારે શરણે આવું છું. તમને વારંવાર નમસ્કાર. એ પ્રમાણે સ્તૂતિ કરી શિવેશ્વર બાલકૃષ્ણ પ્રભુને ભેટો આપી વિમાન, છત્ર, ચામર, દંડ, અક્ષયપાત્ર, મણિરત્નો, કામધેનુ, અશ્વો, શય્યા વગેરે ગૃહની સર્વ સામગ્રી ભેટ આપી. પછી રાજાઓએ પણ શ્રીહરિને સુવર્ણ, હીરામોતીના હાર, રૂપિયાના ખજાના, સિંહાસન વગેરે આપ્યા હતા. વાસુદેવે શ્રીહરિને મુગટ, ગજાસન આપ્યું. મહાવિષ્ણુએ વિમાન આપ્યું, વૈરાટનારાયણે સોનાના કુંડળ-છત્ર આપ્યા. બ્રહ્માએ કલ્પ ઘડો, વિષ્ણુએ ચક્ર, પિતૃઓએ સોનાના પાત્રો આપ્યા. દેવોએ અમૃત આપ્યું, દિક્પાલોએ સુવર્ણ આપ્યું, સાગરોએ મોતી આપ્યાં, વૃક્ષોએ રસ આપ્યા. સર્વે રાજાઓએ હાથી, ઘોડા, ગાયો, બળદ, દાસદાસી શ્રીહરિને આપ્યા. કન્યાપક્ષમાં રહેલા સર્વેએ લક્ષ્મીને ભેટ આપી. શ્રીકૃષ્ણે હજાર ગોપીઓ ભેટ આપી. સંકર્ષણે મુગટ, સદાશિવે રત્નહાર, મહાકાળે સાડી આપી. રૂદ્રોએ સુવર્ણ અલંકારો, કુબેરે સિંહાસન, લોકપાલોએ દ્રવ્ય, શેષનારાયણે મણિઓ ભૂતપ્રેતોએ વસ્ત્રો, સર્વે નરનારીઓએ યથાયોગ્ય લક્ષ્મીને ભેટ આપી. એ રીતે દાનભેટ આપ્યા. પછી લક્ષ્મી કન્યાના માતા-પિતાએ હાથમાં પાણી લઇ બોલ્યા, પરબ્રહ્મ જેનું ગોત્ર છે, શામવેદવાળા, પત્નીવૃત શાખાના, ગોપાલકૃષ્ણના પુત્ર બાલકૃષ્ણને હું શિવેશ્વર શ્રીકૃષ્ણના ગોત્રનો સદાશિવ શાખાનો, રૂદ્ર કાળ યમ આ ત્રણ પ્રવરવાળો ઋગ્વેદી હું મારી કન્યા લક્ષ્મી, અગ્નિની સાક્ષીએ અર્પણ કરું છું. એમ કહીને પાણી પૃથ્વી પર મૂક્યું એ રીતે સર્વે કન્યાઓના માતા-પિતાએ ડાંગર વગેરે હોમદ્રવ્યોથી હવન કર્યો. પછી વરવધુ પરસ્પર મધુપર્ક પ્રસાદ એકબીજાના મુખમાં આપ્યા. તે સમયે રાધા, લક્ષ્મી, શ્રીરમા, માણિકી, પદ્માવતી આ છ મુખ્ય સતી સાથે શ્રીકૃષ્ણે અગ્નિ પ્રદક્ષિણા કરી. ત્યારે હેમંતે રમા અને પદ્માવતી નારાયણને અર્પણ કરી. પ્રભુએ તેની સાથે ધામવાસી એકસો ચુમાલીશ કન્યાઓ સાથે અગ્નિ પ્રદક્ષિણાઓ કરી તથા બ્રહ્મકન્યાઓ, ઇશકન્યાઓ, રાજકન્યાઓ, લોકકન્યાઓ તે સર્વે સાથે શ્રીહરિએ અગ્નિ પ્રદક્ષિણા કરી પછી સર્વેને પરસ્પર મિષ્ટાન્ન, કોળિયો આપી પ્રસન્ન કર્યા. એ રીતે અનાદી શ્રીકૃષ્ણનારાયણના બાલકૃષ્ણ શ્રીહરિએ કરોડો અબજો સ્વરૂપો ધારણ કરીને સર્વે કન્યાઓના પાણી ગ્રહણ કરી સંકલ્પ પૂર્ણ કર્યાં.
શ્રીરાધાએ પૂછ્યું : હે કૃષ્ણ, જે જે કન્યાઓ બાલકૃષ્ણને પરણી તે કોની કન્યાઓ હતી ? તે કથા કહો. જે કથા સાંભળીને જનો માયાથી મુક્ત બને. શ્રીકૃષ્ણ કહે, અનાદિશ્રીકૃષ્ણનારાયણની જાનમાં જે દેશ-વિદેશના રાજાઓ આવ્યા હતા, તેણે પોતાની કન્યાઓ શ્રીહરિ સાથે પરણાવી તથા સર્વે દેવો, ઇશ્વરો, લોકપાલો, દિક્પાલો, વિદ્યાધરો, ગાંધર્વો, પિતૃઓ, પાતાલવાસી દૈત્યો, દાનવો, રાક્ષસોએ પણ પોતાની કન્યાઓ બાલકૃષ્ણને પરણાવી તથા ચૌદલોકના વાસી જે શ્રીહરિની જાનમાં આવ્યા હતા તેણે પોતાની કન્યાઓના બાલકૃષ્ણ સાથે વિવાહ કર્યા. એ પ્રમાણે કાશીમાં શિવપાર્વતીને આંગણે અનાદિશ્રીકૃષ્ણનારાયણે અગ્નિની સાક્ષીએ સર્વેકન્યાઓને ગ્રહણ કરી.
