બાલકૃષ્ણના શરણે આવવાથી રાક્ષસીઓ દિવ્ય કન્યાઓ થઇ
શ્રીકૃષ્ણ કહે : રાધા, અનાદિશ્રીકૃષ્ણનારાયણ બાલકૃષ્ણને મારવા આવેલી રાક્ષસીઓનું અને પ્રભુની પત્નીઓનું ભયંકર યુદ્ધ થયું. અશ્વપટ સરોવર કાંઠે અસ્ત્રો, શસ્ત્રો અને દિવ્ય આયુધોથી સામસામે લડતા હતા. રાક્ષસીઓએ બાસ્પ અસ્ત્ર છોડ્યું. લક્ષ્મીએ કિરણ અસ્ત્ર છોડી બાષ્પનો નાશ કર્યો. રાક્ષસીઓએ ધુમ્ર અસ્ત્ર છોડ્યું. અંજનીએ અગ્નિ, અસ્ત્ર મૂકી ધુમાડાનો નાશ કર્યો. રાક્ષસીએ નાગ અસ્ત્ર મૂક્યું. કમલાએ ગરૂડ અસ્ત્ર છોડી નાગનો નાશ કર્યો. પછી રાક્ષસીઓએ માયા રચી પથ્થરનો, પવનનો, વૃક્ષનો, માંસ, લોહીનો, વિષ્ટામુત્રનો ચારે કોર વરસાદ કર્યો. પ્રભુ પત્નીઓમાં અને કન્યાઓમાં હાહાકાર થઇ ગયો. ત્યારે મહાલક્ષ્મી બ્રહ્માંડ તુલ્ય શરીર ધારણ કરી, દશ હજાર ભૂજાઓ ધારણ કરી, અનાદિશ્રીકૃષ્ણનારાયણનું સ્મરણ કરતી. આકાશમાંથી રાક્ષસીઓ ઉપર પડી. અડધી ઉપર રાક્ષસીનો નાશ કર્યો. બીજી લક્ષ્મીઓ પણ ચાર, આઠ, સોળ, બત્રિશ, ચોસઠ, સો ભૂજા ધારણ કરી, રાક્ષસીઓનો નાશ કરતી હતી.
એક રાક્ષસી દશ યોજનની દેડકીનું રૂપ લઇ સર્વ કન્યાઓને અને લોમશ ઋષિના આશ્રમને ગળવા આવી. ત્યારે બાલકૃષ્ણ કૃષ્ણા નામે કન્યાનું રૂપ લઇ તે દેડકીનું ગળું, ઉદર, સર્વ અવયવો સુદર્શન ચક્રથી કાપી નાખ્યા. ત્યારે દામિની રાક્ષસી તેજોમય રૂપ ધરી, સુદર્શન ચક્રને ગળવા લાગી. તે પણ બળી મરી. બીજી રાક્ષસી આવી, બાલકૃષ્ણ અને લોમશ ઋષિને ઉપાડી આકાશમાં લઇ ગઇ. પ્રભુએ અગ્નિ ઉત્પન્ન કરી તેનો નાશ કર્યો. ત્યાં રાક્ષસીએ કંભરાલક્ષ્મી અને ગોપાલકૃષ્ણને આકાશમાં ઉપાડી ગઇ. ત્યારે લક્ષ્મીએ આવી રાક્ષસીનો નાશ કરી. માતા-પિતાની રક્ષા કરી. બાકી રહેલી સર્વ રાક્ષસીઓ અનાદિશ્રીકૃષ્ણનારાયણને શરણે આવીને કહે : હે પ્રભુ, અમને તમારા ચરણમાં શરણ આપો. અમે તમારા લક્ષ્મી, પત્નીઓની દાસી થઇને રહીશું. પૂર્વે તમારી પાસે જે જે જીવાત્માઓ શરણે આવ્યા છે. તેનો તમે ઉદ્ધાર કર્યો છે. તે રીતે, હે પ્રભુ અમારો ઉદ્ધાર કરો. બાલકૃષ્ણ પ્રભુએ વિધવા રાક્ષસીઓની પ્રાર્થના સાંભળીને સર્વેને “ૐ નમ: શ્રીકૃષ્ણનારાયણાય સ્વામિને સ્વાહા” એ મંત્ર લોમશ ઋષિ પાસે અપાવી, સર્વેને કન્યાના સ્વરૂપો ધારણ કરાવી, કંઠી માળા, જનોઇ, પિતાંબર, શંખ, ચક્ર, ગદા, પદ્મના, ચિહ્નો, ધારણ કરાવી, લોમશ ઋષિના આશ્રમમાં વાસ આપ્યો તથા નાશ પામેલી રાક્ષસીઓના તેજ પોતાની મૂર્તિમાં લીન કરી, મૂર્તિમાંથી બહાર કાઢી કન્યાના સ્વરૂપો ધારણ કરાવી, લોમશ ઋષિ આશ્રમમાં વાસ આપ્યો. પછી બાલકૃષ્ણ પ્રભુએ સર્વ કન્યાઓ તથા લક્ષ્મીઓને અસ્ત્ર-શસ્ત્રના, યુદ્ધના શ્રમ, થાકથી રહિત કર્યા તથા સર્વે લક્ષ્મીઓએ પ્રભુને પૂજ્યા, જમાડ્યા, રમાડ્યા. પછી પ્રભુની આજ્ઞાથી યુદ્ધ ભૂમિ પૃથ્વી દેવીએ સાફ કરી. ત્યાં લક્ષતીર્થ થયેલું છે. શ્રીકૃષ્ણ કહે : રાધિકા, નારી યુદ્ધની આ અદ્ભુત કથા જે કહેશે, વાંચશે, સાંભળશે તે પ્રભુને પ્રિય થશે.