માતા કંભરાલક્ષ્મી - પિતા ગોપાલકૃષ્ણના ખોળે કુંકુમવાપી તીર્થમાં - અનાદિશ્રીકૃષ્ણનારાયણ - શ્રીબાલકૃષ્ણ પ્રભુનું પ્રાગટ્ય (પ્રથમ જન્મોત્સવ)
શ્રીકૃષ્ણ કહે : રાધા, દિવ્ય આનંદથી ભરેલી અનાદિશ્રીકૃષ્ણનારાયણના પ્રાગટ્યની કથા કહું સાંભળ. તે પ્રભુએ ધામો, અવતારો, ઇશ્વરો, અસંખ્ય બ્રહ્માંડો તેનું નિર્માણ કરી. દેવો, દૈત્યો, રાક્ષસો, ઋષિ, મુનિ, સતિ-સાધ્વી, સૂર્ય-ચંદ્ર, ગ્રહ, નદી-પર્વતો સ્થાવર જંગમ સર્વનું સર્જન કરીને તેમાં અંતર્યામી રૂપે સર્વમાં રહ્યા છે. તો પણ સર્વને ન દેખાય એવા થયા. પણ જ્યારે દેખાય ત્યારે શાશ્વત શાંતિ, સુખ અને આનંદ આપનારા છે. અવતારો, દેવો, ઇશ્વરો પોતાના લોકમાં અને પૃથ્વી પર અવતાર ધારણ કરવા માટે અનાદિશ્રીકૃષ્ણનારાયણને પ્રાર્થના કરે છે. ત્યારે પરમધામમાં રહેલા અનાદિશ્રીકૃષ્ણનારાયણ અક્ષરની પ્રાર્થનાથી બીજું સ્વરૂપ ધારણ કરી અક્ષરધામમાં અક્ષરની સેવાપૂજા ગ્રહણ કરે છે. તથા અક્ષર મુક્તોને સુખ આપે છે. તે જ પ્રભુ ગોલોકમાં મારી પ્રાર્થના સ્વીકારી મારી પાસે અનાદિશ્રીકૃષ્ણનારાયણ રૂપે રહે છે. તેનો “ૐ નમ: શ્રીકૃષ્ણનારાયણ સ્વામીને સ્વાહા” મંત્ર હું જપ કરું છું. તે પ્રભુ ત્રીજું સ્વરૂપ ધારણ કરીને મારા માટે, તારા માટે ગોપ- ગોપીને સુખ આનંદ આપતા રહે છે. તે અનાદિશ્રીકૃષ્ણનારાયણ ચોથું સ્વરૂપ ધારણ કરી વૈકુંઠમાં લક્ષ્મીનારાયણ રૂપે, અનંત ભક્તોને સુખ આપે છે.
તે જ પ્રભુ અનંત સ્વરૂપ ધારણ કરી સર્વ અવતારોના ધામમાં રહે છે. તે જ પ્રભુ પ્રકૃતિપુરુષ, પ્રધાનપુરુષ, મહાવિષ્ણુ વૈરાજના ધામમાં રહે છે. તે જ પ્રભુ બ્રહ્મા, વિષ્ણુ, મહેશના લોકમાં રહે છે. તે જ પ્રભુ સર્વલોકમાં રહે છે. તે જ પ્રભુ અનાદિશ્રીકૃષ્ણનારાયણ મુક્તોના ભવનમાં, દેવીદાસીના ભવનમાં, પતિવ્રતાના મહેલમાં, સાધ્વીના આશ્રમમાં, ગૃહસ્થોના ઘરમાં, સાધુ-યોગીમાં, સુખી કુમારીમાં વાસ કરે છે. અનાદિશ્રીકૃષ્ણનારાયણ તે સર્વેની ઈચ્છા પૂર્ણ કરવા સમયે સમયે પૃથ્વી પર આવે છે. તેમાં જીવાત્માને પોતાનો યોગ આપી કલ્યાણ કરવું તેમાં મુખ્ય કૃપા જ કારણ છે. ક્યારેક દેવમાં, ક્યારેક ઋષિમાનવમાં, ક્યારેક પશુમાં ઈચ્છા પ્રમાણે રૂપ ધારણ કરી સ્થળ, જળ, સ્વર્ગ, વનમાં વાસ કરે છે. રેવતાચળથી પૂર્વમાં અશ્વપટ સરોવર કાંઠે કુંકાવાવ તીર્થમાં સત્યુગમાં ગોપાલકંભરા ગૃહે આસો વદ આઠમે અનાદિશ્રીકૃષ્ણનારાયણ પ્રભુનું પ્રાગટ્ય થયું. તે સમયે પત્નીવ્રતદ્વિજ હું ગોપાલકૃષ્ણ રૂપે હતો અને તું રાધા કંભરાલક્ષ્મી રૂપે હતી. આપણા બંનેના સંકલ્પ સૃષ્ટિથી કથન માત્ર, ગર્ભધારણ, દૃશ્ય માત્રથી તરત શય્યામાં પ્રભુ બાળક રૂપે થઇ ગયા. એ સમયે અવતારોએ ચંદન પુષ્પોની વૃષ્ટિ કરી, ધામધામની સખીઓ આવી મધુર કંઠથી ગીત ગાવા લાગી. સર્વ સૃષ્ટિની દેવીઓ આવી વધાવવા લાગી. શ્રીહરિનું મુખ જોઇ કન્યાઓ પ્રસન્ન થઇ. શ્રીહરિએ સર્વેને આશિર્વાદ આપ્યા. પછી ઇશ્વરો, દેવો, અપ્સરાઓ, ગાંધર્વો નૃત્ય કરી ગાન કરતા હતા. સર્વે ગોપીઓ, મુક્તાનીઓ બાલ પ્રભુને જોઇ આનંદ પામતી હતી. સર્વત્ર આનંદ ઉત્સવ થતો હતો.
તે સમયે બીજા બ્રહ્માંડોમાંથી હજાર લાખ અને કરોડો મસ્તકવાળા બ્રહ્મા વિષ્ણુ અને રુદ્રો પત્નીઓ સાથે આવી દર્શન કરી, આશિર્વાદ સુખ મેળવતા હતા. અનાદિશ્રીકૃષ્ણનારાયણ પ્રભુએ સર્વને તે સમયે પરમધામનું દર્શન કરાવ્યું. કોટી કૃષ્ણરૂપે, કોટી નારાયણરૂપે, કોટી વૈરાજ રૂપે, હજારો મહાવિષ્ણુ રૂપે, અનંત શક્તિ યુક્ત પોતાનું દર્શન કરાવ્યું. સર્વે ઇશ્વરો અનાદિશ્રીકૃષ્ણનારાયણનું આવું દિવ્ય કિશોર સ્વરૂપ જોઇને આશ્ચર્ય પામ્યા. પ્રભુએ ફરી પાછું પોતાના બાલસ્વરૂપનું દર્શન દીધું પછી સર્વ દેવો ઇશ્વરો બાલ પ્રભુનું પૂજન કરતા હતા.