શ્રીકૃષ્ણ કહે : રાધા, તે સર્વે પ્રભુની પત્નીઓ પૃથ્વી પર પ્રભુને પ્રાપ્ત કરવા માટે જ આવેલી હતી. કાશીમાં અનાદિશ્રીકૃષ્ણનારાયણનો જેણે આશ્રય કર્યો. જેણે દીક્ષામંત્ર ગ્રહણ કર્યો. તેને કાળ સ્પર્શી શકતો નથી. કાશીમાં થયેલો બાલકૃષ્ણનો વિવાહ ત્રિલોકમાં પ્રકાશ કરે છે. શિવપુત્રી લક્ષ્મી, દિશાપુત્રી પદ્માવતી, સૂર્યપુત્રી પ્રભા, કલ્પવૃક્ષ પુત્રી શ્રી, ક્ષીરસમુદ્રપુત્રી રમા તથા અક્ષરની પુત્રી માણિકી સતી તે સર્વે શ્રીહરિને પતિભાવે પામીને પૃથ્વી પર આ સમયે ધન્ય બની. સર્વ સૌભાગ્યવાળી થઇ. તે સમયે શિવેશ્વરના ભક્ત ધેનુપાલે પણ ત્રણ કન્યા બાલકૃષ્ણને અર્પણ કરી, અનેક ભેટ આપી. પછી બૃહસ્પતિએ તથા ગુરુ લોમશ ઋષિએ ગૃહસ્થ ધર્મ સમજાવ્યા. પતિ-પત્નીના શરીર બે, મન અને વિચાર એક, એકબીજાના સુખદુ:ખમાં સહભાગી થવું. ઇશ્વર સમાન પતિને માની પતિવ્રત્તાની ભક્તિ કરવી. સપત્ની (શોક્ય)નો ભાવ પરસ્પર લાવવો નહીં. સપત્નીઓ એ સર્વે બહેનો છે. એમ રહેવું. આ સ્ત્રીઓનો શ્રેષ્ટ ધર્મ છે. એમ કહીને લોમશ ઋષિએ સર્વેને દાભડાથી પાણીની અંજલિ છાંટી. પછી અનાદિશ્રીકૃષ્ણનારાયણ ભગવાન તથા કન્યાઓએ ગુરુને સુવર્ણ રત્નોની દક્ષિણા આપી. પછી લોમશ ઋષિએ અગ્નિદેવના યજ્ઞકર્મનું વિસર્જન કર્યું. શ્રીહરિએ પણ પોતાના અને સ્વરૂપો સંકેલી લીધા તથા પાર્વતી પોતાની પુત્રીને લક્ષ્મીને લઇ આવ્યા. તથા સર્વે કન્યાના માતા-પિતાઓ પણ કન્યાને લાવ્યા. તે સમયે વિશ્વકર્માએ નવા આવાસોની ગોલોકધામ સમાન રચના કરી તેમાં શ્રીહરિ, સર્વે પત્નીઓ સાથે ભોજનપાન કર્યા. પછી શિવપાર્વતીએ સર્વે મહેમાનોને અનેક પ્રકારના મિષ્ટાન્નો અતિ પ્રેમપૂર્વક જમાડી તૃપ્ત કર્યા. પછી રાત્રે નૃત્ય, ખેલ, વાદ્યો, મલ્લ યુદ્ધ, કલા, નાટક વગેરે અનેક પ્રસંગો મનોરંજનના કર્યાં. પછી સર્વે મહેમાનોએ રાત્રીએ વિશ્રામ કર્યો. બાલકૃષ્ણ પ્રભુ પણ અનેક સ્વરૂપો ધારણ કરી સર્વે પત્નીઓની સેવા અંગિકાર કરતા હતા.
શ્રીરાધાએ પૂછ્યું : હે કૃષ્ણ, શ્રીહરિને પરણેલી તથા પૂર્વેની કેટલી કન્યાઓ રતિગૃહમાં હતી. શ્રીકૃષ્ણ કહે, સર્વે કન્યાઓના માતાપિતાએ જે કન્યાઓ અર્પણ કરેલી તેની સંખ્યા (40455622) ચાર કરોડ, ચાર લાખ, પંચાવન હજાર છસ્સો બાવીશ હતી તથા ત્રિલોકમાંથી આવેલી અબજો કન્યાઓ અનાદિશ્રીકૃષ્ણનારાયણના રતિગૃહમાં શયનમાં સાથે હતી. પછી માગશર સુદ પાંચમે સવારે શ્રીહરિ મંગલધ્વની સાથે વેદ સ્તોત્રથી ભાટ, ચારણ, બંદીની સ્તૂતીથી જાગી, નિત્ય કર્મ કરી, વૃદ્ધ પૂજ્યોને નમસ્કાર કરી, આશીર્વાદ લઇ નગરમાં ફરવા ગયા. નગરયાત્રામાં ગીત-વાજીંત્રો સાથે અબીલ, ગુલાલ, કંકુ, ચોખાથી પૂજાતા વધાવતા પુષ્પહારો, દ્રવ્યો, દાન, પૂજા ગ્રહણ કરતા. આખા કાશીનગરમાં ફરીને, ફુલદેવી દુર્ગાના દર્શન કરી, હનુમાનના દર્શન કરી, કાશી વિશ્વનાથ જ્યોતીર્લિગના દર્શન કરી, અન્નપૂર્ણા દેવિના દર્શન કરી, ગણેશના દર્શન કરી, પંચગંગા કાંઠે ધર્મદેવનું પૂજન દર્શન કરી, બિંદુ માધવતીર્થના દર્શન કર્યા. પછી ગંગામાં દીપદાન કરી સુવર્ણદાન કર્યું. ત્યાં લોમશ ઋષિએ છેડાછેડી છોડી નાખી. ગીત વાજીંત્રો સાથે સર્વે નરનારીઓ પાછા વળ્યા. તે સમયે કાશીનગરીના નરનારીજનો શ્રીકૃષ્ણનારાયણમાં મોહ પામી બોલતા હતા, આ કૃપાનિધિ ભગવાનના દર્શન આપણને ફરીથી ક્યારે થશે ? આ લોકમાં દુર્લભ માનવજન્મ પામી પ્રભુ ન મેળવ્યા તો ભવબંધન તુટતા નથી. અનેક જન્મોના પુણ્યોથી આ કન્યાઓએ પરમેશ્વર પ્રાપ્ત કર્યાં છે. જે પ્રભુ પુણ્યથી ભક્તિથી પ્રાપ્ત થાય છે તેથી આપણે રહિત છીએ. ઇશ્વરથી વંદન કરાયેલી, હે નારાયણ પત્નીઓ, તમને જે શ્રીહરિ મળ્યા છે, તેને પ્રાર્થના કરજો. અમને પણ ક્યારેક ગ્રહણ કરે. એ રીતે કાશીના નરનારીઓ બોલતા હતા. સ્તૂતિ કરતા હતા અને શ્રીહરિને પુષ્પ અક્ષતથી વધાવતા હતા. તે સમયે કાશીની હજારો ગણિકાઓ પરબ્રહ્મની પૂજા કરી વધાવતી હતી. ત્રણ ચાર ગણિકાની કન્યાઓ પ્રભુમાં મોહ પામી, માતાની આજ્ઞાથી તે કન્યાઓએ પ્રભુને વરમાળા પહેરાવી.
