ભાગ · અધ્યાય ૧૦

શ્રીબાલકૃષ્ણ પ્રભુનો ઉપવેશ સંસ્કાર - પૃથ્વીપુત્રી સિંહીકાની કથા

શ્રીકૃષ્ણ કહે : રાધા, પિતા ગોપાલકૃષ્ણ અનાદિશ્રીકૃષ્ણનારાયણને પાંચમે મહિને ઉપવેશના સંસ્કાર માટે પૃથ્વી પર બેસાડી સુંદર મંડપની રચના કરી. એકાદશીએ સાત ધાન્યનું મંડપ પૂરી. કળશ, ચંદન, પુષ્પ, કપૂર, કંકુ, ચોખા વગેરે પૂજાની સામગ્રી લાવી વચ્ચે વેદી પર સુવર્ણ આસન પર બાલપ્રભુને બેસાડી પૃથ્વીની તથા વરાહ ભગવાનની પૂજા કરી. લોમશાદિ ઋષિઓએ વેદમંત્રોથી વરાહ ભગવાનનું આવાહ્ન કરી પૂજન કર્યું. ત્યારે શ્રીહરિ ચતુર્ભુજ રૂપે વરાહ ભગવાનમાં દેખાતા હતા. પછી પૃથ્વી દેવીનું પણ વેદમંત્રોથી પૂજન કરી, નૈવેદ્ય ધરી, આરતી કરતા હતા. કન્યાઓ ગીત ગાતી હતી. પછી પિતા ગોપાલકૃષ્ણ લોમશાદિ ઋષિની, વૈદિક વિપ્રોની, પૂજા કરી દાન આપતા હતા. તે સમયે સાક્ષાત્ પૃથ્વી દેવી શ્રીહરિને ખોળામાં બેસાડી દૂધપાક પાઇને, આશિર્વાદ આપતા હતા. બીજી સર્વ દેવીઓ શ્રીહરિની પૂજા કરતી હતી. પછી ગોપાળ દેવે સર્વને ભોજન પાન કરાવી, દાન આપ્યા. પછી બાલપ્રભુને પૃથ્વી પર બેસાડ્યા. તે સમયે એક ભિક્ષુકી કોઇ દિવસ ન જોઇ હોય તેવી આવી. માતા કંભરાલક્ષ્મીએ પૂછ્યું, તારે શું જોઇએ ? તું કોણ છો ? તે સ્ત્રી કહે : હું પૃથ્વી પુત્રી સિંહીકા નામે છું. મારી માતાએ તમારા પુત્રને રમાડ્યો. તેથી હું પણ તમારા પુત્રને રમાડવા આવી છું. હું વનમાં તપ કરું છું. આ બાલકૃષ્ણ મારા હૃદયમાં દેખાણા તેથી હું આવી છું, અને તે પ્રભુ માટે જ હું હજારો વર્ષથી નિરાહાર રહીને તપ કરું છું, તથા મારી હજારો બહેનો છે, તે પણ તપ કરે છે, અમે સર્વે પર્વતમાં ગુફારૂપે રહીએ છીએ, અને પૃથ્વીની પુત્રીઓ છીએ. હું સત્ય કહું છું.

કંભરામાતા કહે : તું સત્ય કહેતી હો તો લે મારા પુત્રને રમાડ. સિંહીકા બાલપ્રભુને તેડીને ચુંબન કર્યું. રમાડી, પારણિયામાં સુવાડી, માતાને કહ્યું હું મારી બહેનોને બોલાવી આવું. એમ કહીને મેરુ આદિ સર્વ પર્વતોમાં, ગુફાઓરૂપે રહેલી દશ હજાર ધરા પુત્રીઓને લઇને આવી. તે દશ હજાર કન્યાઓએ કુંકુમવાપી આવી કંભરામાતાની સ્તુતિ કરી, હે માતા તમારા બાલકૃષ્ણ અમને રમાડવા આપો. કંભરા માતાએ બાલપ્રભુને આપ્યા પણ પહેલા હું રમાડું, પહેલાં હું રમાડું, એમ પરસ્પર કહેવા લાગી. અનાદિશ્રીકૃષ્ણનારાયણે સર્વનો ભાવ જાણી અનેક સ્વરૂપ ધારણ કરી એક સાથે સર્વ કન્યાઓના મનોરથ પૂર્ણ કર્યાં. સર્વકન્યાઓએ પોતાનો જન્મ સફળ માની પ્રભુની પ્રાર્થના કરી, હે પ્રભુ, તમારી દાસી એવી અમને સદાસેવા આપો. શ્રીહરિ કહે : તથાસ્તું. તમારી પાસે યોગિઓ, તપસ્વીઓ, સાધુઓ, વૈરાગીઓ વાસ કરશે. તેની તમે સેવા કરજો. તેથી તમારી યશ-કીર્તિ થશે, પછી સર્વકન્યાઓએ લોમશ ઋષિના આશ્રમમાં વાસ કર્યો.

શ્રીકૃષ્ણ કહે : રાધા, આ અનાદિશ્રીકૃષ્ણનારાયણ પ્રભુનું ચરિત્ર જોઇને માતા કંભરા આશ્ચર્ય પામ્યાં. આવા દિવ્ય દર્શન કૃપાનાથ પ્રભુ કૃપા કરે ત્યારે જ મળે છે.