ભાગ · અધ્યાય ૩૪

શ્રીબાલકૃષ્ણ પ્રભુનો પાંચમો જન્મજંયતિ મહોત્સવ

શ્રીકૃષ્ણ કહે : રાધા, અનાદિશ્રીકૃષ્ણનારાયણના પાંચમાં જન્મજયંતિ મહોત્સવમાં પિતા ગોપાલકૃષ્ણની આજ્ઞાથી વિશ્વકર્માએ મહામંડપની રચના કરી. અનેક પ્રકારની શોભાથી યુક્ત એવા એ સભામંડપમાં સિંહાસન પર બેઠેલા બાલકૃષ્ણ પ્રભુની પૂજા કરવા ઇશ્વરો આવતા અને ભેટ ધરતા. પછી સર્વે દેવીઓ પૂજા કરવા આવી. ષોડ્શોપચારથી પૂજન કરી ભગવાનને ભોજન આપ્યા. ગોપાલપિતા સર્વને ભોજન પ્રસાદ આપતા હતા. પછી નગરના નરનારીઓ, કન્યાઓ, બાલકૃષ્ણનું પૂજન કરી આશિર્વાદ આપી ભેટ ધરતા હતા. સતિ, સાધ્વીઓ, સાધુ, બ્રહ્મચારીઓ પણ પ્રભુનું પૂજન કરી આશિર્વાદ આપતા હતા. પછી નારદ વગેરે ગાંધર્વો ગાયન ગાતા હતા. અપ્સરાઓ નૃત્ય કરતી હતી. પ્રસન્ન થયેલા બાલકૃષ્ણ પ્રભુએ સર્વને હીરા-મોતીના હાર, સોના ચાંદીના આભૂષણો, વસ્ત્રો વગેરે આપ્યા. પછી યક્ષો, દાનવો, રાક્ષસો, કિન્નરો, વિદ્યાધરો, સુત, માગધ, બંદિભાટ, ચારણો વગેરે સર્વને પિતા ગોપાલકૃષ્ણે અનેક પારિતોષિકો આપ્યા.

તે સર્વે ગયા પછી અક્ષર અમૃત ગોલોક વૈકુંઠધામના મુક્તો આવી આશિર્વાદ આપતા હતા. શ્રીહરિકૃષ્ણ અનેક સ્વરૂપ ધારણ કરી તે સર્વે મુક્તોને એકી સાથે ભેટતા હતા અને એકી સાથે તે સર્વે મુક્તોની ચંદન, પુષ્પોની પૂજાને અંગિકાર કરતા હતા. પછી સર્વ મુક્તોને પિતા ગોપાલકૃષ્ણે ભોજનપાન કરાવ્યા અને તેથી સર્વત્ર પ્રસિદ્ધ થયું કે, ગોપાલકૃષ્ણ જેવા મહાદાનેશ્વર કોઇ નહીં. તે સાંભળી હિમાલયથી બક દાલભ્ય, સાલાયન વગેરે હજારો ઋષિઓ સર્વ તીર્થ કરતા અશ્વપટ સરોવર કાંઠે કુંકુમવાપી આવ્યા. તેમની પાસે સિંહચર્મ, વાઘચર્મ, હાથીચર્મ, મૃગચર્મ વગેરે બેસવાના આસનો હતા. તે સર્વ લોમશ ઋષિના આશ્રમમાં આવ્યા. લોમશ ઋષિએ સર્વેનો આદર સત્કાર કર્યો. પછી સર્વે અનાદિશ્રીકૃષ્ણનારાયણના દર્શને આવ્યા. પ્રભુએ અનેકરૂપે સર્વને દર્શન આપ્યા. બીજે દિવસે સર્વે ઋષિઓ ગોપાલકૃષ્ણ પાસે સીધ્ધુ લેવા આવ્યા. શ્રીહરિએ સર્વને ઘી, સાકર, લોટ, દાળ, ચોખા વગેરે ખૂબ આપ્યું. સર્વે ઋષિઓ રસોઇ પકાવી પ્રભુને ભોગ ધરાવી ભોજન જમ્યા. પછી સાંજે શ્રીહરિ પિતા સાથે ઋષિઓ પાસે આવ્યા. સિંહચર્મ જોઇ શ્રી બાલકૃષ્ણ પિતાને કહે : મને તે આસન આપો. વારંવાર કહેવાથી દાલમ્ય ઋષિ કહે : તે બાળક શું કહે છે ? પિતા કહે : તે બાળકને સિંહનું ચામડું જોઇએ છે, ખોટી હઠ કરે છે. ઋષિ કહે : વનમાં રહેનારા, યોગી તપસ્વીઓ જ આ ચર્મ રાખી શકે. શ્રીહરિ કહે : મને મૃગચર્મ આપો. ઋષિ કહે : તું આ સિંહ પર બેસવા યોગ્ય નથી. ત્યારે શ્રીહરિ ઉચ્ચેથી સિંહગર્જના કરી તેથી સર્વે સિંહચર્મ સજીવન થયા. વાઘ, હાથી, મૃગ, સર્વ સજીવન થયા. સર્વે ઋષિઓ ત્રાસ પામી ચારેકોર દોડવા લાગ્યા. દાલમ્ય ઋષિ યોગબળથી પણ કોઇને રોકી શક્યા નહીં. તે સર્વે હિંસક પશુઓ પ્રભુને પગે લાગી વનમાં વયા ગયા.

સર્વે ઋષિ શ્રીહરિનો આવો ચમત્કાર જોઇને પગે લાગી સ્તુતિ કરવા લાગ્યા, હે પ્રભુ અનંત જીવોના કલ્યાણ કરવા પૃથ્વી પર પ્રગટ થયેલા અમારી ઉપર પ્રસન્ન થાઓ. સર્વ અવતારો ઇશ્વરો જેમની સ્તુતિ કરે છે. યોગીઓ જેમને ધ્યાનમાં જોઇ શકતા નથી. એવા હે બાલકૃષ્ણ તમને નમસ્કાર. એમ કહી સર્વે ઋષિ પગે લાગ્યા, ત્યાં શ્રીહરિના ડાબા અંગુઠામાંથી સિંહચર્મ નીકળવા લાગ્યા. તે સર્વે સિંહચર્મો સર્વ ઋષિઓને આપ્યા. પછી સર્વ ઋષિને “ૐ નમ: શ્રીકૃષ્ણનારાયણાય સ્વામીને સ્વાહા” એ મંત્ર તથા કંઠી માળા આપી વૈષ્ણવ બનાવ્યા. તે ઋષિ તીર્થ કરતા હિમાલયમાં ગયા ત્યાં અશ્વપટ સરોવર કાંઠે દાલભ્યતીર્થ થયેલું છે.