અનાદિશ્રીકૃષ્ણનારાયણ ભગવાને કૃપા કરી તેને ગ્રહણ કરી. પછી શિવપાર્વતીએ સર્વે મહેમાનોને ભક્ષ્ય ભોજન લેહ્ય, ચોસ્ય, મિષ્ટાન્ન, દૂધપાક વગેરે ભોજન કરાવી કાશીના નરનારીજનોને તથા અનાથભિક્ષુક સર્વેને ભોજન કરાવ્યા. અનેક દાન-દક્ષિણાઓ આપી. અનાદિશ્રીકૃષ્ણનારાયણ પ્રભુએ કાશીના સર્વે કલાવિંદોને, સેવા કરનારાને, કર્મચારીઓને અનેક પારિતોષિકો અને ધન આપ્યા તથા દેશવિદેશથી રાજાઓ આવ્યા હતા તેણે પણ ધન, પાત્ર, વસ્ત્ર વગેરે આપ્યા. બાલકૃષ્ણ પ્રભુએ વિશ્વકર્માને સુવર્ણ હાર આપ્યો. શિવેશ્વરને દિવ્ય સિંહાસન આપ્યું. કૈલાશમાં મંડપને મુગટ આપ્યો, બૃહસ્પતિને સર્વસ્વદાન આપ્યું. બપોર પછી બાલકૃષ્ણ સર્વ સાથે ગંગાતીર્થમાં સ્નાન કરવા ગયા. ત્યાં શંકરે વિપ્ર વેશે આવી ભિક્ષા માંગી, પ્રભુએ લાખ મુદ્રા આપી. શંકરે ફરી ભિક્ષા માંગી, પ્રભુએ તુલસીમાળા આપી. શંકરે ફરી ત્રીજીવાર ભીક્ષા માંગી, પછી શ્રીહરિએ પોતાની મૂર્તિ આપી રાજી કર્યા. શંકરે શ્રીહરિને વિનંતી કરી કે, હે પ્રભુ તમે અહિં વરણાં કાંઠે પંચગંગા નદી તટે અદૃશ્યરૂપે તીર્થ કરવા માટે વાસ કરો. શ્રીહરિ કહે, તથાસ્તું. તેથી અનાદિશ્રીકૃષ્ણનારાયણ ભગવાન માગશર સુદ ચોથ અને પાંચમે બ્રહ્મપત્નીઓ સાથે દર વર્ષે પંચગંગામાં સ્નાન કરવા આવે છે. તેથી ત્યાં સ્નાન દાન કરનારાનો મોક્ષ થાય છે.
શ્રીકૃષ્ણ કહે : રાધા, માગશર સુદ પાંચમે બપોર પછી જાનને વિદાય સમયે શિવેશ્વરે અનાદિશ્રીકૃષ્ણનારાયણની પૂજા કરી પ્રાર્થના કરી કે, હે પ્રભુ અમારાથી તમારી સેવામાં કાંઇ ન્યુન રહ્યું હોય ભૂલ થઇ હોય તો ક્ષમા કરજો. એમ કહીને ગળગળા થઇ ગયા. શિવેશ્વરે ગોપાલકૃષ્ણને કહ્યું, આ મારી પુત્રી લક્ષ્મી, તમારી પુત્રી જાણજો. ભૂલચૂક માફ કરજો તથા સર્વેની ક્ષમા માંગી અને કુંકુમવાપી પહોંચી કુશળ સમાચાર લખજો. એમ કહીને એકબીજા પરસ્પર ભેટ્યા. પછી પાર્વતી વગેરે માતાએ પણ એજ રીતે માતા કંભરાલક્ષ્મીને સર્વે સ્ત્રીઓનું સન્માન પૂજન કરી ક્ષમા માગી અને કહ્યું મારી પુત્રી તમારી પુત્રી જાણજો. એમ કહી ક્ષમાયાચના કરી તથા જય, ચંદ્ર, ધેનુપાલ વગેરેએ પણ ક્ષમાયાચના કરી. કન્યાપક્ષના સર્વે રૂદ્ર શંકર, શેષ, મહાકાળ, સંકર્ષણ, યમ, યક્ષ, સ્કંદ, ગણેશ વગેરે પરસ્પર મળી, વિદાય સમયે વિમાનમાં બેસવા સર્વે કન્યાઓના માતા-પિતાને પગે લાગી, વિયોગના દુ:ખથી રોવા લાગી.
પાર્વતી કહે : પુત્રી, તારા વિના અમે કેમ જીવશું. પછી પ્રભુની સાથે સર્વે વિમાનમાં બેઠા. વિમાન આકાશમાં પશ્ચિમ દિશામાં ચાલ્યું. શિવેશ્વર કહે : પ્રભુ, લક્ષ્મી તમે લઇ ગયા, અમારો મોક્ષ કરજો. બાલકૃષ્ણ પ્રભુ કહે, એક વર્ષ પછી મારું સ્મરણ કરજો, તમને મોક્ષમાં લઇ જઇશ. મારી જન્મજયંતિ આશો વદ આઠમે સર્વને બોલાવીશ. સર્વે કુંકુમવાપી આવજો. એમ કહીને શ્રીહરિ વગેરે સર્વે વિમાનમાં આકાશ માર્ગે પ્રયાગ આવી ત્રિવેણીમાં સ્નાન કરી. સાંજે કુંકુમવાપી આવ્યા. અશ્વપટ સરોવર કાંઠે વિમાન ઉતાર્યું. વાજીંત્રો વાગવા લાગ્યા. જયજયકાર શબ્દો થવા લાગ્યા. શાવદીના મહાકાલીમાતા તથા ખેતરપાળ વગેરે મહાઆનંદ પામ્યા. દેવો, મુક્તો, તીર્થો પ્રજા સર્વે જયકાર બોલી શ્રીહરિને સર્વને વધાવ્યા. ગોપાલકૃષ્ણ, કંભરાલક્ષ્મી, સંતુષ્ટા, અમરીદેવી, લક્ષ્મી વગેરે સર્વે બ્રહ્મપત્નીઓ વિમાનમાંથી ઉતર્યા. અક્ષરબ્રહ્મે બ્રહ્મપત્નીઓ માટે નવા આવાસો નિર્માણ કર્યાં. તેમાં લક્ષ્મીએ તથા ચાર કરોડ ચાર લાખ પંચાવન હજાર છસ્સો બાવીશ બ્રહ્મપત્નીઓએ મંગલ પ્રવેશ કરી ગણેશપૂજન કર્યું. મંડપનું, દેવનું, ગુરુનું, બ્રાહ્મણોનું પૂજન કર્યું. પછી ગોપાલકૃષ્ણે સર્વે મહેમાનોને ભોજનપાન કરાવ્યા. પછી પ્રજાને કર્મચારી, દાસદાસીઓને સાધુ બ્રાહ્મણોને ભોજન કરાવી દાન, દક્ષિણાઓ ભેટ, પારિતોષિકો સૌને યથા યોગ્ય આપ્યા. પછી સર્વેએ રાત્રિએ વિશ્રામ કર્યો. સર્વે બ્રહ્મપત્નીઓને પરબ્રહ્મ પરમાત્માએ નિજાનંદ, મહાનંદ, સમાધિ, આનંદ આપ્યો. જે સુખ પાસે શરદ રાત્રિનું સુખ લવ જેટલું થતું હતું. પછી માગશર સુદ છઠને દિવસે શિવેશ્વરે - કાશીમાં સર્વે મહેમાનોને યથાયોગ્ય પારિતોષિકો આપ્યા અને પછી સર્વને વિદાય આપી. પછી શિવપુરમાં કૈલાશધામ વગેરે જે મહામંડપની રચના કરી હતી તે સર્વે અદૃશ્ય થઇ. સર્વે અનાદિશ્રીકૃષ્ણનારાયણનું સ્મરણ કરતા સૌ પોતપોતાના સ્થાનમાં ગયા.
શ્રીકૃષ્ણ કહે : રાધા, કુંકુમવાપીમાં માગશર સુદ છઠને દિવસે મંગલગીત વાજીંત્ર સાથે સર્વે જાગી નિત્યકર્મ કરી. શ્રીહરિની સર્વે પત્નીઓએ પૂજા, મંત્ર સ્તોત્ર પાઠમાળા જપ કરી શ્રીહરિનું પૂજન કરી વૃદ્ધોને નમસ્કાર કર્યા. પછી અનાદિશ્રીકૃષ્ણનારાયણ પ્રભુએ સર્વે પત્નીઓને સર્વે મંત્રો આપ્યા. “કાલમાયાપાપકર્મશત્રુયામ્યકૃહદ્ભયાત્, શુલમીનધ્વજધનુષ્યચક્રસ્વસ્તિકવાન્ અવ, અનાદિશ્રીકૃષ્ણનારાયણ: સ્વામિ પતિશ્ચમે, શ્રીહરિ: શરણં મમ” “ૐ નમ: શ્રીકૃષ્ણનારાયણાય પતયે, સ્વાહા” “બાલકૃષ્ણ પરબ્રહ્મ મમવૈ શાશ્વત: પતિ પીતાબંધુ સુહ્યન્મિત્ર રક્ષક: પાલકોસ્તુ સ:” વગેરે શરણમંત્ર, રક્ષણ મંત્ર, બ્રહ્મમંત્ર, સમર્પણમંત્ર, આત્મનિવેદન મંત્ર તથા જ્ઞાનમંત્ર આપ્યા. પરબ્રહ્મની પત્નીઓ પણ પરબ્રહ્મ સ્વરૂપ જ છે. જે નરનારીઓ બાલકૃષ્ણ અને તેની પત્નીઓની ભક્તિ કરે છે. તે સર્વે નિર્ગુણ થાય છે અને મોક્ષને પામે છે. પછી માતા કંભરા પુત્રવધુઓને જોવા આવ્યા. લક્ષ્મી વગેરે સર્વે પ્રભુપત્નીઓ માતાને પગે લાગી. માતાએ અખંડ શાશ્વત સૌભાગ્યવતીના આશીર્વાદ આપ્યા. પછી ગોપાલકૃષ્ણે સર્વ મહેમાનોને દૂધપાક મીષ્ટાન્ન ભોજન કરાવ્યા. પછી શ્રીહરિ સર્વે પત્નીઓ સાથે વન, બગીચામાં ફરવા નીકળ્યા. ઉત્તર દિશામાં શાલવન, બીલ્વવન, પલાશવન, ચંદનવન, દેવદારૂવન, તુલસીવન, ચંદનવન વગેરે જોયા તથા પૂર્વે દિશામાં વૃંદાવન કણિર્કા, આમ્રવન, કુંદવન, સ્થલપદ્મ, અશોકવન, કમલ, પારિજાત, કદંબના વનમાં ફર્યા. પછી દક્ષિણ દિશામાં લોમશ ઋષિ આશ્રમો જોયા તથા જંબીર, નાળિયેરના વનો જોયા. પશ્ચિમમાં કદળીવન, બદ્રીવન, બકુલ, જાંબુવન, સીતાફળ વન જોઇ સાંજે અશ્વપટસરોવર આવી સંધ્યા વંદન કર્મ કરી, સર્વે કુટુંબ સાથે ભોજન કર્યું.
તે સમયે સ્વર્ગની દ્યુનામે દેવીએ, બૃહસ્પતિના મુખેથી શ્રીહરિના કાશીમાં કરોડો કન્યા સાથે વિવાહ થયા એવું આશ્ચર્ય સાંભળીને, શ્રીહરિનું ઐશ્વર્ય બળયોગ જોવા કુંકુમવાપી આવી. દ્વારપાળ, છડીદારે પ્રભુની આજ્ઞાથી તે દેવીને દિવ્યમહેલમાં આવવા દીધી. તે દેવીએ પણ કરોડોરૂપ ધારણ કરીને સર્વે પત્નીઓના મહેલમાં પ્રવેશ કર્યો. ત્યાં લક્ષ્મી સાથે શ્રીહરિને હિંડોળામાં ઝુલતાં જોયા. માણિકીને ઘેર જગદીશને જમતા જોયા. પદ્મવર્ત ગૃહમાં ઢોલીયા પર બેઠેલા પ્રભુને જોયા. રમાને આવાસે દૂધ પીતા, રાધાને ઘેર શય્યામાં રહેલા, શ્રીને ત્યાં દ્યુત રમતા, કુંશલાને આંગણે જમતા, સરસ્વતિને ત્યાં ગાતા, ગંગાને મહેલે પગચંપી કરાવતાં. વિરજાને ત્યાં વિહાર કરતા. દુર્ગાગૃહે હસતા, શારદા મંદિરે માળા જપતા, કાશી રાજકન્યાઓ ત્યાં કૃષ્ણને શણગારતા, આજનાભિઓને ત્યાં ઐતિહાસિક વાર્તા કરતા. એકસો ત્રીશ અશનાદિ પત્નીઓ સાથે કલાવાર્તા કરતા, ઉષ્ટ્રાલ દેશની નારીઓને ત્યાં બાલકૃષ્ણને પંચામૃતથી સ્નાન કરાવતા. પ્રાચિન દેશની પત્નીઓને ત્યાં હરિને હસાવતા. રશિયા પ્રદેશની નારીઓને ત્યાં પ્રભુને રાજી કરતા. કિંપુરૂષ ખંડની સ્ત્રીઓ સાથે શ્રીહરિ સંગીતમગ્ન હતા. કેતુમાલ ખંડની સ્ત્રીઓ પ્રભુને રાજ પહેરવેશ ધારણ કરાવતી હતી. અમરી પ્રદેશની પત્નીઓ સાથે નારાયણને નૃત્ય કરતા જોયા. હારિતીની નારીઓથી વીંટાઇને પ્રભુને બેઠેલા જોયા. બ્રાહ્મિલ દેશની પત્નીઓ સાથે પૂજામાં બેઠેલા પ્રભુને જોયાં. અબ્રિક્ત દેશની સ્ત્રીઓ સાથે પ્રભુ તાલી વગાડી ગાતા હતા. પિતૃકન્યાઓ સાથે પ્રભુ શ્રાદ્ધક્રિયા કરતા જોયાં. પ્રભુને કોઇ ઠેકાણે નૃત્ય કરતાં, કોઇ ઠેકાણે પ્રેમભાવે સ્પર્શ કરતા, કોઇ ઠેકાણે યોગીની જેમ ધ્યાનમાં બેઠેલા, કોઇ ઠેકાણે નિંદ્રા કરતા, કોઇ ઠેકાણે શિક્ષા આપતા, કોઇ ઠેકાણે પત્નીઓનું મન પૂરવા પૂષ્પમાળા ગુંથતા હતા, કોઇ ઠેકાણે ગૃહ પ્રવેશ કરતાં, કોઇ ઠેકાણે અગ્નિથી તાપતા, કોઇ ઠેકાણે પત્ની સાથે વેશભૂષા કરતા, કોઇ ઠેકાણે દર્પણમાં મુખ દેખાડતા, કોઇ ઠેકાણે પત્નીને નેત્રમાં કાજલ આંજતા, કોઇ ઠેકાણે ભાલે પત્રી લગાવતા, કોઇ ઠેકાણે પગે રંગ ચોપડતા, કોઇ ઠેકાણે સ્નેહથી ભેટતા, કોઇ ઠેકાણે ભોજન કરાવતા, કોઇ ઠેકાણે મુખવાસ આપતા, કોઇ ઠેકાણે રાજાધિરાજપણે આસને બેઠેલા, કોઇ ઠેકાણે નેત્રની સાનથી પત્નીને બોલાવતા, કોઇ ઠેકાણે પત્ર લખતા, કોઇ ઠેકાણે ગૂઢ ચેષ્ટા કરતા. આવી રીતે અનેક પ્રકારની ક્રિયા, જુદી જુદી લીલાઓ, સર્વે પત્નીઓની સાથે કરતા. તે સ્વર્ગની દ્યુ દેવીએ શ્રીકૃષ્ણનારાયણને જોઇને દર્શન કરી અતિ આશ્ચર્ય પામી અને પ્રેમપૂર્વક પ્રભુની પૂજા પત્નીઓ સાથે કરી પછી લક્ષ્મી વગેરે પ્રભુપત્નીઓએ દ્યુ દેવીને ભોજન પાન કરાવી પુષ્પહાર પારિતોષિક આપી સત્કાર કર્યો. તે સ્વર્ગની દ્યુ દેવી સ્વર્ગમાં, સત્યલોકમાં, ઇશ્વરોના લોકમાં, ક્યાંય પણ સમૃધ્ધિ ન હોય તેવી સમૃદ્ધિ, ઐશ્વર્ય, સુવર્ણપાત્રો, હિરામણિ વગેરે અનેક સામગ્રી જોઇને મહાઆશ્ચર્ય પામી. પછી તે સ્વર્ગની દ્યુ દેવીને શ્રીહરિમાં અતિ પ્રીતિ થવાથી પ્રભુએ તેનો સંકલ્પ પૂર્ણ કર્યો.
શ્રીકૃષ્ણ કહે : રાધા, અનાદિશ્રીકૃષ્ણનારાયણ ભગવાન બ્રહ્મમુહૂર્તમાં મંગલસ્તૂતીથી જાગી નિત્ય વિધિ કરી સર્વે પત્નીઓને કહ્યું, તમે સર્વે મારાયોગથી દિવ્ય થયા છો. સર્વે માયાના ભાવથી રહિત થઇને મારું ધ્યાન કરો. શ્રીહરિની આજ્ઞાથી સર્વ બ્રહ્મપ્રિયાઓ ધ્યાનમાં બેઠી. ત્યાં પોતાના હૃદયમાં સમાધિમાં અતિશય તેજમાં સ્વામિનાથ શ્રીહરિના દર્શન કર્યાં. તે શ્રીહરિ સાથે વિમાનમાં બેસી સમાધિમાં સ્વર્ગલોકમાં સર્વ દેવોસ્થાન જોઇને પુણ્યશાળીના પિતૃલોકમાં ગયા. ત્યાંથી સ્વામિ સાથે સત્યલોકમાં ગયા, ત્યાંના નિવાસીઓએ સત્કાર કર્યો. ત્યાંથી પૃથ્વી અને જળનું આવરણ ભેદી તેજના આવરણમાં રહેતા વૈકુંઠધામમાં ગયા, ત્યાં સીતારામ આદિ કે પ્રભુપત્નીઓનું સ્વાગત કર્યું. શ્રીરામાદિત્યે પરમાત્માનું સ્વાગત કર્યું. ત્યાંથી વાયુ, આકાશ, અહંકાર, મહત્વના આવરણની ઉપર વૈરાટ નારાયણના ધામમાં ગયા, ત્યાં વૈરાટનારાયણે કૃષ્ણનારાયણની પૂજા કરી, વૈરાટ પત્નીઓએ પ્રભુપત્નીઓની પૂજા કરી. ત્યાંથી આગળ મહાવિષ્ણુના લોકમાં ગયા, જ્યાં ગોપાલકૃષ્ણ અને કંભરાલક્ષ્મી બિરાજે છે, ત્યાં માતા-પિતાની પૂજા કરી આશીર્વાદ લઇ, શ્રીહરિ સાથે વિમાનમાં બેસી ભૂમાપુરૂષના લોકમાં આવ્યા. ભૂમાપુરુષે શ્રીહરિની તથા સર્વની પૂજા કરી. ત્યાંથી વાસુદેવનારાયણના અમૃતધામમાં આવ્યા, ત્યાં વાસુદેવ નારાયણની પત્નીઓએ સર્વેનો સત્કાર કર્યો. વાસુદેવનારાયણ શ્રીહરિને સર્વેને અમૃતભોજન કરાવ્યા અને પૂજા કરી. ત્યાંથી આગળ શ્રીહરિએ સર્વે અવતારોના ધામના દર્શન કરાવીને પોતાના અક્ષર-પરમધામનું દર્શન કરાવ્યું. ત્યાં રહેલા બ્રહ્મધરામાં સ્નાન કરાવીને સર્વે પત્નીઓને પોતાની મૂર્તિમાં લીન કરવાથી તે સર્વે બ્રહ્મપ્રિયાઓ દિવ્ય સારૂપ્ય સર્વે આવરણથી રહિત પરબ્રહ્મ પુરૂષોત્તમરૂપે થઇ ગઇ. રૂપગુણધર્મ સ્વભાવ ઐશ્વર્યથી સર્વે શ્રીહરિ સમાન થઇ ગઇ. કુંકુમવાપીમાં રહેલા તેના શરીરો પણ માયિક ભાવથી રહિત થયા. એકરસ આનંદવાળા જ્ઞાનવાળા અક્ષર બ્રહ્મરૂપે તેજોમય બ્રાહ્મિ સ્થિતિને પામેલા અનંત મુક્તાનિઓથી સેવાયેલા શ્રીકૃષ્ણનારાયણને જોયા. શ્રીહરિએ પોતાના જેવા ઐશ્વર્યવાળા નિત્યાનંદવાળા મુક્તો-મુક્તાનિના કરોડો મંડલોના દર્શન કરાવ્યા. વિચિત્ર બગીચાઓ, વિચિત્ર મંદિરો - આવાસો, સંપત્તિ દિવ્ય કલ્પમણિ કૌસ્તુભમણિઓ બતાવ્યા. પ્રભુ પોતાની મૂતિર્માંથી નીકળતા કિરણો ચારેકોર રહેલા મુક્ત મંડલોને સુખ તૃપ્તિ અને આનંદ આપતા હતા, રતિ, પ્રીતિ, હર્ષ અને સંકલ્પ પૂર્ણ કરતા હતા. ત્યાં સેવા કરવા યોગ્ય અનેક પ્રકારની વિહારશાલા અનાદિશ્રીકૃષ્ણનારાયણથી વ્યાપ્ત હતી. ત્યાં સર્વે બ્રહ્મપ્રિયાઓને પરબ્રહ્મનું આનંદમય ભોજન કરાવીને રહસ્યમુક્તો, અનાદિમુક્તો, મહામુક્તો, મુક્તો, મુકતાનીઓની પૂજા અંગીકાર કરી, શ્રીહરિ અક્ષર- પરમધામથી ગોલોકધામ આવ્યા. શ્રીકૃષ્ણએ પુરુષોત્તમનું સ્વાગત કર્યું. રાધા આદીએ બ્રહ્મ પત્નીનું સન્માન કરી દૂધપાક ભોજન કરાવી શણગાર અર્પણ કર્યા, ત્યાંથી શ્રીહરિ વૈકુંઠ ધામમાં આવ્યા. ત્યાં કમલા, ભાર્ગવી, વિકુંઠા, લક્ષ્મીનારાયણે શ્રીહરિની પૂજા સ્તૂતિ કરી. ત્યાંથી શ્રીહરિ સદા શિવના કૈલાસધામમાં આવ્યા. ત્યાં પાર્વતી, દુર્ગા વગેરે દેવીઓ તથા ગણોએ શ્રીહરિનું પૂજન કર્યું. ત્યાંથી શ્રીહરિ સર્વે પત્નીઓ સાથે મહામાયાનું ધામ, પ્રકૃતિ પુરૂષના લોકમાં આવ્યા. ત્યાં માયિક કન્યાઓએ માયિક વસ્તુથી બ્રહ્મપ્રિયાનું પૂજન કર્યું. સર્વને ભોજન પાન, વસ્ત્ર, આભૂષણો ભેટ આપ્યા. મહામાયાએ શ્રીહરિની સેવા કરી. તે મહામાયા સર્વેશ્વરી, રાજરાજેશ્વરી હતી. ત્યાંથી શ્રીહરિ વિષ્ણુના ધામમાં આવ્યા. ત્યાં સર્વેને ભોજન કરાવી આરતી, પૂજન કર્યું. ત્યાંથી શ્રીહરિ સો, હજાર, લાખ, કરોડ, મસ્તકવાળા વિષ્ણુના લોકમાં તથા અબ્જો નેત્રોવાળા શંભુના લોકમાં તથા પરાર્ધમુખવાળા, બ્રહ્માના લોકમાં આવ્યા અને એટલા જ મુખવાળા બતાવ્યા. તે સર્વેએ અનાદિ શ્રીકૃષ્ણનારાયણની પૂજા કરી. પછી શ્રીહરિએ સૂર્ય-ચંદ્રના લોક બતાવ્યા. ત્યાંથી ધર્મરાજાની યમપૂરી બતાવી. તેમાં બ્રહ્મપ્રિયાઓને જોવાનું મન ન થયું. તેથી શ્રીહરિ ત્યાંથી સર્વેને કુંકુમવાપી ક્ષેત્રમાં લાવ્યા.
શ્રીકૃષ્ણ કહે : રાધા, દિવ્ય પરમધામની સમાધીમાંથી સર્વે બ્રહ્મપ્રિયાઓ જાગીને જોયું તો પોતાના શરીરો પણ દિવ્યપણાને પામ્યા હતા. આવરણરહિત, માયાના ગુણ ભૂખતરસથી રહિત, દિવ્ય વેષભૂષાવાળા, મહાઆનંદવાળા, સમર્થ બાલકૃષ્ણ જેવા થઇ ગયા. એ રીતે સર્વ પ્રભુપત્નીઓ દિવ્ય પતિને પામીને દિવ્ય થઇ, વધુ મટીને મુક્ત સ્થિતિને પામી ગઇ. પછી તેઓને પૃથ્વી જળનું આવરણ રહેતું નહી. નદી, સમુદ્ર, વૃષ્ટિ, હિમ તેઓનો પરાભવ કરી શકતા નહીં. તેઓ વડવાનળ, વીજળી, સૂર્ય, ચંદ્રના લોકમાં જવા સમર્થ થયા. તે બ્રહ્મપત્નીઓને નિદ્રા, આળસ પરાભવ કરતા નહીં, તેના શરીરમાં રોગ રહેવા સમર્થ ન થતા. દૂરશ્રવણ, દૂરદર્શન, દૂરઆલાપ, મનનું જાણવું, સુક્ષ્મ થવું, વિશાળ થવું, સર્વ સંકલ્પ પૂર્ણ કરવા, સર્વને વશ કરવા, કરોડો સ્વરૂપો ધારણ કરવા, બ્રહ્માંડમાં ફરવું વગેરે અનેક સિધ્ધિઓ બાલકૃષ્ણની કૃપાથી પ્રાપ્ત થઇ. એ રીતે સર્વે બ્રહ્મપ્રિયાઓ માયાના ભાવથી રહિત થઇને શ્રીહરિની સેવા કરતી હતી. પછી પિતા ગોપાલકૃષ્ણ તથા માતા કંભરાલક્ષ્મી વગેરે કુટુંબીજનોએ સર્વે મહેમાનોને મિષ્ટાન્ન-ભોજન કરાવી અતિ પ્રસન્ન કર્યા. સર્વે મહેમાનોએ વિદાય સમયે કહ્યું કે, હવે અમને તમારા દર્શન તથા બાલકૃષ્ણના દર્શન ક્યારે થશે ? માતા- પિતા કહે, ફરીથી પણ તમને ભગવાનનો યોગ થશે. પછી ગોપાલકૃષ્ણે સર્વે કર્મચારી દાસદાસીઓને ધનપારિતોષિકો આપી રાજી કર્યાં. સર્વને યથા યોગ્યદાન ભેટ, વસ્ત્ર, અલંકારો વગેરે આપ્યા. સર્વે મહેમાનો પોતાના સ્થાને જવા તૈયાર થયા અને બોલવા લાગ્યા કે, ગોપાલકૃષ્ણ તમારું સ્વસ્તિ થાવ, કન્યાઓનું સ્વસ્તિ થાવ, સર્વનું કુશલ થાવ. એમ કહેતા પરસ્પર ભેટીને વિમાનમાં બેસી, સર્વે અવતારો વ્યુહો, ઇશ્વરો, દેવો, પિતૃઓ, સિધ્ધો, મહર્ષિઓ, માનવો, સર્વે બ્રહ્માંડ વાસીઓ સ્વસ્થાનમાં ગયા.
શ્રીકૃષ્ણ કહે : રાધા, સર્વે કન્યાઓના માતા-પિતાએ અતિ વિરહથી શ્રીહરિને કહ્યું, કન્યાને અમારી સાથે મોકલો. એક માસ પછી કન્યાને મોકલી દેશું. દયાળું શ્રીહરિએ સર્વ પત્નીઓને માતા-પિતા સાથે જવાની આજ્ઞા આપી. સર્વપત્નીઓ પતિની પૂજા કરી વિમાનમાં બેસી પોતાના દેશમાં જતી હતી. તે સમયે ઋતુઓ, ધર્મદેવ, નર, પૃથ્વી, મુક્ત, પીઠિકા, સુદર્શનચક્ર, માણેક સ્તંભ અને ગણેશ આ નવ પ્રભુ પત્નીઓના દર્શને આવ્યા. સર્વેને આશીર્વાદ આપ્યા. અશ્વપટ સરોવરકાંઠે સર્વે બ્રહ્મપ્રિયાઓએ શ્રીહરિ અને લોમશ ઋષિ ઉપર પુષ્પવૃષ્ટિ કરી પ્રણામ કર્યા. બ્રહ્મપ્રિયાઓને શ્રીહરિનો વિયોગ સહન ન થવાથી બાલકૃષ્ણપ્રભુ અદૃશ્યરૂપે તેમની સાથે ગયા. એક ક્ષણમાં કુંકુમવાપી શૂન્ય જેવી થઇ ગઇ. શ્રીહરિની આજ્ઞાથી મુક્તરૂપ મહામંડપ અદૃશ્ય થયો. પછી કાશીના શિવેશ્વરની પુત્રી લક્ષ્મી હજારો દાસીઓ હોવા છતાં શ્રીહરિની સર્વ સેવા મન, વચન, કર્મથી જાતે જ કરતા. દંતધાવન, અંગમર્દન, સ્નાન, વસ્ત્ર, આભૂષણો ધરાવવા કેશમાર્જન, ભોજન, પાન, મુખવાસ, વસ્ત્ર ધોવા, શય્યા વગેરે સર્વે સેવા લક્ષ્મી પ્રેમભાવથી કરતા. તો પણ બાલકૃષ્ણ સર્વ પ્રત્યે સમાન ભાવ રાખતા. એમ કરતાં પુષ્પ દોલોત્સવ આવ્યો. પછી ચાતુર્માસના ઉત્સવો કર્યા.
ત્યાં અનાદિશ્રીકૃષ્ણનારાયણનો આસો વદી આઠમનો જન્મજયંતિનો મહામહોત્સવ આવ્યો. બ્રહ્મપત્નીઓ સર્વે પિતૃગૃહથી પ્રભુ શ્રીહરિ પાસે આવી ગઇ. સોળમાં જન્મોત્સવમાં રાજાઓ મહેમાનો સર્વકન્યાઓના માતાપિતા સર્વ સૃષ્ટિનિવાસી આવ્યા. આઠમને સવારે શ્રીહરિને મંગલસ્નાન કરાવી, વેષભૂષા, શણગાર કર્યો. પછી સર્વે સભામાં બેઠા. લોમશ ઋષિએ પૂજા, સ્તૂતિ કરી, આશીર્વાદ આપ્યા. પછી સર્વે રાજાઓએ શ્રીહરિની પૂજા કરી. રાજાધિરાજરૂપે શોભતા પરમેશ્વર સર્વને દાન આપતા હતા. હાથી, અશ્વો, ગાયો, ભેંસો, બળદ, ઊટ, વાહન, ખેતરવાડી, ધન, સુવર્ણ વગેરેના દાન આપતા હતા. ગીતો ગવાતા હતાં. વાજીંત્રો વાગતા હતા. પછી મધ્યાહને સર્વને ભોજનપાન કરાવ્યા. અતિથિઓને અન્ન, વસ્ત્ર, દાન, આપ્યા. રાત્રે ઉત્સવ, કિર્તનો, સંગીત, રાસ, નૃત્ય, નાટ્ય, કવિના કાવ્યો, સાધુના ઉપદેશો વગેરે ઉત્સવો થયા. તે ઉત્સવમાં કાશીથી શિવેશ્વર તથા ધેનુપાલ આવ્યા હતા. જન્મોત્સવ પૂર્ણ થયા પછી શ્રીહરિ પાસે રોકાયા. તેમણે પ્રભુને પ્રશ્ન પૂછ્યો કે, મોક્ષનું સાધન શું ? શ્રીહરિ કહે, જે સંતો માયાના ભાવથી રહિત છે, તેના સમાગમથી - સેવાથી જીવાત્માનો મોક્ષ થાય છે. મારી સતત ભક્તિ ઉપાસના કરનારા મોક્ષને મેળવે છે. કાળ, કર્મ, ધર્મ, માયા, જ્ઞાન સર્વે મારી શક્તિઓ છે. એમ મને જાણીને મારો આશ્રય કરે છે તે માયામાંથી મુકાય છે. શરીરથી વાણીથી મનથી વસ્તુઓથી મને પૂજે છે તે માયામાંથી મુકાય છે. મારો સ્પર્શ, મારો રસ, મારા કિર્તન, મને જુવે, મને સુંઘે, મને સાંભળે, મારી પાસે આવે, સેવા કરે, મને ચિંતવે, મારું ધ્યાન કરે, મારો આનંદ લ્યે, મને આત્મામાં ધારે મને ભેટી મને પ્રત્યક્ષને સર્વસ્વ અર્પણ કરે. આ રીતે મારા સર્વયોગથી જીવાત્માં મોક્ષમાં જાય છે. રમવું-ફરવું, આહાર-વિહાર, જાગવું-સૂવું, પ્રવૃત્તિ-નિવૃત્તિ, નૃત્ય સર્વે મારામય કરવાથી જીવાત્મા મોક્ષને મેળવે છે. શ્રીહરિનો દિવ્ય ઉપદેશ સાંભળી શિવેશ્વર ધેનુપાલ, જય, ચંદ્ર વગેરે શ્રીહરિની મૂર્તિમાં ધ્યાન પરાયણ થયા.
શ્રીકૃષ્ણ કહે : રાધા - શિવેશ્વર, ધેનુપાલ, જય, ચંદ્ર, આ ચાર શ્રીહરિનું ધ્યાન કરતા દિવ્યપણાને પામી ગયા. તરત શ્રીહરિ વિમાન લઇને આવ્યા. એના એજ દિવ્યદેહે વિમાનમાં બેસાડીને શિવેશ્વરને કૈલાશમાં અને ધેનુપાલ, જય, ચંદ્ર આ ત્રણને વૈકુંઠ ધામમાં લઇ ગયા. અને લક્ષ્મીના શાપથી મુક્ત કર્યા. તે સમયે આકાશમાં દેવોના દુદુંભીઓ વાગવા લાગ્યા. તે જોઇને અને સાંભળીને સર્વેજનો આશ્ચર્ય પામ્યા. પછી શ્રીહરિએ તથા લક્ષ્મીએ ઉત્તર ક્રિયા, દાન વિધિ, શ્રાદ્ધ વગેરે કર્યાં. ગાયોને ઘાસ, બ્રાહ્મણોને ભોજન કરાવી, દાન આપ્યા. પછી શ્રીહરિ સર્વે પત્નીઓ સાથે ભોજન કર્યા.
શ્રીકૃષ્ણ કહે : રાધા - આ અનાદિશ્રીકૃષ્ણનારાયણની આ સોળ વર્ષની લીલાઓ શાંતિ અને મુક્તિ આપનારી છે. આ લક્ષ્મીનારાયણ સંહિતાના શ્રાવણથી, અક્ષયફળ, બ્રહ્મપૂજાફળ થાય છે. આ પુરૂષોત્તમનો યોગ સર્વે અવતારોનો યોગ, સર્વજ્ઞાનનો યોગ, સર્વ સૌભાગ્ય આપનારો યોગ છે, ત્રેતા સંતાન નામે આ લક્ષ્મીનારાયણ સંહિતાનું શ્રવણ, સર્વવૃત, દાનયજ્ઞ, પુણ્ય, કર્મ, તપદીક્ષા, ત્યાગ, ધર્મ અને સંન્યાસ ધર્મ, સર્વનું ફળ આપનારું છે.
લક્ષ્મીનારાયણ સંહિતા મારું હૃદય છે. સર્વે પ્રતિષ્ઠાના ફળને આપનારી, સર્વે સેવાના ફળને આપનારી, સર્વે વિદ્યાના ફળને આપનારી, પતિવ્રતા સતીધર્મના ફળને આપનારી, સર્વે વાસનાનો નાશ કરનારી, સર્વે ભોગ-સમૃધ્ધિ આપનારી, લક્ષ્મીનારાયણ સંહિતાની કથા છે. જેનું શ્રવણ કરવાથી પાપ બળે છે, પુણ્ય મળે છે, નિષ્કામ કર્મ વધે છે. આ લક્ષ્મીનારાયણ સંહિતા ઘરમાં વસાવવાથી કાળ માયાનો નાશ થાય છે. તેના શ્રવણથી શ્રીહરિ સ્વયં આત્મામાં વાસ કરે છે, મનુષ્ય લક્ષ્મી અને બ્રહ્મ શક્તિવાળો થાય છે અને પોતાના દિવ્ય સ્વરૂપનું દર્શન કરે છે. લક્ષ્મીનાસંહિતાની કથા, પારાયણ, પુરશ્ચરણ કરાવવાથી અસદ્ગતીમાં ગયેલાનો તથા ભૂતાદિનો મોક્ષ થાય છે. દુ:ખ દારિદ્ર નાશ પામે છે, ધન, સંપત્તિ અને વંશવૃદ્ધિ થાય છે. લક્ષ્મીનારાયણ સંહિતાનો આ એક ભાગ કોઇ ભણશે, કોઇ પૂજા કરશે, કથા કરશે, ત્યાં કૃષ્ણનારાયણ, બ્રહ્મપ્રિયાઓ, મુક્તમંડળ, હું કૃષ્ણ, સર્વે નારાયણો અને ઇશ્વરો વાસ કરશે. આ લક્ષ્મીનારાયણ સંહિતાની કથા વાંચનારાની નરનારીઓએ વસ્ત્ર આભૂષણોથી પૂજા કરીને યથાશક્તિ દાન આપવા, તેથી માયા નાશ પામશે. શ્રીકૃષ્ણ કહે : રાધા, આ લક્ષ્મીનારાયણ સંહિતાના ત્રેતા સંતાનના શ્રવણથી નારી રાધાના પદને પામશે અને પુરૂષ શ્રીકૃષ્ણના પદને પામશે.
શ્રીકૃષ્ણ કહે : રાધા, આ ત્રેતા સંતાનનાં બીજા ભાગમાં રાજાની, યજ્ઞોની, ભક્તોની સ્ત્રીઓની તીર્થોની કથા છે તે મોક્ષ આપનારી છે. આ કથા ભણવાથી વાંચવાથી સાંભળવાથી સ્મરણ કરવાથી ઘરમાં રાખવાથી ભુક્તિ અને મુક્તિ આપનારી છે. પરબ્રહ્મ એવા અનાદિશ્રીકૃષ્ણનારાયણ તમારા સર્વનું મંગલ કલ્યાણ કરો. આ લક્ષ્મીનારાયણ સંહિતા કથા વાંચનાર વક્તા વ્યાસ શ્રીકૃષ્ણવલ્લભસ્વામિનું સ્વરૂપ છે. એમ માની તેમની પૂજા કરવી અને કથા સાંભળનારા શ્રોતાઓએ દિવ્યબુધ્ધિથી ભક્તિપૂર્વક સુવર્ણ, રત્ન, હીરા, મોતી, હાથી, અશ્વ, ગાયો, વિમાન, વાહન, મહેલ, વાડી વગેરેના દાન આપવા. દાન આપનારો ધનસંપત્તિ પત્નીપુત્ર રાજ્ય વગેરેમાં સર્વ સૌભાગ્ય પ્રાપ્ત કરે છે. સર્વે વિદ્યાઓથી ભરેલું, બ્રહ્મ પ્રાપ્તિ કરાવનારૂં, આ ત્રેતા સંતાન વિજય પામે છે. આ લક્ષ્મીનારાયણ સંહિતાના શ્રવણથી સર્વ દુ:ખનો નાશ થાય છે. સર્વ પ્રકારની સિધ્ધિ અને શાંતિ આપે છે. આ કથા શ્રવણથી વિદ્યાદાન, ભૂમીદાન, કન્યાદાન, સુવર્ણદાનનું ફળ મળે છે તથા મોક્ષદાન- અભયદાનનું ફળ મળે છે. કંભરા ગોપાલબાલ સર્વના સ્વામી, સતીના ઇશ્વર, સંતના રૂપમાં રહેલા પરમાત્મા જય પામે છે. આ લક્ષ્મીનારાયણ સંહિતાના ત્રેતા સંતાન માટે બીજા ભાગના અધ્યાય (300) ત્રણસો છે. શ્લોક (32254) બત્રીસ હજાર બસ્સો ચોપન છે. તે સર્વે પરબ્રહ્મમાં અર્પણ કર્યા છે.